Island - 2 books and stories free download online pdf in Gujarati

આઇલેન્ડ - 2

પ્રકરણ-૨.

હજું તો સવારનાં દસ જ વાગ્યાં હતા ત્યાં આકરો તડકો પડવો શરૂ થયો હતો. બસ્તીનાં છેવાડે પહોંચતાં સુધીમાં તો ગરમીથી હું ત્રાહીમામ પોકારી ગયો. મારી સાથે જીમી પણ આવ્યો હતો અને બાઈકની પાછળ બેઠો બેઠો સતત બક-બક કરતો હતો. એક તો ભયાનક તડકો અને ઉપરથી જીમીની અસ્ખલિત ચાલતી જીભ… મને અહીં જ, રસ્તાની અધવચ્ચે તેને ઉતારી દેવાનું મન થયું. તે ખરેખર અજીબ નંગ હતો. નો ડાઉટ કે તેનાં કારણે અમારાં જીવનમાં થોડી હળવાશ આવી હતી પરંતું શું બધી જ વખતે બોલ-બોલ કરવું જરૂરી હતું..? અમુક સમયે તો માણસ ચૂપ રહી શકે કે નહી!

“તું ચૂપ રહીશ થોડીવાર.” આખરે તેને કહેવું પડયું.

“એ શક્ય નથી મોટાભાઈ, હવાને વહેતી રોકી શકાય પણ મને નહીં.” તે હસ્યો. મેં કહ્યુંને કે તે નંગ હતો. ન ચાહવા છતાં મને પણ હસવું આવ્યું.

“તારી બક-બક કોઇક દિવસ ઉપાધી કરાવશે.” હું બોલ્યો અને બાઈકને લીવર આપ્યું. બાઈક રોકેટ ગતીએ ઘટનાસ્થળે પહોંચી.

ત્યાં માણસોનો જમાવડો લાગ્યો હતો. અમારી બસ્તીમાં આમપણ નવરા માણસોની કમી નથી, તેમાં આ ઘટનાએ જબરું કુતુહલ પેદા કર્યું હતું. એક પોલીસ જીપ પણ ત્યાં ખડી હતી. તાજા ઉતારેલા ગોળ ઉપર બણબણતી માખીઓની જેમ માણસોનો નાનકડો હજૂમ એક જગ્યાએ તોળાતો હતો. હું અને જીમી એ દિશામાં આગળ વધ્યાં. એક કોન્સ્ટેબલ મહેનતથી બધાને દૂર રાખવાની કોશિશ કરતો હતો. હું તેની નજીક પહોંચીને ઉભો રહ્યો.

“શું થયું દાદા..?” હું તેને ઓળખતો હતો. લગભગ નિવૃત્તીની આરે પહોંચેલો તે માનજી ગામિત હતો. તેની સીડી-૧૦૦ મારે ત્યાંજ રીપેર થવા આવતી.

“લાગે છે કોઈ વધું પડતું ઢિંચી ગયું છે. ખાડીમાં ઉંધે માથે પડયું છે. સાહેબ તપાસ કરે છે.” તે મારી નજદિક આવતાં બોલ્યો. ઢળતી ઉંમરે પોલીસ ડ્યૂટીથી તે કંટાળ્યો હોય એવું તેના ચહેરા ઉપરથી સ્પષ્ટ દેખાતું હતું. આવાં મામલામાં મગજ ખપાવી ખપાવીને તે રિઢો બની ગયો હતો. રિઢા ગુનેગારની જેમ રિઢો પોલીસમેન. તુલનાં સરસ હતી. મારી બાજુમાં ઉભેલા જીમીનાં ચહેરા પર હાસ્ય છવાયું અને કંઈક બોલવા તેની જીભ સળવળી. મેં તેની તરફ ડોળા કાઢયાં છતાં તે અટક્યો નહી.

“કોણ છે એ?” તેણે માનજીની નજીક સરકતાં પૂછયું.

“બસ્તીનો જ કોઈ માણસ હશે. સાહેબ તપાસ કરી લે પછી ખબર પડે.”

“કેમ તમે નથી જોયું?”

