Prarambh - 43 books and stories free download online pdf in Gujarati

પ્રારંભ - 43

પ્રારંભ પ્રકરણ 43

ગાયત્રી પુરશ્ચરણનું મહાન કાર્ય નિર્વિઘ્ને પૂરું થઈ ગયું એનો કેતનને ખૂબ જ આનંદ હતો. સરસ રીતે પૂર્ણાહુતિનો હવન પણ થઈ ગયો. આ પુરશ્ચરણ કરવાથી એનામાં ઘણી બધી એનર્જી આવી ગઈ હતી. એની ઑરા પણ વિસ્તાર પામી હતી. એનું વિઝન પણ ખૂલી ગયું હતું.

ઘણી બધી બાબતોની એને અગાઉથી ખબર પડી જતી. આવતીકાલે ઘરમાં શું રસોઈ થશે એનો પણ ઘણીવાર એને ખ્યાલ આવી જતો. કોઈનો ફોન આવવાનો હોય તો પણ એને પાંચ મિનિટ પહેલાં આભાસ થઈ જતો કે આ વ્યક્તિનો હમણાં ફોન આવશે. એ ક્યાંય પણ જતો તો એનો પ્રભાવ પડતો અને એની વાત કોઈ ટાળી શકતું નહીં. આ બધી વાતોથી કેતનને ખૂબ જ આનંદ આવતો હતો અને જીવન પણ જાણે ભર્યું ભર્યું લાગતું હતું !!

શ્રાદ્ધ પક્ષ પણ શરૂ થઈ ગયો. કેતનના દાદા જમદાનદાસનું શ્રાદ્ધ બીજનું આવતું હતું એટલે એણે સુધામાસીને એ દિવસે દૂધપાક બનાવવાનું કહ્યું. પોતે જ જમનાદાસનો આ પુનર્જન્મ હતો છતાં શ્રાદ્ધની પરંપરા જાળવવી જોઈએ એ એને ખબર હતી.

સવારે ગાડી લઈને એ જાણીતી ગૌશાળામાં ગયો અને દાન લખાવ્યું. રસ્તામાં ગાયોને પણ ઘાસ નાખ્યું. રસોઈ બની ગયા પછી ગૌગ્રાસ પણ કાઢ્યો. ભોજનનો થાળ પરમાત્માને અર્પણ કરી એણે જમી લીધું.

પાંચમના દિવસે આશિષ અંકલના ઘરે એમના પપ્પાનું શ્રાદ્ધ હતું અને એમણે કેતનને જમવા માટે ખાસ બોલાવ્યો હતો. આમ પણ જામનગર છોડતાં પહેલાં આશિષ અંકલને એક વાર મળવાની એની ઈચ્છા તો હતી જ. એ પણ આ રીતે શ્રાદ્ધ નિમિત્તે અચાનક પૂરી થઈ ગઈ.

" અંકલ હું તો હવે થોડા દિવસોમાં જામનગર છોડી રહ્યો છું અને મુંબઈ સેટ થઈ રહ્યો છું." જમતી વખતે કેતન બોલ્યો.

"અચ્છા ?...ચાલો સરસ. તારો આ નિર્ણય મને ખૂબ જ ગમ્યો કેતન. ખબર નહી તું જામનગર કેમ આવ્યો એ તો મને હજુ પણ સમજાતું નથી. પણ જે હોય તે. યુ હેવ ટેકન ધ બેસ્ટ ડિસિઝન. " આશિષ અંકલ બોલ્યા

"હા અંકલ. અહીં આવ્યા પછી મને લાગ્યું કે જામનગર કાયમ માટે સેટ થવું મારા માટે યોગ્ય નથી. અને મુંબઈમાં મારા માટે ઘણી દિશાઓ ખુલી શકે એમ છે. સૌરાષ્ટ્રમાંથી લોકો ધંધા માટે સુરત અને મુંબઈ શિફ્ટ થતા હોય છે અને હું ઊંધા પ્રવાહમાં ચાલ્યો ! " કેતન હસીને બોલ્યો.

