Prarambh - 53 books and stories free download online pdf in Gujarati

પ્રારંભ - 53

પ્રારંભ પ્રકરણ 53

કેતન જ્યારે લલ્લન પાંડેને વીસ કરોડ રોકડા આપીને ઘરે જતો હતો ત્યારે એણે રુચિ મખીજાને ફોન કરેલો. રુચિ મખીજા આ સમાચાર સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગઈ હતી અને એણે બીજા દિવસે કેતનને ગ્રાન્ડ પાર્ટી આપવાની વાત કરી હતી. સાથે સાથે એણે કેતનને એવું પણ કહ્યું કે હું એક સરપ્રાઈઝ પણ તમને આપવાની છું.

એ સરપ્રાઈઝ શું હોઈ શકે એના વિશે કેતને રસ્તામાં થોડું મનોમંથન કરી જોયું પરંતુ એ સમજી શક્યો નહીં.

બીજા દિવસે સવારે ૯ વાગે કેતન ઉપર રુચિનો ફોન આવ્યો.

"કેતન જી ...આજે સાંજે ૭ વાગે તમને મારા ઘરે ડીનર માટેનું આમંત્રણ છે. સમયસર પધારજો." રુચિ હસીને બોલી.

" જી. ઠીક છે. હું આવી જઈશ. " કેતને જવાબ આપ્યો.

કેતન સાંજે છ વાગે નીકળીને રુચિના બંગલે સાંજે ૭ વાગે પહોંચી ગયો. પાર્લાથી ખાર બહુ દૂર નથી છતાં સાંજના ટ્રાફિકના કારણે એક કલાક જેવો સમય થયો.

" વેલકમ કેતન જી. તમારી આટલી સફળતા માટે જ આજની આ ડીનર પાર્ટીનું આયોજન કર્યું છે. આમ તો આને પાર્ટી કહેવાય જ નહીં કારણ કે જમવામાં તમે અને હું બે જ છીએ છતાં મારા તરફથી આ પાર્ટી જ છે. " રુચિ હસીને બોલી.

"અરે પણ જાતે આ બધું બનાવવાની ક્યાં જરૂર હતી ? આપણે હોટલમાં પણ ડીનર લઈ શક્યાં હોત !" કેતન બોલ્યો.

"નવેમ્બર મહિનો ચાલુ થઈ ગયો એટલે હવે રાત પણ વહેલી પડી જાય છે. મેં એટલા માટે જ તમને થોડા વહેલા બોલાવ્યા. આપણે ૮ વાગે જમવા બેસીશું તો ચાલશે ને ?" રુચિ બોલી.

" જમવાની મને કોઈ ઉતાવળ નથી તમે કહો ત્યારે. " કેતન બોલ્યો.

" મારે તમને જે સરપ્રાઈઝ આપવાનું છે એની ચર્ચા અત્યારે જ કરી લઈએ તો ? " રુચિ બોલી.

" જેવી તમારી ઈચ્છા. મને તો એ સાંભળવાની ખૂબ જ તાલાવેલી છે. " કેતન હસીને બોલ્યો.

" તો સાંભળો. હું કાયમ માટે હવે અમેરિકા જઈ રહી છું. ન્યુયોર્કમાં ક્વિન્સ વિસ્તારમાં મારું પોતાનું મોટું હાઉસ છે. અમે છ મહિના માટે અહીં આવેલા પરંતુ દોઢ વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ગયો અને પપ્પા પણ ગુમાવી દીધા. હું સાવ નાનકડી હતી અને પપ્પા મમ્મી અમેરિકા ગયેલા એટલે મુંબઈ તો મેં પહેલી વાર જોયું એમ કહો તો પણ ચાલે. નાનપણથી ત્યાં જ રહેલી છું એટલે અહીંયા મને જોઈએ એવી મજા આવતી જ નથી મારો ટાઈમ જ પાસ થતો નથી. " રુચિ બોલી રહી હતી.

