Shikhar - 1 in Gujarati Classic Stories by Dr. Pruthvi Gohel books and stories PDF | શિખર - 1

Featured Books
Share

શિખર - 1

પ્રકરણ - ૧

દેસાઈ પરિવારનાં આંગણામાં આજે બધાં ખૂબ જ ખુશ હતાં. કારણ કે, આજે કેટલાંય વર્ષોની તમન્ના પછી એમનાં ઘરની પુત્રવધૂ પલ્લવીએ પહેલાં ખોળે દીકરાને જન્મ આપ્યો હતો.

પલ્લવી અને નીરવનાં લગ્નને લગભગ પાંચ વર્ષ થઈ ગયાં હોવા છતાં હજુ પણ પલ્લવીનો ખોળો ભરાયો નહોતો. બધાં ઘરનો વારસદાર ક્યારે આવે એની જ રાહમાં હતાં. અને આજે હવે આખા દેસાઈ પરિવારનું એ સપનું પૂરું થયું હતું. ઘરમાં બાળકના આગમનથી આખો દેસાઈ પરિવાર ખૂબ જ ખુશ હતો. પલ્લવીને નોર્મલ ડિલિવરી હોવાથી એને બીજા જ દિવસે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.

હોસ્પિટલમાંથી રજા આપ્યાં પછી આજે નીરવ અને પલ્લવી બાળકને લઈને ઘરમાં પ્રવેશ કરવાના હતાં. નીરવની મમ્મી તુલસીએ પલ્લવી અને નીરવના આ આવનારા બાળકનાં સ્વાગતની બધી જ તૈયારીઓ કરી રાખી હતી. તુલસી બહુ નાની ઉંમરમાં જ વિધવા થઈ ગઈ હતી. તુલસીનો પતિ સાહિલ નીરવ માત્ર છ વર્ષનો હતો ત્યારે જ મૃત્યુ પામ્યો હતો. એટલે તુલસીએ નીરવને એકલા હાથે જ મોટો કર્યો હતો.

પતિના અચાનક મૃત્યુ પછી ઘરની બધી જ જવાબદારી તુલસીના શિરે આવી ગઈ હતી પરંતુ તુલસી ક્યારેય હિંમત હારી નહોતી અને હંમેશા હિંમતથી જ દરેક પરિસ્થિતિ સામે લડી હતી. એ સિવાય સાહિલના બીજા બે ભાઈઓ પણ હતાં સંકેત અને રોનિત. સાહિલ સૌથી મોટો હતો. ત્યાર પછી સંકેત અને સૌથી નાનો રોનિત. જેમાંથી સંકેતના લગ્ન તો થયા હતાં પરંતુ એના લગ્નને હજુ એક વર્ષ પણ પૂરું નહોતું થયું ને એની પત્ની લતિકા એને છોડીને ચાલી ગઈ હતી. એ ક્યાં કારણથી અને શા માટે ચાલી ગઈ હતી એ આજ સુધી કોઈને સમજાયું નહોતું. આખા દેસાઈ પરિવારમાં કોઈને સત્ય હકીકતનો ખ્યાલ નહોતો. સત્ય માત્ર સંકેત અને લતિકા જ જાણતાં હતાં.

અને સૌથી નાનો રોનિત અને એની પત્ની માધુરી બંને ખુશ હતાં અને એમને સંતાનમાં બે દીકરીઓ જ હતી દિશા અને ઈશા. એમનો પરિવાર સુખી કહી શકાય એવો પરિવાર હતો.

પલ્લવી અને નીરવનાં સંતાનના આગમન માટે આજે આ આખો દેસાઈ પરિવાર તુલસીના ઘરે એકઠો થયો હતો. આખરે આ આવનાર બાળક દેસાઈ પરિવારનો સૌથી પહેલો દીકરો હતો એટલે એની તૈયારી પણ વિશેષ હતી. પલ્લવી અને નીરવનાં સંતાનનું વાજતે ગાજતે બેન્ડ વાજા સાથે ખૂબ જોરશોરથી સ્વાગત કરવામાં આવ્યું. બધાંએ ખૂબ આનંદ પ્રમોદ કર્યો અને તુલસીએ બ્રાહ્મણ બાળકોને બટુક ભોજન પણ કરાવ્યું. તુલસી ખુશીના પ્રસંગે ક્યારેય પણ અન્નદાન અને ધનનું દાન કરવાનું ચૂકતી નહિ.

*****
છ દિવસ પછી છઠ્ઠીના દિવસે બાળકનું નામકરણ કરવામાં આવ્યું. તુલસીએ જ બાળકનું નામ પાડ્યું અને નામકરણ વિધિ વખતે જ એ બોલી ઉઠી, "મારાં નીરવનો દીકરો હંમેશા ઉન્નતિના શિખરો સર કરશે એટલે એનું નામ રાખીશું શિખર! આજથી મારો આ દીકરો શિખર કહેવાશે."

તુલસીને આવું બોલતાં સાંભળીને પલ્લવીએ તરત જ તીખી નજરે નીરવ સામે જોયું પણ નીરવે તરત જ પલ્લવી પરથી નજર હટાવી લીધી. એ પલ્લવીના મનની વાત સમજી તો ગયો જ હતો પરંતુ અત્યારે તો એને મૌન રહેવું જ ઉચિત લાગ્યું.

*****

છઠ્ઠીની વિધિ પતી ગઈ એટલે હવે બધાં મહેમાનો પોતપોતાના ઘરે જવા લાગ્યાં. આજનાં દિવસે બધાં ખુશ હતાં પરંતુ એકમાત્ર ખુશ ન હતી પલ્લવી. એ જેવી વિધિ પતી કે ગુસ્સામાં રાતીપીળી થઈને શિખરને લઈને ત્યાંથી પોતાના રૂમમાં ચાલી ગઈ અને રૂમનો દરવાજો બંધ કરી દીધો.

પલ્લવીને આ રીતે જતી જોઈને નીરવ પણ તેની પાછળ ગયો અને એણે પોતાના રૂમનો દરવાજો અંદરથી લોક જોયો. એણે દરવાજો ખટખટાવ્યો પણ પલ્લવીએ દરવાજો ખોલ્યો નહિ એટલે નીરવ બોલ્યો, "પલ્લવી! પ્લીઝ દરવાજો ખોલ. મારે તારી સાથે વાત કરવી છે પ્લીઝ! આપણે શાંતિથી વાત કરીએ."

"પણ મારે તારી સાથે કોઈ વાત નથી કરવી નીરવ."

"પણ મારે વાત કરવી છે પલ્લવી. પ્લીઝ દરવાજો ખોલ. પ્લીઝ! મારે મારાં દીકરાને રમાડવો છે. તારા પતિ માટે નહીં પણ શિખરના પિતા માટે તો દરવાજો ખોલ. પ્લીઝ પલ્લવી!"

નીરવની આવી વાત સાંભળીને પલ્લવી થોડી તો પીગળી અને એણે ધીમે રહીને દરવાજો ખોલ્યો. નીરવ અંદર રૂમમાં દાખલ થયો અને એણે પોતાના રૂમનો દરવાજો બંધ કર્યો. એ નહોતો ઈચ્છતો કે, પલ્લવી અને એની વચ્ચે આજે જે કંઈ પણ વાત થવાની હતી એની મા ને એની જાણ પણ થાય.

*****
(ક્રમશ:)