Prarambh - 82 books and stories free download online pdf in Gujarati

પ્રારંભ - 82

પ્રારંભ પ્રકરણ 82

બીજો એક મહિનો પસાર થઈ ગયો. નવા બંગલામાં કેતનનો આખો પરિવાર સરસ રીતે સેટ થઈ ગયો. વિલે પાર્લે કરતાં પણ ખારમાં વધુ શાંતિ અને સંતોષ મળી રહ્યો હતો. મનસુખ માલવિયા ત્યાં જ રહેતો હોવાથી એ રોજ સવારે સિદ્ધાર્થભાઈને બાંદ્રા સ્ટેશન સુધી મૂકી આવતો હતો અને સાંજે પાછા લઈ આવતો હતો.

મનસુખભાઈ બહાર હોય ત્યારે સાંજે શિવાની ગાડી લઈને સિદ્ધાર્થભાઈને લેવા જતી. એ પોતે પણ એમબીએ કરતી હતી અને પાર્લાની કોલેજમાં કારમાં જ અપડાઉન કરતી હતી. એને રોજ જવાનું હોતું ન હતું.

સુરતવાળા ઇન્ટિરિયર ડિઝાઇનર ચિંતન મારફતિયા હરિદ્વાર શાંતિકુંજ જઈ આવ્યા હતા અને ત્યાં બે દિવસ રોકાઈને હિમાલય ધ્યાન કેન્દ્રનો બરાબર અભ્યાસ કરી આવ્યા હતા. એ જ પ્રકારની પ્રતિકૃતિ ગોરેગાંવના ગ્રાઉન્ડ ફ્લોરના વિશાળ હોલમાં બનાવવાની શરૂઆત પણ કરી દીધી હતી. એમના બે આસિસ્ટન્ટ એમની સૂચના પ્રમાણે ત્યાં કામ કરી રહ્યા હતા. વચ્ચે વચ્ચે ચિંતનભાઈ પણ આવી જતા હતા.

પાંચ કરોડ ખાતામાં આવી ગયા પછી જયદેવ ઠાકર પણ ખૂબ જ ઉત્સાહમાં આવી ગયો હતો અને મલાડ ઈસ્ટમાં એક વિશાળ ઓફિસ પણ ખરીદી લીધી હતી.

ઓફિસ શોધવામાં લલ્લન પાંડેએ એને મદદ કરી હતી. લલ્લન પાંડે સાથે જયદેવના સંબંધો ઘણા સારા હતા અને એણે જ કેતનની મુલાકાત આ પાંડે સાથે કરાવી હતી. એણે પોતાના પ્રોડક્શન હાઉસ માટે કોઈ સારી ઓફિસ શોધી આપવાની વાત પાંડેને કરી હતી.

ગોરેગાંવના કેતનના પ્લૉટમાં જે કન્સ્ટ્રક્શન ચાલતું હતું તે જસાણી બિલ્ડર્સનું જ હતું. પ્રશાંતભાઈ જસાણીએ મલાડ ઈસ્ટમાં પણ એક મોટું બિઝનેસ કોમ્પ્લેક્સ બનાવેલું હતું જેમાં તૈયાર થયેલો એક ફ્લોર ખાલી હતો. પાંડેએ કોઈ સારી ઓફિસ શોધી આપવા માટે આ પ્રશાંતભાઈ ને જ વાત કરી હતી એટલે એમણે મલાડની આ વિશાળ ઓફિસ જયદેવને બતાવી હતી. કેતનના સંબંધોના કારણે પ્રશાંતભાઈએ કોઈપણ જાતનો નફો લીધા વગર આ ઓફિસ જયદેવને વેચાણ આપી હતી.

એ પછી સ્ટુડિયો બનાવવા માટે પણ જયદેવે ફિલ્મસીટીમાં એક વિશાળ પ્લોટ રાખી લીધો હતો. અને પોતાની પાસે પૈસાની વ્યવસ્થા હોવાથી ત્યાં શૂટિંગ માટેનાં જરૂરી સાધનો પણ વસાવી લીધાં હતાં.

હવે સૌ પ્રથમ સારા રાઇટર અને સારા ડાયરેક્ટરની એની શોધ ચાલતી હતી. જયદેવનો સ્વભાવ સારો હોવાથી અને એ પોતે આટલુ મોટું પ્રોડક્શન હાઉસ બનાવતો હોવાથી રાઈટરો અને ડાયરેક્ટરો સામેથી એનો સંપર્ક કરતા હતા. એ જ રીતે સારા કલાકારો પણ એને મળતા હતા. ફિલ્મસિટીમાં જયદેવ ઠાકરનું માન પાન વધી ગયું હતું. અત્યારે ઓફિસમાં પ્રિયંકા પોતે જ બેઠતી હતી. ઓફિસમાં એક પી.આર.ઓ. ની પણ નિમણૂંક કરી હતી.

બધું વ્યવસ્થિત ચાલી રહ્યું હતું ત્યારે એક દિવસ સવારે લગભગ ૮ વાગ્યાના સુમારે કેતનના સુરતના કોલેજ મિત્ર મહેશ ઠક્કરનો ફોન એના ઉપર આવ્યો.

"કેતનભાઈ તમારો નંબર મને આપણા મિત્ર રવિ ભાટીયાએ આપ્યો છે. આપણે બધા સાથે સુરત કોલેજમાં જ ભણતા હતા. મારું નામ મહેશ ઠક્કર. હું પોતે બોરીવલીમાં રહું છું. તમારા બંને કરતાં કોલેજમાં હું એક વર્ષ આગળ હતો. " મહેશ બોલ્યો.

" હા હા બોલો મહેશભાઈ. મને નામ તો યાદ આવે છે. કોલેજના જી.એસ ની ચૂંટણીમાં તમે મારો પક્ષ લીધો હતો. હું નામથી તમને સારી રીતે ઓળખું છું. " કેતન બોલ્યો.

"તમારી મેમરી ખરેખર સારી ગણાય. હવે મને તમારું એક કામ પડ્યું હતું. એના માટે રવિ ભાટીયાએ જ તમારો સંપર્ક કરવાનું મને ભાર દઈને કહ્યું. બે દિવસ પહેલાં જ હું એની હોટલ ઉપર ગયો હતો ત્યારે તમારી વાત નીકળી." મહેશ બોલ્યો.

" હમ્... શું પ્રોબ્લેમ હતો ? " કેતને પૂછ્યું.

" મારા સસરા નંદલાલને છ મહિનાથી બહુ મોટો વળગાડ છે. ક્યારેક ક્યારેક ઘરમાં બહુ જ તોફાન કરે છે. બહુ દોરા ધાગા કરાવ્યા. બે જાણીતા મોટા ભુવા પાસે પણ લઈ ગયા પરંતુ ઘરે આવ્યા પછી બધું હતું એનું એ જ." મહેશ બોલ્યો.

"તમારી વાત સાચી મહેશભાઈ. પણ હું આ બધા કામમાં પડતો નથી. આઈ મીન ભૂત ભુવાનું કામ હું કરતો નથી. રવિ ભાટીયાએ જે પણ કેસ મને આપેલા એ ભૂત ભુવાના નહોતા. આવાં બધાં કામોથી બને ત્યાં સુધી હું દૂર રહું છું." કેતન બોલ્યો.

" કેતનભાઇ મારુ કોઈ દબાણ નથી. મારી તમને બસ એક વિનંતી છે કે તમે એકવાર એમને જોઈ લો. તમારી પાસે ઘણી બધી શક્તિઓ છે એવી મને રવિએ વાત કરી છે એટલે ખૂબ જ આશાથી તમને મેં ફોન કર્યો છે. " મહેશ વિનંતી કરી રહ્યો હતો.

"તમને વધારે શું કહું ? થોડા દિવસ પહેલાં મારી વાઈફ મારી બેબીને લઈને ત્રણ દિવસ પિયરમાં રહેવા ગઈ હતી. એ રહેવા ગઈ એના બીજા જ દિવસે મારી બે વર્ષની બેબીને અચાનક એમણે એક જ હાથે ઊંચકી લીધી અને એ બારીની બહાર ઘા કરવા જતા હતા. મારી સાસુએ બૂમ પાડી એટલે મારી વાઈફે દોડીને બેબીને એમના હાથમાંથી આંચકી લીધી અને મારી વાઈફ તરત ડરીને ઘરે આવી ગઈ." મહેશે વાત પૂરી કરી.

" ઠીક છે ચાલો હું વિચારી લઉં અને તમને બે દિવસમાં ફોન કરું. " કેતન બોલ્યો.

" પ્લીઝ..." મહેશ બોલ્યો અને ફોન કટ કર્યો.

એ પછી કેતને રાત્રે મનોમંથન કર્યું કે મહેશ ઠક્કરના પ્રોબ્લેમમાં આગળ વધવું કે નહીં. કેતન કોઈ ભૂત પ્રેત થી ડરતો ન હતો. એ પોતે પણ પોતાના શરીરથી છૂટો પડીને સૂક્ષ્મ જગતમાં જઈ આવ્યો હતો. રાજકોટ ગયો ત્યારે ઝકીનના પ્રેતાત્મા સાથે પણ એણે વાત કરી હતી. છતાં આ બધા પ્રેતાત્માઓના ચક્કરમાં પડવાની એની ઈચ્છા ન હતી. છેવટે મહેશનું માન રાખવા માટે એક વાર એના સસરાને જોવાની એની ઈચ્છા થઈ.

સવારે જ એણે સામેથી મહેશ ઠક્કરને ફોન કરી દીધો.

" મહેશભાઈ આમ તો આ પ્રકારના કામમાં હું રસ લેતો જ નથી પરંતુ તમે પહેલીવાર મને આટલી વિનંતી કરી છે તો બસ એક વાર તમારા સસરાને જોવાની ઈચ્છા છે. હું એમને સારા કરી શકીશ કે નહીં એ મને કંઈ જ ખબર નથી બસ એક પ્રયત્ન કરીશ." કેતન બોલ્યો.

"કેતનભાઇ મને વિશ્વાસ છે કે તમારા પ્રયત્નોમાં સો ટકા સફળતા મળશે. કારણ કે તમારા વિશે મેં જે સાંભળ્યું છે એનાથી તમારા કરતાં મારો વિશ્વાસ તમારામાં વધી ગયો છે. તમે ક્યારે આવશો ? મારા સસરા સાન્તાક્રુઝ રહે છે. તમે જે ટાઈમ આપો એ ટાઈમે હું ત્યાં હાજર થઈ જઈશ. " મહેશ ઠક્કર બોલ્યો.

" સાન્તાક્રુઝમાં કઈ જગ્યાએ ? " કેતને પૂછ્યું.

"હું તમને એડ્રેસ મેસેજ કરું જ છું. ત્યાં વેસ્ટમાં પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલથી સહેજ આગળ તપોવન એપાર્ટમેન્ટ વિભાગ ૨ છે. ત્યાં તમારે આવવાનું છે. સરસ્વતી રોડ ઉપર થઈને પણ તમે આવી શકશો. હું ગેટ ઉપર તમારી રાહ જોઈશ." મહેશ બોલ્યો.

" ઠીક છે તો પછી આવતી કાલે બપોરે બે વાગે હું ત્યાં પહોંચી જઈશ. " કેતન બોલ્યો.

" ડન " મહેશ ઠક્કર બોલ્યો અને ફોન કટ કર્યો.

કેતન બીજા દિવસે બપોરે બે વાગે તપોવન એપાર્ટમેન્ટ પહોંચી ગયો. ગાડી સાઈડમાં પાર્ક કરાવી મનસુખ માલવિયાને અડધો કલાક રાહ જોવાનું કહી દીધું.

મહેશ ઠક્કર ત્યાં ગેટ ઉપર ઉભો જ હતો. કેતન એને જોઈને ઓળખી ગયો. બંને જણા ત્રીજા માળે મહેશના સસરાના ફ્લેટ ઉપર પહોંચી ગયા.

મહેશના સસરા એ વખતે જમીને બેડરૂમમાં આરામ કરતા હતા. મહેશે એના સાસુને કેતનનો પરિચય આપ્યો.

એ પછી મહેશ કેતનને એના સસરા નંદલાલ ઠક્કરના બેડરૂમમાં લઈ ગયો.

કેતને સૂતેલા નંદલાલ ઉપર પોતાનું ધ્યાન ફોકસ કર્યું અને બે મિનિટ માટે ઊંડા ધ્યાનમાં ઉતરી ગયો. એણે જોઈ લીધું કે નંદલાલના શરીરમાં કોઈ મુસ્લિમ પ્રેતાત્માનો પ્રવેશ થયેલો છે.

કેતને ગાયત્રી મંત્રનું સ્મરણ ચાલુ રાખી નંદલાલ ઠક્કરના માથેથી શરૂ કરી છેક પગ સુધી પોતાનો હાથ ફેરવ્યો.

એ સાથે જ કેતનને હવાનો એક મોટો ધક્કો લાગ્યો અને પલંગની સામે બાજુ કોઈ આકાર પણ દેખાયો. એ પ્રેતાત્મા સાથે વાત કરવા માટે કેતનને એના લેવલમાં જવું જરૂરી હતું જેથી બંને વચ્ચે કોમ્યુનિકેશન થઈ શકે.

કેતન ફરી ઉભા ઉભા જ આલ્ફા લેવલમાં થઈ થીટા લેવલમાં પહોંચી ગયો. એને એની સામે કદાવર આત્મા દેખાયો. એ પ્રેતાત્મા કેતન સામે ખૂબ જ ગુસ્સાથી જોઈ રહ્યો હતો.

" તું અહીંથી નીકળી જા. તારે અમારા બેની વચ્ચે આવવાની કોઈ જરૂર નથી. હું એને છોડવાનો નથી. હું એને લઈને જ જઈશ. " પ્રેતાત્મા બોલ્યો.

" તારે જવું તો પડશે જ. તું શું કામ એમની પાછળ પડ્યો છે ? એમણે તારું શું બગાડ્યું છે ? તું તારા આત્માની ઉર્ધ્વગતિ કર. હું તને ઉર્ધ્વગતિ અપાવી શકું છું. નંદલાલને છોડી દે. " કેતન બોલ્યો.

" મારું નામ જલાલુદ્દીન છે અને આ નંદલાલ મારો કટ્ટર દુશ્મન છે. મારું એની સાથેનું અંગત વેર છે. મારે તારી કોઈ ઉર્ધ્વગતિ જોઈતી નથી. હું એને પાઠ ભણાવવા માગું છું. " પ્રેતાત્મા બોલ્યો.

" પણ તારી એની સાથે દુશ્મની શા માટે છે ? એનો જીવ લેવા તું શા માટે માગે છે ? " કેતન બોલ્યો.

" આ નંદલાલ મુસ્લિમોનો દુશ્મન રહ્યો છે. અમે બંને બીએમસી માં સાથે જ નોકરી કરતા હતા પરંતુ કાયમ માટે એ અમારી મુસ્લિમોની નફરત કરતો હતો. મારા ધર્મ વિશે પણ એલફેલ બોલતો હતો. એ કટ્ટર હિન્દુવાદી હતો અને તમામ મુસ્લિમ લોકો તરફ એને નફરત હતી. હું પોતે હિન્દુ ધર્મનો આદર કરતો હતો જ્યારે આ માણસ હંમેશા અમને લોકોને નફરત કરતો હતો. મને એના તરફ પહેલેથી જ ખુન્નસ હતું." પ્રેતાત્મા બોલી રહ્યો હતો.

" અમે બંને એક વર્ષના અંતરે રિટાયર થયા. એકવાર કોઈ કામથી મારે આ નંદલાલના ઘરમાં આવવાનું થયું ત્યારે મારો એક હિન્દુ મિત્ર પણ સાથે હતો. નંદલાલે મારા મિત્રને પાણી પાયું જ્યારે મારો ભાવ પણ ના પૂછ્યો. ખબર નહીં કેમ એના મનમાં અમારા પ્રત્યે આટલી બધી કટ્ટરતા છે !! " પ્રેતાત્મા બોલતો હતો.

" બે વર્ષ પહેલાં અકસ્માતમાં મારું મૃત્યુ થયું. મારો આત્મા ભટકતો રહ્યો. જે સ્થળે અકસ્માત થયો તે સ્થળેથી એક દિવસ આ નંદલાલ નીકળ્યો અને મેં એને પકડી લીધો. હવે હું એને છોડવાનો નથી. હું એને રેલ્વે ટ્રેક ઉપર લઈ જઈશ અને આવતી ટ્રેઈન નીચે ફેંકી દઈશ." પ્રેતાત્મા ગુસ્સાથી બરાડીને બોલ્યો.

" તારી વાત સાચી છે પરંતુ આ રીતે એની નફરતનો બદલો લેવો યોગ્ય નથી. તું અહીંથી નીકળી જા. અને તારે જો ગતિ કરવી હોય તો હું તને ઉર્ધ્વગતિ કરાવી દઉં. " કેતન બોલ્યો.

" તું શું મને ઉર્ધ્વગતિ કરાવતો હતો !! તું જ જતો રહે અહીંથી નહીં તો હું જ અત્યારે તારી ગતિ કરાવી દઈશ. " પ્રેતાત્માએ કેતનને ધમકી આપી.

" તારે તો અહીંથી જવું જ પડશે. તું હવે નંદલાલના શરીરમાં પ્રવેશ નહીં કરી શકે. તારામાં તાકાત હોય તો અજમાવી જો. " કેતન પણ ઊંચા સાદે બોલ્યો.

કેતનનો આદેશ સાંભળી પ્રેતાત્માએ ફરીથી નંદલાલના શરીરમાં જબરદસ્તી પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો પણ નંદલાલનું શરીર ગાયત્રી મંત્રના પ્રભાવથી સંપૂર્ણ સુરક્ષિત થઈ ગયું હતું. કોઈ ભૂત પ્રેતની તાકાત નહોતી કે હવે નંદલાલના શરીરમાં પ્રવેશ કરી શકે.

પ્રેતાત્મા ખૂબ જ ગુસ્સે થયો અને અચાનક એ કેતન તરફ ધસી ગયો અને કેતનને જોરથી ધક્કો માર્યો. એ સાથે જ કેતનનું માથું એની બરાબર પાછળની દિવાલ સાથે જોરથી અફળાયું. કેતનને એટલા જોરથી માથાના પાછલા ભાગમાં વાગ્યું કે કેતન તમ્મર ખાઈને નીચે પડી ગયો અને તરત બેહોશ થઈ ગયો.

બાજુમાં ઉભેલો મહેશ ઠક્કર કેતન જે પણ બોલતો હતો તે સાંભળી શકતો હતો પરંતુ સામે એને કોઈ પણ દેખાતું ન હતું કે ન કોઈનો અવાજ સંભળાતો હતો. એણે કલ્પના કરી લીધી હતી કે એ કોઈ વળગાડ સાથે વાત કરી રહ્યો લાગે છે.

કેતન નીચે પડીને બેહોશ થઈ ગયો એટલે મહેશ ભયંકર ટેન્શનમાં આવી ગયો. એને કલ્પના પણ ન હતી કે આવી કોઈ ઘટના બનશે. એણે બૂમ પાડી. એના સાસુ પણ ત્યાં દોડતાં આવ્યાં. મહેશે પાણી લાવીને કેતનના ચહેરા ઉપર છાંટ્યું. એના કાન પાસે મ્હોં લઈ જઈને એને જગાડવા પ્રયત્ન કર્યો પરંતુ કેતન બેહોશીની અવસ્થામાં ચાલ્યો ગયો હતો અને એને બ્રેઈન હેમરેજ થઈ ગયું હતું. !

મહેશ ઠક્કર ખરેખર ગભરાઈ ગયો હતો. હવે તાત્કાલિક કેતનને અહીંથી એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલ ભેગો કરવો જરૂરી હતો. કેતનના પરિવારને પણ જાણ કરવી જરૂરી હતી. પરંતુ એની પાસે કોઈના પણ નંબર ન હતા. એણે તાત્કાલિક રવિ ભાટીયાને ફોન કર્યો.

"રવિ ગજબ થઈ ગયો છે. કેતનભાઇ મારા સસરાને ત્યાં સાન્તાક્રુઝ આવ્યા છે અને મારા સસરાને સારા કરવા જતાં એ પોતે જ બેહોશ થઈ ગયા છે. દિવાલ સાથે એમનું માથું જોરથી અથડાયું છે અને મને લાગે છે કે એમને બ્રેઇન હેમરેજ થઈ ગયું છે. તાત્કાલિક એમને હોસ્પિટલ લઈ જવા પડશે. હું અહીં એમ્બ્યુલન્સ બોલાવીને આશા પારેખ હોસ્પિટલમાં લઈ જાઉં છું. તારી પાસે એમના ફેમિલી મેમ્બરનો નંબર હોય તો જાણ કરી દે ને ? " મહેશ બોલ્યો.

" અરે મહેશ આ તો બહુ જ ખરાબ સમાચાર છે. આપણે એમના પરિવારને કહેવું પણ શું ? કેતન ત્યાં જાતે ગાડી ચલાવીનેઆવ્યો છે કે એનો ડ્રાઇવર છે ? " રવિએ પૂછ્યું.

" અરે હા એમનો ડ્રાઇવર તો ગાડીમાં બેઠેલો જ છે. એ મને યાદ જ ના આવ્યું." મહેશ બોલ્યો.

"તો તું નીચે જઈને એના ડ્રાઈવરને જ મળી લે અને આ સમાચાર આપી દે. ડ્રાઇવર પાસે ઘરના બધાના નંબર હશે. એમ્બ્યુલન્સમાં તું કેતનને હોસ્પિટલમાં લઈ જા અને ડ્રાઇવર ઘરેથી બધાને લઈ હોસ્પિટલ આવી જશે. હું પણ હોસ્પિટલ આવું છું " રવિએ રસ્તો કાઢ્યો.

" ઠીક છે હું ડ્રાઇવરને સમાચાર આપું છું અને એમ્બ્યુલન્સ પણ બોલાવું છું." મહેશ બોલ્યો.

એ પછી તરત જ મહેશે એમ્બ્યુલન્સ બોલાવી અને પોતે દોડતો નીચે જઈને મનસુખ માલવિયાને મળ્યો.

"મનસુખભાઈ કેતનભાઇ પડી ગયા છે અને એમને બ્રેઈન હેમરેજ થઈ ગયું લાગે છે. તમે તાત્કાલિક એમના પરિવારને જાણ કરો અને તમે પોતે પણ ઘરે જઈને એ લોકોને આશા પારેખ હોસ્પિટલ લઈ આવો. મેં એમ્બ્યુલન્સ બોલાવી લીધી છે. " મહેશ બોલ્યો.

" અરે પણ સાહેબ આ બધું કેવી રીતે થયું ? ફેમિલીવાળા મને હજાર સવાલો પૂછશે. " મનસુખ માલવિયા ખૂબ જ ગભરાઈ ગયો.

" મારું નામ મહેશભાઈ છે. તમે એટલું જ કહેજો કે મહેશભાઈના ઘરે કેતનભાઇ સ્લીપ થઈ ગયા છે અને માથાના પાછળના ભાગમાં વાગ્યું છે એટલે બેહોશ થઈ ગયા છે. કહેજો કે મહેશભાઈ એમને એમ્બ્યુલન્સમાં આશા પારેખ હોસ્પિટલમાં લઈ ગયા છે." કહીને મહેશ ફટાફટ પાછો ઉપર જતો રહ્યો.

મહેશ તો જતો રહ્યો પણ મનસુખ માલવિયા ખરેખર મૂંઝાઈ ગયો. આવા સમાચાર ફેમિલીને કેવી રીતે આપવા ? કેતન શેઠ જેવી વ્યક્તિ આ રીતે બેહોશ થઈ જાય એ બહુ મોટી ઘટના હતી !!

છેવટે હિંમત ભેગી કરીને મનસુખ માલવિયાએ જગદીશભાઈને ફોન લગાવ્યો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)