Island - 3 books and stories free download online pdf in Gujarati

આઇલેન્ડ - 3

પ્રકરણ-૩.

પ્રવીણ પીઠડીયા.

એમ્બ્યૂલન્સ સિટિ હોસ્પિટલ ભણી ઉપડી ચૂકી હતી. એક બાબત તો સ્પષ્ટ થઈ હતી કે જીવણો સુથાર મરી ચૂક્યો છે. જે હાલતમાં તેની બોડી મળી હતી એ ઉપરથી લાગતું હતું કે બહુ ઠંડા કલેજે તેનું કાળસ કાઢી નાંખવામાં આવ્યું છે. તેના શરીર ઉપર ઠેકઠેકાણે અસંખ્ય ઘાવ હતા. અત્યંત ઘાતકી રીતે તેનું મૃત્યું નિપજાવવામાં આવ્યું હતું એમા કોઈ શક નહોતો. મરતી વખતે ચોક્કસ તેને સખત રીબાવવામાં આવ્યો હશે એવું મારું અનુમાન હતું. કદાચ એવું ન પણ હોય છતાં એ બાબતની ખાતરી કરવી હોય તો સિટિ હોસ્પિટલ જવું પડે એમ હતું. એક બીજો રસ્તો પણ હતો કે હું એકાદ દિ’ પછી માનજી ગામિતને પકડું. એ ભડભડિયો જીવ હતો. ચોક્કસ તે બધું જાણી લાવ્યો હશે એની મને ખાતરી હતી પરંતુ એ માટે એક દિવસની રાહ જોવી પડે એમ હતી જે મને મંજૂર નહોતું. કોણ જાણે કેમ પણ અચાનક મને જીવણા સુથારનાં મોતમાં અજીબ રસ પડયો હતો. મારી અંદર એક વિચિત્ર લાગણી ઉદભવી હતી જે અંદરથી ધક્કો મારીને મને હોસ્પિટલ ભણી ધકેલી રહી હતી. જીમી મારી બાજુમાં જ ઉભો હતો અને જે દિશામાં એમ્બ્યૂલન્સ ગઈ હતી એ દિશામાં જોઈ રહ્યો હતો. મારી જેમ તેના ચહેરા ઉપર પણ પારાવાર ઉત્તેજનાનાં ભાવો છવાયેલા હતા. જીવણાનાં અજૂગતા મોતથી એ પણ હલી ગયો હોય એમ લાગતું હતું. સાચી વાત એ હતી કે અમારા બન્નેમાંથી કોઈને પણ જીવણા સુથાર સાથે કંઈ લેવાદેવા નહોતી છતાં કોણ જાણે કેમ અત્યારે તે મારા દિમાગ ઉપર કબજો જમાવીને બેઠો હતો. સામાન્ય પ્રકારે જો તેનું નોર્મલ હાલાતમાં મૃત્યું થયું હોત તો કોઈ પ્રશ્ન જ ન ઉભો થયો હોત પરંતુ એવું થયું નહોતું. તે કમોતે મર્યો હતો અને તેનું મૃત્યું એક કોયડો બનીને મને હેરાન કરતું હતું. હું જીમી તરફ ફર્યો.

“શું આપણે બન્ને સરખું વિચારી રહ્યાં છીએ?” મેં પૂછયું. મારો ઈશારો એમ્બ્યૂંલન્સ પાછળ જવાનો હતો. તેણે મારી સામું તાક્યું. મારા માટે એટલું કાફી હતું. તેના જવાબની રાહ જોયા વગર આંખો ઉલાળીને મેં તેને બાઈક પાછળ બેસવા ઈશારો કર્યો અને કિક મારીને બાઈક સ્ટાર્ટ કરી.

“મોટા ભાઈ, ક્યારેક તમે બહું સમજદારી ભરી વાત કરી નાંખો છો.” તે દાંત બતાવતા બોલ્યો અને ઠેકડો મારીને બાઈક પાછળ ગોઠવાયો. તે બેઠો એ ભેગો જ પાછો નીચે ઉતરી ગયો. “તમે જાવ, હું અહી જ ઠિક છું.” એકાએક જ તે સાવ ફરી ગયો. ગણતરીની ચંદ સેકન્ડોમાં તેનો મૂડ બદલાયો હતો.

“કેમ, શું થયું?” મને હેરાની ઉપજી. ક્યારેક તે બહુ અજીબ રીતે વર્તતો હોય છે એની મને ખબર હતી.

“તેને સિટિ હોસ્પિટલ લઈ ગયા છે.” તેણે કહ્યું અને કંઈક વિચિત્ર રીતે મને તાકી રહ્યો.

