Dariya nu mithu paani - 12 books and stories free download online pdf in Gujarati

દરિયા નું મીઠું પાણી - 12 - સંસ્કાર નો વારસો


પરોઢના સાડાચાર વાગ્યે કાનજીદાદાએ જોડે ખાટલામાં સુતેલા પૌત્ર પ્રતિકને બોલાવીને કહ્યું, "જો દિકરા!મારી હવે ઘડીયું ગણાઈ રઈ છે.માતાજીના મંદિરના ઓયડામાં બાયણાની જમણી બાજુની છેલ્લી લાદી નીચે જે કાંય છે ઈ બધું તારુ.લ્યે,હવે બધાંયને બોલાઈ લ્યે."

પ્રતિકે એ જ વખતે દોડતાં દોડતાં બધાંને જગાડીને બોલાવી લીધાં.પ્રતિકના પિતા સુરેશભાઈ, માતા લક્ષ્મીબેન,મોટા કાકા ભગવાનભાઈ, નાના કાકા મહેશભાઈ -આટલાંના કંઈક લેખ હશે તે કાનજીદાદાના અંતિમ શ્વાસનાં સાક્ષી બન્યાં.

બાકીનાં બધાં આવ્યાં તો ખરાં પણ કાનજીદાદાએ પ્રાણ છોડ્યા પછી.ભગવાનભાઈનાં પત્ની ખેમાંબેનતો બબડતાં બબડતાં આવ્યાં, 'આ ડોહે તો મરતાં મરતાંય હખે ઉંઘવા ના દીધાં.મહેશભાઈની દીકરી જાનકીને તો એની મમ્મી હંસાબેને હળવે હળવે કહી દીધું. 'અલી જા અઈથી.આ ડોહાને કાઢતાં તો બાર વાગશે.ભુખી તરસી બેસી રઈશ એટલા વાગ્યા સુધી?'

ખેમાંબેને તો એમના દીકરાની વહુને આવતાં ભાળીને જ કોઈ જુએ નહીં એમ સાડલો આડો રાખીને પાછા જવાની શાન કરી દીધી.

કરેળી પાડીને સૌ શાંત થઈ ગયાં.અંતિમયાત્રા નિકળે ત્યાં સુધી તો બેઠેલાં પરિવારજનોની આવન જાવન ચાલું જ રહી.કોઈ દાતણના બહાને તો કોઈ બાથરુમના બહાને આવતાં જતાં રહ્યાં. ઉપવાસના દિવસે આખો દિવસ ભૂખ્યાં રહી શકાય પરંતુ સો વરસની ઉંમરે પહોંચેલ દાદાના મોત પ્રસંગે થોડું કંઈ બાર વાગ્યા સુધી હોજરુ ખાલી રખાય!

સુરેશભાઈ, લક્ષ્મીબેન અને પ્રતિક ક્યાંય આઘાંપાછાં ના થયાં તે ના જ થયાં.પ્રતિક તો અઠવાડિયાથી દાદાની સેવામાં ખડે પગે હાજર હતો.
અગિયાર વાગ્યે કાનજીદાદાની આધેડ ઉંમરે પહોંચેલ બે દીકરીઓ આવી એના પછી તરત જ કાનજીદાદાની અંતિમયાત્રા નિકળી.

આખું ગામ જોડાયું અંતિમયાત્રામાં.નનામીને કાંધ દેવા રીતસરની પડાપડી થતી હતી. કેમ પડાપડી ના થાય! કાનજીદાદા કંઈક જીવ્યા જ એવું કે દરેકના વહાલા હતા.

