RETRO NI METRO - 24 books and stories free download online pdf in Gujarati

રેટ્રો ની મેટ્રો - 24

માતૃ ભારતીના પ્લેટફોર્મ પર આવી ગઈ છે રેટ્રોની મેટ્રો,લઈને એક એવા યુવાન ની વાત,જે મુંબઈ આવ્યો આંખમાં એક્ટર બનવાનું સ્વપ્ન લઇને અને સદાબહાર અભિનેતા તરીકે રૂપેરી પડદે છવાઈ ગયો, ક્યારેક CID બનીને તો ક્યારેક ટેક્સી ડ્રાઇવર કે મુનીમજી બનીને ,તો ક્યારેક બની ગયા અફસર કે પેઈંગ ગેસ્ટ. જી હા એ સદાબહાર અભિનેતા એટલે દેવ આનંદ. જેમને યાદ કરતા કરતા આપણે ઘણી વાર ગીત ગાયું હશે "યાદ કિયા દિલને કહાં હો તુમ... પડદા પર આ ગીત ગાતાં હીરો હતા દેવ આનંદ. આ ફિલ્મ 1953માં રિલીઝ થઈ. ફિલ્મમાં તેમના હિરોઈન હતા ઉષા કિરણ. દેવ આનંદે ફિલ્મ જગતની ઘણી અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે.1955માં રિલીઝ થયેલી ફિલ્મ મુનિમજી માં દેવ આનંદ સાથે મુખ્ય ભૂમિકામાં હતા નલિની જયવંત.1956 મા ક્રાઇમ થ્રિલર CID રિલીઝ થઈ. દેવ આનંદની આ હિટ ફિલ્મ ના હિરોઈન શકીલા.1957 માં રિલીઝ થયેલી દેવ આનંદ અને નૂતન અભિનીત સુપરહિટ ફિલ્મ"પેઇંગ ગેસ્ટ" 1957 માં જ અભિનેત્રી કલ્પના કાર્તિક સાથે આવેલી તેમની હિટ ફિલ્મ"નૌ દો ગ્યારહ",તેમની ઍક એવોર્ડ વિનિંગ ફિલ્મ "કાલાપાની" 1958માં પ્રદર્શિત થઈ.આ ફિલ્મ નાં નાયિકા મધુબાલા.1961 માં"જબ પ્યાર કિસી સે હોતા હૈ" ફિલ્મ દેવ આનંદે આશા પારેખ સાથે કરી અને 1962 મા દેવ આનંદની સાધના સાથે આવી ફિલ્મ અસલી-નકલી.1965 મા દેવ આનંદે ,વહીદા રહેમાન સાથે bollywood classic બ્લોકબસ્ટર ફિલ્મ ગાઈડ નવકેતન ના બેનર હેઠળ બનાવી.ગાઈડ ના મ્યુઝિક સેશન દરમિયાન એક ગીત માટે એસ ડી બર્મને સાત-આઠ ધૂનો સંભળાવી પણ દેવ આનંદ અને ચેતન આનંદને કોઈ ધૂન આકર્ષી શકી નહીં... અંતે લાંબી ચર્ચા-વિચારણા બાદ એક ધૂન પર બધા સહમત થયા અને ગીત બન્યું "દિન ઢલ જાયે હાયે રાત ના જાય...."આ ગીતની વિશેષતા એ છે કે એનું મુખડું ગાઇયે ત્યારે બંને હોઠ એકમેક જોડે બીડાતા નથી... ગીત ગાઈને તમે કોશિશ કરી જુઓને.... પ્રમાણ આપોઆપ મળી જશે.
