Prarambh - 70 books and stories free download online pdf in Gujarati

પ્રારંભ - 70

પ્રારંભ પ્રકરણ 70

રોહિત એક સડક છાપ મવાલી હતો. પોતાના દેખાવને કારણે અને પોતાની વાક્છટા ના કારણે છોકરીઓને ઈમ્પ્રેસ કરીને ફસાવતો હતો. મુંબઈ બહારની કોઈ ભોળી છોકરી હોય તો છોકરીઓના દલાલ સાથે બારોબાર સોદો પણ કરી દેતો હતો. આ જ એનો ધંધો હતો.

ભૂતકાળમાં પણ એણે એક ગરીબ બંગાળી છોકરીને બિલાલપાડા વાળા આ જ રૂમમાં ચાર દિવસ ગોંધી રાખી હતી અને એને ભોગવી લીધા પછી દલાલને સોંપી દીધી હતી.

એ જ રીતે એણે જેતપુરની અંજલિને ફસાવી હતી. અત્યાર સુધીમાં એણે બે છોકરીઓના સોદા કરેલા હતા પરંતુ બધી જ છોકરીઓ કરતાં અંજલિ કંઈક અલગ જ હતી. રૂપાળી તો હતી જ પણ સાથે લાગણીશીલ અને પ્રેમાળ પણ હતી. નૃત્ય અને અભિનય કલામાં પણ પારંગત હતી.

અંજલિ આમ તો એને ગમી ગઈ હતી. એક વાર તો એની સાથે લગ્ન કરી લેવાનો પણ વિચાર એને આવ્યો હતો પરંતુ જ્યારે એને સચ્ચાઈની ખબર પડે કે પોતે ગલીનો આવારા ગુંડો છે ત્યારે અંજલિ એક મિનિટ પણ અહીં ઊભી ના રહે. ઉપરથી એના ઉપર પોલીસ કેસ કરે. એટલે સોદો કરવામાં જ શાણપણ છે એ નિર્ણય એણે પાકો કર્યો.

સાંજે પાંચ વાગે એ એક જૂનો ટેબલ ફેન મિત્રના ઘરેથી લઈને અંજલિના રૂમ પર આવ્યો.

" આ તમે સારું કર્યું. આજે આખો દિવસ આટલી ગરમીમાં હું સૂઈ શકી પણ નથી. દરવાજો બંધ હોય એટલે ઉપરથી સખત બફારો લાગે." અંજલિ બોલી.

" તારી ચિંતા મને છે અંજલિ. એટલા માટે તો મારા મિત્રના ઘરેથી આ પંખો લઈ આવ્યો. ચાર દિવસ પછી તો આપણે ફ્લેટમાં જવાનું છે પછી નવો પંખો લેવાની શું જરૂર ? ચાલો હવે આપણે નીકળીએ." રોહિત બોલ્યો.

રોહિત અંજલિને લઈને રીક્ષામાં બેસી વિરારના એક શોપિંગ સેન્ટરમાં ગયો. ત્યાંથી અંજલિને ગમતા ડ્રેસ લીધા. એક જીન્સનું પેન્ટ, બે કુર્તી, એક ટીશર્ટ અને એક સારો ડ્રેસ અંજલિએ ખરીદ્યાં.એક બ્રા અને પેન્ટી પણ લીધી. એ સિવાય બીજી જુદી જુદી જગ્યાએથી ટોવેલ, ન્હાવાનો સાબુ, હેર ઓઇલ, પાવડર, કાંસકો, બક્કલ, નવાં ચંપલ, એક સારી પર્સ વગેરેની ખરીદી કરી. એક ટ્રાવેલ બેગ પણ લીધી જેમાં કપડાં મૂકી શકાય. અંજલિએ લગભગ ૭૦૦૦ નો ખર્ચ કરાવ્યો. બધી ખરીદી એણે બેગમાં મૂકી દીધી.

" રોહિત મારે એક નવું સીમકાર્ડ લેવું પડશે કારણ કે મારો મોબાઈલ હું ચાલુ કરી શકતી નથી. ચાલુ કર્યા ભેગુ મારું લોકેશન પકડાઈ જાય. મમ્મી પપ્પાએ મારી તપાસ ચાલુ કરી દીધી હશે. એ પોલીસ કમ્પ્લેન પણ કરશે. " અંજલિ બોલી.

