When not expected books and stories free download online pdf in Gujarati

જ્યારે ધાર્યું ન થાય


લેખ:- જ્યારે ધાર્યું ન થાય
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની



જરા વિચારો - તમે સરસ મજાનો કાર્યક્રમ ગોઠવ્યો છે. સવારથી તમે આ કાર્યક્રમની તૈયારીઓ પાછળ લાગ્યાં છો. બધી જ તૈયારીઓ એકદમ બરાબર થઈ ગઈ છે. હવે માત્ર તમારે તૈયાર થવાનું બાકી છે. તમે તમારાં મિત્રો અને સખીઓને આમંત્રણ આપ્યું છે અને અચાનક કંઈક એવું બની જાય છે કે તમારે નાછૂટકે આ કાર્યક્રમ રદ્દ કરવો પડે. શું થશે તમારી ખુશીઓનું?


આવી જ રીતે એક વિદ્યાર્થી આખુંય વર્ષ સખત મહેનત કરે, એક ઉદ્યોગપતિ આખુંય વર્ષ પોતાની કંપની માર્કેટમાં ટોચના સ્થાને પહોંચે એ માટે મહેનત કરે, એક કર્મચારી પોતાની સંસ્થા કે જ્યાં એ કામ કરે છે ત્યાં ટોચ પર પહોંચવા એકદમ ઈમાનદારીથી કામ કરે છે, પરંતુ અંતમાં આ બધાં માત્ર નજીવા દરે પોતાનું લક્ષ્ય ચૂકી જાય છે. આને બદલે એમની સાથે એમણે જે ન ધાર્યું હોય તે થાય છે. શું હાલત હશે આ બધાંની?


દરેક વખતે ધાર્યું થાય એ જરુરી નથી. મારા મમ્મી પપ્પા કાયમ કહેતાં, 'જે થાય તે સારા માટે' અને આનો મને ઘણી વાર અનુભવ થયો છે. જ્યારે આપણી ઈચ્છા મુજબનું નથી થતું ત્યારે નિરાશ થવાને બદલે એમ વિચારી લેવું કે ભગવાને આપણાં માટે આનાથી સરસ કંઈક વિચાર્યું છે. ક્યારેક એવું પણ હોઈ શકે કે આપણે ભગવાન પાસે જે માંગીએ એ કદાચ આપણને નુકસાનકારક સાબિત થવાનું હોય. આથી પણ આપણાં કર્મોને આધિન ભગવાન આપણને એ ઈચ્છા ફળીભૂત નહીં કરાવે. એનાં બદલે કંઈક એવું આપે કે જે આપણને જરુરી હોય.


એટલું યાદ રાખવું કે માંગ્યું બધું જ મળવા માંડે તો વ્યક્તિને અભાવનો પરિચય ન થાય. જીવનમાં જીત જેટલી જરૂરી છે એટલી જ હાર પણ જરુરી છે કે જેથી ક્યારેક નાનકડી અસફળતા પણ માનસિક રીતે તણાવ ઉભો ન કરી શકે. જેને હાર પચાવવાની આદત હોય એ જ સફળતા તરફ વધુ દ્રઢતાથી ડગ માંડી શકે. એમ જ થોડા ભગવાન શિવ નીલકંઠ બન્યા!


તમે બહાર ફરવા જવાના હો અને અચાનક ઘરે મહેમાન આવી ચડે, તો શું કરો? એમને એમ કહી દેશો કે, "તમારાં લીધે અમારો બહાર જવાનો કાર્યક્રમ રદ્દ કરવો પડ્યો." આમ કહીને શું લડી પડશો એમની સાથે? નહીં ને. એમને સારી રીતે આવકાર આપશો, બરાબર ને? પણ વિચારો કે આ મહેમાનને કારણે તમે જ્યાં જવાના હતાં ત્યાં ન જઈ શક્યાં અને એ જ જગ્યાએ ભયાનક અકસ્માત થયો અને એ રસ્તો બંધ કરવામાં આવ્યો છે, તેમજ બધાં મુસાફરો ત્યાં ફસાઈ ગયાં છે. શું આ સમયે આ મહેમાન તમને ભગવાન બરાબર ન લાગશે? બસ, આવું જ થાય છે સાચા લોકો સાથે! ભગવાન એમને કેવી રીતે મુસીબતોથી દૂર રાખે છે એની તો આપણે કલ્પના પણ કરી શકીએ એમ નથી! આપણે તો બસ આપણું ધાર્યું ન થવા બદલ ભગવાનને દોષ જ આપતાં રહીએ છીએ.


જ્યારે આપણાં સતકર્મોનું ફ્ળ મળવાનું હોય ત્યારે જ આપણું ધાર્યું થતું નથી હોતું. ભગવાન જ્યારે આપણે માંગીએ એ ન આપે ત્યારે નિરાશ થવાને બદલે એમ માનવું કે એ આપણાં માટે યોગ્ય ન હતું. ભગવાન કદાચ આનાથી પણ સારું આપણને આપવા માંગે છે. મારા પપ્પા કાયમ કહેતાં, "ભગવાન એ નથી આપતો જે આપણને જોઈએ છે, એ તો એ જ આપે છે, જે આપણે લાયક છે. માટે જે મળે એમાં સંતોષ માનવો."


માંગ્યું મળે તો ખુશ થવું અને ન મળે તો પ્રભુ ઈચ્છા સમજી સ્વીકારી લેવું. ક્યારેક જે ન મળ્યું એનો અફસોસ કરવાને બદલે જે મળ્યું છે એનો સંતોષ માનવાથી વધારે ખુશી મળે છે.


આભાર.

સ્નેહલ જાની