Prarambh - 76 books and stories free download online pdf in Gujarati

પ્રારંભ - 76

પ્રારંભ પ્રકરણ 76

દીનાનાથ ભટ્ટ જામનગરની આયુર્વેદ કોલેજમાં પ્રોફેસર હતા. પટેલ કોલોની શેરી નંબર ૪ માં કેતન જે બંગલામાં રહેતો હતો એ બંગલો પાંચ મહિના પહેલા એમણે જ ખરીદેલો હતો.

એમને એટલી ખબર હતી કે આ બંગલામાં પહેલાં કેતનભાઇ સાવલિયા નામના કોઈ ભાઈ રહેતા હતા. એ કાયમ માટે મુંબઈ જતા રહ્યા હતા અને આ બંગલો જયેશ ઝવેરીને સોંપી ગયા હતા. ભટ્ટ સાહેબે આ બંગલો જયેશભાઈ પાસેથી જ ખરીદ્યો હતો.

ગઈકાલે ત્રીજા નંબરના બંગલામાં રહેતા મનોજભાઈનું અવસાન થઈ ગયું અને આ બંગલામાં જ રહેતા કેતનભાઇએ એમને સજીવન કર્યા એવી એમને ખબર પડી એટલે એમને કેતનભાઈને મળવાની ઈચ્છા થઈ.

આજે સોમવાર હતો એટલે એમની કોલેજ ચાલુ હતી છતાં એ આજે કોલેજ ગયા ન હતા. એ કોલેજ જતા રહે અને કેતનભાઇ જો નીકળી જાય તો મુલાકાત શક્ય ના બને એટલે એમણે આજે રજા રાખી હતી.

કેન્સર સર્જનના ક્લિનિક ઉપરથી મનોજભાઈ અને કેતનભાઇ જ્યારે ઘરે આવ્યા ત્યારે ૧૧ વાગી ગયા હતા.

કેતન જેવો ગાડીમાંથી ઉતર્યો કે તરત જ દીનાનાથ ભટ્ટ કેતન પાસે આવ્યા.

"કેતનભાઇ જરા મારા ઘરે આવો ને ! તમે રહેતા હતા એ જ બંગલામાં હું રહું છું. અને જયેશભાઈ પાસેથી મેં જ ખરીદ્યો છે. " ભટ્ટ સાહેબ બોલ્યા.

કેતનની પોતાની ઈચ્છા પણ એના પોતાના બંગલામાં જવાની હતી અને આ તો ભાવતું હતું અને વૈદે કહ્યું જેવી વાત થઈ. એ તરત જ ભટ્ટ સાહેબ સાથે એમના બંગલામાં ગયો.

" આવો કેતનભાઇ. તમારા જ જૂના ઘરમાં તમારું સ્વાગત કરું છું. મારું નામ દીનાનાથ ભટ્ટ છે. કાલની ઘટના મેં સાંભળી અને મને એકવાર તમને રૂબરૂ મળવાની ખાસ ઈચ્છા થઈ. હું આ બધામાં બહુ માનું છું. " ભટ્ટ સાહેબ બોલ્યા.

" જી ભટ્ટ સાહેબ. મારી પણ ઈચ્છા એકવાર આ બંગલામાં પગ મૂકવાની હતી અને તમે તે પૂરી કરી. દરેક ભૂમિ સાથે એક માનસિક સંબંધ થઈ જાય છે. જ્યારે પણ હું જામનગર આવું ત્યારે આ બંગલાની મુલાકાત લીધા વગર જતો નથી. " કેતન બોલ્યો.

" તમારી વાત સાચી છે. હું પોતે અહીંની આયુર્વેદ કોલેજમાં પ્રોફેસર છું અને પાંચ મહિના પહેલાં આ બંગલો મેં ખરીદ કર્યો છે. તમને મળવાની ઈચ્છા એટલા માટે થઈ કે તમે આ મકાનમાં રહેતા હતા. તમારી પાસે કોઈ દિવ્ય શક્તિ છે. તમારા આ બંગલામાં આવ્યા પછી જે શાંતિ હું અનુભવું છું એનું વર્ણન કરી શકતો નથી. " ભટ્ટ સાહેબ બોલતા હતા.