" મોબાઈલ બંધ કરી દીધો એ તેં બહુ સારું કામ કર્યું અંજલિ. હું તને કાલે જ મારા નામે એક નવું સીમકાર્ડ લઈને આપું છું. " રોહિત બોલ્યો.

"ઓકે. મોબાઈલ ચાલુ હોય તો હું કમ સે કમ ટાઈમ પાસ તો કરી શકું." અંજલિ બોલી.

એ પછી રોહિત રાત્રે ૮ વાગે વિરારના એક જાણીતા ડાઇનિંગ હોલમાં અંજલિને લઈ ગયો. એણે અગાઉથી રૂબરૂ મળીને અંજલિને બતાવવાનું મુદ્દલિયાર સાથે સેટીંગ કરી દીધું હતું એટલે લોહીનો વેપાર કરતો મુદ્દલિયાર ત્યાં બેઠો જ હતો. આ એરિયાનો એ મોટો ગુંડો પણ હતો. બધા એને અન્ના ભાઉ તરીકે ઓળખતા.

રોહિત સૌથી પહેલાં અંજલિને આ મુદ્દલિયાર પાસે લઈ ગયો અને પોતાના બિઝનેસ પાર્ટનર તરીકે એની ઓળખાણ કરાવી.

"અંજલિ યે મેરે બિઝનેસ પાર્ટનર હૈ. ઉનકી ભી ફિલ્મ લાઇનમેં બહોત પહેચાન હૈ. ફિલ્મકે શૂટિંગમેં જબ એક્સ્ટ્રા લડકિયોંકી જરૂરત હોતી હૈ તો યે ભાઉ લડકિયોંકો સપ્લાય કરતે હૈ. " મુદ્દલિયાર સમજી શકે એટલા માટે રોહિત જાણી જોઈને હિન્દીમાં બોલ્યો.

"ઔર ભાઉ યે અંજલિ હૈ. ફિલ્મોમેં કામ કરને કા બડા શોખ હૈ. અભિનય ભી અચ્છા કર લેતી હૈ. ગાંવસે આજ હી આઈ હૈ. હમદોનોં એક દુસરે કો બહોત પ્યાર કરતે હૈ. " રોહિત બોલ્યો.

" જી નમસ્તે. " અંજલિ એની સામે જોઈને બે હાથ જોડીને બોલી.

"કભી ઉસકો ભી ફિલ્મ સિટી મેં લે આઓ. ઉસકા ભી ઓડીશન લે લેંગે. અગર અભિનય અચ્છા રહા તો કોઈ છોટા મોટા કામ ટીવી સિરિયલ મેં દિલા દેંગે. " મુદ્દલિયાર બોલ્યો.

એ પછી રોહિત અંજલિને લઈને થોડા દૂરના ટેબલ ઉપર જઈને બેઠો. એ લોકો જેવા બેઠા કે તરત જ પીરસવા વાળા આવી ગયા અને પીરસવાનું ચાલુ કર્યું. ત્રણ પ્રકારનાં શાક, કઠોળ, દાળ, કેરીનો રસ, રોટલી અને બે ફરસાણ થાળીમાં પીરસાઈ ગયાં.

રોહિત જમવાનું શરૂ કરતો હતો ત્યાં જ ભાઉએ ઈશારો કર્યો એટલે અંજલિને બે મિનિટ કહીને એ ભાઉ પાસે ગયો.

" ઈસ બાર તુ બહોત અચ્છા માલ ઉઠા લાયા હૈ. એકદમ હાઈ પ્રોફાઈલ કૉલગર્લ બનેગી વો. તગડી રકમમેં ઉસકા સૌદા કરુંગા. પાંચ છ દિન કે બાદ મૈ જબ ફોન કરું તબ ફિલ્મ સિટીમેં ઓડિશન કા બહાના કરકે મેરે પાસ લે આના. તુઝે ૫૦૦૦૦ દિયા હૈ. ઔર દેઢ લાખ દે દુંગા. ઔર સુન ઈસકો અભી છૂના મત. " મુદ્દલિયાર બોલ્યો.

