Mangal Masti - 3 books and stories free download online pdf in Gujarati

મંગલ મસ્તી - 3

પંચાત મારો પરમ ધર્મ છે..!

એવો એક પણ માનવી નહિ હોય કે જેમણે ક્યારેય છીંક-ઓડકાર કે ઉધરસ ના ખાધી હોય, એમ એવો એક પણ મનુષ્ય દેહ નહિ હોય કે, જેમણે ભૂલમાં પણ કોઈની પંચાત ના કરી હોય..! આમ તો આ બધી કુદરતી ચેષ્ટા છે. પણ મારે વાત કરવી છે, પંચાતના ‘હોલસેલ’ સ્ટોકીસ્ટ પંચાતીયાની...! આવાં લોકોને ન્યાત જાત જાતી અને ધર્મનું પુંછડું, આડું આવતું નથી. ‘પંચાત મારો પરમ ધર્મ છે’ એવી ફિરાક જ એમનો પરમ ધર્મ..! જેમ એકેય ગામ એવું ના હોય કે, જ્યાં હનુમાનજીની દે’રી નહિ હોય, એમ એકેય ગામ બાકી ના હોય કે, જ્યાં ‘પંચાતીયા’ ની પેદાશ ના હોય. (અત્યારે હું પણ પંચાત જ કરું છે ને દાદૂ..?) કેટલાંક તો પૂર્વ જન્મના એવાં ખાટેલાં કે, આવા પંચાતીયા એમની પાડોશમાં જ હોય. નસીબ હોય તો નસીમબાનું મળે, એમ અમુક તો બગલમાં નાંખીને જ ફરતાં હોય. આઈ મીન પાડોશમાં...! એમના લઘુકોણ-ગુરુકોણ-ચતુષ્કોણ જેવાં દ્રષ્ટિકોણ કોઈના ને કોઈના ઉપર ટકેલાં હોય. તમારા ઘરમાં કોણ આવ્યું, કેમ આવ્યું, ક્યારે પાછું વળ્યું, ટોપીવાળો હતો કે ધોતિયાવાળો, કુતરું ઘૂસ્યું હોય તો કાળું હતું કે લાલ હતું, બિલાડી, ઘુસી હોય તો કયારે ઘૂસી, ક્યારે પાછી વળી, કેવાં કલરની હતી, આવી બધી જ ચટપટીનો ખ્યાલ પંચાતિયો રાખે. પોલીસના પહેરા કરતા પણ આવા લોકો આપણી વધારે કાળજી રાખે. એમના હિડન કેમેરા ચારેય બાજુ લટકેલા જ હોય..! પંચાત કર્યા વગર જો એકાદ દિવસ ખાલી ગયો તો, એ દિવસ બરકત વગરનો લાગે. સીસી ટીવીની શોધ આવા પંચાતીયામાંથી થઇ હોય એવું રતનજીનું માનવું છે. કદાચ એ અંધશ્રદ્ધા પણ હોય..! પણ આટલી કાળજી રાખે કોણ..?

સરકારે ઉદાર નીતિ રાખીને આવાં ‘ પંચાતીયા’ ના Deploma corce’ શરુ કરી તેમને ડીગ્રી એનાયત કરવી જોઈએ. જેથી કુશળ પંચાતીયાની માંગમાં વધારો પણ થાય. અને તેવાને પાડોશી બનાવવા પડાપડી પણ થાય, કેલેન્ડરમાં ભલે સાત ચોઘડિયા હોય, પણ આઠમું વધારાનું ચોઘડિયું એટલે પંચાતિયો..! આમ તો ચોઘડિયા સાથે આવાં ફટીચરોને કોઈ લેવા દેવા નહિ. એને સાંભળો તો કાળ ચોઘડિયું શુભ પણ લાગવા માંડે, ને શુભ હોય તો મહાકાળ પણ બની જાય. જેવો જેવો સંબંધ..! બાકી, ‘પંચાત મારો પરમ ધર્મ છે’ જેવાં મુદ્રાલેખ સાથે એ એવો તૂટી પડે કે સ્થળ-સમય અને સંજોગની પણ પડી ના હોય. શ્રીશ્રી ભગાસ્વામીનું તો ત્યાં સુધી માનવું છે કે, જે લોકો ગયા જનમમાં મહત્વકાંક્ષાઓ અધુરી છોડીને વિલય પામ્યા હોય, એ લોકો જ બીજા જનમમાં હિસાબ સરભર કરવા માટે પંચાતીયા તરીકે જનમ લેતાં હોય છે. વિધાન જો કે આધારભૂત નહિ કહેવાય, પણ વિચારમાં તો મૂકી દે..! એટલા માટે કે આવો સ્ટોક ગામે ગામમાં ઠલવાયેલો હોય..!

સાલું, “કોની ગાય કોનું ખાય, હાંકે એનું ફલાણું થાય” એવી ગુજરાતીમાં એક કહેવત વાંચીને મને રતનજી કહે, “રમેશીયા...! આ કહેવતનો ભાવાર્થ શું ?” મેં કહ્યું, એનો અર્થ ‘પંચાતિયો...! તમે ૬૮ તીરથની ધૂળ ભલે ઉડાડી હોય, પણ પંચાતિયો પામવા માટે ભાગ્ય જોઈએ. ભાગ્યશાળીને ત્યાં જ ભૂત રળે એમ, નસીબદારના ભાગ્યમાં જ આવાં ‘પંચાતિયા’ પાડોશી મળે, બાકીનાને છૂટક-છૂટક મળે..! આ લોકો Easy પણ એટલાં હોય કે, એમની ‘એપોઇન્ટમેન્ટ’ લેવી પડતી નથી. ગમે ત્યારે ‘અલખ નીરજન’ બોલીને હાજરા-હજૂર થઇ જાય..! અને સલાહકાર બનીને ભેજાંનું દહીં કરી નાંખે. તમારે ઉપવાસમાં શું ખાવું, કેટલું ખાવું ક્યારે ખાવું, શું પીવું, કેટલું પીવું ક્યારે પીવું બાબતે સલાહોનો ઢગલો કરીને પંચાત-વિદ્યા અજમાવવા માંડે. પુરાણોમાં આ બાબતે છણાવટ કરી હોય કે ના હોય, ભેજું ખાવાના અને લોહી પીવાના એટલા ટેસ્ટી કે, ‘ફ્રાઈ’ કર્યા વગર ઝાપટી નાંખે..! આપણે તો માત્ર ગુપચુપ સહન જ કરી લેવાનું, નહિ તો હથેળીમાંથી કંકુ કાઢી બતાવે એવાં..!