"તારી વાત સાચી છે કેતન. એની વેઝ... બેસ્ટ ઓફ લક. " આશિષ અંકલ બોલ્યા.

આશિષ અંકલે માયાવી અવસ્થામાં કેતનને જે પણ મદદ કરી હતી એ બધું માયાવી હતું અને આશિષ અંકલ તો કંઈ જાણતા પણ ન હતા એટલે આશિષ અંકલનો આભાર માનવાનો પણ કોઈ મતલબ ન હતો. જમ્યા પછી કેતન નીકળી ગયો.

શ્રાદ્ધ પક્ષ પૂરો થઈ ગયો અને નવરાત્રી ચાલુ થઈ ગઈ. કેતનનો નિયમ હતો કે દર વર્ષે આસો અને ચૈત્રી બંને નવરાત્રીમાં ૨૪ હજાર મંત્રોનું ગાયત્રી અનુષ્ઠાન કરવું. હવે એને ૨૭ માળા કરવામાં બે કલાક માંડ લાગતા હતા. એ આરામથી કરી શકતો હતો.

આસો સુદ એકમના દિવસે સવારે વહેલા ઉઠી ધ્યાન પતાવી નાહી ધોઈને અખંડ દીવો પ્રગટાવી એ અનુષ્ઠાન કરવા માટે બેસી ગયો અને ૨૭ માળા પૂરી કરી. સંધ્યા કાળે એણે નવ દિવસ માટે ગુજરાતીમાં ચંડીપાઠનું વાંચન પણ ચાલુ કર્યું. કારણ કે ગમે તેમ તોય આ માં જગદંબાનું પર્વ હતું ! એ એક વાર જમતો અને સાંજે માત્ર સુરણ લેતો.

હવે જામનગરમાં એનું કોઈ જ કામ બાકી રહ્યું ન હતું અને એનું લક્ષ્ય હવે મુંબઈ તરફ જ હતું. ભાદરવામાં જ્યારે એનું પુરુશ્ચરણ પતવા આવ્યું હતું ત્યારે જ મુંબઈથી જયદેવ ઠાકરનો ફોન આવી ગયો હતો કે લલ્લન પાંડે મીટીંગ કરવા માટે તૈયાર છે. કેતને જયદેવને જવાબ આપી દીધો હતો કે એક મહિના પછી હું મુંબઈ આવીને મીટીંગ કરીશ. કેતનને ખાતરી જ હતી કે આ સોદો પતી જ જવાનો છે !

શ્રાવણ મહિનામાં જ મમ્મી પપ્પા લોકો જાનકીને લઈને દ્વારકા દર્શન કરવા આવે એવી વાત કેતને મુંબઈમાં કરેલી પરંતુ શ્રાવણ મહિનામાં એનું પુરશ્ચરણ ચાલુ હોવાથી એણે વિચાર બદલી નાખ્યો. કારણ કે પુરશ્ચરણ દરમિયાન જગ્યા ન બદલવાનો એને ધ્યાનમાં સંકેત મળ્યો હતો.

જો દ્વારકા જવાનું થાય તો બહારનું જમવું પડે અને એક બે દિવસ રોકાવું પણ પડે જે પુરશ્ચરણમાં માન્ય નથી. પુરશ્ચરણ પતે પછી જ પોતાનું ફેમિલી દ્વારકા આવે તો પોતે સમય પણ ફાળવી શકે ! મમ્મી પપ્પા પહેલીવાર તીર્થયાત્રા કરતા હતા એટલે શ્રાદ્ધ પક્ષમાં તીર્થયાત્રા કરાવવાની એની ઈચ્છા ન હતી.

છેવટે એણે એવું નક્કી કર્યું કે પોતે જ્યારે જામનગર છોડી દે ત્યારે આખા પરિવાર સાથે જ જામનગરની વિદાય લેવી જેથી ટ્રેઈનમાં પણ બધા સાથે મુસાફરી એન્જોય કરી શકે.

