Runanubandh - 6 books and stories free download online pdf in Gujarati

ઋણાનુબંધ - 6

અજયનું મન જેટલું હળવું આજ થયું એથી વિશેષ પારાવાર તેને પસ્તાવો થઈ રહ્યો હતો. પિતા અને પુત્ર વચ્ચેની ભેદરેખા જેના લીધે બની હતી એ આજ સમગ્ર ઘટનાઓ એને ધીરે ધીરે સમજાઈ રહી હતી. આજ જાણે કુદરત પણ અજયની એના પપ્પા માટેની માનસિકતા બદલી રહ્યા હોય એમ અજયને બધું જ યાદ કરાવી રહ્યા હતા.

અજયના મમ્મીએ એને કીધેલી વાત એને યાદ આવી ગઈ. તેઓ ઘણી વાર કહેતા હતા કે, 'હું પરણીને આવી ત્યારે આપણો મોટો આખો પરિવાર સાથે રહેતો હતો પણ થોડા સમય બાદ આપણે અલગ રહેવા લાગ્યા જેથી ઘરનો ખર્ચ એકલા તારા પપ્પાથી પરવડે એમ નહોતું, તો એમણે મને પણ ભણવામાટે પ્રોત્સાહન આપ્યું અને નોકરી કરવા કહ્યું, જેથી ઘરનો ખર્ચ ઉઠાવવામાં એમને સાથ મળી રહે.' આ સામાન્ય જણાતી ઘરથી જુદા થવાની વાત અજયના માનસપટલ પર એટલી હદે હાવી થઈ ગઈ કે, અજય એના પપ્પાને ખુબ સ્વાર્થી અને લાગણીહીન જ સમજી બેઠો હતો. પણ આજ પપ્પા સાથેના સંવાદમાં એ જાણી શક્યો કે, ઘરના બધા જ સદશ્યો ના મતભેદથી મનભેદને થતા અટકાવવા એમણે પોતાના પરિવારથી વિખુટા પડીને પણ સબંધ જાળવવાનો એમનો પ્રયાસ હતો. ખુબ મોટી અસમજણ આજ અજયના મનમાંથી ભૂંસાઈ રહી હતી.

આ વાત યાદ આવી એની સાથોસાથ અજયને એ પણ યાદ આવ્યું કે, મમ્મીને ગવર્મેન્ટ જોબ મળી હતી જે બીજા ગામડે હતી, ઘણા પ્રયાસ છતાં મમ્મીને ટ્રાન્સફર ન જ મળ્યું આથી એમને ઘરથી દૂર રહીને ઘરમાટે પોતાનું સર્વસ્વ સુખ ન્યોછાવર કર્યું હતું. આમ મમ્મીથી દૂર રહેવાથી અજયને પોતાના મમ્મી તરફથી એક ખેંચાણ રહેતું જે હંમેશા અસંતોષ કારક જ રહેતું. ઘણી જગ્યાએ એ પોતાના મમ્મીની હૂંફ માટે તડપ્યો હતો. એમાં એને એના મમ્મીએ કરેલા બધા જ સમાધાન અને વેઠેલી તકલીફ જ એને દેખાતી હતી, પણ આજ અનાયસે અચાનક એને એના પપ્પાએ જે બંને ભાઈબહેન માટે ભોગ આપ્યો એ એની આંખ સામે તળવળી ઉઠ્યો હતો. જે મમ્મીની તકલીફો સાથે સરખાવીએ તો પપ્પાનું પલ્લું જ ભારે થઈ રહ્યું હતું. પપ્પાએ સરકારી નોકરીની સાથોસાથ ઘર, બાળકો, વહેવારીક પ્રસંગો વગેરે એકલે હાથે સાચવ્યું હતું. આજ અજયની આંખ પરથી એક પછી એક બંધ પટ્ટીઓ ખુલી રહી હતી. અજયની આંખો આજ ખુલવાની સાથે ખુલ્લી જ રહી ગઈ, અથાગ પ્રયાસ છતાં ઊંઘ કોષો દૂર જતી રહી હતી. અજયને વિચારોના વમળે એવો લપેટમાં લીધો હતો કે અજય પસ્તાવા ની સાથોસાથ પોતાને એકલતામાં ડૂબેલો જોઈ રહ્યો હતો. આંખ દીવાલની છતને સતત તાકી રહી હતી.

