Sapt-Kon? - 3 books and stories free download online pdf in Gujarati

સપ્ત-કોણ...? - 3

ભાગ - ૩

"હેલો.... હેલો.... ધ્યાનથી સાંભળો. બંને ગાડીઓ અહીંથી માનગઢ જવા નીકળી ગઈ છે પણ એ ત્યાં સુધી ન પહોંચે એ જોવાનું કામ હવે તમારું....." હવેલીમાંથી કરાયેલા ફોન પર બોલાયેલા શબ્દો સાંભળી સંતુના પગ દરવાજે જ ખોડાઈ ગઈ..

સંતુએ પાછા વળી એ દરવાજાની તિરાડમાંથી અંદર જોવાનો પ્રયાસ કર્યો પણ ઓરડામાં પ્રકાશ ખુબ ઝાંખો હતો અને બારીએ પડદા લાગેલા હોવાથી સ્પષ્ટ દેખાતું નહોતું. એણે અવાજ ઓળખવાનો પણ પ્રયત્ન કરી જોયો પણ એ પારખી ન શકી એટલે જીવાને વાત કરવા માટે એ ફરી બહાર લોનમાં ગઈ જ્યાં જીવો છોડવાઓને પાણી પાઈ રહ્યો હતો પણ જીવો ત્યાંય એને ન દેખાયો એટલે એ હવેલીમાં પાછી ફરી અને રસોડામાં જઈ બાકી રહેલું કામ પૂરું કરવામાં પરોવાઈ ગઈ પણ એનો જીવ 'જીવો ક્યારે મળે અને એને વાત કરું' એમાં જ ચોંટેલો રહ્યો. 'રઘુકાકા મળે એટલે એમને પણ વાત કરું' એમ વિચાર્યું પણ રઘુકાકા ય ઘણીવાર સુધી દેખાયા નહીં એટલે ફરી કામે લાગી.

@@@@

બંને ગાડીઓ વળાંકોવાળા વાંકચુકા સર્પિલા રસ્તે માનગઢ તરફ આગળ વધી રહી હતી ત્યારે સલામત અંતર રાખી એક બ્લેક કલરની સકોર્પિયો ગાડી પણ એ બંને ગાડીનો પીછો કરતી આગળ વધી રહી હતી. કલ્યાણીદેવી આંખો બંધ કરી કંઈક વિચારતા બારીએ માથું ટેકવી બેઠા હતા. વ્યોમ અને ઈશ્વા પોતાની વાતોમાં તલ્લીન હતા તો બંને બાળકો આઇપેડમાં ગેમ રમતા વચ્ચે વચ્ચે બારી બહાર નજર કરી લેતા. બીજી તરફ દિલીપ અને કૌશલ બિઝનેસની વાતોમાં અટવાયેલા હતા તો ઊર્મિ અને અર્પિતા સ્ત્રી સહજ વાતોએ વળગેલી હતી. હજી માનગઢ પહોંચવા માટે આઠેક કિલોમીટર જેટલું અંતર કાપવાનું બાકી હતું અને એક વળાંક પાસે અચાનક જ ક્યાંકથી ઘેટાં-બકરાનું ટોળું આવી જતાં અચાનક કારને બ્રેક મારતા કાર રસ્તાની ધારે ઉગેલા એક જંગલી બાવળના ઝાડ સાથે સહેજમાં અથડાતા રહી ગઈ અને ઘરઘરાટીના અવાજ સાથે ઉભી રહી ગઈ. એ સમય દરમ્યાન કલ્યાણીદેવીની કાર આગળ નીકળી ગઈ હતી. આ જ મોકાનો ફાયદો લઈને પાછળથી આવતી બ્લેક સકોર્પિયો કારના ડ્રાઇવરે દિલીપની કાર સાથે અથડાવવાની નિયત સાથે સ્પીડ વધારી પણ અચાનક સામેથી કલ્યાણીદેવીની કારને જોઈ ડ્રાઇવર ગભરાઈ ગયો અને એણે કારની સ્પીડ ઘટાડી દીધી. જે સ્થળે આ ઘટના બનવા પામી હતી એ જગ્યાએ રસ્તો થોડો પહોળો હોવાથી દિલીપે કારને રસ્તાના કિનારે ઉભી રાખી હતી જેથી બીજી ગાડીઓ આસાનીથી જઈ શકે.

"કૌશલ, દિલીપ, ઊર્મિ, અર્પિતા, તમે.... તમે બધા ઠીક તો છો ને. . ક્યાંય વાગ્યું તો નથી ને. .?" કલ્યાણીદેવીએ કારમાંથી ઉતરી હાફળાફાફળા દિલીપની કાર તરફ દોટ મુકી, એની પાછળ પાછળ વ્યોમ અને ઈશ્વા પણ દોડ્યા.

"મમ્મીજી, કાઈ નથી થયું. .. અચાનક ઝાડીઓમાંથી આ ઘેટાં-બકરાનું ટોળું આવી ગયું ને મારે ગાડી વાળવી પડી.. નથીંગ ટુ વરી.. અમે ચારેય સહીસલામત છીએ." દિલીપે પશુઓના ટોળા તરફ આંગળી ચીંધી.. "પણ તમે આમ અચાનક પાછા કેમ વળ્યા..? તમને કેવી રીતે જાણ થઈ?"

"મોહન પાસે આપણી બધી જ ગાડીઓના ટ્રેકર છે.. એણે પોતાના મોબાઈલ એપ્લિકેશનથી જોયું તો તમારી કાર અહીં અટકેલી જોઈ એટલે મને જાણ કરી. કંઈક અજુગતું બનવાનો અણસાર આવ્યો એટલે મોહને ગાડી પાછી વાળી આ તો સારું છે કે મોહન સાથે છે અને અત્યારની ટેક્નોલોજિની કમાલ પણ..." કલ્યાણીદેવીએ ચોમેર નજર ફેરવી જાણે કંઈક શોધી રહ્યા હોય.

"મોહન... તું આ ગાડી લઈને માનગઢ પહોંચ. કૌશલ તું ડ્રાઇવ કર. આપણે સૌ આ ગાડીમાં સાથે જ માનગઢ જઈશું." કલ્યાણીદેવીએ ફરમાન છોડ્યું જેનો અમલ કરી સૌ એમની ગાડીમાં ગોઠવાયા અને બીજી ગાડી લઈ મોહન એમને અનુસર્યો.

"મજા છે હોં. .. આમ સૌ સાથે જવાની.." વ્યોમ હળવી મસ્તીના મૂડમાં હતો, "પોતાના પ્રિયજન સાથે સાવ ચપોચપ અડીને બેસવાનોય એક અનેરો રોમાંચ હોય... નહીં..?"

"વ્યોમભાઈ, એમ કરો... ઈશ્વાને તમારા ખોળામાં બેસાડી દો એટલે સંકડાશ પણ ઓછી થાય ને તમારો રોમાંચ પણ જળવાઈ રહે. .."ઉર્મિએ પણ મસ્તીનો સુર પુરાવ્યો એટલે બધા હસી પડ્યાં.

" જો આમ જ રહ્યું તો તો હું ડ્રાઇવ કરવાથી રહ્યો. ઊર્મિ મારા ખોળામાં બેઠી તો એક તો એ મારા ખોળામાં સમાઈ નહીં શકે અને બીજું મને વધી કાઈ દેખાશે નહીં તો એક્સિડેન્ટ પાકું..." કૌશલે મિરરમાં જોઈ ઊર્મિ સામે આંખ મિચકારી.

"ભાઈ... તું તો રહેવા જ દે. એમ કેમ નથી કહેતો કે ભાભી ખોળામાં બેસે તો એની રેશમી ઝુલ્ફોમાં તું અટવાઈ જાય, બાકી મારી ભાભી તો સાવ નાજુક, નમણી, દીવાસળી છે એ તો ક્યાંય પણ સમાઈ જાય..." અર્પિતાએ પણ હાથમાં આવેલો મોકો જોઈ ચોકો માર્યો, "એ સળગેય ખરી ને સળગાવેય ખરી." અર્પિતા સ્વગત બબડી જે કલ્યાણીદેવીની નજરથી છાનું ન રહ્યું.

