Sapt-Kon? - 7 books and stories free download online pdf in Gujarati

સપ્ત-કોણ...? - 7

ભાગ - ૭

"બીજુ. .. મારી બીજુ, મને ખાત્રી હતી કે તું જરૂર પાછી આવીસ. જો હું તને લેવા આયો સું. હાલ્ય મારી જોડે. ." વશીકરણ કર્યું હોય એમ ઈશ્વા એ વ્યક્તિની પાછળ દોરવાઈ.

લોબીમાંથી પસાર થઈ એ વ્યક્તિ ઈશ્વાને જમણી બાજુના છેવાડે આવેલા દરવાજા પાસે લઈ જઈને ઉભી રાખીને પોતાના બીજા હાથમાં રહેલી ચાવી વડે દરવાજો ખોલ્યો.

"ની........રૂ. ......" ચીસ પાડીને ઈશ્વા બેભાન થઈને ઢળી પડી.

@@@@

"આમ અડધી રાતે શું થાય છે તમને?" ઉર્વીશને અચાનક ઉઠી ગયેલો જોઈ નીલાક્ષીએ બેડરૂમની લાઈટ ઓન કરી.
"શું થયું....?" ઉર્વીશને ઢંઢોળી એણે જગમાંથી પાણી ભરી ગ્લાસ ધર્યો.

એકીશ્વાસે પાણી ગટગટાવી ડો. ઉર્વીશ ઓશિકાને અઢેલીને આંખ મીંચી બેસી રહ્યા. એમના ચહેરા પર પરસેવાની સાથે ચિંતાની રેખાઓ પણ તરવરી રહી હતી.

"ઈશ્વા. .. તું ઈશ્વાને ફોન કર, એ બરાબર છે ને. .. પૂછી જો... નીલુ.. સાંભળે છે તું?"

"પણ... અત્યારે અડધી રાતે, એને ફોન ન કરાય, હમણાં એ સુતી હશે. આપણે સવારે એની સાથે વાત કરી લઈશું. પણ થયું છે શું એ તો કહો મને? તબિયત તો ઠીક છે ને. હું ડોક્ટરને બોલાવું?" નીલાક્ષી કિચનમાં જઈ લીંબુપાણી બનાવીને લઈ આવી, "તેજસને જગાડું?"

"મને કાઈ નથી થયું. એક ભયાનક સપનું આવ્યું એટલે હું જાગી ગયો. તું સાચું કહે છે કે આ સમયે ઈશ્વાને ફોન કરી ડિસ્ટર્બ કરવું યોગ્ય નથી. તું પણ સુઈ જા હવે, તારી ઊંઘ પુરી નહીં થાય તો તારા સ્વાસ્થ્ય પર અસર થશે. આટલા વરસોથી તે મારે ખાતર ઘણી વખત ઉજાગરા કર્યા છે. આમેય ઈશ્વાના લગ્નનો થાક હજી ઉતર્યો નથી. તું આરામ કર, હું ય સુઈ જાઉં છું." ડો. ઉર્વીશ બ્લેન્કેટ ઓઢી પડખું ફેરવી સુઈ હોત પણ આંખોમાંથી ઊંઘ ગાયબ થઈ ગઈ હતી.

નીલાક્ષી પણ પડખું ફેરવી આંખો બંધ કરી સુવાનો પ્રયત્ન કરી રહી પણ એની નજર સમક્ષ ડો. ઉર્વીશનો ગભરાયેલો ચહેરો તરવરી ઉઠ્યો.



@@@@

"રઘુકાકાની તબિયત હવે સુધારા પર છે. કાલે બા સાહેબ પરિવાર સાથે માનગઢથી પાછા આવી જશે એટલે કાકા ઘોડાની જેમ દોડતા થઈ જશે. રાઠોડ પરિવાર એટલે કાકા માટે ધબકતી દુનિયા." સંતુ બહાર ઓટલે બેઠી બેઠી વટાણા ફોલી રહી હતી પણ એનું મન હજી રઘુકાકાની ચિંતા કરી રહ્યું હતું.

"આ સંતુ ય હાવ ભોળી છે. આ ડોહા વાંહે પોતાની જાત ખર્ચી નાખશે પણ પંડ્યના છોરાને પૈણાવવા હારું છોડી નહીં ગોતે..." બીડીના દમ મારતો જીવો લોનની બેન્ચ પર પગ લંબાવીને બેઠો હતો.