કોઈક ગરીબ ઘરની દીકરીઓને કન્યાદાન આપ્યાં હતાં તો કોઈકનાં મામેરાં પુર્યાં હતાં.કોઈનાં કારજમાં મદદગાર બન્યા હતા તો કોઈકના લગ્ન પ્રસંગો ઉકેલ્યા હતા.માંદગીના પ્રસંગોમાં પોતાના જ બળદ ને ગાડાં આપીને રૂપિયા સાથે દવાખાને મોકલનાર તો એક કાનજીદાદા જ હતા.આ કામ તો ટ્રેકટર અને અને જીપગાડી સુધી એટલે કે આજના અંતિમ સમય સુધી કાનજીદાદાએ નિભાવી જાણ્યું.
કાનજીદાદાનો સેંકડો આજે પુરો થઈ ગયો.બારમું પણ પુરુ થઈ ગયું. પચ્ચીસ દિવસે તો કુટુંબ પરિવારની દીકરીઓ સોગના સાડલા પણ બદલી ગઈ ને છવ્વીસમા દિવસે કાનજીદાદાના પરિવારનું મહાભારત શરૂ થયું.

ત્રણ ત્રણ પેઢીથી એક જ પુત્ર! મેલાદાદાના,વજાદાદા અને વજાદાદાના કાનજીદાદા.હા, કાનજીદાદાને ભગવાને ત્રણ દીકરા આપ્યા.સૌથી મોટા ભગવાનભાઈ.ભગવાનભાઈને પણ બે દીકરા અને એક દીકરી.
ત્રણેય પરણાવેલ.

વચેટ સુરેશભાઈ.એમને એક માત્ર દીકરો પ્રતિક.ભગવાને થોડી મોડી ઉંમરે લક્ષ્મીબેનનો ખોળો ભર્યો એટલે પ્રતિક અત્યારે અઠ્ઠાવીસ વર્ષનો છે ને હજી કુંવારો છે.પ્રતિક સિવિલ એન્જિનિયર છે એટલે અભ્યાસ પુરો થતાં જ એણે અમદાવાદમાં બાંધકામ ક્ષેત્રમાં ઝંપલાવ્યું ને માત્ર પાંચ વર્ષમાં તો કરોડપતિ બની ગયો.મનમોજી સ્વભાવ અને બીલકુલ સીધીસાદી જીંદગીનો માલિક પ્રતિક! એની ઉદારતા તો કાનજીદાદાનેય આંટી જાય એવી.અને કેમ ના હોય!માત્ર પાંચ વર્ષમાં કુદરત ધનનો ઢગલો કરી દેતો હોય તો એ તો માત્ર કાનજીદાદાના પુણ્યના પ્રતાપે જ ને!આ સમજણ પ્રતિકને સુપેરે હતી અને એટલે જ તો એણે કાનજીદાદાના ચીલે ચાલવાનું નક્કી કર્યું.અઠવાડિયે દશ દિવસે વસ્ત્રદાન માટે અમદાવાદની ઝૂંપડપટ્ટીઓમાં નિકળી જાય તો વળી ઘણીવાર કરિયાણું, ઘરવખરી લઈને.

કાનજીદાદાના સૌથી નાના પુત્ર મહેશભાઈ.મહેશભાઈને પણ બે દીકરા અને એક દીકરી.બન્ને દીકરા પરણાવેલ છે.દીકરી જાનકી હજી કુંવારી છે.

કાનજીદાદા પાસે દોઢસો વીધા એક જ શેઢે જમીન ને બે બોરવેલ.બે ટ્રેકટર અને એક જીપગાડી.આ બધું કાનજીદાદાના સંયુક્ત પરિવારની માલિકીનું.

કાનજીદાદા જીવ્યા ત્યાં સુધી આ સંયુક્ત પરિવારને જુદુ કરવાની એકેય ભાઈ કે એમની વહુઓની હિંમત ના ચાલી અને એટલે જ તો આજે કાનજીદાદાના મોતના છવ્વીસમા દીવસે મહાભારત સર્જાયું છે.

કાનજીદાદાની બન્ને દીકરીઓ ભાઈઓ મિલકત વહેંચણીમાં ઝઘડી ના પડે એ બહાને રોકાઈ ગઈ છે.
સવારના નવેક વાગતાં તો ભગવાભાઈ અને મહેશભાઈના દીકરાઓ ગામના બધા જ આગેવાનોને બોલાવીને આવી ગયા.સૌ કાનજીદાદા જ્યાં ઉંઘતા હતા એ વિશાળ ઓરડામાં ભેગા થયા.સૌએ બેઠક લીધી.ભગવાનભાઈ અને મહેશભાઈના ઘરનું તો છોકરે છોકરુ ગોઠવાઈ ગયું.બેઠક વ્યવસ્થા પણ મજાની હતી!

સૌથી મોખરે કાનજીદાદાની બન્ને દીકરીઓ.એમની પાછળ ભગવાનભાઈ અને મહેશભાઈ અને એમની પાછળ એ બન્નેની પત્નિઓ.સામેની બાજુ ગામના આગેવાનો.સુરેશભાઈ અને લક્ષ્મીબેને તો સ્પષ્ટ ના જ પાડી દીધી હતી બેસવાની. 'ગામલોકો તો છે જ ને પ્રતિક પણ હાજર છે, અમને કોઈ વાંધો વચકો નથી.'-કહીને એ બન્ને જણ ના આવ્યાં. હકીકતમાં વર્ષોનો સંયુક્ત પરિવાર આજે વિભક્ત થઈ રહ્યો હતો એ દર્દ છતું થઈ જાય એ બીકે જ એમણે હાજરી આપવાની ના પાડી દીધી હતી.

આખા ગામને દુઃખ હતું આજે.ચોરે ચૌટે એક જ ચર્ચા હતી કે 'કાનજીદાદાનો વારસો કોઈ જાળવશે ખરૂ?

જમીન પચાસ પચાસ વીઘા ત્રણેય ભાગે વહેંચાઈ ગઈ. બોરવેલ અને ટ્રેકટરની વાત આવતાં જ પ્રતિકે કહ્યું કે, 'બોરવેલનો અને ટ્રેકટરનો હક્ક હું જતો કરુ છું એટલે બન્ને કાકાઓને એક એક બોરવેલ ને એક એક ટ્રેકટર આપ્યાં,આમેય કાકાઓ બચરવાળ છે.મારી જમીનમાં હું મારા ખર્ચે નવું બોરવેલ બનાવીશ.આમેય હું ખુબ કમાઉં છું.' કોઈ આગેવાને ટકોર કરી, 'એમ તો એમણે બધાં બાળકોને પરણાવી દીધાં ને બેટા! તું હજી બાકી છે.' બીજા આગેવાને ટકોર કરી, 'પ્રતિક તારાં માબાપ તો તારી વાતથી સહમત થશે ને? '

'હા, દાદા, એમની સંમતિથી તો હું બેઠો છું '-પ્રતિકે કહ્યું.
'જીપકારને વેંચીને રૂપિયા ગામના મંદિરમાં ધર્માદા પેટે આપી દઈએ તો?'પ્રતિકની સલાહ ના છુટકેય બધાયે સ્વિકારવી પડી.

'બેંક બેલેન્સ ત્રણ લાખ રુપિયા છે,એમાંથી બે લાખ બે કાકાઓના ને અમારો ભાગ ગામમાં પાણીની ટાંકી માટે અર્પણ '-પ્રતિકના આ બોલથી તો આગેવાનો ભાવવિભોર થઈ ગયા. તાળીઓ પડી એટલે ભગવાનભાઈ અને મહેશભાઈએ ના છુટકે કહેવું પડ્યું કે,'બાપાની બે વીંટીઓ બે બહેનોને આપવી.'

ગામના આગેવાનો મૂંછમાં હસી રહ્યા હતા,એવા ભાવ સાથે કે, લાખો લઈને બેસી ગયા છો ને પાંચ રૂપિયાની દાતારી કરવા નિકળી પડ્યા છો!
એટલે જ એક આગેવાને કહ્યું કે, વાસણો પણ બધાં બે બહેનોને આપી દો.'