" મારું ત્યાં ફ્રેન્ડ સર્કલ પણ ઘણું મોટું છે. ત્યાંની સિસ્ટમ અહીંના કરતાં ખૂબ જ જુદી પડે છે. મુંબઈ નો ડાઉટ ઘણું સારું છે અને અહીં આઝાદી પણ ઘણી છે છતાં મારે માટે તો ન્યૂયોર્ક એટલે ન્યૂયોર્ક ! એટલે મેં ત્યાં પાછા જવાનો નિર્ણય લઈ લીધો છે. હવે મુદ્દાની વાત ! " રુચિ બોલી રહી હતી.

" જુઓ મેં તો આ પ્લૉટની આશા જ ગુમાવી દીધી હતી. તમે અચાનક મને મળ્યા અને આટલા ટૂંકા સમયમાં તમે મને પ્લૉટ પાછો લાવી આપ્યો. આ પ્લૉટ ખાલી કરીને લલ્લન પાંડે તમને પાછો આપશે એ મારા માટે તો એક ચમત્કાર જ છે. જે બિલકુલ અશક્ય હતું એ શક્ય બન્યું છે કારણ કે મુંબઈ જેવા શહેરમાં આટલી મોટી ઝુંપડપટ્ટી ખાલી થઈ જાય એ માન્યામાં જ નથી આવતું. " રુચિ બોલી રહી હતી.

"એટલે આ આખોય પ્લૉટ હું તમને ગિફ્ટ આપી રહી છું. મારી પાસે મારા દાદા દાદીના વારસાના ઘણા બધા રૂપિયા અને પપ્પાએ કમાયેલા ઘણા બધા ડોલર છે. કિલોના ભાવે ગોલ્ડ ઝવેરાત પણ છે. એટલે મારી પાસે ૧૦૦ કરોડ જેવી તો સંપત્તિ છે જ. મારે એકલીને કેટલા પૈસા જોઈએ ? પપ્પા પણ આ બધું અહીં છોડીને ચાલ્યા ગયા. " રુચિ બોલતી હતી.

"મને કન્સ્ટ્રક્શન લાઈનનો કોઈ અનુભવ નથી. તમારી સાથે ભાગીદારી કરીને પણ મારે તો કંઈ કરવાનું રહેતું જ નથી. હા મેં તમને પ્લૉટ ખાલી કરવા માટે જે ૩૦ કરોડ રૂપિયા આપ્યા છે એ તમે મને પાછા આપી દેજો. કાયદેસર રીતે પ્લૉટનું વેચાણ હું તમારા નામે કરવા માગું છું. પ્લૉટ મારા નસીબમાં હોત તો કોઈ પણ રીતે મને સફળતા મળી હોત પણ તમે આ કેસ હાથમાં લીધો અને પ્લૉટ પાછો મળી ગયો એટલે મને એમ જ લાગે છે કે આ પ્લૉટ સાથે તમારો જ કોઈ ઋણાનુબંધ છે." રુચિ આજે કોઈ અલગ જ મૂડમાં વાત કરી રહી હતી.

" અરે પણ રુચિ.... " કેતન કંઈક બોલવા જતો હતો પણ રુચિએ રોક્યો.

" મને બોલવા દો કેતનજી. હવે આ બંગલાની વાત કરું તો આ બંગલો મારા દાદાએ બનાવેલો છે. કુલ ૨૪૦૦ ચોરસ વાર જગા છે. મુંબઈની ભાષામાં કહું તો ૨૧૬૦૦ ચોરસ ફૂટ જગ્યા છે. એની ચાવી તમને આપતી જઈશ. આ બંગલો પણ હું તમારા નામે ટ્રાન્સફર કરીને જઈશ. જે પણ બજાર કિંમત ચાલતી હોય એનો અડધો ભાવ તમે મારા ખાતામાં જમા કરી દેજો. તમારી પ્રમાણિકતા ઉપર મને વિશ્વાસ છે. " રુચિ બોલી.

રુચિ એક પછી એક સરપ્રાઈઝ આપતી હતી અને કેતન આશ્ચર્યથી સાંભળી રહ્યો હતો. અચાનક જ રુચિમાં જબરદસ્ત પરિવર્તન આવી ગયું હતું. કરોડો રૂપિયાની માયાથી રુચિ વિમુખ થઈ ગઈ હતી. રુચિ વાતચીત જ એવી રીતે કરી રહી હતી કે કેતન સામે કોઈ દલીલ કરી શકે તેમ ન હતું. જેવી રીતે કોઈ જૈન કન્યા દીક્ષા લેવાનું એક વાર નક્કી કરી લે પછી કોઈ પ્રલોભન તેને અટકાવી શકતું નથી.