“હાં મને ખબર છે, એમ્બ્યૂલન્સ તો એ તરફ જ ગઈ છે. અને આવા કેસ ત્યાં જ રિફર થાય છે.” મને તેનું વર્તન સમજાતું નહોતું કે અચાનક તેને શું થઇ ગયું! આ સમગ્ર ઈલાકામાં એક જ મોટી અને અધતન કહી શકાય એવી હોસ્પિટલ હતી… સિટિ હોસ્પિટલ. એટલે જ્યારે પણ કોઈ મોટી દૂર્ઘટના બનતી કે અન્ય કોઈ બાબત હોય તો સૌથી પહેલા સિટિ હોસ્પિટલ તરફ જ લોકો દોટ મૂકતાં. એમાં નવું કંઈ નહોતું. જીમીને પણ એ ખ્યાલ હતો જ.

“એ મને ખબર છે અને એટલે જ મારે નથી આવવું.” તે લગભગ કોઈ જક્કી આદમીની જેમ બોલ્યો અને નીચું જોઈને પગનાં અંગૂઠાથી જમિન ખોતરવા લાગ્યો. કદાચ મારાથી તે નજરો ચોરી રહ્યો હતો. પણ શું કામ…?

“હવે તું એક લાફો ખાઈશ. જે હોય એ ચોખવટ કરને ભાઈ. અત્યારે અણીનાં સમયે આમ ઉખાણા પૂંછવાનો સમય નથી મારી પાસે.” મને સખ્ખત ચીડ ચઢતી હતી. એક તો એમ્બ્યૂંલન્સ ક્યારની ચાલી ગઈ હતી અને ઉપરથી માથે ધોમ-ધખતો આકરો કાળો તડકો પરેશાન કરી રહ્યો હતો. ન ચાહવા છતાં જીમી ઉપર હું ઉકળી ઉઠયો.

“કેમ, ભૂલાય ગયું? તમારે ત્યાં કામે લાગ્યો ત્યારે પહેલા દિવસે જ તને અને મામાને બધું જણાવ્યું તો હતું.” તે મારી નારાજગીને બેધ્યાન કરતાં બોલ્યો.

“શું જણાવ્યું હતું?” મને ખરેખર અત્યારે કંઈ યાદ આવતું નહોતું કે એ સમયે તેણે શું કહ્યું હતું! અરે… તે ક્યારે અને કેટલા સમયથી અમારી સાથે છે એ પણ હવે તો વિસરાઇ ચૂક્યું હતું. એટલો ગાઢ સંબંધ બંધાઇ ગયો હતો અમારી વચ્ચે.

“એ જ કે પૂલની પેલે પાર હવે ક્યારેય હું પગ નહી મુકું. મારાં દાણા-પાણી એ ઈલાકામાં પૂરા થયા છે.” જીમીનાં અવાજમાં ન કળાય એવો એક ડર ભળ્યો હતો અથવા તો મને એવું લાગ્યું. હું વિચારમાં પડયો. મગજ ઉપર જોર કરીને એ દિવસ યાદ કરવાની કોશિશ કરી જે દિવસે પહેલી વખત જીમીનો ભેટો થયો હતો. પણ કંઈ યાદ આવ્યું નહી કારણ કે એ સમયે કદાચ એ બાબત એટલી બધી અગત્યની નહી લાગી હોય. ત્યારે અમારે એક યોગ્ય વ્યક્તિની તલાશ હતી જે અમારું ગેરેજ બરાબર સાચવી શકે અને એ માટે જીમી એકદમ પરફેક્ટ હતો.

“તું એક કામ કર, અત્યારે અહી જ રહે. હોસ્પિટલે હું એકલો જઈ આવું છું. ત્યાંથી પાછો ફરીશ ત્યારે તારી કહાની ફરીથી સાંભળીશ.” કોઈપણ ભોગે ઝડપથી હોસ્પિટલ પહોંચવાની મને તાલાવેલી જાગી હતી. જીવણ સુથારનું મોત મને ભારે બેચેન બનાવી રહ્યું હતું. મારો જીવ એમ્બ્યૂલન્સની પાછળ ચોંટયો હતો. મને લાગતું હતું કે જો મોડો પડીશ તો ચોક્કસ કોઈ મહત્વની કડી હું ખોઈ બેસીશ. એ ઉચાટ મનને બેચેન બનાવી રહ્યો હતી. એટલે જ જીમી કંઈ વધું બોલે, તેની બકબક શરૂ થાય એ પહેલા બાઈકને મેં સિટિ હોસ્પિટલ ભણી મારી મૂકી.