પંચાતીયાના ઘર નાના હોય કે મોટાં, એની સાથે કોઈ લેવા દેવા નહિ. માત્ર પંચાત કરવાની ભૂરકી નાંખવાનું ફાવે એટલે, ‘Road-touch’ વાળા મોટાં ઓટલાની પસંદગી વધારે કરે. જેની રસવૃત્તિ જ પંચાત કરવાની હોય, એ એટલી તો અપેક્ષા રાખે જ ને મામૂ..! બાકી, પંચાત કરવાની સિદ્ધિ કે ફાવટનો ઉલ્લેખ કુંડળીમાં કે હસ્તરેખામાં હોતો નથી, નહિ તો બ્રહ્મજનોએ એનો ઉલ્લેખ કુંડળીમાં બતાવ્યો હોત. જ્યાં જ્યાં આવાં પંચાતીયા વસે છે, તે ગામ પણ વખણાય, ફળિયું પણ વખણાય, કુટુંબ પણ વખણાય ને એ વ્યક્તિ પણ વખણાય. ‘જ્યાં જ્યાં વસે એક પંચાતિયો ત્યાં ત્યાં સદાકાળ પંચાત’ જેવું..! પૃથ્વી ઉપર માત્ર ભગવાન કે કલાકાર જ જન્મ લેતાં નથી, આવાં પંચાતીયા પણ અવતાર ધારણ કરતા હોય છે. ભણવામાં ભલે MP હોય, આઈ મીન...મેટ્રિક પાસ હોય, પણ આવાં લોકો કોઈપણ વિષયમાં પારંગત હોય..! કાશ્મીરની પ્રાપ્તિ માટે કયા રાગમાં પીપુડી વગાડવી જોઈએ થી માંડી, કોંગ્રેસને સત્તા ઉપર લાવવા માટે કયા ભગતને દાણા બતાવવા જોઈએ, એ બધ્ધાંના ઉકેલ એમની પાસે હોય..! ત્યાં સુધી કે, એમના હિડન કેમેરા આપણા ઉપર જ લાધેલા હોય. પેટી-પટારા-પાર્સલ-પડીકા-શુટકેસ-બાસ્કેટ-બોલબેટ-ટીફિન લઈને આપણા ઘરનું તાળું મારતા જુએ એટલે પૂછે કે, ‘ક્યાં બહારગામ જાઓ છો..? એ વખતે આપણું મગજ તો એવું છટકે કે, કહેવાનું મન થઇ આવે, ‘ના, આ બધો સરસામાન લઈને પાન ખાવા જઈએ છીએ..!’ મલ્ટીપ્લેક્ષમાં ‘મુવી’ જોવા બેઠાં હોય અને ત્યાં મળે તો પણ પૂછે કે, ‘અરે વાહ..પિક્ચર જોવા આવ્યા છો..? ‘ ના, અમે મલ્ટીપ્લેક્ષમાં સત્ય નારાયણ ભગવાનની કથા સાંભળવા આવ્યા છે...!’ તારા કપાળમાં કાંદા ફોડું..!

બહારથી એવાં વટના કટકા લાગે કે, જોતાંવેંત Love થઇ જાય. પછી ભૂરકી એવી નાંખે કે, આપણને પોતીકો રેશનકાર્ડનો માણસ જ લાગે..! એનું ને આપણું રસોડું એક હોય એવો પ્રભાવ પાડે. પછી ધીરે રહીને ફેણ કાઢે..! વણ માંગી સલાહ આપવા માંડે કે, ટાઇઢમાં કઈ અંગ કસરત કરવી જોઈએ. કયા પ્રકારના ખોરાક લેવા જોઈએ. કયા પ્રકારના કપડા પહેરો તો ‘handsome’ લાગો, દાઢી-મુછ રાખવાથી ઝામો કે, માત્ર દાઢીમાં ઝામો, કઈ રાશિની છોકરી સાથે લગન કરવાથી સંસારમાં વાવાઝોડું નહિ આવે વગેરે વગેરે..! આપણે તો કંઈ વિચારવાનું જ નહિ. આપણા વતી એ જ વિચારે..! માત્ર કાન જ ખુલ્લા રાખવાના..! પેલી વાત બિલકુલ સાચી કે, બોડી બિલ્ડર સાથે બેસવાથી બોડી નહિ વધે, પણ પંચાતીયા સાથે બેસવાથી પંચાત કરવાનો ચેપ તો જરૂર લાગે..! જુઓને મેં પણ કેટલી પંચાત કરી પાડી..?

લાસ્ટ ધ બોલ

ડફોળના દાખલા સાચા પડે, અને બુદ્ધિશાળીના ગણિત સાવ ખોટા પડે, એનું નામ જિંદગી. સરકસમાં એટલે તો જોકર સૌને યાદ રહી જાય છે.

-------------------------------------------------------------------------------------------------------------------------