" ઠીક છે રુચિ તમે આવો નિર્ણય કરી લીધો છે તો મારે હવે કંઈ બોલવા જેવું રહેતું નથી. " કેતન બોલ્યો.

" તમે એક કામ કરજો. લલ્લન પાંડેને મળીને સૌથી પહેલાં સરકારી રજીસ્ટર માંથી અને ૭/૧૨ ના ઉતારામાંથી એનું નામ દૂર કરાવી દેજો અને એ પ્લૉટનું એક વેચાણ ખત પણ તૈયાર કરાવી દેજો જેથી રજીસ્ટ્રાર ઓફિસમાં એને રજીસ્ટર કરાવીને એ પ્લોટ હું તમારા નામે ટ્રાન્સફર કરી શકું. આ બધું કામ જેટલું વહેલું પતી જાય એટલું સારું." રુચિ બોલતી હતી.

"તમે કોઈ નોટરીને મળીને મારા આ બંગલાનું વેચાણ ખત પણ તૈયાર કરાવી દો જેથી રજીસ્ટ્રાર ઓફિસમાં જઈને એ પણ હું તમારા નામે કરાવી દઉં. આ બંગલાના તમામ પેપર્સની ફાઈલ મારી પાસે તૈયાર જ છે એ જમ્યા પછી હું તમને આપી દઈશ." રુચિ બોલી.

એવું લાગતું હતું કે જાણે બધી જ તૈયારી કરીને રુચિએ કેતનને ઘરે બોલાવ્યો હતો.

" સારું હવે મારી એક વિનંતી છે કે બંગલાની કિંમત તમે નક્કી કરો. તમે મારા ઉપર નહીં છોડો. તમને જે પણ રકમ યોગ્ય લાગે તે તમે મને કહી શકો છો. મારે ઉતાવળ નથી. તમે અહીંના બે-ચાર દલાલોને પૂછીને પછી ફિગર નક્કી કરી શકો છો. કારણ કે મારાથી કંઈ પણ ઓછું અપાઈ જાય એ મને મંજૂર નથી." કેતન બોલ્યો.

"હું ગણત્રીબાજ નથી અને મારે કોઈ દલાલને પૂછવું પણ નથી. તમારા અંતર આત્માને જે યોગ્ય લાગે એ રકમ તમે મને ચેકથી જ આપી દેજો. મારે કોઈ બે નંબરના પૈસા જોઈતા નથી. " રુચિ બોલતી હતી.

"આ બંગલો બહુ જૂનો થઈ ગયો છે તમે એને તોડીને તમારી ડિઝાઈન પ્રમાણે નવો બંગલો પણ બનાવી શકો છો અને તમારી પોતાની રહેવાની ઈચ્છા ના હોય તો તમે અહીં મોટી સ્કીમ પણ મૂકી શકો છો. " રુચિ બોલી.

" અહીંથી મારા ગુરુતુલ્ય ભગવાન શ્રી રામકૃષ્ણ દેવનું મંદિર બિલકુલ બાજુમાં જ છે. મને તો એવું જ લાગે છે કે એ જ મને એમની તરફ ખેંચી રહ્યા છે. આ જગ્યાનો કોમર્શિયલ ઉપયોગ હું નહીં કરું. તમારી આ ગિફ્ટ મારા માટે બહુમૂલ્ય છે." કેતન બોલ્યો અને એની આંખો ભીની થઈ ગઈ.

" વિશ્વમાં બનતી કેટલી ઘટનાઓ ઈશ્વરના પ્લાનિંગ પ્રમાણે જ બનતી હોય છે. અચાનક તમારું શિવસાગર રેસ્ટોરેન્ટમાં મળવું, તમારા પ્લૉટ સાથે મારે જોડાવું અને તેમાં સફળતા પણ મળવી, તમારા આ બંગલાની માલિકી મને મળવી એ બધું યોગાનુયોગ તો ના જ હોય રુચિ ! આ બધી ઘટનાઓ પાછળ ઈશ્વરની કોઈક તો યોજના હશે જ ! બસ, આપણે એને સમજી શકતા નથી ! " કેતન બોલ્યો.

" હવે તમને સાવ સાચી વાત કહું ? " રુચિ બોલી.

" હા હા બોલોને... મને જાણવામાં રસ છે જ. " કેતન બોલ્યો.

" પરમ દિવસે રાત્રે મારા સપનામાં લાંબી દાઢીવાળા એક સંત આવ્યા હતા અને એમણે જ મને આ આદેશ કર્યો છે. એ સપનું એવું હતું કે સવારે જાગ્યા પછી એમના તમામ સંવાદો મને યાદ હતા. વાતચીત પૂરી થયા પછી એ સંતે તાજા મોગરાનાં ફૂલો મારા હાથમાં આપ્યાં અને મારી આંખ ખુલી ગઈ " રુચિ બોલી.

" માત્ર સપનાની વાતથી આટલો મોટો નિર્ણય લઈ લીધો અને કરોડોનો પ્લૉટ મને આપી દીધો ? " કેતને પૂછ્યું.

"ના સાવ એવું નથી. મારી આંખ ખુલી ત્યારે મારી પથારીમાં મારા ઓશિકાની બાજુમાં જ એ મોગરાનાં તાજાં ફૂલો પડેલાં હતાં. મતલબ કે એ મહાન સંત ખરેખર અહીં હાજર થયા હતા. એ માત્ર સપનું ન હતું. અને સંતની બાજુમાં મારા પપ્પાને પણ મેં ઉભેલા જોયા. એમણે પણ સંતની વાતને સમર્થન આપ્યું. મૃત્યુ પછી પપ્પાને પહેલી વાર મેં આ રીતે મારી સાથે વાતચીત કરતા મેં જોયા. સંતે મને ત્યાં સુધી કહ્યું કે પ્લૉટની જગ્યા શાપિત જગ્યા છે. પરંતુ કેતનને એટલે કે તમને કોઈ જબરદસ્ત સુરક્ષા કવચ મળેલું છે એટલે તમે જો એ જગ્યાના માલિક બનશો તો તમને કોઈ શાપ નુકસાન નહીં કરે અને એ જગ્યા ખૂબ જ ફળશે. " રુચિ બોલતી હતી.

" એમણે મને આ જગ્યા તમને ગિફ્ટ આપવાની વાત કરી. મારા પપ્પાએ પણ એ જ વાત કરી એટલે પછી મેં આ નિર્ણય લઈ લીધો. એમણે મને આ બંગલો કાઢીને કાયમ માટે અમેરિકા જવાની સલાહ પણ આપી અને કહ્યું કે તારી કર્મભૂમિ અમેરિકા છે, મુંબઈ નથી. " રુચિ બોલી.

" પણ તો પછી તમે બંગલો મને શા માટે અડધા ભાવે આપવાની વાત કરી ? સંત મહાત્માએ તો બંગલાની કોઈ વાત કરી જ નથી !! પૂરા પૈસા લેવાનો તમારો હક બને છે. " કેતન બોલ્યો.

"કેતન જી મેં પહેલાં જ તમને કહ્યું કે રૂપિયા પૈસાનો મને કોઈ જ મોહ નથી. આખી જિંદગી એન્જોય કરું એટલા પૈસા તો મારી પોતાની પાસે છે જ. અને જ્યારે સંત મહાત્મા સપનામાં આવીને મને તમને આ પ્લૉટ ગિફ્ટ આપવાની વાત કરે ત્યારે તમારામાં એવું કંઈક તો હશે જ ! તમારો અને મારો પરિચય બહુ નથી. પરંતુ તમે કોઈ સાધારણ વ્યક્તિ તો નથી જ ! તમે જે રીતે આ કામ પાર પાડ્યું એ જોઈને મને પણ લાગ્યું કે આ સામાન્ય માણસનું કામ હોઈ જ ના શકે. એટલે મારે તમારી પાસેથી પૂરા પૈસા લેવા જ નથી. મને એટલું તો પૂણ્ય કમાવા દો !" રુચિ હસીને બોલી.

" અરે રુચિ તમે મને ચણાના ઝાડ ઉપર ના ચડાવો. હું કોઈ સંત મહાત્મા નથી. " કેતન હસીને બોલ્યો.