વર્ષોથી મમ્મી પપ્પા કોઈ પણ શુભ કામ માટે પાંચમ અથવા અગિયારસ પસંદ કરતાં હતાં. એ પરંપરા મુજબ કેતને શરદ પૂર્ણિમા પછી આસો વદ પાંચમના દિવસે જામનગર છોડી દેવાનો નિર્ણય લઈ લીધો.

કેતને મમ્મી પપ્પા તથા ભાઈ ભાભી સાથે વાત કરીને શરદ પૂનમના બીજા દિવસની મમ્મી, પપ્પા, શિવાની, ભાઈ, ભાભી અને જાનકીની જામનગર સુધીની ફ્લાઇટની ટિકિટ બુક કરાવી દીધી. એ સાથે જ મમ્મી પપ્પા અને શિવાનીની સુરતથી મુંબઈની આગલા દિવસની ટ્રેઈનની ટિકિટ પણ બુક કરાવી દીધી.

જામનગર છોડતાં પહેલાં એણે શરદપૂર્ણિમાના દિવસે જ જયેશ અને મનસુખ માલવિયાને પોતાના ઘરે બોલાવ્યા.

"જયેશ મારું ફેમિલી આવતીકાલે બપોરે ફ્લાઈટમાં અહીં આવે છે. પરમ દિવસ સવારથી દ્વારકાનો પ્રોગ્રામ બનાવ્યો છે. હું ફેમિલી સાથે જ પાંચમના દિવસે જામનગર કાયમ માટે છોડી દઈશ. મારે અત્યારે તમને લોકોને બીજું કંઈ જ કહેવાનું નથી. આ ઘરની ચાવી અને દસ્તાવેજ તને આપતો જાઉં છું. તારી રીતે તું એને વેચી દેજે. અને મેં જે તને પ્રપોઝલ આપી છે એ પ્રમાણે તું મુંબઈ આવી જજે. અહીંના કરતાં તું મુંબઈ વધારે સુખી થઈશ એની મારી ગેરંટી !" કેતન હસીને બોલ્યો.

"હું ગંભીરતાથી વિચારી જ રહ્યો છું કેતનભાઈ. બસ મેં કહ્યું હતું એમ મારી દીકરીનું આ વર્ષ પૂરું થઈ જાય એ પછી વેકેશનમાં જ હું મુંબઈ આવી શકું. " જયેશ બોલ્યો.

"મને કોઈ જ ઉતાવળ નથી. મને બસ એટલું જ દુઃખ છે કે હું તમને લોકોને જામનગર લઈ આવ્યો અને હવે જામનગર છોડાવી રહ્યો છું. એ વખતે મારી ભાવના સારી જ હતી પરંતુ પ્રારબ્ધને કંઈક બીજું જ મંજુર હતું !" કેતન બોલ્યો.

"જામનગર છોડવાનું મને કોઈ જ દુઃખ નથી કેતનભાઇ. તમે એ બાબતમાં જરા પણ ચિંતા નહીં કરો. હમણાં તો તમારી સ્કીમ ચાલુ છે એટલે માર્કેટિંગ પણ મેં ચાલુ કરી દીધું છે અને ૮ ૯ બંગલા તો બુક પણ થઈ ગયા છે. " જયેશ બોલ્યો.

" મનસુખભાઈ મારે તમને તો કંઈક કહેવાનું હોય જ નહીં. ભલે તમે મારા ડ્રાઇવર છો પણ ઉંમરમાં મારાથી મોટા છો એટલે હંમેશા રિસ્પેક્ટથી જ વાત કરું છું. તમે પણ મુંબઈ આવવાની તૈયારી કરી દેજો. તમને રહેવાની વ્યવસ્થા હું કરી આપીશ. " કેતન બોલ્યો.

" તમે છો એટલે મને કોઈ ચિંતા નથી કેતનભાઇ. હું તો તૈયાર જ છું. દિવાળી જાય પછી મારી રીતે પ્રોગ્રામ બનાવી દઈશ. હવે આ ગાડીનું શું કરવાનું છે ? તમે જાતે ડ્રાઈવ કરીને લઈ જશો ? " મનસુખભાઈ બોલ્યા.