" જી ભાઉ. " રોહિત બોલ્યો અને અંજલિ પાસે જતો રહ્યો.

"ભાઉ બહોત ખુશ હો ગયે હૈં. બોલે બહોત ખૂબસૂરત લડકી હૈ. ઇસકો બહોત જલ્દ ટીવી સીરીયલમેં કામ દિલા દૂંગા. " રોહિત બોલ્યો.

" વાઉ ! તો તો બહુ સારું. મારો પણ ટાઇમ પસાર થાય." અંજલિ ખુશ થઈને બોલી. એ પછી બંનેએ જમવામાં ધ્યાન પરોવ્યું.

આ રીતે બીજા છ દિવસ પસાર થઈ ગયા. રોજ બપોરે અને રાત્રે રોહિત જમવાનું લઈ આવતો અને બંને જણા સાથે જમી લેતા. ક્યારેક ક્યારેક એ બે ત્રણ કલાક માટે બહાર પણ લઈ જતો. અંજલિ ફ્લેટમાં જવા માટે રોજ એને પૂછ્યા કરતી પરંતુ ' સારા ફ્લેટની તપાસ હજુ ચાલુ છે. દલાલને વાત કરી છે ' વગેરે બહાના કાઢી સમય પસાર કરતો.

મુદ્દલિયારનો ફોન ના આવે ત્યાં સુધી અંજલિને આ રૂમમાં સાચવવાની હતી.

"આજે છ દિવસ થઈ ગયા. તમે ચાર દિવસ માટે અહીં મને લાવ્યા હતા. મને અહીં ગૂંગળામણ થાય છે. આના કરતાં મારા જેતપુરના બંગલામાં હું સુખી હતી. આવી ઝૂંપડપટ્ટીમાં હું હવે રહેવા માગતી નથી. તમે મને કોઈ સારા એરિયામાં લઈ જાવ." છઠ્ઠા દિવસે અંજલિ કંટાળીને બોલી.

" બસ માત્ર બે જ દિવસ ડાર્લિંગ. બે દિવસમાં તારું ઓડિશન પણ થઈ જશે. એકવાર તારું ઓડિશન પતી જાય અને તું સિલેક્ટ થઈ જાય તો ભાઉ પોતે તને મ્હાડામાં ફ્લેટ અપાવી દેશે." રોહિત બોલ્યો.

" વોટ્સએપમાં તમે મારી સાથે કેવી કેવી વાતો કરીને મને ઉત્તેજિત કરતા હતા ? અહીં આવ્યા પછી તમે તો મારાથી દૂર ને દૂર જ રહો છો જાણે આપણી વચ્ચે કોઈ સંબંધ જ ના હોય !! છ દિવસથી હું જોઈ રહી છું. તમે આટલો બધો મને પ્રેમ કરો છો, લગ્ન પણ કરવાના છો છતાં એકવાર પણ તમે રાત રોકાયા નથી અને મારી નજીક આવ્યા નથી. આવું કેમ ? " અંજલિએ ફરિયાદ કરી.

" તું એટલી રૂપાળી છે ડાર્લિંગ કે તને જોયા પછી તારા કરતાં પણ હું વધારે ઉત્તેજિત છું. પરંતુ આવી ગંદી ઓરડીમાં આપણા લગ્ન જીવનની શરૂઆત કરવી નથી એટલા માટે મેં મારા મન ઉપર સંયમ રાખ્યો છે. બસ ફ્લેટમાં ગયા પછી હું તને એવી પાગલ કરી દઈશ કે તને સ્વર્ગની અનુભૂતિ થઈ જશે. વધુમાં વધુ બે કે ત્રણ દિવસ !! " રોહિત બોલ્યો. એ બોલવામાં ઘણો ઉસ્તાદ હતો.

મુદ્દલિયારે જ રોહિતને અંજલિ સાથે હમણાં આગળ વધવાની ના પાડી હતી. એને વર્જિન રાખવાની હતી !!

