Ishq Impossible - 7 books and stories free download online pdf in Gujarati

ઈશ્ક ઈમ્પોસિબલ:એક બાઘાની લવસ્ટોરી - 7

ફોન મારા પિતાજીનો હતો.
મેં ધડકતા હૃદયે વાતચીત ચાલુ કરી,"હા પપ્પા બોલો!"
"કશું બોલવાને લાયક તે મને છોડ્યો છે?"
મને અંદાજો તો આવી ગયો હતો છતાં મેં ભોળા બનીને વાતચીતની શરૂઆત કરી.
"મને એવું જાણવા મળ્યું કે મારો એક્સિડન્ટ થયો છે અને હું આઇસીયુમાં દાખલ છું.કમાલની વાત છે નહી? મારો એક્સિડન્ટ થયો છે અને મને જ ખબર નથી! તને શું લાગે છે?હું જીવતો તો રહીશને?"
મેં નવનીતભાઈ ને મનોમન મને જેટલી ગાળો આવડતી હતી તે બધી દઈ દીધી.પણ પ્રશ્ન એ હતો કે પિતાજીને શું જવાબ આપવો?
પણ પિતાજી સાંભળવાના નહી બલ્કે સંભળાવવામાં મૂડમાં હતા.
"તને શરમ આવે છે?"
"..........."
"એક તો ચાલુ ગાડીએ ચઢે છે અને ઉપરથી આવા જુઠ્ઠાણાં ચલાવે છે?"
"..........."
હજી પિતાજી લાંબુ ચલાવવાના મૂડમાં હતા પણ ત્યાં મેં જોયું કે ડોક્ટર મને કૉલ બંધ કરવા ઈશારો કરી રહ્યો હતો.
"હું તમને પછી કૉલ કરું." કહીને મેં કૉલ બંધ કર્યો અને ડોક્ટર સામે જોઈ રહ્યો.
ડોક્ટરના ચહેરા પર નારાજગી હતી."ડોક્ટર સાથે વાતચીત ચાલુ હોય એટલો સમય તમે મોબાઈલથી દૂર નથી રહી શકતા?"
હું ચૂપ રહ્યો.
ડોક્ટર બોલ્યો," જુઓ આમ તો મને લાગતું નથી કે કોઈ તકલીફ હોય પણ માથા ની ઇજા છે તો સીટી સ્કેન કરાવી લઈએ.જો એમાં કંઈ એબનોર્મલ ન નીકળે તો સાંજે તમે ઘરે જઈ શકશો."
"જી આભાર." મેં કહ્યું.
ડોક્ટરે વિદાય લીધી અને મારું ધ્યાન પાછું બંને છોકરીઓ પર કેન્દ્રિત થયું.બંને ગુસ્સામાં હતી.
"આ શું બકવાસ હતો?"સહેલીએ પ્રશ્ન કર્યો.
મેં સહેલીની ઉપેક્ષા કરીને સ્વપ્નસુંદરી તરફ હાથ વધાર્યો," હું પ્રવીણ મહેતા."
પણ સ્વપ્નસુંદરીએ મારા હાથની એજ રીતે ઉપેક્ષા કરી," આ મજાક યોગ્ય નહોતી,મિસ્ટર પ્રવીણ!"
"સોરી.હું તો જરા વાતાવરણ હળવું કરવા માંગતો હતો.તમારો પરિચય જાણી શકું?"
સ્વપ્નસુંદરીના ચહેરા પર સ્મિત આવ્યું,"બીજલી ગીરાઈ મૈં હું આઇ,કહતે હૈ મુઝકો હવા હવાઈ!"
અને આના પર બંને ઊભી થઈ,"અચ્છા તો હમ ચલતે હૈ!"
આ તો મારું શસ્ત્ર મારા પર જ વાપરવામાં આવી રહ્યું હતું!
અને બંને વિદાય થઈ પછી હું વિચારમાં પડ્યો.હજી સ્વપ્ન સુંદરીનું નામ અને ફોન નંબર હું મેળવી નહોતો શક્યો.
પણ છોકરી મને ઓળખતી થઈ હતી એ પણ મોટું આશ્વાશન હતું.
"અભી ના જાઓ છોડકર, દિલ અભી ભરા નહી" હું ગણગણવા માંડ્યો.
ત્યાં જ મારા મોબાઈલની રીંગટોન ફરી વાગી અને મારા રોમેન્ટિક મૂડનું બાષ્પીભવન થઈ ગયું.પિતાજી ફરી કૉલ કરી રહ્યા હતા.
મેં અનિચ્છાએ ફોન ઉપાડ્યો,"જી બોલો!"
"તારા બાપનું કપાળ બોલો!" પિતાજી બોલ્યા.
હવે આનો શું ઉત્તર આપવો?
"તારા લોફર મિત્રોને પૂછ્યું તો તેને પણ ખબર નથી કે તું ક્યાં છે.કઈ જગ્યાએ રખડી રહ્યો છે તું?"
"હું હોસ્પિટલમાં છું."
"શું?"
"મારો એક્સિડન્ટ થયો છે."
થોડી વાર શાંતિ છવાયેલ રહી.પછી પિતાજીનો કડક અવાજ આવ્યો,"પહેલા મારો એક્સિડન્ટ થયો હતો.હવે તારો એક્સિડન્ટ થઈ ગયો?તો કોઈ નશો કરીને તો નથી બેઠોને? ઘેર આવ પછી તારી વાત છે!"
કહીને તેમણે કૉલ કાપી નાખ્યો અને હું સ્વપ્નસુંદરીની યાદો સાથે એકલો પડ્યો.

*******
મારા બધા ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા.ડોક્ટરે દવાઓ લેવાની સૂચના સાથે મને વિદાય કરી દીધો હતો.જોકે સ્વપ્નસુંદરી મને નજરે ન પડી.તે બિલનું પેમેન્ટ કરીને હોસ્પિટલમાંથી વિદાય લઈ ચૂકી હતી.તેની સાથે જ તેની ઓળખાણ કરવાની મારી ક્ષીણ આશા પણ પડી ભાંગી. હું હોસ્પિટલ થી બહાર નીકળ્યો અને ઘર જવા રિક્ષા પકડી.
હું બિલ્લીપગે ઘરમાં પ્રવેશ કરવા માંગતો હતો પણ પિતાજી મારી પ્રતીક્ષામાં જ હતા.
"પધારો,કુંવર!"તેમણે મારું સ્વાગત કર્યું. પરિસ્થિતિ ગંભીર હતી.
પણ હું તૈયારી સાથે આવ્યો હતો,"તમને મારી વાત પર વિશ્વાસ નથી?તો જુઓ આ હોસ્પિટલનું ડીસ્ચાર્જ સર્ટિફિકેટ! આ જુઓ દવાઓ!"
હવે ગુસ્સાનું સ્થાન ચિંતાએ લીધું,"શું થયું?વધુ વાગ્યું નથીને?"
હું મારા પરિવારને અપડેટ આપીને નવરો થયો ત્યાં સૌરભનો ફોન આવ્યો," બકા..ક્યાં છે? તારા બાપા તને શોધતા હતા."
"હું ઘરે જ છું.પણ ક્યાં હતો તે એક લાંબી વાર્તા છે.તને વિશ્વાસ નહી આવે તેવી ઘટના મારી સાથે ઘટી ચૂકી છે."
"એવું?આવું કહીને તે મારી ઉત્સુકતા વધારી દીધી છે. હું હમણાંજ તારે ઘેર આવું છું."સૌરભ બોલ્યો.
અને ખરેખર એક કલાકની અંદર સૌરભ મારી સામે બેઠો હતો.
"બોલ હવે." સોફા પર ફેલાઈને બેઠા પછી તેણે પ્રશ્ન કર્યો. મેં એક ઊંડો શ્વાસ લીધો અને બોલવાનું ચાલુ કર્યું.
મેં ધીરે ધીરે તેને આખી કહાણી સંભળાવી દીધી.
સૌરભ હતપ્રભ થઈને મારી સામે જોઈ રહ્યો.

ક્રમશ:


Share

NEW REALESED