સવારના સૂર્યોદયના આછા કિરણોના પ્રકાશે હળવો પ્રકાશ અજયની આંખ પર પાડીને એની આંખને બીડીને થોડો આરામ આપવા થનગની રહ્યો હોય એમ અજયના રૂમમાં પ્રવેશી રહ્યો હતો. કુદરત જાણી ચુકી હોય કે અજયને જે જ્ઞાન જણાવવાનું હતું એ અજયે પર્યાપ્ત કરી લીધું, આથી જ કુદરત પણ એને થોડો આરામ આપવા ઈચ્છતી હોય એમ સૂરજની કિરણો અજયને મીઠી ગાઢ નિંદરમાં પોઢાડી રહી હતી. આખી રાતના બેચેન અને વ્યાકુળ રહીને થાકેલું અજયનું મન અંતે થાકીને ઊંઘના શરણે જતું જ રહ્યું હતું.

ગલતફેમીના આવરણો મન પરથી ઉતરી રહ્યા હતા,
દિલના ઉદવેગો નકામી ક્ષણો કોતરીને કાઢી રહ્યા હતા,
આજ સુધી જે સુકું ભેંકાર રણ રહ્યું,
દોસ્ત! લાગણીતણાં અમીછાંટણા ત્યાં થઈ રહ્યા હતા.

અજય ખુબ ગાઢ ઊંઘમાં અમુક કલાક ઊંઘી ગયો હતો. આખી રાતની ઊંઘમાં જે થાક એનો દૂર નહોતો થતો એ આ અમુક કલાકે દૂર કર્યો હતો. અજય આળસની સાથોસાથ બધી જ નેગેટિવિટીને મળડીને ઉઠ્યો. અને સીધો જ પપ્પાના રૂમ તરફ નજર કરવા ગયો. હસમુખભાઈ જાગી ગયા હતા. એ પૂજાખંડમાં પૂજા કરવામાં મશગુલ હતા. અજય બાળપણથી જ આમ પપ્પાને પૂજા કરતો જોતો આવ્યો છે, છતાં આજ અજયને એક અલગ જ ઉર્જા આ દ્રશ્ય જોતા મળી, એણે દૂર ઉભા રહીને જ ભગવાનના દર્શન કર્યા અને કોલેજ જવા એ રેડી થવા ગયો હતો.

અજય તૈયાર થઇને બહાર આવ્યો ત્યારે હસમુખભાઈ મોબાઈલમાં વ્યસ્ત હતા. એમણે પોતાના દીકરાને જોઈને અંદાજો કાઢી જ લીધો કે, અજય આજ આખી રાત શાંતિથી ઊંઘ્યો નહીં છતાં સવાર સવારમાં જૂની વાત ઉચ્ચારવી એમને યોગ્ય ન લાગી આથી તેઓ મૌન રહી ફક્ત હળવા હાસ્ય સાથે જ દીકરાને આવકારી રહ્યા હતા. અજયે પણ સુંદર બનાવટી હાસ્ય વહેરી પપ્પાની સામે જોયું અને પૂછ્યું, 'પપ્પા જલ્દી ઉઠી ગયા તો મને કેમ ન જગાડ્યો?'

હસમુખભાઈએ કહ્યું, 'ના દીકરા, હું રોજ જે સમયે ઉઠું છું એજ સમયે ઉઠ્યો હતો, પૂજા પતાવી હમણાં જ અહીં બેઠો. હસમુખભાઈએ ચા બનાવી રાખી હતી. બંનેએ ચા નાસ્તો કર્યા અને હસમુખભાઈ એમના મિત્રોને મળવા નીકળ્યા અને અજય કોલેજ પહોંચવા રવાના થયો હતો.

