Prarambh - 87 books and stories free download online pdf in Gujarati

પ્રારંભ - 87

પ્રારંભ પ્રકરણ 87

કેતન રવિ ભાટિયાને એની હોટલ ઉપર મળવા ગયો ત્યારે એને ખબર પડી કે રવિના યુવાન સાળા દર્શનને કોકીલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કર્યો છે. અને કમળી થઈ ગઈ હોવાથી એનું લીવર કામ કરતું બંધ થઈ ગયું છે અને એ છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે. હાલમાં એ વેન્ટિલેશન ઉપર છે.

વેન્ટિલેશન હવે દૂર કરવાનું હોવાથી રવિ હોસ્પિટલ જઈ રહ્યો હતો એટલે કેતને પણ એને સાથ આપ્યો અને એ પણ હોસ્પિટલમાં ગયો. ત્યાં આઈસીયુ માં જઈને એણે દર્શનના માથા ઉપર હાથ ફેરવ્યો તથા એના લીવરના ભાગ ઉપર પણ હાથ મૂકી એને બચાવી લેવા પોતાના ગુરુજીને પ્રાર્થના કરી. એ પછી પોતાને મળેલો શુક્રાચાર્યનો સંજીવની વિદ્યા મંત્ર એણે અજમાવ્યો. ત્યાં બેઠેલી નર્સ આ બધું જોઈ રહી હતી.

કેતન દસેક મિનિટમાં બહાર આવ્યો અને રવિને એની પત્ની તથા દર્શનની વાઈફની હાજરીમાં કહી દીધું કે દર્શન બચી જશે. હવે એને કંઈ નહીં થાય. રવિ સિવાય કોઈને પણ એની આ વાત ઉપર વિશ્વાસ ન હતો પરંતુ રવિ એને જાણતો હોવાથી એ એને ભેટી પડ્યો.

થોડીવાર પછી મોટા ડોક્ટર આવ્યા અને વેન્ટિલેશન હટાવવાની પ્રક્રિયા શરૂ કરી. એ વખતે રવિ અને કેતન બંને ડોક્ટરની રજા લઈને દર્શનની બાજુમાં જ ઊભા રહ્યા. વેન્ટિલેશન દૂર થયું પરંતુ દર્શનના શ્વાસોશ્વાસ તો ચાલુ જ હતા અને ધીમે ધીમે એ નોર્મલ પણ થઈ રહ્યા હતા.

બાજુમાં મુકેલા મોનિટરમાં પણ હૃદયની ગતિ અને બ્લડપ્રેશર નોર્મલ થઈ રહ્યાં હતાં. ડોક્ટર માટે આ ઘટના આશ્ચર્યજનક હતી કારણ કે ખરેખર તો વેન્ટિલેશન દૂર કર્યા પછી શ્વાસોશ્વાસ બંધ થવા જોઈતા હતા !

" ઘીસ ઈઝ ઈમ્પોસિબલ ! પેશન્ટ ઈઝ રિકવરિંગ ! ઈટ ઈઝ મિરેકલ !" ડોક્ટર બોલી ઉઠ્યા.

" ખબર નહીં કેમ પણ દર્દીની હાલત ઘણી સુધારા ઉપર જઈ રહી છે. આજે આપણે હજુ એમને આઇસીયુ માં ઓબ્ઝર્વેશનમાં રાખીએ અને સાંજ સુધી જોઈએ. આજે લીવર પ્રોફાઈલ પણ ફરીથી જોઈ લઈએ. મારી આખી લાઇફમાં આજ સુધી આવું મેં જોયું નથી." ડોક્ટરે રવિને કહ્યું.

" જી સાહેબ આપને જે યોગ્ય લાગે તે." રવિ બોલ્યો.

ડોક્ટરે નર્સને એક ઇન્જેક્શન પેશન્ટને આપી દેવાની સૂચના આપી. સાથે સાથે લીવર પ્રોફાઇલનો બ્લડ ટેસ્ટ કરાવવાનું પણ કહી દીધું. એ પછી એ બહાર નીકળી ગયા.

દર્શને આંખો ખોલી દીધી હતી એટલે રવિએ એને આશ્વાસન આપ્યું કે આ કેતનભાઇએ તમને બચાવી લીધા છે. હવે તમે ધીમે ધીમે બે દિવસમાં જ નોર્મલ થઈ જશો. દર્શને કેતન સામે જોઈને બે હાથ જોડ્યા.