" મારા ભાઈ સાથે પ્રોપર્ટીનો ઝગડો છેલ્લા છ વર્ષથી ચાલતો હતો. અહીં રહેવા આવ્યા પછી એક જ મહિનામાં સમાધાન થઈ ગયું. પ્રોપર્ટી વેચાઈ ગઈ અને મને પણ મારો ભાગ મળી ગયો. મારી કોલેજમાં પણ મારું માન પાન વધી ગયું છે અને બધા મને આદરથી જુએ છે. " ભટ્ટ સાહેબ બોલ્યા.

" તમારી વાત સાચી છે ભટ્ટ સાહેબ. આ ઘરમાં રહીને મેં બહુ જ સાધના કરી છે. સૂક્ષ્મ જગતમાં રહેલા સંતોની પધરામણી પણ આ ઘરમાં થઈ છે. મેં પોતે સવા લક્ષ ગાયત્રી મંત્રનું પુરશ્ચરણ પણ આ જ ઘરમાં કરેલું છે. એટલે આ ઘરમાં તમને સુખનો અનુભવ થાય જ. " કેતન બોલતો હતો.

" તમે કોઈપણ એક પૂજા રૂમમાં બેસીને મંત્ર સાધના કરતા હો તો એ રૂમમાં દિવ્ય ચેતનાનું એક વાતાવરણ પેદા થાય છે. જેટલી તમારી સાધના વધારે એટલા સ્ટ્રોંગ વાઇબ્રેશન્સ પેદા થાય. એ જગ્યા પછી કલ્પવૃક્ષ જેવી બની જાય છે. ત્યાં બેસીને તમે જે પણ ઈચ્છા કરો એ પૂરી થાય છે. ત્યાં બેસીને તમે પ્રાર્થના કરો તો એનો પણ તમને જવાબ મળે છે. મેં અહીં ઘણી ગાયત્રી સાધના કરેલી છે. " કેતન બોલ્યો.

"હવે મને સમજાયું કે આ ઘરમાં વારંવાર મને ગાયત્રી મંત્ર કરવાના વિચારો કેમ આવે છે ! હું પોતે બ્રાહ્મણ છું પણ ગાયત્રી મંત્ર કરતો નથી. શિવજીને માનું છું અને એમની માળા કરું છું. " ભટ્ટ સાહેબ બોલ્યા.

" શિવજીને ચોક્કસ માનો. શિવલિંગ ઉપર અભિષેક પણ કરો પરંતુ ગાયત્રીની ઓછામાં ઓછી ૩ માળા રોજ કરો. તમારી જિંદગી ધીમે ધીમે બદલાઈ જશે. આજે મારી પાસે જે પણ સિદ્ધિઓ છે તે ગાયત્રી મંત્ર સતત કરવાથી જ મળી છે. જો કે સિદ્ધિઓ પાછળ મારા ગુરુજીના આશીર્વાદ પણ છે. " કેતન બોલ્યો.

" કેતનભાઇ તમે રોકાવાના હો તો સાંજે જમવાનું મારા ત્યાં રાખો. કારણ કે અત્યારે તો તમારી રસોઈ મનોજભાઈના ઘરે બનતી જ હશે. " ભટ્ટ સાહેબ બોલ્યા.

" રોકાવાનો તો નથી સાહેબ. જમ્યા પછી થોડો આરામ કરીને હું નીકળી જઈશ. રાજકોટથી સાંજનું ફ્લાઇટ પકડવાની ઈચ્છા છે. " કેતન બોલ્યો.

"ઠીક છે તો પછી ચા તો પીવી જ પડશે. હવે મારે તમને એક વાત કહેવાની છે. તમારી પાસે એનો જવાબ હશે કે નહીં એ મને ખબર નથી. પરંતુ ગઈકાલની ઘટના પછી મને પૂછવાનું મન થયું છે. " ભટ્ટ સાહેબ બોલ્યા અને એમણે એમની પત્નીને ચા મૂકવાનું કહ્યું.

" હા હા પૂછો. શક્ય હશે તો તમને જવાબ મળશે. " કેતન બોલ્યો.

" કેતનભાઇ મારી ઉંમર ૪૨ વર્ષની થઈ. મારા લગ્નને દસ વર્ષ થઈ ગયાં. હજુ સુધી મારા ત્યાં સંતાન નથી. અમે બહુ કોશિશ કરી. બહુ દવાઓ પણ કરાવી છતાં મારી પત્નીને ગર્ભ રહેતો જ નથી. તમે કહી શકશો કે મને સંતાન સુખ કેમ નથી મળતું ? " ભટ્ટ સાહેબ બોલ્યા.

કેતને આંખો બંધ કરી દીધી અને બે ત્રણ મિનિટ ઊંડા ધ્યાનમાં સરકી ગયો.

" ભટ્ટ સાહેબ પૂર્વ જન્મમાં તમે તામિલનાડુમાં બ્રાહ્મણ કુળમાં જ જન્મ્યા હતા અને કર્મકાંડ કરતા હતા. તમારે એક દીકરો હતો પરંતુ તમારી પત્ની તરફની શંકાના કારણે તમે એ દીકરાને ખૂબ જ નફરત કરતા હતા. એ મોટો થતો ગયો તો પણ તમે એની સામે જોતા પણ ન હતા. " કેતન બોલતો હતો.

" એને ભણવા માટે પણ તમે કોઈ મદદ કરતા ન હતા અને તમારી પત્ની તમારા યજમાનો પાસેથી પૈસા ઉઘરાવીને દીકરાને ભણાવતી. તમારો સ્વભાવ દુર્વાસા જેટલો ઉગ્ર હતો અને એ દીકરાને નાની નાની બાબતોમાં મારતા હતા. ક્યારેક સોટીથી પણ ખૂબ મારતા હતા. તમારી પત્ની તમને ખૂબ જ વિનંતી કરતી હતી પરંતુ તમારી નફરત ઓછી ના થઈ. " કેતન ભટ્ટ સાહેબના પૂર્વ જન્મની વાત કરી રહ્યો હતો.

" તમારી પત્ની અસ્થમાથી પીડાતી હતી એટલે દીકરો જ્યારે ૨૦ વર્ષનો થયો ત્યારે પત્નીનું અવસાન થઈ ગયું. તમે એ વખતે તમારા સગા દીકરાને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂક્યો. વગર વાંકે દીકરાને તમે ખૂબ જ સજા કરી. દીકરો ૧૫ દિવસ સુધી રખડ્યો અને છેવટે એણે આત્મહત્યા કરી લીધી. " કેતન બોલતો હતો.

" ભટ્ટ સાહેબ તમારા પોતાના દીકરા સાથે તમે જે અમાનુષી વર્તન કર્યું અને આખી જિંદગી એના ઉપર ત્રાસ ગુજાર્યો અને મરવા માટે મજબૂર કર્યો એનો અભિશાપ તમને લાગેલો છે. તમને સંતાનબાધા યોગ થયો છે. એટલે આ જન્મમાં તમને કોઈ સંતાન નથી. " કેતન બોલ્યો.

" પરંતુ કેતનભાઇ મારી પત્નીનો શું વાંક ? બાળકની ઈચ્છા તો સૌથી વધારે એને છે. " ભટ્ટ સાહેબ બોલ્યા.

"ભટ્ટ સાહેબ એમની કૂખે સંતાન નથી તો એમના પૂર્વ જન્મમાં પણ આવું કોઈ કર્મ થયું જ હોય અને એટલે જ એ તમારી સાથે જોડાયાં હોય. ઈશ્વરની આ સૃષ્ટિમાં કર્મ પ્રમાણે જ સુખ અને દુઃખ મળ્યા કરે છે. એ સંતાનથી વંચિત છે એનો મતલબ પૂર્વ જન્મનું કોઈ ખરાબ કર્મ એમને પણ નડે છે. મારે એમના પૂર્વ જન્મમાં જવાની જરૂર નથી." કેતન બોલ્યો.

" તો પછી આ અભિશાપ દૂર કરવાનો ઉપાય શું ? એ આવતા જન્મમાં પણ નડ્યા જ કરશે? " ભટ્ટ બોલ્યા.

" તમને આ જન્મમાં સજા તો મળી જ ગઈ છે એટલે એ કર્મ બંધનમાંથી થોડા ઘણા અંશે તમે મુક્ત થઈ ગયા છો. ઉપાયમાં એક જ વસ્તુ છે કે તમે કોઈ અનાથ બાળકને દત્તક લો અને એને સગા દીકરાની જેમ ખૂબ જ પ્રેમ કરો તો તમારો અભિશાપ સંપૂર્ણપણે દૂર થઈ જશે અને આવતા જન્મમાં એ બિલકુલ નહીં નડે. " કેતન બોલ્યો.

" મારી પત્ની ઘણા સમયથી દત્તક બાળક લેવાની વાત કરે જ છે પરંતુ હું જ ના પાડું છું. હવે તમે આટલી બધી વાત કરી તો ચોક્કસ અમે એ દિશામાં આગળ વધીશું. તમારો ખૂબ ખૂબ આભાર કેતનભાઇ. મારા મનનું તમે સરસ રીતે સમાધાન કર્યું. હું ગાયત્રીની માળા પણ ચોક્કસ ચાલુ કરીશ. " દીનાનાથ બોલ્યા.

ત્યાં સુધીમાં ભટ્ટ સાહેબનાં પત્ની ચા બનાવીને લાવ્યાં. કેતને ચા પી લીધી અને પછી ભટ્ટ સાહેબની વિદાય લીધી.

" આવો કેતનભાઇ બેસો. " કેતન ઘરમાં દાખલ થયો કે તરત જ મનોજભાઈ બોલ્યા.

" ભટ્ટ સાહેબ સારા માણસ છે. અહીં આયુર્વેદ કોલેજમાં પ્રોફેસર છે. " કેતન સોફામાં બેઠો પછી મનોજભાઈ બોલ્યા.

" હા. એ મને એમણે કહ્યું. મારા માટે ચા મૂકી હતી એટલે બેઠો હતો. આજે હવે જમીને થોડો આરામ કરીને નીકળી જઈશ. " કેતન બોલ્યો.

મનોજભાઈએ મંજુલાબેન અને મનાલીને કેન્સર હોસ્પિટલમાં કેન્સરથી રિબાતા એક પેશન્ટને કેતનભાઇએ જે મૃત્યુદાન આપ્યું એની ચર્ચા વિસ્તારથી કહી. એમણે એન્જિઓગ્રાફીનો રિપોર્ટ એકદમ નોર્મલ આવ્યો એની પણ ચર્ચા કરી.

" કેતન સરમાં ઘણી બધી શક્તિઓ છે પપ્પા. તમને સજીવન કરી દીધા એ જ સૌથી મોટી સિદ્ધિ છે " મનાલી બોલી.

સાડા અગિયાર વાગી ગયા હતા. દસેક મિનિટમાં જ મનાલીએ પપ્પા અને કેતનને જમવા માટે ડાઇનિંગ ટેબલ ઉપર આવી જવાનું કહ્યું.

જમવામાં આજે દાળ, ભાત, રોટલી અને ચણાના લોટથી ભરેલું દૂધીનું શાક હતું. મીઠાઈમાં એણે ગુલાબજાંબુ પણ મૂક્યાં હતાં. મનાલી કેતનને ગરમાગરમ ફૂલકા પીરસતી હતી. આજે એણે દિલથી રસોઈ બનાવી હતી.

" જમવાની મજા આવી ગઈ. દૂધીનું ભરેલું શાક તો મેં પહેલીવાર ખાધું. " કેતન બોલ્યો.

કેતને એ પછી રાજકોટ જવા માટે સાંજે ૭ વાગ્યાના ફ્લાઇટની ટિકિટ ઓનલાઇન બુક કરાવવા માટે કોશિશ કરી પણ કન્ફર્મ ટિકિટ મળતી જ ન હતી. હવે ?

" મનોજભાઈ ફ્લાઈટ તો ફૂલ લાગે છે હવે શું કરીશું ? મારે ટ્રેઈનમાં જ જવું પડશે. " કેતન બોલ્યો.

"અહીંથી રાત્રે ૮ વાગે હમસફર ટ્રેઈન ઉપડે છે એ બાંદ્રા સુધી જાય છે. જો એમાં તત્કાલ ટિકિટ મળતી હોય તો ટ્રાય કરો. " મનીષભાઈ બોલ્યા.

કેતને તરત જ રેલવેની સાઈટ ખોલી અને હમસફરની ટિકિટ માટે સર્ચ કર્યું. ફર્સ્ટ અને સેકન્ડ ક્લાસમાં તો કોઈ સીટ ખાલી ન હતી પરંતુ થર્ડ એસી માં એક સીટ ખાલી હતી. એણે તરત જ ટિકિટ બુક કરાવી દીધી.

"હમસફર ટ્રેઈનમાં મને ટિકિટ મળી ગઈ છે. એટલે હવે હું ૮ વાગ્યાની ટ્રેઈનમાં જ નીકળી જઈશ. " કેતન બોલ્યો.

" એ સરસ કામ થઈ ગયું. સવારે સાડા નવ વાગે તો તમે બાંદ્રા પહોંચી જશો. " મનોજભાઈ બોલ્યા.

કેતને મનસુખ માલવિયાને આવતી કાલે સવારે ૯:૩૦ વાગે બાંદ્રા સ્ટેશન આવવા માટે ફોન કરી દીધો.

બીજો ફોન એણે ઈકબાલને કર્યો. " ઈકબાલ તુમ નિકલ જાઓ. મૈં યહાંસે હી રાતકી ટ્રેઈન પકડકે મુંબઈ જાને કે લિયે નિકલ જાઉંગા. "

" જી ભાઈજાન. મૈં આધે ઘંટે મેં હી નિકલ જાતા હું. " ઈકબાલ બોલ્યો.

ઈકબાલને હવે અસલમની ગાડી સાથે રોકવાનો કોઈ મતલબ ન હતો એટલે એને ફોન કરવો જરૂરી હતો.

" હવે સાંજનું તમારું જમવાનું કેવી રીતે કરવું છે ? જો તમે સાડા છ વાગે જમવા બેસી શકતા હો તો મનાલી ફટાફટ તમારા માટે ભાખરી શાક બનાવી દેશે. અને જો ટ્રેઈનમાં જ જમવાની ઈચ્છા હોય તો પછી એ તમારા માટે મેથીનાં થેપલાં અને બટાકાની સૂકી ભાજી બનાવશે. " મનોજભાઈ બોલ્યા.

" અરે પણ મનોજભાઈ.... એને બિચારીને આટલી તકલીફ શું કામ આપો છો ? મને ટ્રેઈનમાં જમવાનું મળે જ છે. " કેતન બોલ્યો.

" હું તમારી કોઈ વાત માનવાની નથી. બસ મને એટલું જ કહી દો કે તમે ૬:૩૦ વાગે જમશો કે થેપલાં તમને પેક કરી આપું ? " અચાનક મનાલી કીચનમાંથી બહાર દોડી આવી અને બોલી.

" મને એકલાને ટ્રેઈનમાં જમવાની મજા નહીં આવે. એના કરતાં હું ૬:૩૦ વાગે ઘરે જ જમી લઈશ. " કેતન બોલ્યો.

" યે હુઈ ના બાત ! સાંજની રસોઈ હું મારી રીતે બનાવીશ. હવે તમે બે ત્રણ કલાક આરામ કરો. " મનાલી બોલી.

કેતન બેડરૂમમાં જઈને સૂઈ ગયો. હજુ એક પણ વાગ્યો ન હતો. મનાલીએ એને આજે આગ્રહ કરી કરીને જમાડ્યો હતો એટલે થોડીવારમાં જ ઊંઘ આવી ગઈ. ચાર વાગે એની આંખ ખૂલી ગઈ.

મનોજભાઈ જાગી ગયા હતા અને બેડરૂમમાં જ બેસીને કોઈ પુસ્તક વાંચી રહ્યા હતા. મનાલી ડ્રોઈંગ રૂમમાં બેઠી હતી. કેતન હાથ મ્હોં ધોઈને બહાર આવ્યો અને સોફા ઉપર બેઠો.

" ચા બનાવી દઉં ? " મનાલીએ કેતનને પૂછ્યું.

" મનાલી તું જરા પણ આરામ જ નથી કરતી ? હું જોઉં છું કે તું સવારથી રસોડામાં અને રસોડામાં જ છે." કેતન બોલ્યો.

" તમે મારા ઘેર પહેલી વાર મહેમાન બન્યા છો સાહેબ. સરભરા તો કરવી જ પડે ને ! આજે મેં તમારા માટે રજા રાખી છે. અને અમારો તો ધર્મ છે રસોઈ કરવાનો. " મનાલી બોલી.

" સારુ મહાદેવી... ચા બનાવી દો ત્યારે " કેતન બોલ્યો.

મનાલી હસી પડી અને કીચનમાં ગઈ. મનાલી ખરેખર ખૂબ જ સરસ છોકરી હતી. જેટલી એ ખૂબસૂરત હતી એટલી જ સ્વભાવમાં સાલસ અને હસમુખી હતી. જાનકી સાથે એની જૂની રિલેશનશિપ હતી એટલે એ જાનકી સાથે વિશ્વાસઘાત કરવા માગતો ન હતો નહીં તો ટ્રેઈનમાં મળેલી મનાલી એને ખૂબ જ ગમી ગઈ હતી !

થોડીવારમાં મનાલી ચા બનાવીને હાથમાં બે કપ લઈને બહાર આવી અને એક કપ કેતનને આપ્યો.

" સાંજે પછી શું બનાવવાનું નક્કી કર્યું મેડમ ? " કેતન હસીને બોલ્યો.

" એ સરપ્રાઈઝ જ રાખો ને. જે પણ બનાવીશ એ તમને ગમશે જ." મનાલી બોલી.

" ઓકે ઓકે બાબા. " કેતન બોલ્યો.

" ચાલો હવે તમને હું વધુ સમય નહીં આપી શકું. સાડા ચાર વાગવા આવ્યા છે અને મારે રસોઈ કરીને તમને જમાડવાના છે. " ચા પીધા પછી બંનેના કપ હાથમાં લઈને મનાલી બોલી અને સીધી કીચનમાં ગઈ.

એ પછી થોડી વાર પછી મનોજભાઈ પણ કેતનને કંપની આપવા બેડરૂમમાંથી બહાર આવ્યા. મનાલી બેઠી હતી ત્યાં સુધી એ બેડરૂમમાં જ બેઠા રહ્યા.

સાંજે સાડા છ વાગ્યે કેતન જમવા બેઠો. થાળીમાં પરોઠા, પાલક પનીર, ડુંગળીની સ્લાઈસ અને ગ્લાસ ભરીને છાસ હતી.

"પાલક પનીરનું શાક મનાલી તેં ખૂબ જ ટેસ્ટી બનાવ્યું છે ! ગ્રેવી ખૂબ સરસ બની છે. પંજાબી ડીશ જમવા બેઠો હોઉં એવો અહેસાસ થાય છે. ખરેખર તારા પપ્પા કહેતા હતા એ પ્રમાણે રસોઈમાં તારો હાથ ખૂબ સારો છે." કેતને પહેલો કોળિયો ખાઈને જ પ્રશંસા કરી.

" બસ તો પછી ધરાઈને જમી લો એટલે રાત્રે મોડેથી ભૂખ ના લાગે !" મનાલી પીરસતાં બોલી.

જમવાનું પતી ગયું. સાત વાગી ગયા. કેતન સ્ટેશન જવા માટે તૈયાર થઈ ગયો. મનોજભાઈ ગાડી લઈને મૂકવા આવવાના હતા એટલે કોઈ ટેન્શન ન હતું.

" તમે અમારા ઘરે આવ્યા અને રાત રોકાયા એ બહુ જ સારું લાગ્યું. ખાસ તો તમે પપ્પાની જિંદગી બચાવી. તમે અમારી સાથે આટલો સંબંધ જાળવી રાખ્યો છે એ અમારા માટે બહુ મોટી વાત છે સર ! ફરી ક્યારેક જામનગર પધારજો. " મનાલી બોલી અને એની આંખો ઉભરાઈ ગઈ.

" હું સંબંધ નિભાવી જાણું છું મનાલી. અને જામનગર સાથે તો મારી લાગણી જોડાયેલી જ છે. જ્યારે પણ આ બાજુ આવીશ ત્યારે જામનગર ચોક્કસ આવીશ. " કેતન બોલ્યો અને મંજુલાબેન તથા મનાલીની વિદાય લઇ એ સ્ટેશન જવા માટે મનોજભાઈની ગાડીમાં બેઠો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)