અજયનો આજનો દિવસ ગઈકાલના દિવસ કરતા ઘણો સારો ગયો. એ કોલેજમાં લેક્ચર પર સરખું ફોકસ કરી શક્યો. એકચિત્તે આજ ઘણા સમયે એણે લેક્ચર લીધો હતો. વિદ્યાર્થીઓ પણ આજ ઘડી ઘડી કોઈ પ્રશ્ન કરતા નહોતા એ વાત પરથી અજય સમજી શક્યો કે આજ એનું કામ સારી રીતે નિભાવી શક્યો છે.

રઘુકાકા પણ અજયમાં આજ આવેલ બદલાવને અનુભવી શક્યા હતા. રઘુકાકાએ બ્રેકના સમયમાં અજયને પૂછી જ લીધું, "આજ તારી આખો કંઈક અલગ અને તારું વ્યક્તિત્વ અલગ ભાવ ઉપજાવી રહ્યું છે. તું ખુશ હોય એ અનુભવાઈ છે પણ આંખો આજ થાકેલી અને ખુબ રડી હોય એવું લાગે છે. બધું ઠીક છે ને સાહેબ?' રઘુકાકા અજયને સાહેબના સંબોધનથી બોલાવતા હતા. તેઓ પોતાની મર્યાદા જાણતા જ હતા. અજયે અનેક વાર કહ્યું હશે, કાકા તમે મને અજય બોલાવી શકો છો, પણ કાકા એમ કહેતા કે, સાહેબ તમારી પ્રસિદ્ધિ એટલી છે કે મને તુંકારો આપી તમારું અપમાન કરું એવું લાગે આથી મારાથી તો સાહેબ જ કહેવાશે.

અજય બોલ્યો, 'કાકા તમે કેમ આમ મારુ મન વાંચી લો છો? હું તમને કઈ જ ન કહું છતાં તમે મારા મનને જાણી લો છો.'

રઘુકાકા બોલ્યા, 'સાહેબ સબંધ જયારે સ્વાર્થ વગરનો હોય ને, ત્યારે સહેવાતી લાગણી દિલથી હોય છે. આથી વણ કહેલા શબ્દો પણ દિલ સાંભળી લે છે!'

અજયે ફક્ત સાચી વાત એમ ટુંકમાં જ જવાબ આપ્યો અને લેક્ચર લેવા ફરી રવાના થયો હતો.

આજ અજયનું મન ખુશ હતું તો બધું જ બરાબર થઈ રહ્યું હતું. કામને પૂર્ણ ન્યાય આપતો હોવાથી પોતે સંતુષ્ટ હતો. અને મનને પણ શાંતિ જણાય રહી હતી.

આજનો દિવસ સુખમય પૂર્ણ કર્યા બાદ એ બંને પિતા અને પુત્ર એ આજ ઘણા સમય બાદ ઘરે ભોજન કર્યું હતું. જમીને બંને ફ્રી બેઠા ત્યારે અજયે હવે કાલની વાતને ફરી ઉચ્ચારતા એ બોલ્યો, પપ્પા ભાવિનીને હવે ફોન કરીને એનો મંતવ્ય હું પૂછી લઉં છું.'

હસમુખભાઈ એ કહ્યું, 'ચાલ હું ભાવિને ફોન કરું છું.'

હસમુખભાઈએ ભાવિનીને ફોન લગાડીને અમુક ઔપચારિક વાત કરી અને ફોન અજયના હાથમાં થમાવ્યો હતો.

અજયે ભાવિનીને એના ખબરઅંતર પૂછ્યા, અમુક ઔપચારિક વાત કરી અને પછી કહ્યું, મારે તારી સાથે એક ખાસ વાતની ચર્ચા કરવી છે.

ભાવિની પોતાનો શું મંતવ્ય આપશે? સ્તુતિ બદલાતા જીવનનો સ્વીકાર કરશે? અજય સાથેનું અધૂરું સ્તુતિ નું ઋણાનુબંધ શું ભાગ ભજવશે એ જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે.

આપ દરેક વાચકમિત્રનો પ્રતિભાવ મારે માટે ખુબ અમૂલ્ય છે. સારા નરસા જે પણ યોગ્ય લાગે એ પ્રતિભાવ આપ આપી શકો છો. આપના પ્રતિભાવની આશાસહ જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