ખેમાંબેન અને હંસાબેન એકસાથે બોલી ઉઠ્યાં, ઘણાં બધાં વાસણો તો અમારી વહુઓનાં છે, એ ના બને.અંતે બધાં જ વાસણો ભગવાનભાઈ અને મહેશભાઈના પરિવાર વચ્ચે વહેંચવાનું ઠરાવ્યું. પ્રતિકે ઝડપથી બધું આટોપી લેતાં કહ્યું કે, 'દાદાનો ઓરડો અને એમાં બે પાંચ જૂનાં વાસણો છે એ અમારાં ને બાકીના ચારેય ઓરડાઓ બન્ને કાકાઓના. '

ગામના આગેવાનોમાં ગૂસચૂસ ચાલુ થઈ ગઈ 'આખરે વારસ પાક્યો તો ખરો!'
પરંતુ ભગવાનભાઈ અને મહેશભાઈના બેઠેલ પરિવારમાં ચણભણ શરૂ થઈ ગઈ, 'દાદાએ કંઈક મોટો દલ્લો પ્રતિકને આપ્યો લાગે છે નહીંતર આટલો ઉદાર ના બને! એટલે તો સેવાનું બહાનું કરીને દાદા પાસે અઠવાડિયાથી ખાટલો ઢાળીને સુઈ રહેતો હતો.'-ને આ ચણભણ પ્રતિક અને બેઠેલ આગેવાનોના કાનો સુધી પણ અથડાઈ .

એક આગેવાન ક્રોધાયમાન થઈને ઉભા થઈ ગયા પરંતુ એ કંઈ બોલે એ પહેલાં પ્રતિકે એમના મોંઢા આડે હાથ ધરી દીધો.'મનજીદાદા માફ કરી દો.દાદાએ દલ્લાની જાણ મને કરી છે પરંતુ મેં હજી જોયો નથી.ચાલો હું બતાવું સૌને.અંતિમ સમયે સાડાચાર વાગ્યે દાદાએ મને નિશાની સાથે કહ્યું હતું કે આ તારુ પરંતુ એમાંથી જે કંઈ નિકળે એમાંથી મારે કંઈ નથી જોઈતું '.

મંદિરની જગ્યાએ બધાં ગયાં.એક આગેવાને મર્મમાં કહ્યું 'જો જો ભાઈઓ!આ લાદી હમણાંથી ઉખાડાયેલ દેખાતી નથી એટલે પ્રતિકે એમાંથી કંઈ કાઢી લીધું હોય એવું લાગતું નથી.'

લગભગ અડધો કિલોગ્રામ સોનું અને દશ કિલોગ્રામ ચાંદી તાંબાના વાસણમાં ભરેલ હતી એ બન્ને કાકાઓને આપીને પ્રતિકે કહ્યું,'આ બધા પર અમારો હકદાવો સ્વેચ્છાએ જતો કરીએ છીએ.બીજું કે મારા પિતાજીની આજ્ઞા અનુસાર બન્ને ફોઈઓને હું મારા તરફથી એક એક લાખ રૂપિયા આપું છું.'

બન્ને ફોઈઓ પ્રતિકને ભેટી પડી.ભગવાનભાઈ અને મહેશભાઈએ બહેનોને કંઈક આપવા માટે એમની પત્નિઓ તરફ નજર કરી જોઈ પરંતુ એમની પત્નિઓના મોંઢાના નકારભાવ જોઈને જ ચૂપ થઈને બેસી રહ્યા.

વહેંચણી પુરી થતાં જ પ્રતિક ઉભો થયો અને બન્ને કાકા,કાકીઓ અને બન્ને ફોઈઓને પગે લાગ્યો.છેલ્લે આવેલ ગામલોકો સામે હાથ જોડીને બોલ્યો,'કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો.' પ્રત્યુતરમાં એક જ અવાજ પડઘાઈ રહ્યો હતો,"વાહ દિકરા વાહ!"

ધીમેધીમે સૌ ઉઠીને ચાલતાં થયાં.પ્રતિક બહાર નિકળી સીધો માતાપિતા પાસે દોડી ગયો ને પગે લાગીને બોલ્યો, 'પપ્પા કોઈનેય મનદુઃખ ના થાય એવી વહેંચણી કરાવીને આવ્યો છું, તમારી શીખામણનું અક્ષરશઃ પાલન કરીને આવ્યો છું '......તો પલવારમાં ગામમાં વાત ફેલાઈ ચુકી હતી કે 'કાનજીદાદાનો સાચો વારસ પાક્યો ખરો!
====