એ પછી બંને મિત્રો બહાર આવ્યા અને દર્શનની વાઈફને અંદર મોકલી. સાથે સાથે રવિની વાઈફ પણ ગઈ.

બંને સ્ત્રીઓ ૧૦ મિનિટમાં બહાર આવી અને બંનેએ કેતનને બે હાથ જોડ્યા. દર્શનની વાઈફની આંખમાં આંસુ હતાં. એણે દિલથી કેતનનો આભાર માન્યો. એને પૂરતી ખાતરી થઈ ગઈ કે હવે ખરેખર દર્શન નોર્મલ થઈ રહ્યા છે !

" મેં તમને કહ્યું હતું ને કે કેતનભાઈ આવ્યા છે એટલે હવે દર્શનભાઈ નોર્મલ થઇ જશે ? તમને લોકોને વિશ્વાસ ન હતો પણ મને તો મારા આ મિત્ર ઉપર પૂરો વિશ્વાસ હતો. એણે મૃત્યુ પામેલા વ્યક્તિઓને જીવંત કર્યા છે." રવિ બોલ્યો.

" ચાલો હું હવે રજા લઉં. બસ તારા આ સાળાની ગંભીર માંદગીના સમાચાર તેં આપ્યા એટલા માટે જ હું ખાસ હોસ્પિટલ આવ્યો. સાંજે જે પણ રિપોર્ટ આવે તે મને જણાવજે." કેતન બોલ્યો અને બધાને નમસ્કાર કરીને હોસ્પિટલમાં નીચે ઉતરી ગયો.

બહાર આવીને ગાડી ચલાવીને એ પોતે પોતાના બંગલે જતો રહ્યો.

રાત્રે ૮ વાગે રવિ ભાટીયાનો ફોન કેતન ઉપર આવી ગયો.

" અરે કેતન ખરેખર ખૂબ સારા સમાચાર છે. લીવરનો રિપોર્ટ ૫૦ % જેટલો સુધરી ગયો છે. એસજીપીટી પણ ઓછું થઈ ગયું છે. ડોક્ટર પણ ખૂબ જ આશ્ચર્ય પામી ગયા છે. એમને તો આ કેવી રીતે થયું એ ખબર જ નથી પડતી. થોડીવાર પછી દર્શનને આઈસીયુમાંથી બહાર લાવશે અને સ્પેશિયલ રૂમમાં એને રાખીશું. કદાચ એક બે દિવસમાં રજા પણ મળે એવી શક્યતા છે. આ બધું તારા કારણે જ થયું છે. ખરેખર તું લોકોની જિંદગી બચાવી શકે છે. ઈશ્વરે તને એક મોટું વરદાન આપ્યું છે !" રવિ ભાટીયા બોલ્યો.

" બસ તું ખુશ એટલે હું પણ ખુશ ! મારો આ જન્મ ખુશીઓ વહેંચવા માટે તો થયો છે ! " કેતન હસીને બોલ્યો અને ફોન કટ કર્યો.

બીજા ત્રણ મહિનાનો સમય પસાર થઈ ગયો. વૈશાખ મહિનો પણ પસાર થઈ ગયો. હોસ્પિટલ સરસ રીતે તૈયાર થઈ ગઈ હતી. ઓપીડી વોર્ડ એકદમ રેડી હતો. ચેમ્બરો બની ગઈ હતી. પહેલા માળે સોનોગ્રાફી, સીટી સ્કેન, એમઆરઆઈ, એક્સરે જેવાં મશીનો લાગી ગયાં હતાં. એના ટેકનિશિયનોની પણ નિમણુંક થઈ ગઈ હતી. અદ્યતન પેથોલોજી લેબોરેટરી પણ તૈયાર થઈ ગઈ હતી. એના માટેના સ્ટાફને પણ એપોઇન્ટમેન્ટ લેટરો આપી દીધા હતા.

ઉપર ત્રણ માળ સુધી જુદા જુદા વોર્ડ પણ બની ગયા હતા. વોર્ડમાં પલંગ પણ આવી ગયા હતા અને દરેક વોર્ડમાં નર્સો માટે બે ચેમ્બરો પણ બનાવવામાં આવી હતી. બેડ અને બેડશીટ તેમજ પીલો રાખવા માટે એક સ્ટોર રૂમ પણ બનાવવામાં આવ્યો હતો. રોજે રોજ ધોવા માટે લોન્ડ્રીની પણ વ્યવસ્થા ગોઠવાઈ ગઈ હતી. તો સાથે દરેક વોર્ડમાં ચાર ટોયલેટની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. હોસ્પિટલને એકદમ કોર્પોરેટ લુક આપવામાં આવ્યો હતો. પુરુષોના વોર્ડ, સ્ત્રીઓના વોર્ડ અને બાળકોના વોર્ડ અલગ અલગ રાખવામાં આવ્યા હતા.

હોસ્પિટલનું ઉદઘાટન રથયાત્રાના દિવસે એટલે કે અષાઢ સુદ બીજના દિવસે રાખવામાં આવ્યું હતું. શાહ સાહેબને કેતને મુંબઈ બોલાવી લીધા હતા. એમને રહેવા માટે હોસ્પિટલમાં જ એક ક્વાર્ટર બનાવી આપવામાં આવ્યું હતું. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે એમને સારામાં સારો પગાર પણ કેતને નક્કી કર્યો હતો.

અત્યારે જેઠ મહિનામાં તમામ નર્સિંગ સ્ટાફની ભરતી શાહ સાહેબની સૂચના પ્રમાણે કરવામાં આવતી હતી. પગાર વધારે મળતો હોવાથી સારામાં સારી નર્સોએ આ હોસ્પિટલમાં એપ્લાય કર્યું હતું અને શાહ સાહેબ પોતે ઇન્ટરવ્યૂ લેતા હતા. એ જ પ્રમાણે જાણીતાં ન્યૂઝ પેપરોમાં જાહેરાત આપીને સારા સારા ડોક્ટરોની ઊંચા પગારે નિમણૂક પણ શાહ સાહેબ પોતે જ કરતા હતા.

વોર્ડબોય, સ્વિપરોની ભરતીનું કામ જયેશ ઝવેરી સંભાળતો હતો. ઓપીડી માટે પણ ક્લાર્ક તરીકે બે યુવાનો અને બે યુવતીઓની ભરતી જયેશે કરી હતી. એ જ પ્રમાણે હોસ્પિટલનાં બીલો માટે અને હિસાબ રાખવા માટે બે એકાઉન્ટન્ટ પણ એણે નિમ્યા હતા. એણે શાહ સાહેબ પાસેથી બધું સમજી લીધું હતું. એને પણ ઇન્ટરવ્યૂ લેવાના આ કામમાં બહુ જ મજા આવતી હતી. છેલ્લે સિક્યુરિટી સ્ટાફની ભરતી પણ જયેશ ઝવેરીએ જ કરી હતી.

તમામ નર્સો માટે લાઈટ બ્લુ કલરનો યુનિફોર્મ શાહ સાહેબે નક્કી કર્યો હતો અને એ પ્રમાણે દરેક નર્સોના માપ પ્રમાણે સ્પેશિયલ ઓર્ડર આપીને તમામ નર્સોના અને વોર્ડબોઈઝ ના યુનિફોર્મ તૈયાર કરાવી દીધા હતા.

રથયાત્રાના દિવસે ' શેઠ જમનાદાસ હોસ્પિટલ ' નું ઉદ્ઘાટન હોવાથી તમામ ભરતી કરેલા ડોક્ટરો અને સ્ટાફને રથયાત્રાના દિવસથી જ પોતાની ડ્યુટી ઉપર આવી જવાની સૂચના આપી દીધી હતી.

રથયાત્રાનો સુંદર દિવસ આવી ગયો. એ દિવસે જયેશ ઝવેરીએ હોસ્પિટલ ને ખૂબ જ સુંદર શણગારી હતી. ગેટ ઉપર આસોપાલવનાં અને લાઈટીંગ નાં તોરણ લટકાવ્યાં હતાં. અંદર પ્રવેશ કરતાં જ શરણાઈના સૂર ઢોલકના સુંદર તાલ સાથે હોસ્પિટલના વાતાવરણને મનમોહન બનાવી રહ્યા હતા. હોસ્પિટલના દરેક વોર્ડ પણ ફૂલોથી શણગારેલા હતા. દરેક વોર્ડમાં લાઇટિંગ પણ કરવામાં આવી હતી. આખી હોસ્પિટલ બહારથી ઝગારા મારી રહી હતી.

સિક્યુરિટી સ્ટાફ ખડે પગે તૈયાર હતો. તમામ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો અને સર્જનો પણ આવી ગયા હતા. ઓપીડી સ્ટાફ પણ આવી ગયો હતો અને વોર્ડમાં નર્સો પણ યુનિફોર્મમાં તૈયાર જ હતી. ઓપીડી હોલમાં જ એક નાનકડું સ્ટેજ બનાવ્યું હતું જ્યાં માઇકની ગોઠવણ કરી હતી. ત્યાં જ દીપ પ્રાગટ્ય માટે પિત્તળના દીપકની પણ વ્યવસ્થા કરી હતી. આખાય હૉલમાં રૂમ સ્પ્રે નો છંટકાવ કર્યો હતો એટલે આખોય હૉલ સુગંધિત બન્યો હતો.

રથયાત્રાના દિવસે મુંબઈનાં જાણીતાં તમામ ન્યૂઝ પેપરમાં પહેલા પાને જ શેઠ જમનાદાસ હોસ્પિટલની ફુલ પેજની જાહેરાત આપવામાં આવી હતી. અને તમામ દર્દીઓને આજે મફત નિદાન અને સારવાર આપવામાં આવશે એવી ખાસ જાહેરાત કરી હતી હતી. ઓપીડીનો સમય સવારે ૧૦ થી ૧ અને સાંજે ૪ થી ૭ રાખ્યો હતો.

ઉદ્દઘાટનનો સમય સવારે ૯ વાગે રાખવામાં આવ્યો હતો અને દર્દીઓ માટે હોસ્પિટલ ખોલવાનો સમય ૧૦ વાગ્યાનો રાખવામાં આવ્યો હતો.

સવારે ૯ વાગ્યાથી જ કેતનનો સમગ્ર પરિવાર, કેતનના સાસુ સસરા, કેતનના તમામ મિત્રો, સિદ્ધાર્થના કેટલાક જાણીતા ક્લાયન્ટો અને મુંબઈની કેટલીક જાણીતી હસ્તીઓને પણ કેતન સાવલિયા તરફથી વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં મુંબઈની સારી સારી હોસ્પિટલોના જાણીતા ડોક્ટરો અને સર્જનો તેમજ કેટલીક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ હતી. હોસ્પિટલના બિલ્ડર, આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનરને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આમંત્રિત મહેમાનોમાં જયદેવ ઠાકર અને લલ્લન પાંડે પણ હતા ! તો રાજુ લંગડો પણ હતો.

હૉલમાં મહેમાનો અને મિત્રોને બેસવા માટે ખુરશીઓની વ્યવસ્થા કરી હતી. જેમાં સૌથી પહેલી હરોળમાં કેતન અને એનો પરિવાર બેઠો હતો.

તમામ આમંત્રિત મહેમાનો, ડોક્ટરો અને મિત્રો કેતનના હાથમાં શુભેચ્છાના પ્રતીક તરીકે ફૂલોનો બુકે આપતા હતા. આજે સફેદ જોધપુરી સ્યુટમાં હેન્ડસમ દેખાતો કેતન આ હોસ્પિટલ નો માલિક, ચેરમેન અને મેનેજિંગ ટ્રસ્ટી હતો. એ હસીને સૌ મહેમાનોનું અભિવાદન કરતો હતો. !

તમામ આમંત્રિતોની ગાડીઓને પાર્ક કરાવવા માટે ચાર સિક્યુરિટી સ્ટાફ હોસ્પિટલની બહાર ખડે પગે માર્ગદર્શન આપી રહ્યો હતો. કેટલીક ગાડીઓને હોસ્પિટલના ભોંયરામાં મોકલવામાં આવતી હતી. નીચેથી ઉપર સીધા હૉલમાં જવા માટે લિફ્ટ પણ હતી.

બરાબર ૯ ના ટકોરે તમામ આમંત્રિત મહેમાનો, મિત્રો, એપોઇન્ટ કરેલા ડોક્ટરો, સર્જનો અને તમામ નર્સિંગ સ્ટાફની વચ્ચે કેતને માઈક ઉપર એનાઉન્સમેન્ટ કર્યું. મીડિયાના લોકોને પણ બોલાવવામાં આવ્યા હતા એટલે ચાર ન્યુઝ ચેનલના પત્રકારો કેમેરા સાથે સ્ટેજની સામે ગોઠવાઈ ગયા હતા !