" અહીંથી ગાડી છેક મુંબઈ લઈ જવી થોડું અઘરું કામ તો છે જ. પરંતુ તમે જો મુંબઈ આવીને મૂકી જાઓ તો પછી તમારા રિટર્ન આવવાની વ્યવસ્થા હું કરી આપીશ. મુંબઈ ગયા પછી એજન્ટ સાથે વાત કરીને ત્યાંના આરટીઓમાં ફરી રજીસ્ટ્રેશન કરાવી દઈશ. " કેતન બોલ્યો.

" તો પછી ચિંતા નહીં કરો. હું તમને દિવાળી પહેલાં જ ગાડી પહોંચાડી દઈશ. વચ્ચે વચ્ચે થોડો આરામ કરતો રહીશ એટલે મને વાંધો નહીં આવે. " મનસુખભાઈ બોલ્યા.

"બસ તો પછી હવે એ કામ તમારું. મારે તો આ જ ગાડી બરાબર છે. મને મોંઘી ગાડીઓના દેખાડા કરવાના એવા ખોટા શોખ નથી. મારુતિની સર્વિસ પણ જલ્દી મળી જાય છે." કેતન બોલ્યો.

એ પછી જયેશ ઝવેરી અને મનસુખ માલવિયા નીકળી ગયા.

" માસી આવતીકાલે મારું આખું ફેમિલી આવે છે એટલે ત્રણ ચાર દિવસ માટે ટોટલ ૭ જણની રસોઈ તમારે બનાવવી પડશે. પાંચમના દિવસે તો હું જામનગર છોડી રહ્યો છું એટલે એ પછી તમે ફ્રી થઈ જશો. " સાંજે સુધામાસી રસોઈ કરવા આવ્યાં એટલે કેતને વાત કરી.

" સાહેબ રસોઈની ચિંતા કરો મા . દસ માણસ હશે તોય રસોઈ તો થઈ જશે. મને કોઈ આળસ નથી. થોડી વહેલી આવી જઈશ. કાલે શું બનાવવું છે એ મને કહી દો એટલે જરૂરી શાકભાજી વગેરે અત્યારે જ લઈ આવું. " સુધામાસી બોલ્યાં.

" ના ના સાદી રસોઈ જ બનાવવાની છે. દાળ ભાત શાક અને રોટલી. બીજું કંઈ જ કરવાનું નથી. " કેતન બોલ્યો.

" પહેલીવાર તમારું ફેમિલી જામનગર આવે છે. કંઈક ગળ્યું તો બનાવવું જોઈએ. હું શાકભાજીની સાથે ઘઉંના ફાડા પણ લઈ આવું છું. કાલે સવારે ફાડા લાપસી જ બનાવી દઈશ."સુધા માસી બોલ્યાં.

" ઠીક છે માસી આ ૫૦૦ રૂપિયા રાખો. ઘીની પણ જરૂર પડશે. " કેતન બોલ્યો.

" ઘી તો છે. અને મારે પૈસાની કોઈ જરૂર નથી. તમે ઘણા પૈસા આપેલા છે. તમે જશો પછી મારી આવક બંધ થઈ જશે. રસોઈ માટે વળી પાછાં નવાં ઘર મારે શોધવાં પડશે." સુધામાસી બોલ્યાં.

" તમારું દુઃખ હું સમજી શકું છું માસી પરંતુ મારે મુંબઈ જવું હવે જરૂરી છે. મારું જામનગરનું બધું કામ પૂરું થઈ ગયું છે. તમને પૈસાની કોઈ તકલીફ હોય તો મને જણાવો. હું અત્યારે જ તમને મદદ કરવા તૈયાર છું. " કેતન બોલ્યો.

"ના સાહેબ મારે પૈસાની એવી કોઈ જ જરૂર નથી. મારી મહેનતના દ્વારકાધીશ જે પૈસા આપે એનાથી મને સંતોષ છે. " સુધામાસી બોલ્યાં.