આમ એકબીજા સાથે મજાક મશ્કરી કરતાં ક્યારે માનગઢ આવી ગયું ખબર જ ન પડી. કૌશલે સૌને સિલ્વર પેલેસ હોટલના મેઈન ડોર પાસે ઉતારી પાર્કિંગ એરિયામાં ગાડી પાર્ક કરી અને હોટલના હાઉસકીપિંગ સ્ટાફે એમનો બધો સામાન હોટલના નોકર દ્વારા લઈ બુક કરેલા હોટેલ રૂમમાં મુકાવડાવ્યો. કૌશલ અને દિલીપે હોટેલની ફોર્માલિટી પુરી કરી ઉપર પહોંચ્યા ત્યાં સુધી દરેક પોતાને ફાળવેલા રૂમમાં ગોઠવાઈ ચુક્યા હતા. કલ્યાણીદેવી બાળકો સાથે એક રૂમમાં અને બાકીના ત્રણે રૂમમાં ત્રણે કપલ. વ્યોમ અને ઈશ્વાનો રૂમ છેવાડે હતો અને ત્યાંથી દેખાતો વ્યુ જોઈ ઈશ્વા ખુબ જ આનંદિત થઈ ગઈ હતી. બાલ્કનીમાં બેઠેલી ઈશ્વા આસપાસનો નઝારો જોવામાં તલ્લીન્ હતી. ચારે તરફ નાની મોટી લીલીછમ ટેકરીઓ, એમાંથી ધોધરૂપે વહેતા નાના નાના ઝરણાઓનું મધુર સંગીત, પંખીઓનો કલરવ. મંત્રમુગ્ધ ઈશ્વાની બાજુમાં ઉભેલો વ્યોમ એના ચહેરા પર પથરાયેલી ખુશી જોઈ રહ્યો હતો.

"મેં કીધું હતું ને... વન ઓફ બ્યુટીફુલ પ્લેસ છે આ, મારી ફેવરિટ પણ... તારું મન પણ મોહી ગયું ને અહીંની સુંદરતા જોઈને.." વ્યોમે ઈશ્વાની હથેળી પોતાના હાથમાં લઈ એના કપાળે ચુંબન કર્યું.

"યસ, વોટ અ વંડરફુલ પ્લેસ..!! એવું લાગે છે જાણે સ્વર્ગમાં આવી ગયા છીએ. ટેકરીઓને અડીને જતાં વાદળો જાણે પ્રિયજનને ભેટીને પ્રેમસંદેશો અને ફરી મળવાનું વચન આપી જતાં હોય એમ આકાશે વિહરે છે. ઝરણાંઓનુ સુમધુર ગીત જાણે પ્રિયતમને પોકારી રહ્યું છે.. ગગને પાંખો ફેલાવીને ઉડી રહેલા પક્ષીઓને જોઈ મારું મન પણ થનગનવા માંડ્યું છે. ..કા.....શ...... મને પણ પાંખો હોત..." ઈશ્વા નિર્દોષ બાળકીની જેમ વ્યોમના ગળામાં હાથ નાખી લટકી રહી અને વ્યોમ એની ચંચલ મુગ્ધતા પર ઓવારી ગયો અને એણે ઈશ્વના હોઠે એક તસતસતું ગાઢ ચુંબન ચોડી દીધું.

સૌ ફ્રેશ થઈ, તૈયાર થઈ હોટેલના ડાઇનિંગ હોલમાં ભેગા થયા. સાથે લંચ કરી બધા આરામ કરવા પોતપોતાના રૂમમાં ગયા.

"ચાર વાગે આપણે માતાજીના દર્શન માટે નીકળવાનું છે. કલાકેક આરામ કરી શાર્પ સાડા ત્રણે બધા મને નીચે હાજર જોઈએ." કલ્યાણીદેવીએ ફરી આદેશ આપ્યો, "મોહન, દિલીપની ગાડીને કોઈ નુકસાન થયું હોય તો મેનેજરની મદદ લઈ રીપેર કરાવી લેજે."

"જી.. બા સાહેબ, નુકસાન તો કાઈ નથી થયું, ચિંતા કરવા જેવું નથી. " મોહન અદબ વાળીને ઉભો હતો.

"તો તો સારું... તું ય જમીને આરામ કરી લે, ચાર વાગે નીકળીએ પણ એ પહેલાં મંદિરે લઈ જવાનો બધો સામાન અને પ્રસાદ ચેક કરી લેજે..."

"જી.. બા સાહેબ.."

કલ્યાણીદેવી પણ પોતાના રૂમમાં આવી આડા પડ્યાં...

આવનારા સમયથી અજાણ સૌ આંખોમાં સપનાઓ આંજીને સુઈ ગયા. કલ્યાણીદેવીએ જો એકવાર પણ પાછું વળીને જોયું હોત તો એ સ્તબ્ધ થઈ ગયા હોત. મોહન આરામ કરવાને બદલે એમનો પીછો કરતી અહીં સુધી આવીને દૂર ઉભેલી બ્લેક સકોર્પિયોમાં બેસી રહ્યો હતો ....


ક્રમશ: