Prarambh - 78 books and stories free download online pdf in Gujarati

પ્રારંભ - 78

પ્રારંભ પ્રકરણ 78

ગુરુપૂર્ણિમાના દિવસે શ્રી રામકૃષ્ણ આશ્રમમાં દર વર્ષે ભવ્ય ઉજવણી થતી હોય છે. કેતને પહેલી વાર આજે આ ઉજવણીમાં ભાગ લીધો. એ સવારથી જ અહીં આવી ગયો હતો અને ૧૧:૩૦ સુધી વિવિધ પ્રોગ્રામોમાં એણે ભાગ લીધો. અહીં પ્રસાદનો એટલે કે જમવાનો પ્રોગ્રામ પણ હતો છતાં ઘરે પણ પ્રસાદ ધરાવવાનો હોવાથી કેતન ઘરે જવા માટે નીકળી ગયો.

ઘરે પહોંચ્યો ત્યારે રસોઈ તૈયાર થઈ ગઈ હતી એટલે એણે સોજીના શીરા સાથેનો થાળ શ્રી ઠાકુરને અર્પણ કર્યો. એ પછી બધા ડાઇનિંગ હોલ ઉપર જમવા બેઠા.

" સિદ્ધાર્થભાઈ કોઈ સારો આર્કિટેકટ તમારા સ્ટોક માર્કેટના ક્લાયન્ટેલ માં છે ? આઈ મીન તમે કોઈને ઓળખો છો ? " જમતાં જમતાં કેતને પૂછ્યું.

" આર્કિટેક્ટ તો કોઈ મારા ધ્યાનમાં નથી કેતન. " સિદ્ધાર્થ બોલ્યો.

સિદ્ધાર્થ આજે ઘરે હતો. ગુરુપૂર્ણિમા હોવાથી પપ્પાને સવારે સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા લઈ જવાના હતા એટલે ઓફિસમાં રજા રાખી હતી. સ્ટાફનો માણસ બધું જ કામ સંભાળી લે એવો હતો.

"એક સારો આર્કિટેક્ટ સુરતમાં મારા ધ્યાનમાં છે. હું એને બહુ સારી રીતે ઓળખું છું. સુરતની ઘણી મોટી બિલ્ડિંગોની ડિઝાઇન એણે બનાવી છે. આર્કિટેકટ મુંબઈનો જ હોવો જરૂરી નથી. એણે તો ખાલી પ્લાન બનાવી આપવાનો હોય છે. " પપ્પા બોલ્યા.

" શું નામ એમનું ? " કેતને પૂછ્યું.

" હિરેન કાનાણી. સુરતમાં આર્કિટેક્ટ તરીકે બહુ મોટું નામ છે. હું બાબુભાઈ પાસેથી એમનો નંબર લઈ લઉં છું. બાબુભાઈની બે મોટી સ્કીમોની ડિઝાઇન એમણે કરી છે. મને યાદ છે ત્યાં સુધી એક હોસ્પિટલની ડિઝાઇન પણ કાનાણીએ કરેલી છે. " પપ્પા બોલ્યા.

પપ્પાએ હોસ્પિટલ શબ્દ વાપર્યો એટલે કેતનના કાન ચમક્યા. જો હિરેનભાઈ હોસ્પિટલની ડિઝાઇન બનાવી શકતા હોય તો મારું કામ ઘણું સરળ થઈ જશે.

" ભલે પપ્પા તો તમે આજે વાત કરી લો. એમને મુંબઈ આવવા માટે કહી દો. એમની જે પણ ફી હશે તે આપણે આપવા તૈયાર જ છીએ. " કેતન બોલ્યો.

આજે ધ્યાનમાં ગુરુજી સાથે વાત કર્યા પછી કેતને પ્લૉટની અંદર કન્સ્ટ્રક્શન ચાલુ કરી દેવાનું નક્કી કર્યું હતું. હવે ટાઇમ પાસ કરવાનો કોઈ મતલબ નહોતો.

કેતન જમ્યા પછી પોતાના ફ્લેટમાં ગયો અને લલ્લન પાંડેને ફોન લગાવ્યો.

" પાંડેજી કેતન બોલતા હું. આપકે લિયે એક કામ થા. પ્લૉટકે અંદર થોડે દિનોં મેં કન્સ્ટ્રક્શન ચાલુ કરનેવાલા હું તો સબસે પહેલે મુજે પ્લૉટકે અંદર આગે કી રોડ સાઇડમેં રાઈટ કોર્નર મેં તત્કાલ એક ઓફિસ બનવાની હૈ. તાકી વહાં મેરા મેનેજર બૈઠકે પૂરી સાઇટકા ધ્યાન રખ્ખે. " કેતન બોલ્યો.