બપોરનું લંચ જમી લીધા પછી રોહિત નીકળી ગયો. અંજલિએ અંદરથી દરવાજો બંધ કરી દીધો અને વાસણ ધોવા બેઠી.

થોડી વાર પછી કોઈએ એનો દરવાજો ખટખટાવ્યો. રોહિતે ના પાડી હતી એટલે દરવાજો ખોલવો કે નહીં એની દ્વિધામાં અંજલિ પડી ગઈ. કોણ હશે અત્યારે ? એણે દરવાજો ના ખોલ્યો.

" અરે બેટા જલ્દી દરવાજા ખોલ. મુઝે તુમસે કુછ કહેના હૈ. ડરો મત. " બહારથી એક બાઈનો અવાજ આવ્યો.

ફરી દરવાજો ખટખટાવ્યો એટલે અંજલિએ ડરતાં ડરતાં ધીમે રહીને દરવાજો ખોલ્યો.

" તુમ ડરો મત. મુઝે અંદર આને દો. મુઝે તુમસે કુછ કહેના હૈ. મૈ ઇસી બસ્તીમેં રેહતી હું. તુમ્હારી લાઈનમેં લાસ્ટવાલા બડા મકાન મેરા હૈ. " બાઈ બોલી.

પચાસેક વર્ષની એક મુસ્લિમ ઔરત હતી એ. ચહેરો ભારે અને સ્થૂળ શરીર હતું એનું. અંજલિએ એને અંદર આવવા દીધી.

" બેટા તુમ યહાં સે જલ્દ સે જલ્દ નીકલ જાઓ. મેરા ભરોસા કરો. જો લડકે કે સાથ તુમ રહેતી હો વો યહાં કા એક ગુંડા હૈ. વિરારમેં એક પુરી ગેંગ હૈ જો લડકીયોંકા સૌદા કરતી હૈ. ઉસને તુમ્હારા સૌદા ભી કર દિયા હોગા. આજ કલ મેં તુઝે ઉઠા લેંગે " બાઈ બોલી.

"નહીં માસી. રોહિત ઐસા નહી હૈ. વો એક રઈસ લડકા હૈ. મલાડ મેં ઉસકા ફ્લેટ ભી હૈ. મેરે સાથ વો શાદી કરનેવાલા હૈ. મેં ઘર છોડ કે યહાં આયી હું. વો મુજે ફિલ્મોમેં ઓર ટીવી સિરિયલ મેં ભી કામ દિલાનેવાલા હૈ." અંજલિ બોલી.

"તુમ બહોત ભોલી હો. મૈ મેરી બેટીકી કસમ ખા કર બોલતી હું. જિસકા યે રૂમ હૈ વો સત્યા ઔર તેરા રોહિત દોનો મવાલી હૈ. હફતેમેં દો તીન બાર રાતકો ઈસી રૂમમેં દારૂ કી પાર્ટી ચલતી હૈ. જુગાર ખેલા જાતા હૈ. મેરા ખુદકા દારૂ કા અડ્ડા હૈ. મૈં હી ઉનકો દારૂ બેચતી હું. બરસો સે ઉનકો જાનતી હું બેટા. ભરોસા કરના હૈ તો ઠીક હૈ વરના દો તીન દિનમેં તેરી પૂરી જિંદગી નરક બન જાયેગી. " બાઈ બોલી રહી હતી.

" પાંચ છ દિનસે મૈ દેખ રહી હું. તુમ અચ્છે ઘર કી લડકી લગતી હો ઈસી લીયે મુજે તુમ્હારી દયા આઈ. ઔર આજ તુમ કો સબ બતાને આઈ. તુમ ભાગ જાઓ યહાંસે. " બાઈ બોલી.

"લેકિન અગર મૈ નિકલ ગઈ ઔર ઉનકો પતા ચલ ગયા કિ આપને મુજે ભગા દી હૈ તો વો આપકે સાથ ઝગડા નહીં કરેંગે ? " અંજલિ બોલી.

