Prarambh - 84 books and stories free download online pdf in Gujarati

પ્રારંભ - 84

પ્રારંભ પ્રકરણ 84

બીજા દિવસે સવારે ૧૧ વાગે કેતનને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરવામાં આવ્યો. ડીસ્ચાર્જ વખતે જાનકી જ હોસ્પિટલમાં હતી.

ડોક્ટરે એને કહ્યું કે હમણાં એમને ત્રણ દિવસ સુધી સંપૂર્ણ આરામ કરાવજો. રિકવરી તો થઈ જશે પરંતુ ત્રણ દિવસ સુધી ગમે ત્યારે ચક્કર આવી શકે છે. એટલે વધારે મુવમેન્ટ નહીં કરવાની.

ઘરે આવ્યા પછી જાનકીએ કેતનને સંપૂર્ણ આરામ અપાવ્યો. એને બિલકુલ ઉભો થવા ન દીધો અને ખડે પગે રહી. જો કે કેતન એકદમ નોર્મલ જ હતો છતાં એણે જાનકીની આજ્ઞાનું બરાબર પાલન કર્યું અને પૂરતો આરામ કર્યો.

ત્રણ દિવસ પૂરા થઈ ગયા પછી એ એક ચક્કર ગોરેગાંવની સાઈટ ઉપર મારી આવ્યો. એકાદ કલાક જયેશ ઝવેરી સાથે બેઠો. જરૂરી સૂચનાઓ પણ આપી. જીમ માટે સાધનોની જે તપાસ કરવાની જયેશને વાત કરી હતી એનો ફીડબેક પણ લીધો.

એ દરમિયાન મહેશ ઠક્કરનો ફોન એના ઉપર આવી ગયો હતો કે એના સસરા નંદલાલ એકદમ નોર્મલ થઈ ગયા છે અને પ્રેતાત્માની ચુંગાલમાંથી સંપૂર્ણ મુક્ત થઈ ગયા છે. એણે કેતન ની માફી માગીને આભાર પણ માન્યો.

એ પછી એકાદ અઠવાડિયા પછી કેતન ઘરે બપોરે આરામ કરતો હતો ત્યારે જામનગરથી મનાલીનો એના ઉપર વોટ્સએપ મેસેજ આવ્યો.

# હાય ! હું મનાલી જામનગરથી. સર તમને એક તકલીફ આપવાની છે. તમે જાણો જ છો કે હું અહીં જામનગરમાં એક હોસ્પિટલમાં રિસેપ્શનિષ્ટ તરીકે જોબ કરું છું. અમારી હોસ્પિટલના એક ડોક્ટર દ્વારા મુંબઈમાં રહેતા એક છોકરાની પ્રપોઝલ આવી છે. એમના કહેવા પ્રમાણે છોકરો એમબીબીએસ થઈ ગયો છે અને અત્યારે એમ.ડી.ના છેલ્લા વર્ષમાં છે.

" સર તમે જ મારા આદર્શ છો એટલે મારા માટે આ પાત્ર યોગ્ય છે કે નહીં એ તપાસ તમારે જ કરવાની છે. એનો ફોન નંબર હું આપું છું. એ મલાડમાં સુંદરનગરમાં રહે છે. મારી તો લગ્ન કરવાની કોઈ ઈચ્છા જ નથી પરંતુ મારાં માતા-પિતાની ચિંતા મને વધારે છે. એમને ખાતર મારે લગ્ન તો કરવાં જ પડશે. તમે પ્લીઝ મારા માટે થઈને આટલું કામ કરજો.

કેતને મનાલીનો મેસેજ વાંચ્યો. કોઈ છોકરા વિશે એને તપાસ કરવાની હતી. આ પ્રકારની તપાસ ક્યારેય પણ કેતને કરી ન હતી એટલે એ થોડો મૂંઝાયો. કોઈપણ વ્યક્તિને કઈ રીતે જાણી શકાય કે આ પાત્ર યોગ્ય છે કે નહીં ? મનાલીએ મોટી જવાબદારી સોંપી હતી.

બે ત્રણ દિવસ તો કેતને જવા દીધા પણ પછી એક દિવસે એણે મનાલીએ જેની વાત કરી હતી એ છોકરાને સીધો ફોન કર્યો. મનાલીએ એનો નંબર આપેલો હતો. છોકરાનું નામ ડૉ. તેજસ શેઠ હતું. એ લોકો વૈષ્ણવ વાણિયા હતા અને મૂળ સૌરાષ્ટ્રના જ હતા.

"ડૉ. તેજસ બોલે છે ? " કેતને પૂછ્યું.

" હા હું ડૉ. તેજસ. " તેજસે જવાબ આપ્યો.

"હું ખારથી કેતન સાવલિયા બોલું છું. મારા ઉપર જામનગરથી મનાલીનો ફોન આવ્યો છે એટલે એના સંદર્ભમાં મારે તને રૂબરૂ મળવું છે. " કેતન બોલ્યો.

" હા મનાલી સાથે મારી વાત ચાલે છે અત્યારે. મને મળવામાં કોઈ વાંધો નથી. તમે જ્યાં કહો ત્યાં હું આવી જઈશ. " તેજસ બોલ્યો.

"તો પછી પરમ દિવસે રવિવાર છે. મલાડ વેસ્ટમાં ન્યુ લિંક રોડ ઉપર ઈનઓર્બીટ મોલની બાજુમાં ' ઠાકર થાળ' છે ત્યાં આપણે સાથે જ જમીએ. હું લગભગ ૧૨ વાગે ત્યાં પહોંચી જઈશ." કેતન બોલ્યો.

" હા એ જગ્યા મેં જોયેલી છે. હું ત્યાં આવી જઈશ. " તેજસ બોલ્યો.

અને બે દિવસ પછી મલાડના 'ઠાકર થાળ' ડાઇનિંગ હોલમાં બપોરે ૧૨ વાગે કેતન પહોંચી ગયો. વોટ્સએપની ડીપી માં ફોટો મૂકેલો હતો એટલે કેતન દૂરથી જ તેજસને ઓળખી ગયો અને સીધો એ જે ટેબલ ઉપર બેઠો હતો ત્યાં જ પહોંચી ગયો.

" આવો કેતનભાઈ હું તમારી જ રાહ જોતો હતો. " તેજસે કેતનનું સ્વાગત કર્યું.

"થેન્ક્યુ. તને મળીને મને આનંદ થયો. આમ તો સમયસર પહોંચી જવા જ મેં કોશિશ કરી છે. " કેતન હસીને બોલ્યો.

" તમે સમયસર જ છો હું દસેક મિનિટ વહેલો આવી ગયો છું." તેજસ હસીને બોલ્યો.

" જો તેજસ. મનાલીનો મારી ઉપર ફોન હતો એટલે હું તને ખાસ મળવા માગતો હતો. કોઈની પરીક્ષા કરવાનો કે તપાસ કરવાનો મારો વિષય જ નથી પરંતુ મનાલીને મારા ઉપર ખૂબ જ ભરોસો છે એટલે એણે આગ્રહ કરેલો કે એક વાર મારે તને રૂબરૂ મળી લેવું." કેતન બોલ્યો.

" મને મનાલીએ મેસેજ કરેલો જ છે કે કેતન સર તમને ફોન કરશે તો તમે એમને ચોક્કસ મળી લેજો. કારણ કે કેતન સરનો નિર્ણય ફાઈનલ હશે. એ તમારું બહુ જ રિસ્પેક્ટ કરે છે સર. " તેજસ બોલ્યો.

" તારે મને સર કહેવાની જરૂર નથી. તું કેતનભાઈ કહીશ તો પણ ચાલશે. હું જામનગરમાં મનાલીની બાજુના જ બંગલામાં રહેતો હતો એટલે મારે એ લોકો સાથે ઘર જેવા સંબંધો છે. એ છોકરી ઘણી ડાહી છે અને સંસ્કારી પણ છે એટલે મારી પણ એવી ઈચ્છા છે કે એ જ્યાં પણ જાય ત્યાં સુખી રહે. " કેતન બોલ્યો.