બીજા દિવસે બપોરે બાર વાગે બે ગાડી લઈને કેતન એરપોર્ટ પહોંચી ગયો. જયેશ પોતાના મિત્રની ગાડી લઈને આવ્યો હતો. મુંબઈથી ફ્લાઇટ ૧૨:૩૦ વાગે આવતું હતું.

" વેલકમ ટુ જામનગર ! અમારા રજવાડી શહેરમાં તમારા બધાનું સ્વાગત છે." એરપોર્ટમાંથી બહાર આવી ગયા પછી પોતાના પરિવાર સામે જોઈને કેતન બોલ્યો.

" થેન્ક યુ ભાઈ. " શિવાની બોલી ઉઠી.

આખો પરિવાર બે ગાડીમાં ગોઠવાઈ ગયો. મમ્મી પપ્પા અને ભાઈ જયેશની ગાડીમાં બેઠા અને રેવતી જાનકી તથા શિવાની કેતનની ગાડીમાં ગોઠવાઈ ગયાં. શિવાની સિવાય બાકીના તમામ પહેલીવાર જ જામનગર આવી રહ્યા હતા એટલે ખૂબ એક્સાઇટેડ પણ હતા.

બંને ગાડીઓ ધીમે ધીમે શહેર તરફ સરકવા લાગી. આગળની ગાડીમાં બેઠેલો કેતન ગાડીને ધીમે ધીમે ચલાવીને રસ્તાના પરિચય કરાવતો હતો. પાછળ પાછળ જયેશ પણ આવતો હતો.

"આ આપણો બંગલો. જામનગરની પંચવટીમાં આ બંગલાને જાનકી કુટીર બનાવવાની ઈચ્છા હતી પરંતુ હવે અયોધ્યાની જ ગાદી સંભાળવી પડશે." ગાડી પાર્ક કરતી વખતે કેતન જાનકી સામે જોઈને બોલ્યો. બધાં હસી પડ્યાં.

વિશાળ બંગલો જોઈને આખો પરિવાર ખુશ થઈ ગયો. સોસાયટીનું લોકેશન પણ સારું હતું અને પ્રમાણમાં અહીં ઘણી શાંતિ હતી.

"આ અમારાં સુધામાસી. ખૂબ જ સુંદર રસોઈ બનાવે છે. મુંબઈ ગયા પછી એમની ખોટ સાલશે. " કેતને સુધામાસીનો પરિચય કરાવ્યો.

બપોરનો એક વાગી ગયો હતો એટલે બધાંને ભૂખ પણ લાગી હતી. જાનકી હાથ મ્હોં ધોઈને સીધી કિચનમાં ગઈ.

"લાવો માસી થોડી મદદ કરાવું. " જાનકી બોલી.

"તમે બેસો બેન બધી રસોઈ થઈ ગઈ છે. રોટલી જ ઉતારું છું. તમે બસ પીરસવાની તૈયારી કરો. " સુધામાસી બોલ્યાં.

થાળી વાડકા વગેરે બહાર કાઢીને જાનકીએ રસોઈ પીરસવાનું ચાલુ કર્યું. અને બધાંને ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવાઈ જવાનું કહી દીધું.

રોટલી, દાળ, ભાત, એકદમ ઝીણા સમારેલા ગવાર અને કોળાનું મિક્ષ શાક અને સાથે ફાડા લાપસી !

" બેનની રસોઈ તો બાકી કહેવું પડે ! ગવાર કોળાનું આટલું સરસ શાક આજ સુધી મેં ચાખ્યું નથી !! " જમતી વખતે જગદીશભાઈથી બોલ્યા વગર ના રહેવાયું.

" હા. ગોળ ખટાશનું પણ મસ્ત કોમ્બિનેશન કરેલું છે. " સિદ્ધાર્થ બોલ્યો.

જમ્યા પછી બધા આરામ કરવા માટે બે બેડરૂમમાં વહેંચાઈ ગયા. મમ્મી પપ્પા એસી વાળા બેડરૂમમાં સૂઈ ગયા. સિદ્ધાર્થ અને રેવતી બીજા બેડરૂમમાં સૂઈ ગયા. કેતન સોફા ઉપર આડો પડ્યો જ્યારે જાનકી અને શિવાનીએ ડ્રોઈંગ રૂમમાં જ શેત્રંજી પાથરીને લંબાવી દીધું.