# "આજે મારા દાદાજી શેઠ જમનાદાસની યાદમાં નિર્માણ પામેલી આ હોસ્પિટલ હું સમાજને અર્પણ કરું છું. આ હોસ્પિટલ ' જનસેવા એ જ પ્રભુ સેવા ' ના સ્વામી વિવેકાનંદના ઉપદેશ પ્રમાણે ચાલશે. એટલે આ હોસ્પિટલ પૈસા કમાવવા માટે બનાવી નથી. માત્ર અને માત્ર લોકોની સેવા માટે જ છે. એટલે હોસ્પિટલના નિભાવ માટે માત્ર ટોકન ચાર્જ લઈને દર્દીઓને અહીં સારવાર આપવામાં આવશે.

# હોસ્પિટલની સામેના બિલ્ડિંગમાં જ એક્સરસાઇઝ માટે સુંદર જીમની પણ વ્યવસ્થા કરી છે. દર્દીઓના સગાઓને જમવા માટે મફત ભોજનાલય પણ બનાવવામાં આવ્યું છે. થોડા મહિના પછી અહીં દાખલ થયેલા દર્દીઓના આરોગ્ય માટે ૨૪ કલાક ત્યાં એક હૉલમાં ગાયત્રીમંત્ર અને મહામૃત્યુંજય મંત્ર ના પણ જાપ થશે. જેથી તમામ દર્દીઓની જલ્દી રિકવરી થાય.

# હોસ્પિટલ ભલે માત્ર સેવાની ભાવનાથી ચાલે. પરંતુ મારા ડોક્ટરો, મારા નર્સિંગ સ્ટાફ તથા મારા બીજા તમામ સ્ટાફને હું જરા પણ ઓછું નહીં આપું. કારણકે આ લોકો જ મારી હોસ્પિટલની શોભા છે અને એમના થકી જ મારી હોસ્પિટલ ને યશ પ્રતિષ્ઠા મળવાનાં છે.

# સૌ ડોક્ટર મિત્રોને અને તમામ નર્સિંગ સ્ટાફને મારી બે હાથ જોડી વિનંતી છે કે દિલથી દર્દીઓને સેવા કરો. ઈશ્વરે તમને સારા પગારે સેવા કરવાનો આ એક અવસર આપ્યો છે. તમે સૌ દર્દીઓ સાથે માનવતાનો વ્યવહાર રાખો. આપણી હોસ્પિટલનું નામ આખા મુંબઈમાં નંબર વન કરવું એ તમારા હાથમાં જ છે. હવે મારા પરિવારને હું વિનંતી કરીશ કે આગળ આવીને દીપ પ્રાગટ્ય કરે " કેતને પોતાનું પ્રવચન પૂરું કર્યું.

એ સાથે જ તમામ આમંત્રિતોએ અને સ્ટાફે કેતનના આ અદભૂત વક્તવ્યને જબરદસ્ત તાળીઓથી વધાવી લીધું. આવી હોસ્પિટલ તો મુંબઈમાં કદાચ પહેલી જ બની રહી હતી જ્યાં મંત્ર સાધનાનાં વાઇબ્રેશન્સ પણ દર્દીઓને આપવામાં આવનાર હતાં.

એ પછી પરિવારના સભ્યો સ્ટેજ ઉપર આવ્યા અને દીપકનું પ્રાગટ્ય કર્યું. બાજુમાં શ્રીફળ વધેર્યું અને એક મોટા કથરોટમાં જે ગોળધાણા હતા તે બધાને વહેંચ્યા.

એ પછી તમામ આમંત્રિતોને આઈસ્ક્રીમ પીરસવામાં આવ્યો અને કેતને ફરી માઇક ઉપર જઈ સૌ આમંત્રિતોનો આભાર માન્યો અને આ હોસ્પિટલને વધુ લોકપ્રિય બનાવવામાં એમનો સપોર્ટ પણ માગ્યો.

છેલ્લે સુપ્રીન્ટેન્ડેન્ટ શાહ સાહેબ સમારંભનું સમાપન કરવા માટે ઊભા થયા.

# કેતનભાઇનો અને મારો પરિચય માત્ર છ મહિનાનો છે. પરંતુ એમનામાં મેં એક વસ્તુ જોઈ છે કે સમાજ માટે કંઈક કરી છૂટવાની વૃત્તિ એમનામાં છે. આજ સુધી આ હોસ્પિટલને સર્વશ્રેષ્ઠ હોસ્પિટલ બનાવવા માટે પૈસા ખર્ચવામાં જરા પણ પાછી પાની કરી નથી. મેં જે માગ્યું છે તે આપ્યું છે. મેં જે સગવડો માગી છે તે એમણે કરી આપી છે. મારા કામમાં ક્યાંય પણ વચ્ચે એમણે કોઈ ટકોર કરી નથી. મને સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે અને એ બદલ હું પણ એમનો આભારી છું.