" તમે કોણ છો ? કેવા છો ? એ તમે જાતે કદી ના જોઈ શકો. દર્પણ પણ સાચું ચિત્ર રજૂ કરતું નથી. ચાલો હવે મને દસ મિનિટ આપો હું કિચનમાં જાઉં છું. રસોઈ જરા ગરમ કરી લઉં." રુચિ બોલી અને ઊભી થઈ.

દસેક મિનિટ પછી કિચનમાંથી રુચિનો અવાજ આવ્યો.

"કેતન જી...ચાલો હવે હાથ મ્હોં ધોઈને ડાઇનિંગ ટેબલ ઉપર આવી જાવ "

કેતન વોશ બેસિન પાસે જઈને હાથ મ્હોં ધોઈ ફ્રેશ થઈ ગયો અને ડાઇનિંગ ટેબલ ઉપર આવી ગયો.

કેતનના આશ્ચર્ય વચ્ચે આજે જમવામાં એની પ્રિય દાળ ઢોકળી હતી.

" વાઉ ! મને તો જાણે પાંચ પકવાન મળ્યાં. આજનું ડીનર લાજવાબ છે. તમને આ વિચાર આવ્યો જ કેવી રીતે ? અને આ મારી પ્રિય ડીશ છે એ તમને કેવી રીતે ખબર પડી ? " કેતને આશ્ચર્યથી પૂછ્યું.

" મને સપનામાં સંત મહાત્માએ કહ્યું કે કેતનજીને દાળઢોકળીનું ડીનર આપજે." રુચિ ખડખડાટ હસીને બોલી.

" તમે પણ જબરી મજાક કરો છો હોં !" કેતન હસીને બોલ્યો.

" છે ને સરપ્રાઈઝ ? " રુચિ બોલી.

" આ સાચું સરપ્રાઈઝ છે !! ' કેતન હસીને બોલ્યો.

" તમને યાદ હોય તો સુરત જતાં પહેલાં તમે અને હું શિવસાગર હોટલમાં ભેગાં થયાં હતાં. અને મેં તમને ૩૦ કરોડના ચેક લખી આપ્યા હતા." રુચિ બોલી.

" હા બરાબર યાદ છે. " કેતન બોલ્યો.

" તમારી આંખ અને કાન ખુલ્લા હોય તો બધી જ માહિતી મળી જાય. એ વખતે તમારી ઉપર તમારાં ભાભીનો ફોન આવેલો. ભાભીએ જે પણ કહ્યું હોય પરંતુ જવાબમાં તમે એવું કહેલું કે હા ભાભી અત્યારે દાળઢોકળી જ બનાવો. એ તો મારી સૌથી પ્રિય ડીશ છે. બસ ચેક લખતી વખતે આ મેં સાંભળી લીધેલું." રુચિ બોલી.

" વાહ ! તમે પણ ગજબ છો. મારી વાતચીત સાંભળીને તમે દાળઢોકળી નો પ્લાન બનાવ્યો એની તો હું કલ્પના પણ કરી શકતો નથી. " કેતન બોલ્યો.

રુચિએ તજ લવિંગનો વઘાર કરીને સુંદર દાળઢોકળી બનાવી હતી. એણે કેતનની થાળીમાં દાળ ઢોકળી પીરસ્યા પછી એમાં સારું એવું ઘી નાખ્યું અને ઉપરથી અડધું લીંબુ નીચોવ્યું.

" અરે અરે.. આ બધું તો હું જાતે કરી લઈશ." કેતન બોલ્યો.

"હવે ખાઈને બોલો. મને તમારાં ભાભી જેવી દાળઢોકળી આવડે છે કે નહીં ? " રુચિ હસીને બોલી.

" દાળ ઢોકળી અમારા ગુજરાતીઓની ખૂબ જ ફેવરેટ આઈટમ છે અને દરેક ગુજરાતીના ઘરમાં દર રવિવારે અથવા કમ સે કમ ૧૫ દિવસમાં એક રવિવારે તો દાળ ઢોકળી બનતી જ હોય ! " કહીને કેતને જમવાનું ચાલુ કર્યું.

" લાજવાબ ! વેરી ડીલીસીયસ !! " કેતન પહેલો કોળિયો ચાખીને એટલું જ બોલ્યો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)