"હો જાયેગા સર. ૧૫ દિનમેં આપકી ઓફિસ બન જાયેગી. " પાંડે બોલ્યો. હવે એ કેતનને સરનું સંબોધન જ કરતો હતો.

" ૧૫ x ૨૦ ફૂટ કી ઓફિસ મુઝે ચાહિયે. ઈલેક્ટ્રીક કનેક્શનકે લિયે ભી આપ દેખ લીજીયેગા. ક્યોંકી વહાં લાઈટ એ.સી સબ ચાહિયે. ઓફિસ એકદમ બઢીયા બના દીજિયે. ટેબલ ઓર રિવોલ્વિંગ ચેર ભી સેટ કર દેના. જો ભી ખર્ચા હોગા આપકો મિલ જાયેગા " કેતન બોલ્યો.

" પૈસો કા ટેન્શન મત કરો સર. આપને મુજે બહોત કમાકે દિયા હૈ. " પાંડે બોલ્યો.

" ઔર સુનો. વહાં જો કન્સ્ટ્રક્શન હોગા ઉસકે લિયે મુજે એક અચ્છા બિલ્ડર ઔર દો તીન અચ્છે કોન્ટ્રાક્ટર ભી ચાહિયે. બહોત બડા કામ હૈ. લેબર કોન્ટ્રાક્ટર તો આપ ખુદ હો હી." કેતન બોલ્યો.

"જી માલિક એક અચ્છા બિલ્ડર મેરે ધ્યાન મેં હૈ. મૈં આપકે સાથ મીટીંગ કરવા દુંગા. ઈલેક્ટ્રીક કનેક્શન કે લિયે આપ કે નામસે અરજી કરની પડેગી તો આપકી સાઈન લેની હોગી. એક દિન આપ સાઇટ પર આ જાના. મૈં ભી આ જાઉંગા. વૈસે પ્લૉટ તક ઈલેક્ટ્રીક લાઈન લગી હુઈ હૈ. " પાંડે બોલ્યો.

કેતનનો ફોન આવ્યા પછી પાંડે ખૂબ જ ખુશ થઈ ગયો. ફરી પાછી એને પૈસા કમાવવાની બહુ મોટી તક મળી રહી હતી.

જગદીશભાઈએ સુરતમાં બાબુભાઈ સાથે વાત કરી લીધી અને એમની પાસેથી નંબર મેળવી જાણીતા આર્કિટેક્ટ હિરેન કાનાણી સાથે પણ વાત કરી. અને બને એટલા જલ્દી એકવાર મુંબઈ આવી જવાની રિક્વેસ્ટ કરી.

ત્રણ દિવસ પછી હિરેનભાઈ કાનાણી કેતનના ઘરે આવી ગયા. ફોન ઉપર અગાઉથી વાત થઈ હતી એટલે કેતન ઘરે જ હતો. હિરેનભાઈનો જમવાનો પ્રોગ્રામ પણ સિદ્ધાર્થના ઘરે જ રાખ્યો હતો એટલે સૌથી પહેલાં બધાએ જમી લીધું.

એ પછી કેતન હિરેનભાઈને પોતાના ફ્લેટ ઉપર લઈ ગયો અને ગોરેગાંવના ૬૦૦૦ વારના પ્લૉટની બ્લુ પ્રિન્ટ એમને બતાવી.

" હિરેનભાઈ આ પ્લોટ ગોરેગાંવમાં ડિંડોશી એરિયામાં છે. એકદમ રોડ ટચ છે. કોર્ટની એકદમ નજીક છે અને ફિલ્મસિટી પણ ત્યાંથી દોઢ બે કિલોમીટર છે. અહીં આપણે ચાર પાંચ માળની એક હોસ્પિટલ બનાવવી છે અને સાથે સાથે બીજું પણ એક બિલ્ડીંગ બનાવવું છે જેમાં મારે કેટલીક આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરવી છે. આ બિલ્ડિંગમાં નાના-મોટા હોલ અને રૂમો હશે. ત્રણ ચાર માળનું બિલ્ડીંગ વિચારું છું. " કેતને સમજણ આપી.

" પ્લોટ તો ઘણો મોટો છે. રોડ સાઈડ ૬૦ વાર અને અંદર ૧૦૦ વાર સુધી લાંબો છે એટલે તમે કહો છો તેમ બે બિલ્ડીંગ આરામથી બની શકે. મારી એવી સલાહ છે કે બે બિલ્ડીંગ વચ્ચે એક દિવાલ બનાવીને પ્લોટના બે ભાગ બનાવી દેવા. " હિરેનભાઈ બોલી રહ્યા હતા.

" મેઈન ગેટથી એન્ટ્રી એક જ હોય પરંતુ અંદર જતાં બીજા પાછા બે ગેટ આવે. એક ગેટ હોસ્પિટલમાં જાય અને બીજો ગેટ તમારા બીજા બિલ્ડિંગમાં જાય. એટલે હોસ્પિટલનો ધસારો બીજા બિલ્ડીંગવાળાને ડિસ્ટર્બ ના કરી શકે. કારણ કે હોસ્પિટલ છે એટલે એમ્બ્યુલન્સ પણ આવે લોકોનો ધસારો પણ રહે. એટલે બીજા બિલ્ડિંગમાં રહેતા લોકો શાંતિ અનુભવી ના શકે. બંને વચ્ચે એક ઊંચી દીવાલ ઊભી કરવી પડે." હિરેનભાઈ બોલતા હતા.

" બીજું હોસ્પિટલ માટે પહોળો પટ્ટો જોઈએ એટલે પ્લૉટની ૬૦ વારની જે પહોળાઈ છે એમાંથી ૪૦ વારની પહોળાઈ આપણે હોસ્પિટલ માટે રાખીએ અને ૨૦ વારની પહોળાઈ તમારા બીજા બિલ્ડિંગ માટે રાખીએ. સાથે સાથે બે લેવલના અંડર ગ્રાઉન્ડ પાર્કિંગની પણ વ્યવસ્થા કરવી પડે કારણ કે ચાર પાંચ માળની હોસ્પિટલ બનાવો તો ગાડીઓ પણ એટલી જ આવશે. " હિરેનભાઈ સમજાવી રહ્યા હતા.

" આગળના ભાગમાં ૪૦ વાર જેટલી જગ્યા એકદમ ખુલ્લી જ છોડવી પડશે. કારણ કે ટુ વ્હીલર પાર્કિંગ માટે અને એમ્બ્યુલન્સ ઉભી રાખવા માટે પણ જગ્યા જોઈશે. " હિરેનભાઈએ પોતાની વાત પૂરી કરી.

"તમે જે કહો તે ફાઇનલ હિરેનભાઈ. તમે બનાવેલા પ્લાન પ્રમાણે જ હોસ્પિટલ અને બીજું બિલ્ડીંગ બનશે." કેતન બોલ્યો.

" તમે બીજા બિલ્ડિંગમાં શું શું કરવા માગો છો એ મને જણાવો. એ પ્રમાણે મારે હોલની ડિઝાઇન બનાવવી પડે. " હિરેનભાઈ બોલ્યા.

" નીચેના ભાગમાં એક વિશાળ ધ્યાન કેન્દ્ર બનાવવા માગું છું. જેમાં હિમાલય જેવી નાની નાની પર્વતીય ટેકરીઓ હોય. હિમાલય જેવી ઠંડક હોય. જ્યાં બેસીને ધ્યાન કરવાથી હિમાલયનો જ અનુભવ થાય. મુંબઈના ધ્યાનપ્રેમીઓ માટે આ એક મોટું આકર્ષણ હશે. એ પછી પહેલા માળે એક હોલમાં જીમ અને બીજા હોલમાં ગાયત્રીમંત્રનાં અનુષ્ઠાનો અને પુરશ્ચરણ માટે વ્યવસ્થા કરવાની મારી ઈચ્છા છે. અહીં લોકો અખંડ સાધના કરી શકશે અને એમના રહેવા માટે ઉપર રૂમોની પણ વ્યવસ્થા હશે. " કેતન બોલી રહ્યો હતો.

"બીજા માળે વિશાળ ભોજનશાળા બનાવવાની ઈચ્છા છે. અહીં જે પણ સાધુ સન્યાસી રોકાય એમના માટે, ગાયત્રી સાધકો માટે તથા હોસ્પિટલમાં દાખલ થતાં પેશન્ટોનાં સગાં વહાલાં માટે મફત ભોજનની વ્યવસ્થા હશે. હોસ્પિટલમાં તો એક કેન્ટીન અલગ બનશે પરંતુ એમાં નાસ્તાનું આયોજન થશે અને સ્ટાફ જે ટિફિન લઈને આવે એમના માટે જમવા બેસવાની વ્યવસ્થા હશે." કેતન બોલતો હતો.

"ત્રીજા માળે ૧૦ બાય ૧૦ની સામ સામે રૂમો બનશે. જેમાં સાધુ સંતો સંન્યાસીઓ રહી શકે. ગાયત્રી સાધના માટે જે સાધકો આવે એ લોકો પણ રહી શકે. દરેક રૂમમાં સૂવા માટે બે પલંગ અને બે કબાટની વ્યવસ્થા હશે. એમના માટે ૧૦ ટોયલેટ અને ૧૦ બાથરૂમની વ્યવસ્થા પણ પાછળના ભાગમાં હશે. ચોથા માળે પણ મારે આવી જ રૂમોની વ્યવસ્થા કરવી છે. ભવિષ્યમાં કદાચ વૃદ્ધાશ્રમ બનાવવાનો વિચાર મને આવે તો એને અમલમાં મુકવા માટે મારી પાસે તૈયાર વ્યવસ્થા હોવી જોઈએ. ત્રીજા અને ચોથા માળે ઠંડા પાણી માટે વોટર કુલરની વ્યવસ્થા તો હશે જ !" કેતને પોતાની વાત પૂરી કરી.

" ફેન્ટાસ્ટિક !! શું તમારા વિચારો છે કેતનભાઈ ! મને તમારી સાથે કામ કરવાનું ગમશે. આટલી નાની ઉંમરમાં આટલું બધું પ્લાનિંગ તમે વિચારી રહ્યા છો ? અમેઝિંગ !! " હિરેનભાઈ ઉત્સાહથી બોલ્યા.

" જી હિરેનભાઈ.. કરવા તો ઘણું બધું માગું છું પરંતુ બધું શક્ય નથી હોતું. તમારી ઈચ્છા પ્લૉટ જોવાની હોય તો તમને અત્યારે લઈ જઈને બતાવી દઉં." કેતન બોલ્યો. .

" ઓફકોર્સ. પ્લૉટ તો મારે જોવો જ પડે. અમુક આઈડિયા તો પ્લૉટ ઉપર ગયા પછી જ આવે. " હિરેનભાઈ બોલ્યા.

" તો ચાલો આપણે અત્યારે જ નીકળીએ. મારી ગાડીમાં જ જઈએ છીએ. " કેતન બોલ્યો અને બંને જણા નીચે ઉતર્યા.

કેતન હિરેનભાઈને લઈને ગોરેગાંવના પ્લૉટ ઉપર પહોંચી ગયો.

"પ્લૉટ તો તમારો જબરદસ્ત છે અને લોકેશન પણ બહુ સરસ છે. અહીં ખરેખર સરસ હોસ્પિટલ બની જશે." હિરેનભાઈ બોલ્યા.

એ પછી હિરેનભાઈ પ્લોટની અંદર દાખલ થયા અને અંદર ચારે બાજુ ફરીને એમની રીતે વિચારવા લાગ્યા. એમણે મોબાઈલમાં કંપાસ ઓપન કરીને દિશાઓ પણ જોઈ લીધી. એ વાસ્તુશાસ્ત્ર વિશે પણ જાણતા હતા.

" ગેટમાં દાખલ થયા પછી ડાબી તરફ આપણે હોસ્પિટલ બનાવીએ છીએ અને જમણી બાજુ તમારા સપનાની આધ્યાત્મિક દુનિયા ઊભી કરીએ છીએ." હિરેનભાઈ બોલ્યા.

" પ્લૉટમાં દાખલ થતાં ડાબી સાઈડનો આ ખૂણો ઈશાન ખૂણો છે એટલે પાણીનો બોર તમે આ ખૂણામાં જ બનાવીને શરૂઆત કરજો. " હિરેનભાઈ બોલ્યા.

" કન્સ્ટ્રક્શનના સુપરવિઝન માટે હું એક ઓફિસ અહીં બનાવવા માંગુ છું જે આ જમણા ખૂણામાં બનશે તો એનો તો વાંધો નથી ને ? " કેતને પૂછ્યું.

