Visamo - 9 books and stories free download online pdf in Gujarati

વિસામો.. 9

~~~~~~~

વિસામો - 9 - 

~~~~~~~

 

આસ્થાએ કોળિયા વાળો પોતાનો હાથ થોડો વધારે નજીક કર્યો અને કહ્યું,

"ખાઈ લે વિશુ, પહેલી વાર કોળિયો ધરું છું જિંદગીમાં તને,.. ફરી આવો મોકો મળશે કે કેમ ખબર નથી,... બહુ સંતોષ નો કોળિયો લાગશે તને આ ઘરમાં,.. શરમ આવતી હોય મારે હાથે ખાતા - તો માંનો હાથ સમજીને પણ ખાઈ લે,"  

 

વિશાલનું દિલ એના દિમાગ સાથે યુદ્ધ લલકારી ઉઠ્યું હતું,.. એનું મન નબળું પડતું જતું હતું,.. આસ્થા નો મોહ પગથી માથા સુધી વ્યાપી રહ્યો હોય એવું એને લાગતું હતું,..  પરંતુ, વિશાલ એ પણ જાણતો હતો કે જો એ નબળો પડશે તો એ પાછો જઈ નહિ શકે,.. 

 

~~~~~~~

 

પોતાના દિલને ખુલ્લું નહિ થવા દેવા માટે અને આસ્થા ની આશાઓને વધારે હવા નહિ આપવા માટે, એ શક્ય એટલી કોશિશ કરી રહ્યો હતો,.. તેમ છતાં એણે આસ્થાના હાથે અચકાતા, ખચકાતા કોળિયો ખાધો,

 

 "કેવું બન્યું છે ?" 

 "હંમ,.. ?" 

 "જમવાનું,.. ? " 

 એ કશું બોલ્યો નહિ,... 

 

"બહારના પકવાન જેવું નહી જ હોય, પણ સાચું કહું તો ઘરનું એ ઘરનું,.. સાત્વિક ભોજન કહેવાય,.. તું ભલેને ગમે ત્યાં જમતો હોય પણ મારા જેવું બનાવી ને કોઈ તને જમાડી શકે એવું શક્ય જ નથી,.. અને એમ પણ કોઈને થોડી ખબર હોય કે તને શું શું ભાવે છે,... ,..., ..., ....  " 

વિશાલ એને જોઈ રહ્યો,.. એ ઘણું બધું બોલી રહી હતી,.. ક્યાંય સુધી બોલતી રહી,..  પણ એ શું કહી રહી હતી એનાથી એ તદ્દન બેધ્યાન હતો,.. વિશાલ ના કાન સુધી કશું જ પહોંચતું નહોતું,.. 

વિશાલ માત્ર એના ફફડતા હોઠ જોઈ શકતો હતો,.. આસ્થાનાં મોં માંથી નીકળતા દરેક શબ્દો જાણે ફૂલ બની ને હવામાં ઉડતા ઉડતા એની ઉપર ખરી જતા હોય એમ મહેસૂસ થવા લાગ્યા,.. એ આસ્થાની સામે અનિમેષ જોતો રહ્યો હતો,.. 

 

અચાનક આસ્થાનું ધ્યાન ગયું,.. 

"અરે,.. કેમ બેસી રહ્યો છું,.. જમી લે,.. કે પછી રાહ જુએ છે મારા બીજા કોળીયાની  ? " - એણે થોડું શરમાતા શરમાતા વિશાલને પૂછ્યું 

 

વિશાલ ભાનમાં આવ્યો,.. 

 

"તે કીધું નહિ મને,.. "  આસ્થાએ પૂછ્યું 

 

"શું ?"

 

"કેવું બન્યું છે ? જમવાનું ?" 

 "સાચેજ, માં ની યાદ આવી ગઈ,.." - વિશાલે નોર્મલ થતા જવાબ આપ્યો 