અમારી બસ્તીની બરાબર વચ્ચેથી પાકો ડામરનો રોડ નિકળતો હતો  જે સીધો જ સિટિ હોસ્પિટલે પહોંચતો હતો. બાઈકને મેં એ રસ્તે નાંખી. રોડની બન્ને બાજું કાચા-પાકા મકાનોની હારમાળા ખડકાયેલી હતી જે છેક પેલા પૂલ સુધી પહોંચતી હતી. એ પૂલ અડધો-એક કિમિ. લાંબો હશે. હોસ્પિટલે પહોંચવા ફરજીયાતપણે એ પૂલ પાર કરવો જ પડે. થોડીવારમાં જ હું એ પૂલ સુધી આવી પહોંચ્યો.

જબરજસ્ત ઉતાવળ હોવા છતાં ખબર નહી કેમ પણ પૂલનાં આ તરફનાં છેડે મેં બાઈક થોભાવી અને બાઈકનું ઈગ્નિશન બંધ કરી પૂલને તાકતો ઉભો રહ્યો. આ પૂલ ઉપરથી હજ્જારો વખત હું પસાર થયો હોઈશ પરંતુ ક્યારેય પૂલને નિરખવાનો કે એ વિશે વિચારવાનો ખ્યાલ મનમાં ઉદભવ્યો જ નહોતો. આજે પણ જીમીએ વાત છેડી ન હોત તો હું ઉભો રહ્યો ન હોત કારણ કે એક સામાન્ય પૂલમાં તો જોવા જેવું શું હોય? પરંતુ શું ખરેખર સામે દેખાતાં પૂલ બાબતે એવું હતું..? અચાનક મારાં મનમાં વંટોળ ફૂંકાયો અને એક ઝટકો વાગ્યો હોય એમ હું સ્તબ્ધતામાં સરી પડયો. ’ઓહ…’ એકાએક જીમીની એ પહેલી મુલાકાત યાદ આવી અને સાથે જ તેણે જે કહ્યું હતું એ પણ કોઈ ઝબકારાની જેમ તાજું થયું. એ પણ યાદ આવ્યું કે તેણે પૂલનાં સામાં છેડાની જીંગદી શું કામ છોડી હતી.

“મોટા ભાઈ, આ દૂનિયામાં ભૂખ્યા સૂઈ શકાય પરંતુ અપમાનિત થયા હોઈએને… ત્યારે ઉંઘ ન આવે.” જીમીનાં એ શબ્દો તેના અંતરમાંથી નીકળ્યાં હતા જેની પિડા તેના ચહેરા ઉપર સાફ છલકાતી હતી. “હું જ્યાં કામ કરતો હતો એ ઘર ઈન્દ્રનાં સ્વર્ગથી સહેજે ઉતરે એવું નહોતું. તેના ગેરેજમાં લક્ઝરી ગાડીઓની ભરમાર હતી. મારું કામ એ ગાડીઓનાં રખ-રખાવનું હતું જે બખૂબીથી હું સંભાળતો હતો. દોઢ વર્ષની મારી નોકરીમાં એક વખત પણ માલિકને ફરીયાદનો મોકો આપ્યો નહોતો છતાં, નાના માલિકે મને ન કહેવાનાં શબ્દો કહ્યાં હતા. અરે, મારી ઉપર હાથ પણ ઉપાડયો હતો. તમને ખબર છે શું કામ… મારી ભૂલ શું હતી…? એટલી જ ભૂલ કે નવી ખરેદેલી તેની બાઈકને યોગ્ય ઠેકાણે મૂકવા હું તેના ઉપર બેઠો. મને કહે હરામખોર, તારી હેસિયત પ્રમાણે રહેતા શિખ. અને પછી તેણે મને માર્યો. તેની ઝાપટ પડી હતી તો મારા ગાલ ઉપર પરંતુ એ નિશાન મારા જીગરમાં છપાયાં હતા. એ સમયે જ મેં નોકરી છોડી દીધી કારણ કે અપમાનિત થઇને જીવવા કરતા સ્વમાનથી ભૂખ્યાં રહેવાનું હું વધારે પસંદ કરું. અને એટલું જ નહી… હું કસમ ખાઈને નિકળ્યો છું કે આજ પછી એ ઘર તો શું એ ઈલાકામાં પણ પગ નહી મૂકું.”

બસ.. એ મતલબનું જ એ કંઈક બોલ્યો હતો એ સાવ અનાયાસે મને યાદ આવી ગયું. ત્યારે મેં તેની વાત ઉપર એટલું બધું ધ્યાન નહોતું આપ્યું કારણ કે દરેક વ્યક્તિ પોતાની તરફેણમાં શક્ય હોય એટલી દલિલો કરતો જ હોય છે અને વળી એ સમયે અમારે એક અચ્છા કારીગરની ખૂબ જ જરૂર હતી એટલે વધું વિચાર્યાં વગર અમે જીમીને અમારા ગેરેજમાં રાખી લીધો હતો. એ પછી તેના  જૂના માલિક વિશે તેણે એક શબ્દ પણ ક્યારેય ઉચ્ચાર્યો નહોતો. અમે પણ તેના ભૂતકાળને જાણવાની કોશિશ કરી નહોતી કારણ કે અમારે તેની સાથે કોઈ લેવાદેવા નહોતી. જો કે… જીમીનાં માલિકને હું સારી રીતે ઓળખતો હતો. હું તો શું, આ શહેરનો એક-એક વ્યક્તિ તેને જાણતો હશે એની મને ખાતરી હતી. એ વ્યક્તિ અને તેના ખાનદાન વિશે તો આખું પૂસ્તક ભરાય એટલી વાતો હતી પરંતુ એ વાત પછી ક્યારેક, અત્યારે એ અગત્યનું નહોતું. અગત્યનો હતો સામે દેખાતો પૂલ અને તેની પેલે પારની દુનિયા.

જીમીની વાત એક રીતે તો તદ્દન સાચી જ હતી. એ તરફ જે લોકો રહેતા હતા એ લોકોને મન માનવીય સંવેદનાઓ કરતા પૈસો વધું અગત્યનો હતો. ખરું પૂંછો તો આ પૂલની પેલે પારની સૃષ્ટિ અમારી ગંદી ગંધાતી બસ્તીથી તદ્દન ભિન્ન હતી. એ તરફ ખરેખર સ્વર્ગ હતું. જાણે કુદરતે પોતાના તમામ આશીર્વાદ એ ધરતી ઉપર વરસાવ્યાં ન હોય..! પૂલ હતો તો માત્ર અડધા કિમિ લંબાઈનો, પરંતુ અહી સવાલ અંતરનો નહોતો, સવાલ હતો એ વિસ્તારનો. ફક્ત બે-અઢી માઈલનાં અંતરમાં આખો સિનારિયો બદલાઈ જતો હતો. એ તરફ એક અલગ જ વિશ્વ હતું એમ કહો તો પણ ચાલે. રંગબેરંગી… ઝાકમઝોળ ભરેલી… પૈસાદાર, અતી ધનાઢ્ય લોકોની દૂનિયા હતી એ. જેમા અમારી જેવા લોકો માટે કોઈ સ્થાન નહોતું. ત્યાં અમારી હૈસિયત ફક્ત એ લોકોનાં બંગલાઓ કે મહેલ જેવા આલીશાન ઘરોમાં કામ કરનારા કારીગરોથી વિશેશ નહોતી.

ખેર, મેં ફરીવાર લીવર આપ્યું અને બાઈકને ગીયરમાં નાખી. બાઈકનાં એકઝોસ્ટ ભૂંગળામાંથી ધૂમાડાનો ભભકો બહાર ફેંકાયો અને માત્ર ગણતરીની સેકન્ડોમાં મેં પૂલ પસાર કર્યો અને... એ વૈભવી “આઈલેન્ડ”માં પ્રવેશ કર્યો.

@@@

યસ્સ, એ એક ’આઈલેન્ડ’ હતો. ઘણો વિશાળ, સુંદર, વેલ પ્લાન્ડ અને વેલ મેઈન્ટેડ આઈલેન્ડ. ત્યાં હતા વલ્ડ બેસ્ટ સર્વોત્તમ આર્કિટેક્ટ યુક્ત સુંદરતમ અને વૈભવી બંગલાઓ અને વિલાઓની હારમાળા, ખૂબ જ આકર્ષક અને મનોહર બગિચાઓ, અલાયદી વિશાળ લાઈબ્રેરી,  ચાર મજલા ઉંચો ટાઉનહોલ, પહોળા અને ચોખ્ખા રસ્તાઓ, શોપિંગ કોમ્પલેક્ષ, ચર્ચ અને મંદિર. અને સૌથી વધું ધ્યાન આકર્ષક હતો તેની ફરતે વિંટળાયેલો ક્રિસ્ટલ ક્લિયર પાણી ધરાવતો સમૃદ્ર કિનારો.

મેં કહ્યુંને કે આ તરફ સ્વર્ગ હતું અને મેં એ સ્વર્ગમાં કદમ મૂક્યાં હતા. મારી બાઈક ખૂલ્લા રસ્તા ઉપર સડસડાટ દોડતી ચંદ મિનિટોની અંદર સિટિ હોસ્પિટલનાં કમાનાકાર દરવાજે આવી પહોંચી હતી. અને… અહીથી જ મારી જીંદગીમાં એક ખતરનાક વળાંક આવ્યો હતો.

(ક્રમશઃ)