" ડાબા હાથે ઈશાન ખૂણો છે અને જમણા હાથે વાયવ્ય ખૂણો છે. એટલે ત્યાં ઓફિસ બનાવવામાં કોઈ પ્રોબ્લેમ નથી. બંને બિલ્ડીંગો બની ગયા પછી તમે જ્યારે ગેટ બનાવવા માગતા હો ત્યારે ૩૦ મીટરનો ગેટ ડાબી તરફ આ ઈશાન ખૂણા બાજુ બનાવજો. અને બાકીનો જમણી તરફનો એટલે કે તમારી ઓફિસ તરફનો અડધો ભાગ બંધ રાખજો. " હિરેનભાઈ હાથેથી દિશાઓ બતાવીને કેતનને સમજાવી રહ્યા હતા.

" મને આખો ખ્યાલ આવી ગયો હિરેનભાઈ. તમે કહ્યું એ જ પ્રમાણે હું કન્સ્ટ્રક્શન કરાવીશ. બસ હવે તમારા તરફથી આખો પ્લાન આવી જાય એટલે પછી પાયા ખોદાવવાનું કામ ચાલુ કરાવી દઉં. " કેતન બોલ્યો.

"પંદરેક દિવસમાં તમને બંને બિલ્ડીંગનો પ્લાન મળી જશે. સાથે બિલ પણ મોકલાવી દઈશ. અને હા પાયા ખોદાવવાનું ખાત મુહૂર્ત ખાસ જોવડાવજો. કારણ કે મુહૂર્તનું ખાસ મહત્વ હોય છે. " હિરેનભાઈ બોલ્યા.

" ચોક્કસ જોવડાવીશ. હું પણ આ બધામાં બહુ જ માનું છું. " કેતન બોલ્યો અને બંને જણા પ્લૉટમાંથી બહાર આવ્યા.

"પ્લૉટ તમારો ઉત્તર દિશા તરફ ખુલે છે એટલે તમારી હોસ્પિટલ અને તમારી આ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ ખૂબ જ જાણીતી થઇ જશે. બેસ્ટ ઓફ લક " કહીને હિરેનભાઈ કેતનની ગાડીમાં બેસી ગયા.

પાર્લા પહોંચીને હિરેનભાઈ પોતાની ગાડી લઈ સુરત જવા માટે નીકળી ગયા.

એ પછી ૨૦ દિવસનો સમય પસાર થઈ ગયો. પાંડેનો ફોન આવ્યો એટલે કેતન ઓફિસ જોવા માટે ગોરેગાંવના પ્લોટમાં પહોંચી ગયો.

લલ્લન પાંડેએ બહુ જ સરસ ઓફિસ બનાવી હતી. ઓફિસની આગળ શેડ પણ બનાવ્યો હતો અને એમાં ઓટલા જેવું બનાવી બેઠક વ્યવસ્થા પણ કરી હતી જેથી કોન્ટ્રાક્ટરો પણ ત્યાં બેસી શકે.

કેતન ઓફિસ જોઈને ખુશ થઈ ગયો. ઓફિસમાં લાઈટો પંખા વગેરે લાગી ગયાં હતાં. એક એ.સી પણ ફીટ કરાવી દીધું હતું. હવે ઈલેક્ટ્રિકફીકેશન બાકી હતું.

" ઈલેક્ટ્રીક કનેક્શન ૧૦ દિનમેં હો જાયેગા. ઉસકે બાદ આપ યહાં બૈઠ સકતે હો યા કિસીકો બિઠા સકતે હો" પાંડે બોલ્યો.

૧૦ દિવસ પછી પાંડેનો ફોન આવી ગયો. ઈલેક્ટ્રીક કનેક્શન થઈ ગયું હતું. ઓફિસ હવે વાપરવા લાયક એકદમ તૈયાર હતી.

પાંડેનો ફોન આવી ગયા પછી બીજા જ દિવસે કેતન જયેશને લઈને ગોરેગાંવની સાઈટ ઉપર ગયો અને જયેશને ઓફિસ બતાવી દીધી. અંદર પ્રવેશ કરીને લાઇટો અને એ.સી પણ ચાલુ કરી દીધું.

"જયેશ આ ઓફિસ હવે તારી છે. કામ ચાલુ થાય એટલે મેનેજર તરીકે તારે અહીં બેસવાનું છે. અહીં આ પ્લૉટમાં કન્સ્ટ્રક્શનનું બહુ મોટું કામ શરૂ થશે. અને આખી સાઈટ તારે જ સંભાળવાની છે. હું વચ્ચે વચ્ચે અહીં આવતો રહીશ. ઓફિસની બહાર જે જગ્યા છે તે કોન્ટ્રાક્ટર લોકો માટે છે." કેતન બોલ્યો.

રિવોલ્વિંગ ચેર એની સામે મોટું ટેબલ અને એની સામે ત્રણ ખુરશીઓ ગોઠવેલી હતી. સાઈડમાં બે ફૂટ પહોળાઈની ગાદીવાળી એક સેટી પણ હતી. જયેશ ઓફિસ જોઇને ખુશ થઈ ગયો. સાઈડમાં કાચની મોટી વિન્ડો હતી જેથી આખી સાઈટ ઉપર નજર રાખી શકાય.

" ઓફિસ જોઈને મને ખૂબ જ આનંદ થયો કેતનભાઇ. સમય પસાર થતો ન હતો. પરંતુ હવે કામ શરૂ થશે એટલે મારો પણ સમય પસાર થશે." જયેશ બોલ્યો.

" કામ પણ હવે એકાદ અઠવાડિયામાં ચાલુ થઈ જશે. સૌથી પહેલાં બોર બનાવવાનું કામ ચાલુ થશે. કારણકે આટલા મોટા કામમાં પાણીની સૌથી પહેલા જરૂર પડશે. " કેતન બોલ્યો.

" અહીં આપણે લક્ઝુરિયસ ફ્લેટની સ્કીમ બનાવીએ છીએ ? " જયેશે પૂછ્યું.

" ના જયેશ.અહીં ચાર પાંચ માળની એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાનું વિચારું છું અને સાથે સાથે બીજું એક બિલ્ડીંગ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટેનું બનશે જેમાં ધ્યાન કેન્દ્ર, ગાયત્રીમંત્ર સાધના માટેનો હોલ, જમવા માટે સરસ ભોજનાલય, સાધુ સંતો માટે રહેવાની વ્યવસ્થા વગેરે બનાવવાનો વિચાર છે." કેતન બોલ્યો.

" કેતનભાઈ એટલી બધી સરસ પ્રવૃત્તિ તમે વિચારી છે કે હું તમારા આ કાર્યમાં ભાગીદાર છું એનું મને ગૌરવ છે." જયેશ ખુશ થઈ ગયો.

"મારી સિયાઝ ગાડી પડી જ રહી છે તો કામકાજ ચાલુ થાય એટલે એ ગાડી તું જ વાપરજે કારણ કે પડી પડી ખરાબ થઈ જશે. ગાડી હશે તો પાર્લાથી અહીં સુધી આવવામાં તને સુગમતા રહેશે. " કેતન બોલ્યો.

"ઠીક છે કેતનભાઈ....ક્યારથી મારે અહીં આવવાનું છે એ મને તમે જણાવી દેજો. " જયેશ બોલ્યો. આજે કેતનની વાતો સાંભળીને એ ઉત્સાહમાં આવી ગયો હતો.

એ પછી બંને જણા ત્યાંથી નીકળી ગયા. જયેશને ગુજરાત સોસાયટી આગળ ઉતારી કેતન પોતાના ફ્લેટ ઉપર આવી ગયો.

" ઓફિસ તો ખૂબ જ સરસ બની છે પપ્પા. લલ્લન પાંડેએ કામ ખૂબ જ સરસ કર્યું છે. લાઈટ પંખા એ.સી બધું ફીટ થઈ ગયું છે. બસ હવે ખાતમુહૂર્ત માટે સારો દિવસ જોવાનો છે. પાયા ખોદાવવાનું કામ સારા મુહૂર્તમાં જ કરવું છે. આપણા જે સુરતના પંડિત છે એમની સાથે તમે વાત કરી લેજો ને ! " કેતન પપ્પાના રૂમમાં ગયો અને એમને વાત કરી.

" હા વાંધો નહીં. એ તો હું એમને આજે જ પૂછી લઈશ. હિરેનભાઈએ પછી તને પ્લાન મોકલી આપ્યો ? ૧૫ દિવસ એમણે કહ્યા હતા. " પપ્પા બોલ્યા.

" હિરેનભાઈ સાથે ગઈકાલે જ વાત થઈ હતી. આજકાલમાં જ કુરિયર આવી જશે. " કેતન બોલ્યો.

અને બીજા જ દિવસે હિરેનભાઈનું કુરિયર આવી ગયું. એ સાથે જ કેતનના જીવનનો નવો અધ્યાય ચાલુ થઈ ગયો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)