 "મને હતું જ, માં ની યાદ આવી જશે તને,.. માં પાસેથી જ શીખી હતી ને હું,... આમેય આઠ વરસમાં ક્યાંય મળ્યું નહિ હોય આવું ખાવાનું,.. તું તારે ખા શાંતિથી,.. કશું જોઈએ તો માંગજે, શરમાતો નહિ,..  "

 "એક કામ કરીએ સાથે ખાઈએ,.. ...ચાલ, .. " 

અણધાર્યો આવેલો વિશાલનો પ્રસ્તાવ એને ખૂબ જ ગમ્યો,.. એ ના ના પાડી શકી,..  રાતના બાર વાગે બન્નેએ સાથે જમવાનું શરુ કર્યું,.. 

આસ્થા કોળિયા દેતી ગઈ અને એ જમતો ગયો,.. 

વચ્ચે વચ્ચે આસ્થા પોતે પણ ખાતી રહેતી હતી,.. 

વિશાલને આઠ વર્ષે જાણે પહેલી વાર ભણે બેસીને શાંતિ થી ખાધું હોય એવો અહેસાસ થયો,.. આજે એને સમજાયું કે ડોક્ટર હોય, એન્જીનીયર હોય, કે કોઈ દહાડી મજૂર હોય, જો બે ટાણા શાંતિથી ખાઈ ના શકાતું હોય તો કમાયેલું બધું જ શું કામનું ? લોકો જિંદગી આખી આટલી દોડ-ધામ કરતા શું કામ હોય છે ? બે ટાણા પોતાની ગમતી વ્યક્તિ ની સાથે શાંતિ નો રોટલો ખાવા માટે... 

એના મનમાં પોતાના જ સવાલો નો વરસાદ થઇ આવ્યો, - "શાંતિ નો રોટલો છે ક્યાં ? બાદશાહ ની પાસે કે આસ્થા પાસે ? હું શું કરું છું મારી જિંદગી સાથે? કયા રસ્તે નીકળ્યો છું હું ? અને ક્યાં પહોંચવું છે મારે ? કોની માટે હું લોકોને લૂંટવા લાગ્યો છું ? શું મળશે એનાથી મને ? મારી જરૂર બાદશાહને છે કે મારી બહેન અને જેને હું મારી જિંદગી સમજુ છું એને ? શું કરીશ હું આ દિશાવિહીન જીવન નું ?" 

 

આસ્થા જોઈ રહી હતી વિશાલને,.. એ સમજતી હતી કે મનનું મનોમંથન કોઈના સહારા વિના જાતે જ કરવું પડતું હોય છે.. એણે વિશાલને પૂરતો સમય લેવા દીધો, અને જરાયે ખલેલ વિના એને એના વિચારોની સાથે જમવા દીધો,..   

એનો આખો જમણવાર પૂરો થઇ ગયો આ જ વિચારોમાં,.. જે આસ્થાની નજર થી છાનું નહોતું,..   

જમવાનું પૂરું કરી આસ્થાએ પાણી ની ધાર કરી 

હાથ કોરા કરવા આસ્થાએ રૂમાલ ધર્યો,.. રૂમાલને અવગણીને વિશાલે એની બાંધણી ના પાલવથી પોતાના હાથ કોરા કર્યા,..  

આસ્થાની આંખો ભરાઈ ગઈ,.. એણે ઘણી વાર એને જોયો હતો એની માના પાલવથી હાથ કોરા કરતો,.. 

એક જ દિવસ માટે મળેલું આસ્થા સાથે નું આ ગૃહસ્થ જીવન એને માટે અનમોલ હતું, આવો સમય ફરીથી મળશે કે કેમ એ નક્કી નહોતું,.. વારે વારે એનું દિલ ખેંચાઈને બાદશાહની દુનિયામાંથી નીકળી આસ્થાની દુનિયા માં આવવા તરસી જતું હતું,.. .

 

ખાલી થાળી લઈને આસ્થા રસોડા માં પહોંચી અને એ એની પાછળ રસોડાના દરવાજે ખભાના ટેકે અદબ વાળી આસ્થાને પાછળથી કામ કરતી જોતો રહ્યો,.. . 

    

~~~~~~~~~~~

 

ગિરિજા શંકરની તમામ હરકતો રાતના અંધારામાં થવાની શક્યતાઓ વધારે હતી,..  જેલમાંથી ભાગ્યા પછી પોતાની વિરુદ્ધ પડેલા બધાજ માણસો ઉપર એકસરખું જ જોખમ હતું,..  આસ્થા, પૂનમ, વિશાલ, ગોરલબા, વિક્રમસિંહ અને પૃથ્વી

 

વિક્રમસિંહે રાતના સાડા બારે હવેલીના દરવાનને અંદર મોકલ્યો 

"શું થયું ?" અત્યાર સુધી જાગતા પૃથ્વીએ દરવાનને સવાલ કર્યો 

 

"હુકુમ,.. વિક્રમસિંહ આવ્યા છે,.. "

  

"તો બહાર કેમ છે ? અંદર ... " પૃથ્વી પોતે ઉઠીને બહાર આવ્યો, અને વિક્રમ સિંહ ને કહેવા લાગ્યો  

"દરબાર તમને કેટલી વાર કહ્યું છે,.. તમેં સીધાજ હવેલીમાં કેમ નથી આવી જતા,.. ? " 

 

પૃથ્વીના સવાલના જવાબમાં માત્ર સ્માઈલ કરીને વિક્રમસિંહે સામે પૂછ્યું 

"બા જાગે છે ?" 

 

પૃથ્વીએ હકારમાં માથું હલાવીને ફરી પૂછ્યું  

"દરબાર બધું ઠીક તો છે ને ?" 

 

"બા ને આવવા દો હુકુમ,..  વાત કરીએ,... " 

 

લીલી અને ગોરલબાને નીચે આવતા જોઈને વિક્રમસિંહના બન્ને હાથ ના પંજા એકબીજામાં ભિડાઇને અદબપૂર્વક બંધાઈ ગયા,..

 

"વિક્રમ તમે અત્યારે ? ઠીક છે ને બધું ?" ગોરલ બા એ સવાલ કર્યો 

 

"બા, ... બાપુ આવ્યા છે,..  જૅલમાંથી ભાગીને,.. ?" 

 

"ક્યાં છે ?" 

 

"બાંધવા પડ્યા છે,.. મારે ઓરડે છે,.. ચાર લોકોની વચમાં મૂકીને આવ્યો છું" 

 

"મને હતું જ કે એ સીધા અહી જ આવશે ,.. સારું થયું દરબાર તમને પહેલેથી જ સમાચાર મળી ગયા હતા,.."  

 

ગોરલબાને સાંભળીને પૃથ્વીને જરાયે નવાઈ ના લાગી,.. પોતાની માને એ ઓળખતો હતો, એ જાણતો હતો કે ગોરલબા દૂરંદેશી હતા અને આગળ નું પહેલેથી જ વિચારી શકે એટલા સક્ષમ પણ હતા,.. .. 

 

"માં,.. હવે  ?" પૃથ્વીએ પૂછ્યું 

 

"જો ઠાકૂર જેલમાંથી ભાગ્યા છે તો સૌથી પહેલા એ મારી ઉપર વાર કરશે,.. "

 

"એવું કેમ લાગે છે બા,.. ? પત્નિ છો તમે એમની,... " પૃથ્વીએ પૂછ્યું 

 

વિક્રમસિંહે પૃથ્વી પાસે જઈને એના બન્ને ખભે પોતાના હાથ મૂકતા ધીરેથી કહ્યું 

"હુકુમ, બાએ જ એમને હોસ્પિટલમાંથી સીધા જેલમાં ખસેડાવ્યા હતા,.. ઠાકુર કરતા વધારે બાની પહોંચ,.. - ના સહન થાય એમનાથી,.. સૌથી મોટો ખતરો બા ઉપર છે.. બાપૂ જીવ લેતા નહિ અચકાય,.."

