Ishq Impossible - 3 books and stories free download online pdf in Gujarati

ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 3

હું થોડો સમય તો ટોળકીની ચર્ચા સાંભળતો રહ્યો,પછી મારી ધીરજનો અંત આવી ગયો.
"અરે કોઈ મને તો પૂછો?"છેવટે મેં વિરોધ નોંધાવ્યો.
સૌરભ મારી સામે ચહેરા પર અચંબાના ભાવ લાવીને જોવા માંડયો,"એમાં પૂછવાનું શું? તારા જેવા ભયંકર ઘનઘોર સિંગલના જીવનની એક જ અભિલાષા હોય છે કે
તેની પણ એક ગર્લફ્રેન્ડ હોય! અને અમે તારી એજ ઈચ્છા પૂરી કરવા જઈ રહ્યા છીએ.તારે તો અમારા ચરણો ધોઈ ધોઈને પીવા જોઈએ.એની જગ્યાએ તું વાંધા વચકા કાઢી રહ્યો છે?"
"અરે હું વાંધા વચકા નથી કાઢી રહ્યો...પણ.."
"પણ શું?"
" એજ કે..પૂછો તો ખરા!"
સૌરભના ચહેરા પર કંટાળાના ભાવ આવ્યા."તને વાંધો છે?ફિકર ન કરીશ.આવતા મહિને રક્ષાબંધન છે.તમારી ભાઈ બહેનની જોડી અમે મેળવી આપીશું.તારે તો બહેન પણ નથી ને?"
હું ગભરાયો,"અરે પણ બહેન બનાવવાનું કોણ કહી રહ્યું છે?"
સૌરભ મારકણું હસ્યો,"બકા એક કહેવત છે. વ્હીસ્કી લેવા જવી અને ગ્લાસ સંતાડવા..."
"છાશ લેવા જવી અને દોણી સંતાડવી એવી કહેવત છે." મેં સુધારો કર્યો.
સૌરભ પાછો ભડક્યો,"તું મારો કહેવાનો મતલબ સમજી ગયો ને?હવે વધુ જ્ઞાન આપવાની જરૂર નથી.મુદ્દો એ છે કે અંદરખાનેથી તારા મનનું વાંદરું ઉછળકૂદ મચાવી રહ્યું છે પણ બહાર તારે નાટક કરવા છે.એટલે શાંતિ રાખ અને જે થાય છે તે થવા દે."
સૌરભ બોલતો હોય પછી તેના ચમચા શા માટે પાછળ રહે?
પ્રકાશ પણ મેદાનમાં કૂદ્યો," હા.સાવ સાચી વાત છે.સ્પષ્ટ જણાઈ રહ્યું કે આના અંદરનો શક્તિ કપૂર જાગૃત થઈ ગયો છે પણ વાત અમોલ પાલેકર જેવી કરશે!"
મેં ટોળકી સામે હાથ જોડયા,"હવે આગળ વધીએ?"
સૌરભે ફરી વાતનો દોર પોતાના હાથમાં લીધો,"જો એક વાત તો નક્કી છે કે આનો કેસ આપણે હાથ પર નહી લઈએ તો જીવલેણ થઈ શકે છે.મને તો લાગે છે કે આના માટે તો એરેન્જ મેરેજ પણ અઘરા પડશે.રિજેક્ટ થઈને પાછો આવશે.હવે તે યુગ આથમી ચૂક્યો છે કે જ્યાં દીકરો ગમે તેવો બબૂચક હોય બાપાઓ પોતાના પાવર ઉપર તેના લગ્ન સુંદરી સાથે કરાવી દેતા હતા.આજકાલ તો સાક્ષાત સલમાન ખાનના પણ લગ્ન નથી થઈ રહ્યા.એ કહેવત અમસ્તી નથી પડી કે દીકરીને ગાય મન ફાવે ત્યાં જાય."
હું માનસિક રીતે એટલો હતાશ થઈ ગયો હતો કે મેં આ વખતે સૌરભની કહેવતમાં સુધારો કરવાનો કોઈ પ્રયત્ન ન કર્યો.
"પણ કરીશું શું? અત્યારે જૂન નો મહિનો ચાલી રહ્યો છે. વેલેન્ટાઈન ડે તો ખાસ્સો દૂર છે."નીરવ બોલ્યો.
સૌરભે નકારમાં માથું ધુણાવ્યું," ના.એ ડાયરેક્ટ અપ્રોચ આપણા જેવા હીરો લોગ માટે છે. આ બાઘા માટે બીજી વ્યૂહરચના વિચારવી પડશે. પહેલા તો છોકરી સાથે મિત્રતા વધારે પડશે.પછી ધીમે ધીમે તેને ઇમ્પ્રેસ કરીને..."
લાંબો સમય ચૂપ રહેલો આલોક હવે બોલ્યો,"તો તો માંડી જ વાળો.આનામાં છોકરી ઈમ્પ્રેસ થાય તેવું શું છે? મિશન ઈમ્પોસિબલ છે આ તો!"
સૌરભ ઉત્સાહમાં આવી ગયો,"આ મિશન ઈમ્પોસિબલ આપણે પૂરું કરીશું.વી કેન ડુ ઈટ!"
"પણ કઈ રીતે?"હું બોલ્યો.
"જો ખોટું ન લગાડીશ પણ તારી બાબતમાં એવી તો કોઈ શક્યતા નથી કે તું સીધો પ્રોપોઝ કરીશ અને છોકરી હા પાડી દેશે.એટલે પહેલા તારે ઓળખાણ વધારવી પડશે.પછી મિત્રતા વધારવી પડશે અને અંતે ..."
મેં સૌરભને બોલતો અટકાવ્યો,"પંચવર્ષીય યોજના ન બનાવીશ.સૌથી પહેલા એ છોકરીનું નામ જાણવું પડશે.પછી ઓળખાણ વધારિશ.અને આગળ જેવી પરિસ્થિતિ હશે તેવો નિર્ણય લઈશું."
"ઠીક છે.તો છોકરીનું નામ અને બેકગ્રાઉન્ડ તું જાણી લાવ.પછી આપણે આગળની યોજના બનાવીએ."સૌરભે મારા કથનને અનુમોદન આપ્યું.
"પણ...છોકરીનું નામ ક્યાંથી ખબર પડશે?"હું ગુંચવાયો.
સૌરભ મારી તરફ નિરાશાથી જોઈ રહ્યો ,"થોડું કામ તો તારે જાતે કરવું પડશે ને! બધું અમે કરી આપીશું તો પ્રેમને પામવાનો આનંદ પણ નહીં આવે. એક કામ કર. પહેલા તું પ્રયત્ન કર જો.તારો પ્રયત્ન નિષ્ફળ થાય તો અમે બહારથીઓ મેદાનમાં ઉતરીશું. એક વાત તો ખબર છે ને કે યુદ્ધમાં બ્રહ્માસ્ત્ર સૌથી અંતમાં વાપરવામાં આવે છે. નાના નાના સિપાઈઓ સામે બ્રહ્માસ્ત્ર વાપરી નાખશો તો મોટા યોદ્ધાઓ સામે શું કરશો?"
"ઠીક છે.હું કંઈક કરું છું." મેં જવાબ આપ્યો.
મેં આ પડકાર ઝીલી તો લીધો પણ મારા મગજમાં આ બાબતમાં કોઈ વિચાર નહોતો કે છોકરી વિશે માહિતી હું ક્યાંથી અને કેવી રીતે મેળવીશ. પણ ટોળકી સામે મારી નબળાઈ બતાવવાનો પણ કોઈ અર્થ નહોતો. પ્રથમ પગલે જો હું હાર માની જાઉં તો આ લોકોને મારી મજાક ઉડાવવાનો પૂરતો મસાલો મળી રહે.
એટલે એ વાત તો નક્કી હતી કે આ કામ મારે જ કરવાનું હતું. પણ કઈ રીતે?

ક્રમશ: