RETRO NI METRO - 32 books and stories free download online pdf in Gujarati

રેટ્રો ની મેટ્રો - 32

રેટ્રોની મેટ્રો સફર રેટ્રો ચાહકો માટે લઈને આવી છે વાત- લતા, માલા, ચંદ્રમુખી, પુષ્પા, મધુમતી, માધવી, રાધા અને ધન્નોની....ન સમજ્યા? અરે ...વિવિધ ફિલ્મોમાં આ તમામ ભૂમિકાઓ ભજવનાર અભિનેત્રી છે વૈજયંતીમાલા અને આજે રેટ્રો ની મેટ્રો સફર આપણે કરીશું અભિનેત્રી વૈજયંતીમાલા સાથે.
તો યાદ આવ્યું ને? "બહાર" ફિલ્મમાં લતા, "નાગિન" ની માલા, "દેવદાસ"ની ચંદ્રમુખી, "કઠપુતલી" ની પુષ્પા, "મધુમતી" ની મધુમતી માધવી અને રાધા,.... રાધા "સંગમ"માં પણ ખરી અને "ગંગા જમુના" ની ધન્નો.. આહા.... કેટલી વૈવિધ્યસભર ભૂમિકાઓને સુપેરે ન્યાય આપ્યો છે વૈજયંતિમાલાએ.
ભારતીય સિનેમાની અભિનેત્રી,ભરતનાટ્યમ ડાન્સર, કોરિયોગ્રાફર,કર્ણાટક સંગીતના ગાયિકા,સાંસદ અને ભારતીય સિનેમાના પ્રથમ મહિલા સુપરસ્ટાર..... સિનેમા ઉપરાંત જીવનમાં પણ,તેમણે અનેક ભૂમિકા ઓ સફળતાપૂર્વક ભજવી.
વૈજયંતીમાલા ની પ્રથમ હિન્દી ફિલ્મ "બહાર" 1949 માં પ્રદર્શિત થઈ.આ ફિલ્મ તામિલ અને તેલુગુ માં બનેલી blockbuster ફિલ્મની રિમેક હતી. પોતાના સંવાદ પોતે જ બોલવાના આગ્રહી વૈજયંતીમાલા હિન્દી ફિલ્મ"બહાર"માટે હિન્દી શીખ્યા.
વૈજયંતીમાલા અભિનીત "નાગીન",૧૯૫૪ મા પ્રદર્શિત થઈ અને વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની. આ ફિલ્મમાં વૈજયંતીમાલાના અભિનયના ખૂબ વખાણ થયા. તેજસ્વી અભિનય પ્રતિભા અને અદભુત નૃત્ય કલાના સંયોજને એવો જાદુ ચલાવ્યો કે "નાગીન" બ્લોક બસ્ટર જાહેર થઇ. ફિલ્મનું મુખ્ય આકર્ષણ બનેલું ગીત "મન ડોલે મેરા તન ડોલે...". ગીત ની પ્રખ્યાત બિન મ્યુઝિક ની ધૂન સંગીતકાર જોડી કલ્યાણજી- આનંદજી ના કલ્યાણજી એ વાયોલિન પર અને સંગીતકાર રવિએ હાર્મોનિયમ પર એવી સરસ રીતે સર્જી કે આટલા વરસો પછી પણ તેની લોકપ્રિયતામાં કોઈ ફેર પડ્યો નથી."નાગીન" ફિલ્મ વખતે કલ્યાણજી અને રવિ સંગીતકાર હેમંતકુમાર ના આસિસ્ટન્ટ તરીકે કામ કરતા હતા. પાછળથી આ બંને પ્રતિભાવાન કલાકારો સ્વતંત્ર સંગીતકાર તરીકે પણ સફળ કારકિર્દી ના ઘડવૈયા બન્યા.