"મૈં યહાં કી બુટલેગર હું. દારૂકા મેરા અડ્ડા હૈ. મુઝે યહાં સબ અમ્મા કહેતે હૈ. ઉસકી તાકત નહીં કી વો મેરે સામને આયે ! રોહિત એકદમ કડકા હૈ. ચોરી ભી કરતા હૈ. એક સાલ પહેલે ભી કિસી લડકીકો ઈસી રૂમમેં રખા થા ફીર બેચ દિયા." અમ્મા બોલી.

હવે અંજલિને અમ્માની વાત ઉપર વિશ્વાસ આવી ગયો. અમ્માને ખોટું બોલવાનો કોઈ મતલબ જ ન હતો. એ તો બિચારી એને બચાવવા માટે આવી હતી. એ હવે ખરેખર ડરી ગઈ. ભયંકર ષડયંત્રમાં પોતે ફસાઈ ગઈ હતી !

અત્યારે ભાગી જવું યોગ્ય નથી. કારણકે દિવસ દરમિયાન ગમે ત્યાંથી રોહિત મને શોધી કાઢે. રાત્રે જમીને સાડા આઠ વાગે જ્યારે એ જતો રહે એ પછી જ ભાગી જવું વધારે યોગ્ય રહેશે. રાત્રે એને ભાગવામાં ઘણો સમય મળી શકે.

"માસી આપકી બાત પર ભરોસા કરકે મૈ ભાગને કે લિયે તૈયાર હું લેકિન મૈં રાતકો નીકલ જાઉં વો જ્યાદા ઠીક રહેગા. ક્યોંકી અભી ભાગ જાઉંગી તો પાંચ બજે રોહિત આ જાયેગા ઔર મુજે નહી દેખકર વો આકાશ પાતાલ એક કરેગા " અંજલિ બોલી.

" અરે બેટા તુમ રાતકો જાઓગી કહાં ? તુમ મુંબઈમેં રહેતી હો ? " અમ્મા બોલી.

" નહીં માસી મૈને તો મુંબઈ દેખા ભી નહીં હૈ. મૈ તો ગુજરાતસે પહેલી બાર મુંબઈ આયી હું. બોરીવલી સ્ટેશનસે વો મુજે સીધા યહાં લે આયા હૈ " અંજલિ બોલી.

"નહીં નહીં રાત કો તેરે સે ઐસા સાહસ નહી હો સકતા. તુમ જલ્દી તૈયાર હો જાઓ. મેરી લડકી રીક્ષા બુલા લેગી ઔર તુમકો નાલાસોપારા સ્ટેશન છોડ દેગી. તુમ વહાંસે મુંબઈ સેન્ટ્રલ કી ટિકિટ લે લેના ઓર કોઈ ભી ટ્રેઈન મે બૈઠ જાના. મુંબઈ સેન્ટ્રલ ઉત્તર જાના. વહાંસે ગુજરાત જાનેવાલી સબ ટ્રેઈન મિલ જાયેગી." અમ્મા બોલી અને પોતાના ઘરે જઈ એની છોકરીને રીક્ષા લઈ આવવાનું કહ્યું.

અમ્મા ગયાં કે તરત જ અંજલિ ઊભી થઈ અને ટ્રાવેલ બેગમાંથી સ્કૂલ બેગ બહાર કાઢી. થોડા પૈસા ખિસ્સામાં રાખવા જરૂરી હતા એટલે ૨૫૦૦૦ ના બંડલમાંથી ૫૦૦ ૫૦૦ ની બે નોટ કાઢવા બેગની અંદર હાથ નાખ્યો પણ કોઈ બંડલ એના હાથમાં આવ્યું નહીં. એણે આખી સ્કૂલ બેગ ખાલી કરી અને બધા ખાના જોયા. પૈસા હતા જ નહીં !! ૩૦૦ જેટલા બીજા છૂટા રૂપિયા પણ એક ખાનામાં હતા એ પણ ચોરી લીધા હતા.

તો ૨૫૦૦૦ નું બંડલ પણ રોહિતે ચોરી લીધું. અમ્મા કહેતા હતા એમ એ તો લુખ્ખો જ છે. કદાચ મારા પૈસાથી જ મને ખવડાવતો હશે. હવે અમ્માની વાત ઉપર પૂરેપૂરો વિશ્વાસ આવી ગયો. એણે કેવા માણસ ઉપર આટલો બધો વિશ્વાસ મૂક્યો !! એને પોતાની જાત ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો. એણે સ્કૂલ બેગ ટ્રાવેલ બેગમાં મૂકી. બહાર જે પણ કપડાં હતાં તે પણ બેગમાં મૂક્યાં.