" સર સાચું કહું તો મને મનાલી ખૂબ જ ગમી ગઈ છે અને મારી ઈચ્છા ત્યાં જ લગ્ન કરવાની છે. અમે લોકો પણ મૂળ સૌરાષ્ટ્રના છીએ. અને મારા એક દૂરના સંબંધી ડોક્ટરની હોસ્પિટલમાં મનાલી જોબ કરે છે. એટલે એમણે મનાલી વિશે મને ખૂબ જ સારો રિપોર્ટ આપ્યો છે. મારું ન્યુક્લિયર ફેમિલી છે. હું અને મારા મમ્મી પપ્પા. એક બહેન છે તે સાસરે છે. તમે જો મને સપોર્ટ આપશો તો મને ખૂબ જ આનંદ થશે. " તેજસ બોલ્યો.

"જે લોકો ખરેખર સારા અને સજ્જન છે એમને ઈશ્વર પોતે જ સપોર્ટ આપે છે. હું તો નિમિત્ત બનવાનો છું. તને જોયા પછી, તને મળ્યા પછી મને સારી ફિલિંગ આવી રહી છે એટલે હું ચોક્કસ મનાલીને તારા માટે ભલામણ કરીશ. અને હું પોતે ઈચ્છું છું કે મનાલી મુંબઈ આવી જાય. " કેતન હસીને બોલ્યો.

" થેન્ક્યુ સર. થાળીઓ પીરસાઈ ગઈ છે હવે આપણે જમવાનું ચાલુ કરીએ. તમે એકવાર મારા ઘરે પણ પધારો. " તેજસ બોલ્યો.

" ચોક્કસ આવીશ. એકવાર મનાલી તારા ઘરે આવી જાય પછી ચા પીવા આવીશ. " કેતન હસીને બોલ્યો.

" માય પ્લેઝર.... ઓલવેઝ વેલકમ " તેજસ બોલ્યો.

" એમ.ડી.માં કઈ લાઈન સિલેક્ટ કરી છે ? " જમતાં જમતાં કેતને પૂછ્યું.

" પીડીયાટ્રીક પસંદ કરી છે. " તેજસ બોલ્યો.

" બહુ સરસ. હું પોતે પણ અત્યારે ગોરેગાંવ ફિલ્મસીટી રોડ ઉપર મારી પોતાની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવી રહ્યો છું. તારી ડીગ્રી આવી જાય એટલે તું પણ મારી હોસ્પિટલમાં જોઈન થઇ શકે છે. " કેતન બોલ્યો.

"વાઉ ! તમે હોસ્પિટલ બનાવી રહ્યા છે તો મને ખબર જ નહોતી. ઈટ્સ આ ગ્રેટ ન્યૂઝ !! તમારી હોસ્પિટલમાં જોડાવું મને ચોક્કસ ગમશે. " તેજસ એકદમ ખુશ થઈ ગયો.

અને આ રીતે તેજસ સાથે કેતનની મીટીંગ સરસ રીતે પૂરી થઈ ગઈ. કેતનને છોકરો સારો લાગ્યો. એને સંતોષ થયો અને એણે મનાલીને જવાબ પણ આપી દીધો.

બીજા એક મહિનાનો સમય વીતી ગયો. ગોરેગાંવના પ્લૉટમાં બાંધકામ શરૂ થયાને છ મહિના થઈ ગયા હતા એટલે બંને બિલ્ડીંગોમાં ત્રણ ફ્લોર સુધીનું બાંધકામ એકદમ તૈયાર થઈ ગયું હતું.

જમણી બાજુની ૨૦ વાર પહોળી જગ્યામાં વચ્ચેની ઊંચી દિવાલ પછી તરત જ ૧૫ ફૂટ પહોળો છેક છેડે સુધીનો રોડ બનાવ્યો હતો. અને રોડની જમણી બાજુ ચાર ફ્લોર બની રહ્યા હતા. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર હિમાલયની પ્રતિકૃતિ જેવો સુંદર મેડીટેશન હૉલ બની રહ્યો હતો.

જમણી બાજુના બિલ્ડીંગમાં એન્ટ્રીમાં ડાબી બાજુ ચાર માળ સુધી સીડીઓ હતી જ્યારે જમણી બાજુ લિફ્ટ હતી. પહેલા માળે ડાબી બાજુ છેક સુધી પેસેજ હતો. જ્યારે જમણી બાજુ આગળના ભાગમાં જીમ અને પાછળના ભાગમાં મંત્ર સાધના માટેનો હૉલ હતો.

બીજા માળે પણ ડાબી બાજુ પેસેજ હતો અને જમણી બાજુ છેક સુધી વિશાળ ભોજનાલય હતું. જેમાં ત્રણ ગેટ આપેલા હતા. છેક છેડે ગેટ રસોડાનો હતો જ્યારે આગળના બે ગેટ ભોજનાલય માટેના હતા.

ત્રીજા અને ચોથા માળે વચ્ચે ખુલ્લો પેસેજ હતો અને બંને બાજુએ સામ સામે રૂમો બનાવેલી હતી. ત્રીજો માળ ખાસ સાધુ સંતોના ઉતારા માટે હતો જ્યારે ચોથા અને પાંચમાં માળે ભવિષ્યમાં વૃદ્ધાશ્રમ કે વનિતાશ્રમ બનાવવાની કેતનની ઈચ્છા હતી.

પહેલો માળ એકદમ તૈયાર થઈ ગયો એટલે જયેશ ઝવેરીએ જીમના તમામ સાધનો માટે ઓર્ડર આપી દીધો હતો અને લેટેસ્ટ સાધનોથી જીમ એકદમ તૈયાર થઈ ગયું હતું.

સાધનો આવી ગયા પછી તરત જ જયેશે ન્યૂઝ પેપરમાં જાહેરાત આપીને સારામાં સારા ૮ ટ્રેઈનરની ભરતી કરી દીધી હતી.

મહા મહિનામાં વસંત પંચમીના દિવસે જ ન્યુઝ પેપરમાં મોટી મોટી જાહેરાતો સાથે જીમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમયે પરિવારના તમામ સભ્યો અને મિત્રો હાજર રહ્યા હતા. જીમનું નામ ડાયમંડ જીમ રાખવામાં આવ્યું હતું.

બાજુમાં જ ફિલ્મસીટી હોવાથી આ જીમ યુવાનો અને યુવતીઓમાં ખૂબ જ લોકપ્રિય બની ગયું. સવારથી જ જીમમાં ગાડીઓની લાઈન લાગવા લાગી. મલાડ ગોરેગાંવ અને જોગેશ્વરી થી પણ જીમના રસિયા યુવાનો નિયમિત જીમમાં આવવા લાગ્યા.

આ બાજુ હોસ્પિટલ વિભાગમાં પણ ત્રણ માળ સંપૂર્ણપણે તૈયાર થઈ ગયા હોવાથી ત્યાં ફર્નિચર વગેરે બનાવવાનો ઓર્ડર પણ જયેશે આપી દીધો હતો. ફર્નિચરના ત્રણ કોન્ટ્રાક્ટરો અલગ અલગ માળ ઉપર કામ કરી રહ્યા હતા.

સાથે સાથે ઓપરેશન થિયેટર માટેનાં સાધનો, એક્સ રે, સીટી સ્કેન અને એમઆરઆઈ મશીનોની પણ ઇન્કવાયરી ચાલુ કરી દીધી હતી. એ માટે કેતને સુરતમાં પોતાના એક ખૂબ જ જાણીતા સર્જન ડૉ. પ્રદીપ શાહનો સંપર્ક કર્યો હતો જેમની સાથે કેતનનો ઘર જેવો સંબંધ હતો.

અત્યારે હોસ્પિટલનું તમામ કામકાજ ડૉ. પ્રદીપ શાહની સલાહ સૂચના પ્રમાણે જ ચાલી રહ્યું હતું. કેતનની માયાવી જગતની કોર્પોરેટ હોસ્પિટલની યાદમાં આ હોસ્પિટલનું નામ પણ શેઠ જમનાદાસ સાવલિયા હોસ્પિટલ રાખવાનું નક્કી કર્યું હતું.

ડૉ. શાહની સલાહ પ્રમાણે જ બધાં જરુરી સાધનો અને મશીનોના ઓર્ડર આપવામાં આવતા હતા. દર અઠવાડિયે એક દિવસ પ્રદીપભાઈ જાતે આ હોસ્પિટલમાં આંટો મારી જતા હતા. હોસ્પિટલ તૈયાર થઈ જાય પછી શાહ સાહેબને જ આ હોસ્પિટલના સુપ્રિન્ટેનડેન્ટ બનાવવાનું કેતને નક્કી કર્યું હતું. આમ પણ એ સુરતની એક જાણીતી હોસ્પિટલમાં એડમિનિસ્ટ્રેટર હતા.

આર્કિટેકટના પ્લાન પ્રમાણે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ઓપીડી રાખવાની હતી જેમાં તમામ ડોક્ટરોની ચેમ્બરો બનાવવાની હતી. ફર્સ્ટ ફ્લોર ઉપર તમામ પ્રકારના ટેસ્ટનાં ભારે મશીનો અને પેથોલોજી લેબોરેટરી પ્લાન કરી હતી.

બીજા માળથી પાંચમા માળ સુધી તમામ પ્રકારના વોર્ડ ચાલુ થતા હતા. જો કે બીજા માળે અડધા ભાગમાં કેન્ટીનની વ્યવસ્થા કરી હતી. જ્યાં હળવો નાસ્તો મળે અને તમામ સ્ટાફ તથા પેશન્ટનાં સગાં વહાલાં ટેબલ ઉપર બેસીને નાસ્તો કરી શકે એવી વ્યવસ્થા ગોઠવવાની હતી. જમવા માટે મુખ્ય ભોજનાલય તો સામેના બિલ્ડિંગમાં હતું. તમામ ફર્નિચર આ પ્લાન પ્રમાણે જ બની રહ્યું હતું.

આ બધા ડેવલપમેન્ટની સાથે સાથે કેતનના ખારના બંગલે એપ્રિલ મહિનામાં પણ એક બીજું ડેવલપમેન્ટ થઈ રહ્યું હતું.

" આપણાં લગ્નને ત્રણ વર્ષ થવા આવ્યા છતાં મારી એક ઈચ્છા તમે પૂરી કરી શકતા નથી."

રાત્રે બેડ ઉપર બેસી લેપટોપ ખોળામાં રાખીને કામ કરી રહેલા સિદ્ધાર્થને બાજુમાં સૂતેલી રેવતીએ ધીમેથી કહ્યું.

" હું સમજી શકું છું તારી ઈચ્છા શું છે પરંતુ એ બધી બાબતો તારા કે મારા હાથમાં નથી ને ! આપણે ડોક્ટરને પણ બતાવ્યું હતું. બંનેના રિપોર્ટ નોર્મલ છે એટલે ભવિષ્યમાં બાળક તો થશે જ. તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. " સિદ્ધાર્થ બોલ્યો.

"ચિંતા તો કરવી જ પડે ને ? ત્રણ વર્ષ પછી પણ કોઈ રીઝલ્ટ મળ્યું નથી. મમ્મી પપ્પા પણ બિચારા ઈચ્છે છે કે આપણને સંતાન થાય. " રેવતી બોલી.

" તારી વાત સાચી છે. હું પોતે પણ ઈચ્છું છું કે હવે તો સંતાન થવું જ જોઈએ. " સિદ્ધાર્થે કબુલ કર્યું.

"હવે તમે સાચી વાત કરી. આટલાં વર્ષોમાં આજ સુધી ક્યારેય પણ તમે સંતાનની ઈચ્છા મારી આગળ પ્રગટ નથી કરી. " રેવતી બોલી.

" સંતાન જન્મ તારા હાથમાં હોય તો તારી આગળ ઈચ્છા પ્રગટ કરું ને ? હું સંતાનની ઈચ્છા પ્રગટ કરું અને પ્રેગ્નન્સી ના આવે તો તને પાછું દુઃખ થાય. સંતાન જન્મનો સમય પાકશે એટલે તને આપો આપ સારા દિવસો શરૂ થઈ જ જશે." સિદ્ધાર્થ બોલ્યો.

" તમારા મોઢામાં ઘી સાકર. મારા સારા દિવસો શરૂ થઈ ગયા છે સાહેબ." રેવતી હસીને બોલી.

"વ્હોટ ! આર યુ સિરિયસ ?" સિદ્ધાર્થ લેપટોપ બાજુમાં મૂકીને બોલ્યો.

" હા સાહેબ. સૌથી પહેલાં તમને જ હું વાત કરું છું. એક ન કહી શકાય એવી બેચેની થોડા દિવસથી અનુભવું છું. ખાટું ખાવાની ઈચ્છા પણ થાય છે. થોડી થોડી મોળ પણ વળે છે. અને શરીરમાં પણ મને કેટલાક ફેરફારો લાગે છે." રેવતી બોલી.

" આ તો તેં જબરદસ્ત સમાચાર આપ્યા રેવતી. સવારે મમ્મી પપ્પાને ખબર પડશે એટલે એકદમ ગાંડા જ થઈ જશે. આપણે કાલે જ મેડિકલ ટેસ્ટ પણ કરાવી લઈએ. " સિદ્ધાર્થ બોલ્યો.

અને ખરેખર એવું જ થયું. સવારે ચા પીતાં પીતાં સિદ્ધાર્થે જ બધાની વચ્ચે ધડાકો કર્યો.

" મમ્મી પપ્પા મારે તમને આજે એક ખુશ ખબર આપવાના છે. " સિદ્ધાર્થે મમ્મી પપ્પા બંને સામે જોઈને કહ્યું.

" ભાઈ શેરબજારમાં તમને પ્રોફિટ થયો હોય તો એ અમારા બધા માટે કંઈ ખુશ ખબર ના કહેવાય. એ સિવાય કોઈ વાત હોય તો બોલો. " કેતન બોલ્યો.

" શેરબજારની કે ધંધાની કોઈ વાત જ નથી. તમે બધા ગેસ કરો. " સિદ્ધાર્થ હસીને બોલ્યો.

બધા થોડીવાર માથું ખંજવાળવા લાગ્યા. રેવતીની પ્રેગ્નન્સીનો વિચાર તો કોઈને પણ ના આવ્યો.

" હવે લાંબુ ખેંચ્યા વગર તું જ કહી દે ને ભૈશાબ ! તને કઈ વાતની ખુશી થઈ એ અમને કેવી રીતે ખબર પડે ? " જયાબેન બોલ્યાં.

" મમ્મી મારા કરતાં ખુશી તને વધારે થશે. તારી આ રેવતી માં બનવાની છે." સિદ્ધાર્થ બોલ્યો.

અને આખાય ડાઇનિંગ ટેબલ ઉપર ખુશીઓની એક લહેર દોડી ગઈ. બધા અવાક થઈ ગયા.

જગદીશભાઈ તો એટલા બધા ખુશ થઈ ગયા કે ના પૂછો વાત.

" અલ્યા આવા સમાચાર આવી રીતે અપાય ? મારા વંશનો વિસ્તાર થઈ રહ્યો છે અને તું ઠંડા કલેજે સમાચાર આપે છે ! આજે જ ઘરમાં લાપસીનું આધણ મૂકો. દીકરો હોય કે દીકરી મને કોઈ ફરક નથી પડતો. મારે તો આ ઘરમાં હવે કિલકિલાટ જોઈએ છે." જગદીશભાઈ બોલ્યા.

"સો વરસની થજે બેટા. તેં તો આજે મારા કાળજાને પણ ઠંડક આપી. હવે આજે જ તમે બંને જણાં જઈને ટેસ્ટ કરાવી આવો એટલે બધું પાક્કું થઈ જાય." જયાબેન બોલ્યાં.

રેવતી ઊભી થઈ અને મમ્મી પપ્પાને ચરણસ્પર્શ કર્યા.

" આજે તો ભલે નીચા નમીને પગે લાગી પરંતુ હવે ત્યારે બહુ ધ્યાન રાખવાનું બેટા. બહુ નીચા નહીં નમવાનું. દિવસે દિવસે હવે તમારે વધારે ધ્યાન રાખવાનું છે. " જયાબેન બોલ્યાં.

રેવતીને પણ લાગ્યું કે હવે મારી જિંદગી બદલાઈ રહી છે અને ઘરમાં માનપાન પણ વધી રહ્યાં છે !
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)