“સાહેબ છે ને. એ જોઈ લેશે.” માનજી દાઢમાં બોલ્યો. હજું થોડા સમય પહેલાં જ અમારી બસ્તીનાં નાકે આવેલી પોલીસ ચોકીમાં નવા સાહેબ આવ્યાં હતા. માનજીની વાત ઉપરથી લાગ્યું કે તેને નવા સાહેબ પસંદ નહોતા આવ્યાં.

“હવે સાહેબ તો એમનું કામ કરે, પણ આપણે પણ જાણવું જોઈએ ને.” જીમીની જીભ કાતરની જેમ ચાલતી હતી. અહી શું થયું છે એ જાણવાની તેની ઉત્સુકતાં ચરમસીમાએ હતી.

“તું શિખવાડવાનું રહેવા દે છોકરાં. મને ખ્યાલ છે કે મારે શું કરવું જોઈએ. તું ગેરેજમાં સરખું ધ્યાન આપ તો પણ ઘણું છે, સમજ્યો?” માનજીએ ડંડો ઉગામ્યો. “બાકી તો આ છે જ.”

“અરે તમે પણ શું દાદા, હું તો જસ્ટ પૂછતો હતો.” જીમીએ આદત મુજબ દાંત બતાવ્યાં. વાત વધું બગડે એ પહેલાં મેં તેનો હાથ પકડ્યો અને નાળી તરફ ખેંચી ગયો.

બસ્તીમાંથી નિકળતાં ગંદા પાણીની એ નાનકડી ખાડી જેવી નાળી હતી. ધોમધખતો તડકો અને ગંદકીમાંથી ઉઠતી વાસનું અજીબ મિશ્રણ ત્યાં ચારેકોર ફેલાયેલું હતું. એટલું ઓછું હોય એમ ત્યાં ભેગા થયેલાં ગંધાતા માણસોનાં શરીરમાંથી ઉઠતી ખાટી બિભત્સ વાસથી મારું માથું ભમવા લાગ્યું. માણસો વચ્ચેથી રસ્તો કરીને અમે ઘટનાસ્થળ નજીક પહોચ્યાં.

એ આદમી ઉંધે કાંધ નાળીનાં પાણીમાં પડયો હતો. તેનું માથું અને ધડ બહાર… જમીન ઉપર હતું અને કમરથી નીચેનો ભાગ ગંદા વહેતા પાણીમાં ખલાયેલો હતો. તેના શરીર ઉપર કાળા રંગનો કોટ હતો જે ઠેકઠેકાણેથી ફાટેલો હતો. પગમાં એવા જ રંગનું પાટલૂન પહેરેલું હતું. માથાનાં વાળ સાવ આછાં હતા. એક નજરે મને ખ્યાલ આવ્યો નહી કે એ કોણ છે. તેની પાસે એક પોલીસ અફસર ત્યાં બેઠો હતો. હું થોડો વધું નજીક સરક્યો.

“ઓય, કોણ છે તું? ચલ પીછે હટ.” તેનો ભારેખમ અવાજ મારાં કાને અથડાયો અને હું ઉભો રહી ગયો. એ અવાજ પેલા નવા સાહેબનો હતો જે હાલમાં જ બસ્તીની ચોકીમાં સબ ઈન્સ્પેકટર તરીકે આવ્યો હતો. તે ગોઠણ વાળીને ઉભડક બેઠો હતો અને ધ્યાનથી પેલા માણસ અને તેની આસપાસની જગ્યાનું નિરિક્ષણ કરી રહ્યો હતો. તે હેન્ડસમ કહી શકાય એવો રૂપાળો હતો. પહેલી નજરે તો મને એવું જ લાગ્યું. કદાચ તેણે પહેરેલા પોલીસ યુનીફોર્મને લીધે એ વધું હેન્ડસમ લાગતો હોય એવું બને. મને નજદિક આવતો અટકાવીને વળી પાછો તે પેલાનાં નિરિક્ષણમાં પડયો.

“એને સીધો કરો તો ખ્યાલ આવે ને કે તે છે કોણ? આમ મોઢું જોયા વગર ખાલી-ખાલી તપાસનો શું અર્થ!” જીમી બોલી ઉઠયો. મને ખ્યાલ હતો કે તે કોઈપણ સંજોગોમાં ચૂપ મરવાનો નથી પરંતુ આ વખતે તેણે યોગ્ય મુદ્દો ઉઠાવ્યો હતો. ઈન્સ્પેકટરે ડોકું ઘૂમાવીને કતરાતી નજરે જીમી સામું જોયું અને ઉભો થયો.

“ચલ, તું ફેરવ એને.” ઈન્સ્પેકટરે જીમીને ઉદ્દેશીને કહ્યું અને અમારી નજીક આવ્યો.

“હું?” જીમી થોથવાયો. તેના ચહેરા ઉપર ગભરાહટ ફેલાયો. મને મજા પડી. પહેલી વખત તે અટવાયો હતો.

“હાં તું, બહું ખબર પડે છે ને તને કે શું કરવું જોઈએ અને શું નહી. ચલ એક મોકો આપું છું, એને સીધો કર અને જોઈને કહે કે તેની સાથે શું બન્યું હશે.” ઈન્સ્પેકટર ખરેખર ગજબનો માણસ હતો.

“અરે પણ… એ તો તમારું કામ છે. મને કેમ ખ્યાલ આવે. હું તો જસ્ટ એમ જ બોલ્યો હતો.” જીમીની જીભ ઝલાઈ અને બે ડગલાં તે પાછો હટયો.

“નહી, નહી. હવે તો તું જ એને સીધો કરીશ. ચલ આગળ થા.” ઈન્પેકટરે સાવ નજીક આવીને જીમીને બાવડેથી પકડયો અને લગભગ ખેંચતો જ હોય એમ તેને નાળી પાસે લઈ ગયો. “આજે અમારે માણસોની કમી છે. તું એ કમી પૂરી કરીશ. પલટાવ તેને ચલ.” તેને પણ કદાચ મજા આવતી હશે એવું લાગ્યું. હું ચૂપચાપ તે બન્નેની પાછળ દોરવાયો.

“અરે સર… પણ… એ ગલત કહેવાયને. એમાં કોઈ અહમ સબૂત મટી જાય તો મારું આવી બને.” જીમીએ રીતસરની પીછેહઠ કરી. ત્યાં ભેગા થયેલા લોકોમાં અહી ભજવાતાં દ્રશ્યથી જબરું કૌતૃક ફેલાયું હતું. બધા ડોકા તાણીને, કાન સરવા કરીને હવે શું થાય છે તેની રાહ જોઈ રહ્યાં.

“તો તૂતડી બંધ રાખ અને પોલીસને એનું કામ કરવા દે. ચલ ફૂટ અહીથી નહિતર તારા નામનાં સબૂત પેદા થતાં વાર નહી લાગે અને આ વ્યક્તિનાં ખૂન કેસમાં જેલ જોવી પડશે.” ઈન્સ્પેકટરનો મિજાજ એકાએક જ હટયો હતો અને જીમીને રીતરસનો ધક્કો મારી આઘો હડસેલ્યો. “સાલાઓ મારે શું કરવું જોઈએ એ શીખવશો તમે? ઓય માનજી… હટાવ આ બધાને અહીથી અને એમ્બ્યૂલન્સને આવતાં કેટલી વાર લાગશે એ પૂંછ જરા.” તેણે હાકોટો મારીને માનજીને કહ્યું. માનજીનું મોઢું કટાણું થયું. ઓલરેડી બે વખત પોલીસ ચોકીએ અને ત્રણ વખત એમ્બ્યૂલન્સને તે ફોન કરી ચૂકયો હતો પરંતુ ન તો પંચનામું લખવા વાળા આવ્યાં હતા કે ન તો એમ્બ્યૂલન્સનું કંઈ ઠેકાણું હતું. માનજીએ ફરી ફોન ઘૂમડવો શરૂ કર્યો.

એ દરમ્યાન ઈન્સ્પેકટર પેલા માણસ નજીક ગયો અને તેની તરફ જોઈ પોતાની કમરે બન્ને હાથ ટેકવીને ઉભો રહ્યો. તે કદાચ કંઈક વિચારમાં હતો. એકાએક મને ખ્યાલ આવ્યો કે તે શું કામ ઉભો છે. કેમ કશું કરતો નથી. પેલો માણસ ગંદી વહેતી નિકમાં પડયો હતો. તે આખો કાદવથી રગદોળાયેલો હતો. તેની આસપાસની જમીન પણ એવી જ હતી. જો તેણે એ માણસને ચત્તો કરવો હોય તો ફરજીયાત પણે એ કાદવમાં ઉતરવું પડે અને એમ કરવામાં તેના બૂટ અને યુનિફોર્મ બગડે. અને એટલે જ તે બીજા માણસોની રાહ જોઈ રહ્યો હતો. ખબર નહી કેમ પરંતુ મને એ ગમ્યું નહી. તે થોડો અકડું અને અભીમાની… પોતાની પોસ્ટનો ગરૂર ધરાવતો હોય એવો અફસર લાગ્યો. તેણે જે રીતે જીમીને હડસેલો માર્યો હતો અને તેની સાથે તુમાખીભર્યું વર્તન કર્યું હતું એનાથી તો એવું જ લાગતું હતું. જોકે એમાં કંઈ નવિન નહોતું. લગભગ દરેક નવો પોલીસ અફસર એવો જ હોય છે એ સામાન્ય બાબત હતી. વળી નવી વહુનાં સો નખરાં એ કહેવત પણ મેં સાંભળી જ હતી. હું અને જીમી ત્યાંથી હટયાં હતા અને અમારી બાઈક પાસે આવ્યાં. આમપણ આવાં ઝમેલામાં મને કોઈ રસ નહોતો. એક જીજ્ઞાષા હતી જે મને અહી દોરી લાવી હતી. સવારનાં પહોરમાં બસ્તીમાં કોઈ ઘટના ઘટે અને મને એ ખબર ન હોય એ કેમ ચાલે! બસ્તીનાં લગભગ તમામ રહેવાસીઓને હું ઓળખતો હતો પરંતુ ખાડીમાં પડેલો એ વ્યક્તિ કોણ હતો એ તેના કપડા અને શરીરનાં આકાર ઉપરથી જાણવું મારે માટે પણ અઘરું હતું. આખરે થોડીવાર અહીં જ ઉભા રહેવાનું મન બનાવ્યું જેથી આ બનાવ વિશે કંઈક જાણી શકાય.

@@@

હાંફળો-ફાંફળો થતો માનજી ગામિત મારી તરફ દોડતો આવ્યો. તેનો ચહેરો ભયંકર ઉત્તેજનાને કારણે તરડાયેલો હતો. હજું હમણાં જ એમ્બ્યૂલન્સ આવી હતી અને તેની પાછળ ચોકીમાંથી બીજા કેટલાક કોન્સ્ટેબલો પણ આવ્યાં હતા.

“શું થયું દાદા? કેમ આટલાં વ્યાકુળ લાગો છો?” એકાએક હું ટટ્ટાર થયો. ગામિત મારી નજીક અટક્યો.

“એ… એ… જીવણો છે. મારો ભાઈબંધ. કોઈએ તેને ચીરી નાંખ્યો છે.” ગામિતનાં મોઢામાં શબ્દો સમાતાં નહોતા. તેના દેદાર ઉપરથી લાગતું હતું કે મિત્રનાં મોતનો જબરો ધક્કો તેને લાગ્યો છે.

“ઓહ…” મારી ભ્રકૃટી તંગ થઇ. હું જીવણને ઓળખતો હતો. બસ્તીની પાછળ… થોડે દૂર આવેલાં જંગલમાં તે એકલો રહેતો હતો. તે અડધો પાગલ અને તદ્દન નિરઉપદ્રવી વ્યક્તિ હતો. જંગલમાં તેણે નાનકડું ઝુંપડું બનાવ્યું હતું. કોઈએ તેનું ખૂન કરી નાંખ્યું હોય એ ભયાનક આશ્ચર્યની વાત હતી. અમારી બસ્તીમાં નાના-મોટા ઝઘડા થતાં પરંતુ ખૂન જેવી ભયંકર વારદાત બને એવું કોઈ ક્યારેય વિચારી પણ ન શકે. અને એ પણ જંગલમાં રહેતા જીવણાની “અરે પણ… તમે ક્યાં જાવ છો?”

“તેના ઘરે ખબર કરવાં.” ગામિત બોલ્યો. મારું આશ્ચર્ય બેવડાયું.

“એ તો ફોનથી પણ કરી શકાય ને..” મેં કહ્યું.

“તેની છોકરી પાસે ફોન નથી. તે અહી નજીક જ રહે છે. હું બોલાવી લાવું.” કહીને વળી પાછો તે દોડયો અને બસ્તીની ગલીઓમાં અંતર્ધાન થયો. જીવણને કોઈ છોકરી પણ છે એવું આજે મેં જાણ્યું હતું. મને ખ્યાલ છે ત્યાં સુધી વર્ષો પહેલાં તે એકલો જ જંગલમાં ચાલ્યો ગયો હતો. અમારી બસ્તીનાં છેવાડેથી ઘનઘોર કહી શકાય એવું જંગલ શરૂ થતું. બસ્તીમાથી ભાગ્યે જ કોઈ એ તરફ જતું કારણ કે જંગલી શિયાળવા, ઝરખ અને દિપડાઓની ભારે રંજાડ એ વિસ્તારમાં હતી. જીવણ પાસે જૂના સમયનું લ્યૂના મોપેડ હતું એનો મને ખ્યાલ હતો કારણ કે વર્ષમાં એકાદ વખત તે અમારાં ગેરેજે રિપેરિંગમાં આવતું. સાચું પૂંછો તો એ લ્યૂનાને કારણે જ હું જીવણને ઓળખતો હતો. લગભગ સાંઈઠેક વર્ષની ઉંમરે પહોંચેલો જીવણ સુથાર તેની જુવાનીમાં ફર્નિચરનો અચ્છો કારીગર હોવાનું મેં સાંભળ્યું હતું. પછી તે ગાંડો કેમ કરતાં થયો અને બસ્તી છોડીને જંગલમાં રહેવા શું કામ ચાલ્યો ગયો એ મને ખબર નહોતી. જ્યારે પણ લ્યૂના રિપેર કરાવવા અમારે ત્યાં આવતો ત્યારે કંઈ બોલતો નહી. ગાડી આપીને બસ એમ જ ખામોશ બેસી રહેતો. અરે ઘણી વખત તો લ્યૂના રિપેરિંગનાં પૈસા આપ્યાં વગર તે ચાલ્યો જતો. હું મામાને પૂછતો તો મામા કહેતાં કે એ દુઃખી માણસ છે. એની પાસેથી શું પૈસા લેવા. એ જીવણ અત્યારે મરી ચૂકયો હતો. માનજીનાં કહેવા મુજબ કોઈએ તેનું ઢિમ ઢાળી દિધું હતું. પણ શું કામ…? એ વિચિત્ર બાબત હતી. એક ન સમજાય એવી વિચિત્ર લાગણીએ મને ઘેરી લીધો. જરૂર કંઈક તો હશે જેના લીધે તેનું ખૂન થયું હશે. એકાએક ફરી પાછો હું એ ટોળા તરફ ચાલ્યો.

બરાબર એ સમયે જીવણને સ્ટ્રેચર પર નાંખીને એમ્બ્યૂલન્સમાં ચડાવવામાં આવ્યો. હું નજીક પહોંચ્યો ત્યારે એમ્બ્યૂલન્સનાં બારણાં બંધ થઈ ચૂક્યા હતા અને થોડી મિનિટોમાં એમ્બ્યૂલન્સ ત્યાંથી સિટી હોસ્પિટલ ભણી રવાનાં થઈ ગઈ. મારે તેને જોવો હતો જે હવે શક્ય બનવાનું નહોતું. અને આ નવો સાહેબ કંઈ જણાવશે નહી તેની મને પાક્કી ખાતરી હતી. હવે માનજી ગામિત એક જ એવો વ્યક્તિ હતો જે આ ઘટના વિશે મને જણાવી શકે. હું ખુદ નહોતો જાણતો કે આખરે મને આ મામલામાં આટલી જબરજસ્ત ઉત્સુકતા કેમ ઉદભતી હતી! એક અજાણ્યાં વ્યક્તિનાં મોતથી મને શું ફરક પડવાનો હતો? કે પડવાનો હતો..?

(ક્રમશઃ)

નો રીટર્ન-૧.

નો રીટર્ન-૨.

નસીબ.

નગર.

અંજામ.

અર્ધ-અસત્ય.

અંગારપથ.

આ સાત નવલકથાઓ ઓનલાઈન તેમજ પુસ્તક તરીકે ઉપલબ્ધ છે. તેના માટે 9099278278 પર વોટ્સએપ કરી શકો છો.

ધન્યવાદ.

પ્રવીણ પીઠડીયા.