થોડીવાર પછી અમ્માની છોકરી રીક્ષા લઈને આવી એટલે અમ્મા તેને બોલાવવા આવ્યાં.

" માસી મેરે ૨૫૦૦૦ રોહિતને ચોરી કર લીયે હૈ. એક રૂપિયા ભી મેરે લિયે રખ્ખા નહી હૈ. અબ મૈં કેસે જાઉં ?" અંજલિ રડવા જેવી થઈ ગઈ.

" મૈંને તુમકો બોલા હી થા કી વો ચોર હૈ. તુમ ચિંતા મત કરો. મેં તુમકો દો હજાર દેતી હું. ઈતને મેં તુમ ઘર તક પહુંચ જાઓગી " અમ્મા બોલ્યાં અને ઘરેથી લાવીને ૫૦૦ ની ચાર નોટ અંજલિના હાથમાં મૂકી.

અંજલી અમ્માના ચરણસ્પર્શ કરીને રીક્ષામાં બેસી ગઈ. અમ્માની દીકરીએ અંજલિ પાસેથી ૫૦૦ ની નોટ લઇ મુંબઈ સેન્ટ્રલ સુધીની ટિકિટ લઈ આપી અને બાકીના છૂટા પૈસા પાછા આપ્યા.

"ઈસ પ્લેટફોર્મ પર ટ્રેઈન આયેગી. લેડીઝ કે ડિબ્બે મેં બૈઠના. મુંબઈ સેન્ટ્રલ ઉતર જાના ઓર કિસીકો ગુજરાત જાનેવાલી ગાડીકે બારેમેં પૂછ લેના." કહીને અમ્માની છોકરી નીકળી ગઈ.

બપોરના બે વાગ્યા હતા. બે મિનિટમાં જ લોકલ આવી ગઈ. એ લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં બેસી ગઈ.

"મુંબઈ સેન્ટ્રલ આયે તો મુઝે બોલના." અંજલિએ બાજુવાળી એક યુવતીને કહ્યું.

" મુંબઈ સેન્ટ્રલ આતે આતે આધા ઘંટા હો જાયેગા. મૈં તો બોરીવલી ઉતર જાનેવાલી. મહાલક્ષ્મી સ્ટેશન જાને કે બાદ આયેગા." પેલી મરાઠી યુવતી બોલી.

અડધો કલાક કહ્યો એટલે અંજલિ શાંતિથી બેસી રહી. એને અચાનક યાદ આવ્યું કે મોબાઈલમાં રોહિતે આપેલું સીમકાર્ડ છે. એણે મોબાઈલ ખોલીને રોહિતનું સીમકાર્ડ કાઢી નાખ્યું. પોતાનું જૂનું સીમકાર્ડ એની પાસે જ હતું પરંતુ મુંબઈ સેન્ટ્રલ જઈને જ બદલવાનું એણે નક્કી કર્યું.

અડધા કલાક પછી મુંબઈ સેન્ટ્રલ આવી ગયું. એ ઝડપથી નીચે ઉતરી ગઈ. ગુજરાત જનારી ટ્રેનો માટે એણે કોઈને પૂછ્યું અને બ્રિજ ક્રોસ કરીને એ મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પહોંચી ગઈ.

વિશાળ સ્ટેશન હતું. અનેક મુસાફરો ત્યાં બેઠેલા હતા. બેસવા માટે પણ ઘણી જગ્યા હતી. સામે જમવાની પણ વ્યવસ્થા હતી.

હવે શું ? અઠવાડિયા પછી ઘરે કેવી રીતે જવું ? મા બાપને શું જવાબ આપવો ? મારી સાથે જે બન્યું છે એનું વર્ણન કેવી રીતે કરવું ? - અંજલિ મનોમંથનમાં પડી ગઈ.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)