દેવદાસ, નયા દૌર, મધુમતી અને પૈગામ પછી "ગંગા જમના" વૈજયન્તીમાલા ની દિલીપકુમાર સાથે ની પાંચમી ફિલ્મ હતી. "ગંગા જમના" ની ધન્નો ની ભૂમિકા માટે વૈજયંતીમાલા ભોજપુરી બોલતા શીખ્યા. તેમના આ ફિલ્મના અભિનય માટે તે સમયે આલોચકો એ કહ્યું હતું કે "ગામડાની સ્ત્રીનું પાત્ર વૈજયંતીમાલા એ,એટલી સાદગી અને સહજતાથી નિભાવ્યું છે કે તમે ભૂલી જશો કે તેઓ આ સમયની ગ્લેમરસ અભિનેત્રીઓ મા ના એક છે."
તો હવે યાદ કરીએ ,વૈજન્તીમાલા ની દિલીપ કુમાર સાથેની પહેલી ફિલ્મ "દેવદાસ"ને. 1955માં પ્રદર્શિત આ ફિલ્મમાં વૈજયંતિમાલાએ ચંદ્રમુખીનું પાત્ર ભજવ્યું.જે માટે તેમને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ એનાયત થયો,પણ તેમણે તે ન સ્વીકાર્યો અને કહ્યું કે "ચંદ્રમુખી ની ભૂમિકા ફિલ્મમાં પારોની ભૂમિકા જેટલું જ મહત્વ ધરાવે છે તેથી બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ આ ભૂમિકા માટે સ્વીકારી શકાય નહીં."
ચંદ્રમુખી ની ભૂમિકા બીમલ દા એ સૌથી પહેલાં નરગીસને અને ત્યાર પછી બીના રાય તેમજ સુરૈયાને ઓફર કરી હતી પણ આ તમામ અભિનેત્રીઓએ પારોની ભૂમિકા કરવાની ઈચ્છા વ્યક્ત કરી ભૂમિકાનો અસ્વીકાર કર્યો તેથી અંતે ચંદ્રમુખી ની ભૂમિકા વૈજયંતીમાલાને સોંપવામાં આવી. તેમણે ભૂમિકા એટલી સચોટ રીતે ભજવી કે તેમને ફિલ્મ ફેર એવોર્ડ જીતાડી ગઈ.
વૈજયંતીમાલા એક નૃત્યાંગના છે અને તેથી જ તેમની એક ફિલ્મ આપણે યાદ કરવી જ પડે. ૧૯૫૭માં ફિલ્મ "કઠપૂતલી" માં પુષ્પાની યાદગાર ભૂમિકા તેમણે ભજવી. બલરાજ સહાની સાથે આ તેમની પહેલી ફિલ્મ .આ ફિલ્મના ડાયરેક્ટર અમીયા ચક્રવર્તીની આ છેલ્લી ફિલ્મ,તેમના નિર્દેશનવાળી આ અધૂરી ફિલ્મ પછી ડાયરેક્ટર નિતીન બોઝે પૂરી કરી. આ ફિલ્મમાં સ્ટ્રીટ ડાન્સ, કથકલી તેમજ વિવિધ લોકનૃત્યો વૈજયંતિમાલાએ જુદા જુદા ગીતોમાં ખુબ સરસ રીતે રજુ કર્યા છે. "બાકકડ બમ બમ બાજે ડમરુ…" આ ગીતના પિક્ચરાઇઝેશન ને હવે યાદ કરો, જી હા .... મોરના પીછાવાળા વસ્ત્રોથી સજ્જ વૈજયંતિમાલાએ આ ગીતમાં મયલીઅટ્ટમ અને કુથુ જેવા લોકનૃત્યો દર્શાવ્યા છે.
1949 માં વૈજયંતિ માલાએ હિન્દી સિને જગતમાં એન્ટ્રી કરી તે પછી ૧૯૫૫માં તેમણે એક ફિલ્મફેર એવોર્ડનો અસ્વીકાર કર્યો હતો ત્યાર પછી 1958માં આયોજીત સમારંભમાં ઘોષણા થઈ "ફિલ્મફેર એવોર્ડ ફોર ધ બેસ્ટ એક્ટ્રેસ ગોઝ ટુ વૈજયંતિમાલા ફોર ધ ફિલ્મ સાધના."
જે ભૂમિકાએ વૈજયંતીમાલા અને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ અપાવ્યો તે ફિલ્મ સૌથી પહેલાં નિમ્મી ને ઓફર કરવામાં આવી હતી. પણ ફિલ્મની ભૂમિકા એક પ્રોસ્ટિટ્યૂટની હોવાથી ,નિમ્મી તે કરવામાં ખચકાતી હતી. નિમ્મી એ ફિલ્મનો અર્સ્વીકાર કર્યો અને આ દમદાર ભૂમિકા ભજવવાની તક મળી વૈજયંતિમાલાને. સ્ક્રિપ્ટ સાંભળીને તરત જ તેમણે ફિલ્મ સ્વીકારી અને એટલો અદ્ભુત અભિનય કર્યો કે ફિલ્મફેર એવોર્ડ જીતી લીધો. ત્યાર પછી "ગંગા જમના" અને "સંગમ" માટે પણ તેમને એવોર્ડ એનાયત થયો.1968માં, તેમને ભારત સરકાર દ્વારા ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો.૩૭ વર્ષ સુધી -સૌથી વધુ ,
એટલે કે ૯ ફિલ્મફેર એવોર્ડ મેળવનાર ફિલ્મનો રૅકોર્ડ જેના નામે હતો તે ફિલ્મ એટલે "મધુમતી". નેશનલ એવોર્ડ વિનર ફિલ્મ નું કેટલુક શૂટિંગ રાનીખેત નૈનીતાલ ના પહાડી વિસ્તારોમાં કરવામાં આવ્યું. છ અઠવાડિયા નું આઉટડોર શૂટિંગ શિડયુલ પૂરું કર્યા પછી જ્યારે નેગેટિવ ડેવલપ કરવામાં આવી તો ઘણા ખરા સીન્સ ધુમ્મસને કારણે ફરી શૂટ કરવા પડે તેમ હતા. ફરીથી રાનીખેત નૈનીતાલ જઈ,આઉટડોર શૂટિંગ કરવું મોંઘુ પડે તેથી ઇગતપુરી નજીકના વૈતરણા ડેમ અને આરે મિલ્ક કોલોની નજીકના જંગલમાં શૂટિંગ ગોઠવાયું અને ધુમ્મસની ઇફેક્ટ માટે ગેસ બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો. ફિલ્મમાં વૈજન્તીમાલા એ જે ચાંદીના ઘરેણા પહેર્યા હતા તે તેમના પોતાના જ્વેલરી કલેક્શનમાંથી પસંદ કર્યા હતા તો ફિલ્મના એક ગીતના શુટિંગ દરમિયાન વૈજયંતિ માલાનો પગ ઘવાયો હતો.ફિલ્મ"આમ્રપાલી"(1966) માં તેના અભિનય માટે પ્રશંસા મેળવી હતી, જે વૈશાલી રાજ્યની ગણિકાના જીવન પર આધારિત હતી.તેમની નોંધપાત્ર સફળ ફિલ્મોમાં સૂરજ (1966), જ્વેલ થીફ (1967),સંઘર્ષ (1968) અને પ્રિન્સ (1969)નો સમાવેશ થાય છે.
ફિલ્મ ગંવાર (1970) માં મુખ્ય ભૂમિકા ભજવ્યા પછી, વૈજયંતિમાલાએ અભિનય ઉદ્યોગમાંથી નિવૃત્તિ લીધી. જોકે ત્યાર પછી પણ નૃત્યના ક્ષેત્રે તેઓ કાર્યરત રહ્યા અને નૃત્ય ક્ષેત્રના તેમના યોગદાન માટે સંગીત નાટક અકાદમી પુરસ્કારથી તેમને નવાજવામાં આવ્યા હતા,જે કલાક્ષેત્રે સમર્પિત કલાકારોને આપવામાં આવતું સર્વોચ્ચ ભારતીય સન્માન છે.
ક્રમશઃ
© શ્વેતલ પટેલ
સુરત.