 

"હમમમ,... બા, તમારે સાચવવું પડશે,.. હું ..... ..." - 

 

પૃથ્વીની વાત ને વચ્ચેથી કાપીને વિક્રમસિંહ થી બોલાઈ ગયું 

"હુકુમ, તમે ફિકર નહીં કરતા,.. બાને કશુંજ નહિ થાય,.. ભરોસો રાખો મારી ઉપર,.. " વિક્રમસિંહે પૃથ્વીને કહ્યું પછી ગોરલબા તરફ  ફરીને એમને આગળ કહ્યું, "બા, હવે સમય આવી ગયો છે,.. વિશાલ પણ અહીંયા જ છે,.. " 

 

"એ ક્યારે આવ્યો ? નક્કી ઠાકુરના ભાગવાના સમાચારથી જ આવ્યો લાગે છે,.. " ગોરલબાએ કહ્યું 

 

"કહો તો સમાચાર મોકલીને  પ્રભાતસિંહને પણ બોલાવી લઉં,.. ?? " 

 

"જો વિશાલને ગામમાં પાછો લાવવો હોય તો એમ જ કરવું પડશે,..  "

 

પૃથ્વી શું થઇ રહ્યું હતું એથી અજાણ ચોક્કસ હતો પરંતુ એને વિશ્વાસ હતો એની માં અને વિક્રમસિંહ ઉપર,.. વિક્રમસિંહે એક માણસ તૈયાર કરી ને પ્રભાતસિંહને સંદેશો આપવા રવાના કર્યો 

 

~~~~~~

 

"બા,.... " થોડું અચકાઈને પૃથ્વી બોલ્યો, "બાપૂ આ ઘરમાં ના આવી શકે.. " એની નજર ગોરલબા સાથે દૃઢતા સાથે મંડરાઈ રહી,.. "મેં પૂનમને વચન આપ્યું છે,.. " પૃથ્વીએ સ્પષ્ટતા કરી 

 

"હુકુમ, મારી ઉપર છોડી દો બધું,.. તમે રૂમમાં જઈ શકો છો,.. હું બાને પણ સાચવી લઈશ,.. તમે આરામ કરો,.." વિક્રમસિંહ પૃથ્વીને સતત સાંત્વન આપ્યા કરતો હતો,.. પરંતુ પૃથ્વીને સંતોષ થતો નહોતો 

 

"દરબાર, હું બાપૂને આ હવેલીમાં નહિ ઘૂસવા દઉં,.. પૂનમ ની નજર સામે એ ફરીથી ના આવવા જોઈએ,.. અને આ હાલતમાં તો બિલકુલ નહિ,.. " 

 

"નહિ આવે હુકુમ,.. અને આવશે તો રહી નહિ શકે,"

 

"મતલબ ?"

 

"મતલબ એમનો હિસાબ પૂરો થાય એટલે એ એમની યોગ્ય જગ્યાએ પહોંચી ગયા હશે" 

ગોરલબાને સિંહાસન જેવી એક વિશાળ સિંગલ ખૂરશી ઉપર બેસતા જોઈને પૃથ્વીને સમજાઈ ગયું કે જ્યાં સુધી બાપૂની ઉચિત વ્યવસ્થા નહિ થાય ત્યાં સુધી બા હલવાના નથી,..   અને વિક્રમસિંહ પણ બાની પાસેજ રહેશે,..

 

"બા,.. હું પણ અહીંયા જ છું,.. "  પૃથ્વીએ કહ્યું 

 

બાની સામે પડેલા સૉફા ઉપર પૃથ્વી અને વિક્રમસિંહે બેઠક લીધી,..  

~~~~~~~