વાત એ દિવસોની છે જ્યારે ગાયિકા,અભિનેત્રી સુરૈયા નો સિતારો સફળતાના શિખર પર હતો. એક પછી એક હિટ ફિલ્મો તે આપી રહ્યા હતા.આ સમયગાળા માં તેમણે ફિલ્મ "વિદ્યા" સાઈન કરી. ફિલ્મમાં એક નવા હીરો ને લેવામાં આવ્યો હતો અને શરૂઆતના કેટલાક દિવસોમાં માત્ર સુરૈયાના સીન્સ જ શૂટ કરવાના હતા. પહેલે દિવસે કેટલાક સીન્સ શૂટ થયા પછી સુરૈયાની નજર સેટ પર હાજર એક હેન્ડસમ યુવાન પર પડી તે યુવાન સેટના એક ખૂણામાં સ્ટુલ પર બેસી સુરૈયાને એકીટસે જોઈ રહ્યો હતો. સુરૈયા એ તે જોયું પણ શૂટિંગની વ્યસ્તતાને કારણે તેણે ધ્યાન ના આપ્યું. બીજે દિવસે પણ તે યુવાન તાકી રહ્યો છે તે વાત ધ્યાનમાં ન લેતા સુરૈયા એક્ટિંગ કરવામાં વ્યસ્ત રહ્યા. ત્રીજે દિવસે આ વ્યક્તિ સુરૈયા પર નજર ખોડી ,બે હાથ ગાલ પર ટેકવી,એકીટસે સુરૈયા તરફ જોઈ રહ્યો હતો ,હવે સુરૈયાને આ વ્યક્તિની નજર ખટકવા માંડી. ચોથા દિવસે તો સુરૈયા બરાબરના અકળાયા.તેમણે પ્રોડ્યુસર પ્રતાપ રાણેને પાસે બોલાવ્યા અને કહ્યું "પેલા ખૂણામાં બેઠેલા છોકરા ને ત્યાંથી હટાવો.પહેલા દિવસથી જ તે મને એકીટસે જોયા કરે છે,મને અકળામણ થાય છે,એ અહીંથી જશે પછી જ હું શૂટિંગ કરીશ."પ્રોડ્યુસર સાહેબ ગયા અને પેલા યુવાનને બહાર કાઢવાને બદલે સુરૈયા પાસે લઈ આવ્યા અને કહ્યું "સુરૈયાજી ઈનસે મિલીયે,યે હે ઇસ ફિલ્મ કે હીરો દેવ આનંદ." સુરૈયા આશ્ચર્યચકિત ઉભા હતા ત્યાં દેવ આનંદ બોલ્યા "ઇતની બડી અદાકારા કે સાથ ફિલ્મ કર રહા હું, તો ઝાહીર હે ,ઉનકી એક્ટિંગ કો સમજના ચાહિયે ,મેરી ગુસ્તાખીયોં કો માફ કીજીયે."એ સાંભળીને સુરૈયાના ચહેરા પર સ્મિત આવી ગયું,પછી તો રેટ્રો ચાહકો ને history ખબર જ છે કે સાથે ફિલ્મમાં કામ કરતા કરતા દેવ આનંદ અને સુરૈયા એકબીજાને દિલ દઈ બેઠા હતા.
દેવ આનંદને પહેલી ફિલ્મ કઈ રીતે મળી તે જાણવાનું તમને ગમશે. બે ત્રણ વર્ષના સખત સંઘર્ષ પછી દેવ આનંદને,વન ફાઈન મોર્નિંગ કોઈકે કહ્યું કે, પ્રભાત ફિલ્મ્સ,એક ફિલ્મ માટે "નવા ચહેરા"ની શોધમાં છે. તે દિવસે મુંબઈમાં ખૂબ વરસાદ હતો. દેવ આનંદ મહા મહેનતે પ્રભાત ફિલ્મ્સ ની ઓફિસે પહોંચ્યાં. ત્યાં બાબુરાવ પઈને મળ્યા. દેવ આનંદનું નિર્દોષ હાસ્ય બાબુરાવને સ્પર્શી ગયું એટલે એક ચરણ તો પૂરું થયું. હવે સ્ક્રીન ટેસ્ટ આપવાનો હતો. તેમને પુણે આવવા માટે ફર્સ્ટ ક્લાસ ની ટ્રેન ની ટિકિટ પ્રભાત ફિલ્મ્સ તરફથી મળી એટલે દેવ આનંદ પહોંચ્યા પુણે. સ્ટેશન પર સ્ટુડિયોની વેન તેમની રાહ જોતી હતી. પૂરા આત્મવિશ્વાસ સાથે દેવ આનંદ સ્ટુડિયો પર ગયા, ત્યાં ખ્વાજા અહમદ અબ્બાસના નાટકનો એક અંશ તેમને ભજવવાનું કહેવાયું. સંઘર્ષના દિવસોમાં થિયેટરમાં કામ કરવાનો અનુભવ કામે લાગ્યો અને દેવ આનંદે સરસ રીતે એ સીન ભજવ્યો. ડાયલોગ ડીલીવરી માં પણ તેઓ પાસ થયા ,આમ તેમને મળી પહેલી ફિલ્મ "હમ એક હૈ"આ ફિલ્મથી અભિનયની કારકિર્દી શરૂ તો થઈ પણ ફિલ્મને સફળતા મળી નહીં.સંઘર્ષ નાં એ દિવસો હતાં,દેવ આનંદ કામની શોધમાં એક દિવસ 'બોમ્બે ટૉકિઝ'ના સ્ટુડિયો પાસે પહોંચી ગયા. ત્યારે અશોકકુમાર લેખિકા ઇસ્મત ચુગતાઇની વાર્તા પર આધારિત અને તેમના પતિ શાહિદ લતિફ નિર્દેશિત ફિલ્મ"જિદ્દી"(૧૯૪૮) નું શુટિંગ કરી રહ્યા હતા. દેવ આનંદ બોમ્બે ટૉકિઝ ના સ્ટુડિયો પાસે કામ મેળવવા ની આશા સાથે પહોંચ્યા ત્યારે એમને કલ્પના પણ નહીં હોય કે "અછૂત કન્યા" અને "કિસ્મત"માં જેમને જોઇને અભિનયની પ્રેરણા મળી છે એ અશોકકુમાર પોતાની ફિલ્મ તેમને આપી દેશે! થયું એવું કે દેવ આનંદ જ્યારે સ્ટુડિયો પર પહોંચ્યા ત્યારે ફિલ્મનો પહેલો જ દિવસ હતો.થોડું શુટિંગ કરીને અશોકકુમાર કોઇ કામથી સ્ટુડિયોની બહાર નીકળ્યા.તેમની નજર એક સુંદર દેખાતા યુવાન પર પડી.અશોકકુમારે નામ અને કામ પૂછ્યું ત્યારે દેવ આનંદે કહ્યું કે "મેં એક ફિલ્મ કરી છે પણ ચાલી નથી એટલે બીજી કોઈ સારી તક મળે તે માટે કામની શોધમાં હું સ્ટુડિયો પર આવ્યો છું. યુવાનનો આત્મવિશ્વાસ જોઇને અશોકકુમાર તેને અંદર લઇ ગયા.નિર્દેશક શાહિદ લતિફને ઓળખાણ આપી કહ્યું કે આ ફિલ્મમાં હું જે ભૂમિકા કરી રહ્યો છું એ આ યુવાનને આપી દો. શાહિદે આમ કરવાની ચોખ્ખી ના પાડી દીધી. નિર્માતાઓએ પણ આવો બદલાવ કરવાનો ઇન્કાર કરી દીધો.અશોકકુમાર પોતાના નિર્ણય પર અડગ હતા. તેમણે કહ્યું કે હજુ એક જ દિવસનું શુટિંગ થયું છે. જો આ યુવાન બરાબર કામ નહીં કરી શકે તો હું છું જ. મારા પર વિશ્વાસ મૂકીને તેને એક તક આપો. આખરે અશોકકુમાર ની જીદ સામે નિર્માતા-નિર્દેશકે ઝૂકવું પડ્યું. આમ ફિલ્મ જિદ્દી ની અશોકકુમારની ભૂમિકા માં દેવ આનંદ ગોઠવાયા.પહેલા જ દિવસે એક દ્રશ્ય માટે દેવ આનંદે આઠ ટેક આપવા પડ્યા એટલે તેમને હટાવવા માટેની તક નિર્દેશકને મળી ગઇ. તેમણે અશોકકુમારને ત્યાં બોલાવ્યા અને વધારે રીટેક લેવા પડતા હોવાનું જણાવી ફિલ્મમાં પાછા આવવા માટે કહ્યું.અશોકકુમારે દેવ આનંદ સાથે વાત કરી ત્યારે ખબર પડી કે હકીકતમાં દેવ આનંદને દ્રશ્યો બરાબર સમજાવવામાં આવતા જ ન હતા.અશોકકુમારે દ્રશ્યો સમજાવ્યા પછી એક જ ટેકમાં શોટ ઓકે થવા લાગ્યા અને દેવ આનંદ ફિલ્મ જિદ્દી ના હીરો બની ગયા.અશોક કુમારની જીદને કારણે મળેલ ફિલ્મ જિદ્દી વિશે નો આ આખો પ્રસંગ દેવ આનંદના પુસ્તકમાં આલેખાયો છે. પછી તો દેવ આનંદની કારકિર્દીની ગાડી પૂરપાટ ચાલી.દેવ આનંદ માત્ર અભિનેતા જ નહીં નિર્માતા દિગ્દર્શક તરીકે પણ સિને જગતમાં વર્ષો સુધી કાર્યરત રહ્યા. દેવ આનંદની દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ હતી "પ્રેમ પુજારી." 1970માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં દેવ આનંદ સાથે નાયિકા હતા વહીદા રહેમાન.આ ફિલ્મ માટે ગીતકાર નીરજે એક ગીતના શબ્દો લખ્યા... "ચાંદની મેં ઘોલા જાયે ફૂલો કા શબાબ..." આ જ શબ્દો સાથે ગીતનું રિહર્સલ પણ થઈ ગયું. રેકોર્ડિંગ નો સમય થયો. સૌ પોતપોતાના સ્થાને ગોઠવાઈ ગયા અને ટેક લેવાની તૈયારીમાં હતા ત્યાં જ અચાનક દેવ આનંદે હાથ ઊંચો કરતાં જરા મોટેથી કહ્યું "આ શબ્દો નહીં ચાલે બોલ બદલી નાંખો..."ગીતકાર નીરજની સાથે સંગીતકાર એસ ડી બર્મન પણ અચંબામાં પડી ગયા.બધું બરાબર ચાલતું હતું,ત્યાં અચાનક આ શું થયું? દેવ આનંદે સમજાવ્યું કે આ ગીત તેઓ day light માં શૂટ કરવા માંગે છે તેથી ચાંદની શબ્દ નહીં ચાલે.ફરીથી મહેનત કરીને શબ્દોની કેટલીય વાર હેરફેર કર્યા પછી ગીતકાર નીરજ ને સફળતા મળી અને ગીત લખાયું " શોખિયોં મેં ઘોલા જાયે ફૂલો કા શબાબ..."પણ વાત અહીં પૂરી ન થઈ ગીતના એક અંતરા એ પણ મુશ્કેલી ઉભી કરી. એ અંતરો હતો
"આધી રાત જુહુ પર ઉતર
કર રહા હો ચાંદ જબ મુકામ,
ઔર વહી ટહેલ રહે હો
ફૂલ તીતલીયોં કી ગોરી બાહે થામ,
ઐસે વક્ત આતા હૈ જો જવાર
વો પ્યાર હૈ....."
આ અંતરો બદલવો પડ્યો કારણ કે ગીત જુહુ પર કે કોઈ સમુદ્ર કિનારે ફિલ્માવવાનું નહોતું.ગીતકાર નીરજે ફરી એક વાર મહેનત કરી અંતરો લખ્યો
"હસતા હુઆ બચપન હો,બહેકા હુઆ મૌસમ હૈ,
છેડો તો ઇક શોલા હૈ, છુ લો તો બસ શબનમ હૈ,
ગાંવ મેં ,મેલે મેં, રાહ પે અકેલે મે ,
આતા જો યાદ બાર બાર વો પ્યાર હે...."
આટલી ચોકસાઈથી જ્યારે કોઈ સર્જન થતું હોય ત્યારે તેની સફળતાની ગેરેંટી તો સો ટકા હોવાની જ.
ફિલ્મ "હરે રામા હરે ક્રિષ્ના"બનાવતા દેવ આનંદે, બહેન ના રોલ માટે ઘણી અભિનેત્રીઓનો સંપર્ક કર્યો પણ તે સમયની કોઈપણ હિરોઈન,બહેન બનવા તૈયાર ન થઈ આથી દેવ આનંદ નવા ચહેરાની શોધ કરવા લાગ્યા એ શોધ પૂરી થઇ ઝીનત અમાન ના ઓડીશન સાથે.ફિલ્મનું શૂટિંગ શરૂ થયું... ફિલ્મ જેમ જેમ આગળ વધતી હતી તેમ તેમ ઝીન્નત અમાન ની ચિંતા વધવા માંડી કે આ ફિલ્મ પછી મને માત્ર બહેનની જ ભૂમિકાઓ તો નહીં મળવા માંડે ને ? એક દિવસ દેવ આનંદ સાથે એમણે પોતાની મૂંઝવણ શેર કરી.દેવ આનંદે એમની સદાબહાર શૈલીમાં કહ્યું "ડોન્ટ વરી"પછી "હરે રામા હરે ક્રિષ્ના" રિલીઝ થઈ તે સાથે જ દેવ આનંદે પોતાની બીજી ફિલ્મ "હીરા પન્ના"ની જાહેરાત કરી,તે સમયે જ ફિલ્મની હીરોઇન ઝીન્નત અમાન હશે એમ પણ જાહેર કર્યું.આમ ઝીન્નત અમાન ની કારકિર્દી પર બહેનના રોલ નો સિક્કો લાગતો રહી ગયો અને બોલીવુડ ને મળી ઝીનત અમાન ના રૂપમાં એક મોર્ડન અભિનેત્રી.
પદ્મભૂષણ દેવ આનંદને,દાદા સાહેબ ફાળકે એવોર્ડ ઉપરાંત ફિલ્મ "કાલાપાની" અને "ગાઈડ" માટે શ્રેષ્ઠ અભિનેતાના ફિલ્મફેર એવોર્ડ સહિત, ફિલ્મ ક્ષેત્રે તેમના નોંધપાત્ર યોગદાન માટે અનેક એવોર્ડ થી નવાજવામાં આવ્યા છે.તો આપણા જેવા રેટ્રો ભક્તોએ હંમેશા આ સદાબહાર કલાકાર ને જબરજસ્ત પ્રતિભાવ અને પ્રશંસા થી નવાજ્યા છે.
ક્રમશઃ
© શ્વેતલ પટેલ
સુરત.