@@@@

'કાલે જામનગર જઈને સૌ પહેલાં મારે અર્પિતાના મનનો તાગ મેળવી એના મનમાં ઊર્મિ વિરુદ્ધ રહેલી કડવાશ કાઢવી પડશે. કોણ જાણે કયો પૂર્વગ્રહ નડે છે એને. જો આ ઝેરના બીજને ફણગો ફૂટતાં પહેલાં જ વાઢી નહીં દઉં તો એના ફળ બહુ જ ઝેરીલા અને કડવા ઉગશે અને એની અસર દરેકને થશે અને સૌથી વધુ અસર બાળકોને થશે. પાર્થિવ અને કૃતિ એનો ભોગ બનશે એની સાથે એમનું બાળપણ પણ ભોગ બનશે.' બેડ પર આંખો મીંચીંને કલ્યાણીદેવી આવનારા ભવિષ્યની ભૂલભુલામણીમાં ભુલા પડી અટવાઈ ગયા હતા. આંખના ખૂણેથી વહી રહેલા આંસુ ઓશિકાની કોર ભીંજવી રહ્યા હતા. આ બધાથી બેખબર એવા નિર્દોષ અને માસુમ પાર્થિવ અને કૃતિ કલ્યાણીદેવીની બંને તરફ મીઠી નિંદ્રા માણી રહ્યા હતા.

આ તરફ ઈશ્વાની રૂમમાં ગેરહાજરીથી અજાણ વ્યોમ ગાઢ નીંદરમાં હતો ત્યારે ઈશ્વા એ અજાણ વ્યક્તિ જોડે એક નવી દુનિયામાં પહોંચી ગઈ હતી.

"બીજુ. ... બીજુ..." કરતી એ વ્યક્તિ ઈશ્વાનો હાથ પકડી ખેંચીને લઈ જઈ રહી હતી અને ઈશ્વા "ની.....રુ....." એમ બોલતાં જ ઢળી પડી.

@@@@

'મારી બાવન વર્ષની લાઈફમાં આવું સ્વપ્ન તો મેં આજે પહેલીવાર જોયું અને એ પણ ઈશ્વાનું... હે ઈશ્વર, તારા જ વરદાનરૂપે જન્મેલી મારી ઈશ્વાની રક્ષા કરજે પ્રભુ..' સુતા સુતા જ ડો. ઉર્વીશના બેઉ હાથ જોડાઈ ગયા અને એમને ઈશ્વાનું બાળપણ સાંભરી આવ્યું. પોતાના લગ્નને છ છ વર્ષના વહાણા વાઈ ગયા હતા છતાંય નીલાક્ષીની કૂખ હજી કોરી જ હતી. આટલા મોટા સર્જન ડોક્ટર તરીકે પ્રસિધ્ધિ પામ્યા છતાંય ડો. ઉર્વીશ ઈશ્વર આગળ લાચાર પૂતળું હતા. ક્યારેક ક્યારેક નીલાક્ષી આગળ રડી પણ લેતા. ભાગ્યનું ચક્ર જયારે ફરે છે અને નિયતિ નસીબ પલટે છે ત્યારે ઈશ્વરને ન માનનારા અશ્રદ્ધાળુ અને નાસ્તિક વ્યક્તિ પણ ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારવા મજબુર બને છે. ડો. ઉર્વીશ પણ એવી વ્યક્તિમાંના જ એક હતા. વિજ્ઞાને જ્યાં ઘૂંટણ ટેકવી દીધા ત્યાં ઈશ્વરીય ચમત્કાર થયો અને નીલાક્ષીએ ઈશ્વાને જન્મ આપ્યો. નાનકડી, નાજુક પાંખડીઓ જેવી કોમળ બાળકીને જયારે ડો. ઉર્વીશે પોતાના હાથમાં લીધી ત્યારે એમનું શિશ ઈશ્વર સામે ઝુકી ગયું અને ત્યાં ને ત્યારે જ એમણે એનું નામકરણ કરી ઈશ્વા નામ પણ પાડી દીધું. નાનકડી ઈશ્વાની કિલકારીઓ હજી ઘરમાં ગુંજતી થઈ, એની કાલીઘેલી મીઠી ભાષાનો સ્વાદ હજી ચાખ્યો ત્યાં બે વર્ષના અંતરે તેજસનો જન્મ થયો અને ડો. ઉર્વીશનું મકાન ખરા અર્થમાં ઘર બન્યું.

@@@@

પ્રભાતના પુષ્પોનો પમરાટ ધીરે ધીરે સર્વત્ર પ્રસરી રહ્યો હતો. ઝાકળ બૂંદોથી શોભતા પુષ્પો પર સૂર્યના સોનેરી કિરણો પથરાઈ રહેતા ઝાકળબિંદુઓ હીરાની જેમ ચમકી રહ્યા હતા. પંખીઓના મધુર કલશોરથી વાતાવરણમાં પવિત્રતા છવાઈ રહી હતી. સૂરજદાદાનો રથ ઊંચે આકાશને આંબી જવા ઉપર તરફ જઈ રહ્યો હતો. સામે પારની ટેકરીએ માતાજીના મંદિરમાં થઈ રહેલી આરતીના સુર હોટેલ સિલ્વર પેલેસ સુધી સંભળાઈ રહ્યા હતા. કલ્યાણીદેવી રૂમની ફ્રેન્ચ વિન્ડો ખોલી બાલ્કનીની રેલિંગને અઢેલી ઉભા રહી આસપાસ ફેલાયેલી નિસર્ગની સુંદરતા માણી રહ્યા હતા. હળવે હળવે સૌ નીંદર ત્યાગી આળસ મરડી જામનગર પરત ફરવાની તૈયારીમાં લાગી ગયા.

"ઈશુ..... ઈ.......શુ......" ક્યાં છે તું? ઈ......શુ....... આટલી વાર લાગે કે વોશરૂમમાં..? હું અડધા કલાકથી તને અવાજ આપી રહ્યો છું. જલ્દી કર ડાર્લિંગ, લેટ થશું તો મમ્મી નારાજ થઈ જશે. તને ખબર તો છે જ કે એ ટાઈમના કેટલા પંકચ્યુલ છે. એક મિનિટ પણ આગીપાછી ન થવી જોઈએ એવો એમનો આગ્રહ તે પણ જોયો જ છે. મારે પણ તૈયાર થવું છે. . બેબી.... માય સ્વીટહાર્ટ, ઈ.....શુ......." વ્યોમે બાથરૂમના દરવાજાને હળવેથી ધક્કો માર્યો ત્યાં એ ખુલી ગયો. વ્યોમને લાગ્યું મોર્નિંગ મસ્તીના રોમેન્ટિક મૂડમાં ઈશ્વા એની સાથે કોઈ મજાક મશ્કરી કરી રહી છે પણ બાથરૂમ સાવ ખાલી હતું. ઈશ્વા તો શું એનો પડછાયો પણ ક્યાંય નહોતો.

બેબાકળો થઈ વ્યોમ આખા રૂમમાં ફરી વળ્યો. બેડની નીચે, બાલ્કનીમાં ત્યાં સુધી કે રૂમનો ખૂણેખૂણો ફેંદી નાખ્યો પણ ઈશ્વા ક્યાંય ન જડી. રઘવાયો થઈ એ રૂમની બહાર નીકળી કલ્યાણીદેવીના રૂમનો દરવાજો જોરજોરથી ખખડાવવા માંડ્યો.

"મમ્મી, મ.....મમ્મમી. ... ઈશ્વા...... રૂમમાં નથી."

"દીકરા, શાંત થઈ જા, એ અહીંયા જ ક્યાંક હશે અથવા નીચે ગાર્ડનમાં હશે. એને પ્રકૃતિ આમેય બહુ ગમે છે તો એ નીચે લટાર મારી રહી હશે. ચાલ હું પણ આવું છું નીચે. આમેય હવે બધા લગભગ તૈયાર થઈને નીચે આવતા જ હશે." કલ્યાણીદેવીએ સેન્ડલ પહેરી દરવાજો બંધ કર્યો અને પાર્થિવ અને કૃતિ સાથે નીચે ઉતર્યા એટલીવારમાં વ્યોમ દાદર ઉતરી ગાર્ડનમાં પહોંચી ગયો હતો.

"મમ્મી.... ઈશ્વા અહીંયા પણ નથી. .. ક્યાં ગઈ હશે આટલી વહેલી સવારે. .." વ્યોમના ગળે ડૂમો ભરાઈ આવ્યો.

"શું થયું મમ્મીજી, વ્યોમભાઈ કેમ આટલા ગભરાયેલા છે?" ઉર્મિ પણ મનમાં ગભરાઈ રહી હતી.

"ઈશ્વા નથી મળી રહી.. ન તો એ રૂમમાં છે અને ન અહીંયા નીચે."

"શું......? ઈશ્વા ગાયબ છે..?" ઉર્મિએ હોટેલના કોરિડોરની ભીંત પકડી લીધી.


ક્રમશ: