Addiction books and stories free download online pdf in Gujarati

વ્યસન

માલિનીએ પોતાને જોવા આવેલા મુરતિયાને પૂછ્યું,

'તમે ગુટખા-પાન-મસાલા ખાવ છો?'

નીલેશે નકારમાં માથું હલાવ્યું. પછી એને લાગ્યું કે આટલું પૂરતું નથી એટલે એણે બોલીને જવાબ આપ્યો 'ક્યારેય નહીં. ગુટખા તો દૂરની વાત છે, હું તો ક્યારેય સાદી સોપારી પણ ખાતો નથી.' તો પછી તમારા દાંત પીળા કેમ છે?

માલિનીએ ઊલટતપાસ કરી. નીલેશ જરા પણ થોથવાયા વગર બોલી ગયો,

'અમારા વિસ્તારમાં પાણી જ આવું આવે છે’

માલિનીએ વધારે પૂછ્યું નહીં. આટલું પૂછવા માટે પણ એણે કેટલી બધી હિંમત ભેગી કરવી પડી હતી એક તો દસ-બાર હજારની વસ્તીવાળું ગામ અને રૂઢિચુસ્ત પરિવારની મર્યાદા. પિતાનો સ્વભાવ અત્યંત ક્રોધી. મુરતિયો ઘરે આવ્યો તે પહેલાં જ પિતાએ માલિનીને હુકમ સંભળાવી દીધો હતો, 'મને મુરતિયો પસંદ પડી ગયો છે. તારે એની સાથે જ પરણવાનું છે. આ તો આજકાલ નવી ફેશન ચાલે છે એટલે છોકરા-છોકરીનું

મળવાનું નાટક ગોઠવ્યું છે. બહુ ચાંપલી થવાની જરૂર નથી.
છોકરો જે કહે એની હામાં હા પુરાવજે અને પ્રશ્નો પૂછતી નહીં. જૂનાગઢ જિલ્લાનું ગામ. 18 વર્ષની માલિની કોલેજના બીજા વર્ષમાં ભણતી હતી. ત્યાં જ એના રૂઢિવાદી પિતાએ એનું લગ્ન નક્કી કરી નાખ્યું. વર-કન્યાનું જોડું બધી રીતે મિસમેચ્ડ હતું. માલિની સપ્રમાણ ઊંચાઇ ધરાવતી નમણી યુવતી હતી. અત્યંત સંસ્કારી ભણવામાં તેજસ્વી હતી. ગામડામાં ઊછરેલી છોકરીએ બારમા વર્ષે કવિતા લખી હતી. હાઇસ્કૂલમાં હતી ત્યારે નિબંધ સ્પર્ધામાં પ્રથમ આવી હતી અને વક્તૃત્વ સ્પર્ધામાં જિલ્લા કક્ષા સુધી પહોંચી હતી. એની ઇચ્છા કોઇ પણ વિષયમાં માસ્ટર્સ કર્યા પછી સિવિલ સર્વિસિસની પરીક્ષામાં જવાની હતી પણ વિધાતાએ (અહીં વિધાતાનો અર્થ પિતા કરવો.) એના માટે કેવું પાત્ર શોધી કાઢ્યું હતું. નીલેશ માત્ર નવ ધોરણ પાસ હતો. જામનગરમાં બ્રાસની ફેક્ટરીમાં નોકરી કરતો હતો. એને ચીલાચાલુ અર્થમાં અસંસ્કારી ન કહી શકાય પણ એનામાં માલિની જેવા ઉચ્ચ સંસ્કારો તો ન જ હતા. વધુ ભણવાને બદલે સમયસર કમાણી કરતા થઇ જવું એટલામાં એની કારકિર્દી સમાઇ જતી હતી. સારી છોકરી પત્ની તરીકે મળતી હોય તો ખોટું બોલવામાં પણ એને ખોટું લાગતું ન હતું. લગ્નની તારીખ નક્કી થઇ ગઇ. ઘોડી ઉપર ચડીને વરરાજા આવી પહોંચ્યા. લગ્નની વિધિ શરૂ થઇ. શુભ મુહૂર્ત જોઇને ગોર મહારાજે 'કન્યા પધરાવો'ની સૂચના આપી. મામાની સંગાથે પાનેતરમાં શોભતી માલિની માંડવામાં પ્રવેશી. લજ્જાના ભારથી એની પાંપણો નીચેની તરફ ઢળેલી હતી. હસ્તમેળાપ સમયે એણે નજર ઉઠાવીને વરરાજા સામે જોયું. એ સાથે જ માલિનીને જોરદાર આંચકો લાગ્યો. વરરાજા ગુટખા ચાવતા બેઠા હતા. એનાં બંને ગલોફાં ફૂલી ગયાં હતાં. અણવર એમની બાજુમાં થૂંકદાની લઇને ઊભો હતો. વરરાજા થોડી થોડી વારે કન્યારત્નનું મુખદર્શન કરીને સૌંદર્યનું રસપાન કરી લેતા હતા અને થોડી થોડી વારે મુખમાં ઓગળતા તમાકુના રસનું થૂંકદાનીમાં વિસર્જન કરી લેતા હતા. માલિનીને જબરદસ્ત અણગમો થઇ આવ્યો. એને તમાકુ પ્રત્યે જોરદાર નફરત હતી. એના કરતાં પણ વધારે નફરત જૂઠું બોલનાર વ્યક્તિ માટે હતી. અત્યારે એની સામે બેવડી નફરતનું કેન્દ્ર એવો એનો સ્વામીનાથ બેઠો હતો અને પોતાના ગંદા પીળા દાંત બતાવીને હસી રહ્યો હતો. માલિનીને ચાલુ વિધિએ માંડવામાંથી નાસી છૂટવાની ઇચ્છા થઇ આવી, પણ કન્યાદાન આપવા માટે બેઠેલા પિતાની કરડી આંખ અને માતાની આજીજીભરી નજર જોઇને એ ચૂપચાપ બેસી રહી. સુહાગરાતે નીલેશે માલિનીનો ઘૂંઘટ ઉઠાવ્યો. એ સાથે જ એના મોંમાંથી દુર્ગંધનું ઝાપટું નવવધૂના ચહેરા પર ફેંકાયું. માલિનીને ઊબકા આવી ગયા. એ પછીનું વર્ણન શબ્દોમાં થઇ શકે તેવું નથી.

ગૂંગળાતી, ભીંસાતી, બદબૂના નર્ક-કુંડમાં તરફડિયા મારતી એ કતલની રાત માંડ પૂરી થઈ. બીજા દિવસે માલિનીએ પતિને તમાકુ છોડી દેવા માટે ખૂબ સમજાવ્યો. બે હાથ જોડીને વિનંતી કરી પણ નવ ધોરણ ભણેલો નીલેશ હવે ‘સ્વામીનાથ’ના પાઠમાં હતો.

તેણે કહી દીધું, ‘હું તને છોડી શકું, તમાકુને નહીં.’

માલિનીએ સાસુમા પાસે રજૂઆત કરી, ‘બા, તમે તમારા દીકરાને આવા સંસ્કાર આપ્યા છે? લગ્ન પહેલાં મેં એમને પૂછ્યું હતું, ત્યારે એમણે ના પાડી હતી. આવા પુરુષ જોડે મારી જિંદગી કેવી રીતે જાય?’ ‘લાખો સ્ત્રીઓની જાય જ છે ને! તું વળી નવી નવાઈની આવી સંસ્કારવાળી! મને તો આ મામલામાં વચ્ચે લાવતી જ નહીં.

આજકાલ બધા જ જુવાનીયાઓને ગુટખા વિના ચાલતું જ નથી. ભાયડા તમાકુ નહીં ખાય તો શું બૈરાં ખાશે?' સાસુમાએ દીકરાનું ઉપરાણું લઈને વહુને ખખડાવી નાખી. કોઈ પીઢ માણસે સલાહ આપી, ‘જો પતિનું વ્યસન છોડાવવું જ હોય તો તે માટેનો અંતિમ અને અકસીર ઉપાય છે કે પત્નીએ પણ એ વ્યસન ચાલુ કરી દેવું. કોઈ પણ પુરુષ એવું નહીં ઈચ્છે કે તેની પત્ની ગુટખા, સિગારેટ કે શરાબનું સેવન કરે. માલિનીએ રાત્રે આ હથિયાર અજમાવ્યું. હાથમાં ગુટખાનું પાઉચ લઈને પતિને ધમકી આપી, ‘તમે ગુટખા ખાવાનું બંધ કરો છો કે પછી હું ચાલુ કરું?' નીલેશ હસ્યો એનું ખલનાયક જેવું અટ્ટહાસ્ય સાંભળીને ધૂંધવાઈ ઊઠેલી માલિનીએ ગુટખાની ચપટી લઈને મોંઢામાં મૂકી દીધી. વિચિત્ર સ્વાદથી એ ગૂંગળાઈ મરી. કંઈ સમજે તે પહેલાં તો માલિની ચક્કર ખાઈને પથારીમાં ઢળી પડી. નીલેશ જાણે કંઈ બન્યું ન હોય તેમ ચંપલ પહેરીને મિત્રોને મળવા ઉપડી ગયો.

ભાનમાં આવ્યા પછી માલિનીએ આવનારા સમયનું વિશ્લેષણ કર્યું. વ્યસની પતિ, તોછડી સાસુ અને નિર્બળ સસરો આ ત્રિપુટીનો સરવાળો એટલે અંધકારમય ભવિષ્ય. આમાંથી માત્ર શિક્ષણ જ એને ઉગારી શકશે. માલિનીએ ભણવાનું ચાલુ કરી દીધું. બી.એ. પૂરું કર્યું. એમ.એ પણ થઈ ગઈ એક ખાનગી કોચિંગ ક્લાસમાં એને જોબ મળી ગઈ પગાર ઓછો હતો પણ માલિનીને ખબર હતી કે આ નાના પગારમાંથી થતી નાની બચત કપરા સમયમાં મોટું કામ કરી આપવાની હતી. દસ વર્ષ વીતી ગયાં માલિની બે સંતાનોની માતા બની.

એક દિવસ નીલેશે સહજ રીતે એને વાત કરી, દાળ-શાકમાં મરચું ઓછું નાખજે ને મારી જીભ આવી ગઈ છે. મરચું તો રોજની જેટલું જ નાખું છું. તમને તો ઉપરથી લાલ મરચું નાખવાની આદત છે. એમ જીભ શએની લાલ થાય? મને બતાવો. નીલેશની જીભ ઉપર મોટું ‘અલ્સર’ હતું. માલિની સમજી ગઈ કે વર્ષોથી એના મનમાં જેની આશંકા હતી તે વાત હવે હકીકત બનીને સામે આવી ગઈ હતી. ડોક્ટરે તપાસીને તાબડતોબ અમદાવાદ જવાની સલાહ આપી. કેન્સર હોસ્પિટલમાં પહોંચ્યાં. ડોક્ટરે બાયોપ્સી લીધી. રિપોર્ટમાં કેન્સર આવ્યું. આટલું કરતામાં જ વીસેક હજાર રૂપિયા તો ખર્ચાઈ ગયા હતા. અમદાવાદમાં રહેવાના, ખાવા-પીવાનાં, ડોક્ટરની ફી અને રિપોર્ટ્સ વગેરેના ખર્ચાઓ એમના ગજા બહારના હતા. (સમય બચાવવા માટે પ્રાઈવેટ સર્જનને પસંદ કર્યા હતા.) કેન્સરનું નામ સાંભળીને જ નીલેશ ભાંગી પડ્યો, ‘હવે મારું શું થશે?

મારી પાસે તો બચત પણ નથી. પપ્પા મદદ નહીં કરે. તું પણ મારો સાથ છોડી દેશે. તેં કેટલું સમજાવ્યો મને, તો પણ હું માન્યો નહીં.’ જીભ કાપી નાખવી પડી. જડબું વિકૃત થઈ ગયું. આઠથી દસ લાખ રૂપિયા વપરાઈ ગયા. ધીમે ધીમે બધા દાંત પડી ગયા. ભૂખ મરી ગઈ. નીલેશ બચી તો ગયો પણ જીવતેજીવ મરવા જેવો થઈ ગયો. હાલમાં ફક્ત પ્રવાહી અને રાબ ઉપર ટકી રહ્યો છે. પથારીમાં પડ્યો રહે છે. માલિની કમાઈને ઘર ચલાવે છે. ક્યારેક આવા કારમા સંઘર્ષથી કંટાળીને માલિની પોતાની સાસુને કહે છે બા, જોયું ને તમારા દીકરાને શું થયું તે! તમે એને એક વાર પણ તમાકુ ખાતાં રોક્યા હોત તો આવી દશા ન થાત.'

સાસુ પાસે એ જ જવાબ છે: ‘હું શું કરું? કોઈ છોકરો પોતાની માનું સાંભળે છે? તારા ભાગ્યમાં આ બધું લખાયું હશે, બીજું શું?

સમય આવ્યે જો નિલેશ બધું સમજી ગયો હોત તો એની અને તેના પરિવારની એ દશા ન થાત.

– ડોક્ટર ની ડાયરીમાંથી
– ડોક્ટર શરદ ઠાકરની કલમે