બીજા દિવસે સવારે આઠ વાગે જ દ્વારકા જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો. કેતને જયેશને કહીને એના મિત્રની ગાડી દ્વારકા જવા માટે મંગાવી લીધી હતી. કેતન સિવાય બાકીના તમામ સભ્યો દ્વારકાધીશનાં દર્શન કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા.

લગભગ બે કલાકમાં દ્વારકામાં પ્રવેશ કર્યો. માયાવી જગતમાં જ્યારે કેતન દ્વારકા ગયો ત્યારે ગોવર્ધન ગ્રીન રિસોર્ટ માં ગયો હતો. પરંતુ આ વખતે ગુગલમાં જોઈને એણે ઇસ્કોન ગેટ પાસે આવેલી લેમન ટ્રી હોટેલ પસંદ કરી.

હોટલ ખૂબ જ સરસ હતી. કેતને ફેમિલી માટે બે સ્યુટ પસંદ કર્યા. એક્સ્ટ્રા બેડની વ્યવસ્થા કરીને બધાનો સમાવેશ કરી દીધો. જયેશ અને મનસુખભાઈ વચ્ચે પણ એક લક્ઝરીયસ રૂમ લઈ લીધો.

દ્વારકા આવીને સૌથી પહેલાં તો દ્વારકાધીશનાં દર્શન કરવાની જ ઈચ્છા હતી. એટલે રૂમ બુક કરાવીને તરત જ કેતન લોકો દર્શન કરવા માટે નીકળી ગયા. કેતન એકવાર આવી ગયો હોવાથી તમામ લોકેશન એને યાદ હતાં. ભથાણ ચોક પાસે બંને ગાડીઓને પાર્ક કરી.

ત્યાંથી ચાલતા ચાલતા બધા ગેટ સુધી આવ્યા અને મંદિરમાં પ્રવેશ કર્યો. દ્વારકાધીશનું હજારો વર્ષ જૂનું ભવ્ય મંદિર જોઈને બધાંને ખૂબ જ આનંદ થયો.

સ્પેશિયલ દર્શન કરાવવા માટે ત્યાં ગુગળી બ્રાહ્મણો ફરતા જ હોય છે. કેતને એમાંથી એક યુવાનની પસંદગી કરી અને દ્વારકાધીશના ગર્ભગૃહ સુધી જઈને દર્શન થાય એવી વ્યવસ્થા કરી. અત્યારે થોડી ઓફ સીઝન હતી એટલે ગર્ભગૃહમાં સાઈડના નાના ગેટમાંથી આરામથી જઈ શકાય તેમ હતું ! પૈસાનો વ્યવહાર બધે જ કામ કરતો હતો !!

બધાએ એક પછી એક જઈને દ્વારકાધીશના ચરણોમાં માથું નમાવ્યું અને દર્શન કરીને સૌ પોતપોતાની ભાવના પ્રમાણે ગદગદ થઈ ગયા !

કેતન અને જાનકીએ પણ સાથે ઉભા રહીને બહારથી ફરી દર્શન કર્યાં. કેતન દર્શન કરતાં કરતાં શ્રીકૃષ્ણની બાલ્ય અવસ્થામાં ખોવાઈ ગયો અને મનોમન વૃંદાવન પહોંચી ગયો. એના કાનમાં વાંસળીના અવાજ સાથે એ જ પરિચિત "રાધે.. રાધે" સ્વર સંભળાવવા લાગ્યો !!

એ પછી સૌ ગોમતી કિનારે આવ્યા અને ગોમતીમાં પગ બોળીને ગોમતીનું પાણી પણ માથે ચડાવ્યું.

સવારના ૧૧:૩૦ વાગી ગયા હતા. હવે દર્શન સિવાય બીજું કોઈ જ કામ ન હતું એટલે કેતને ગાડીને ફરી લેમન ટ્રી હોટલ તરફ લઈ લીધી.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)