# આજથી આ હોસ્પિટલ મારા સંચાલન હેઠળ શરૂ થઈ રહી છે એનો મને ગર્વ છે. બસ આપ સૌનો સહકાર હંમેશા અમને મળતો રહે. કોઈ સૂચન કરવા જેવું લાગતું હોય તો બેધડક અમને કહેતા રહેશો. આજના આ પ્રસંગમાં આપ સૌએ અમારી શોભા વધારી છે એ બદલ ફરી ફરી કેતનભાઇ વતી હું પણ આપનો આભાર માનું છું. " શાહ સાહેબ બોલ્યા.

ફરી પાછો તાળીઓનો ગડગડાટ !!

ઉદ્દઘાટન સમારંભ પૂરો થઈ ગયો. તમામ આમંત્રિત મહેમાનોએ અને મિત્રોએ કેતન સાથે હાથ મિલાવ્યા અને હોસ્પિટલની પણ ખૂબ જ પ્રશંસા કરી.

કેતને બધા જ આમંત્રિતોને ઉપર દરેક વોર્ડમાં જઈને જાતે જ હોસ્પિટલનું એકવાર પ્રત્યક્ષ નિરીક્ષણ કરવાનો આગ્રહ કર્યો. બધા જ મહેમાનો લિફ્ટ માં એક પછી એક જઈને આખી હોસ્પિટલ જોઈ આવ્યા અને ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો.

એ સમય દરમિયાન હોસ્પિટલની બહાર પેશન્ટોની લાઈન લાગી ગઈ હતી. સિક્યુરિટી સ્ટાફ એમને વ્યવસ્થિત લાઈનમાં ઊભા રાખતો હતો. આજે સંપૂર્ણ ફ્રી નિદાન હતું. જે લોકો આજે એડમીટ થવા માંગતા હતા એમના માટે પણ કોઈ ચાર્જ ન હતો.

તમામ આમંત્રિત મહેમાનો અને ડોક્ટરો બહાર નીકળ્યા. માત્ર પરિવારજનો અને અંગત મિત્રો હોસ્પિટલમાં રોકાઈ ગયા. મહેમાનો ગયા એટલે તમામ પેશન્ટોને ૧૦ ૧૦ ના ગ્રુપમાં અંદર જવા માટે પરવાનગી આપી. ઓપીડીમાં કેસ કરાવીને જે તે ડોક્ટર પાસે જવાનું દર્દીઓને કહેવામાં આવતું હતું. દરેક ડોક્ટરને ચેમ્બર આગળ બેસવા માટે ખુરશીઓની વ્યવસ્થા હતી જેથી દર્દી બહાર બેસીને પ્રતીક્ષા કરી શકે.

બપોરે એક વાગ્યા સુધીમાં લગભગ ૩૦૦ જેટલા દર્દીઓએ કેસ કઢાવ્યા જેમાંથી ૧૮ દર્દીઓને એડમિટ કરવામાં આવ્યા. આ ૧૮ દર્દીઓમાંથી ૪ દર્દીઓ ઓપરેશનના હતા જેમનું ઓપરેશન બીજા દિવસે નક્કી કરવામાં આવ્યું.

બપોરે ૧ થી ૪ ઓપીડી બંધ રાખવામાં આવી અને જે ૧૦૦ જેટલા બીજા દર્દીઓનો સમાવેશ થઈ શક્યો ન હતો તેમને ફરી ૪ વાગ્યે આવવાનું કહ્યું અથવા તો અહીં વેઈટ કરવાનું કહ્યું.

એ પછી ૧ વાગે કેતન પોતાના પરિવાર અને ખાસ અંગત મિત્રોને લંચ માટે ગોરેગાંવના જાણીતા ડાઇનિંગ હોલમાં લઈ ગયો અને બધાને પ્રેમથી જમાડ્યા. કેતનની આ પ્રગતિથી કેતનનો સમગ્ર પરિવાર આજે ખૂબ જ ખુશ હતો. કેતને પોતાના કુટુંબનું ગૌરવ વધાર્યું હતું.

કેતન આજે વહેલી સવારે જ મમ્મી પપ્પાને પગે લાગ્યો હતો અને એમના ચરણસ્પર્શ કર્યા હતા. જગદીશભાઈ અને જયાબેને એને આજે દિલથી આશીર્વાદ આપ્યા હતા !

જમી લીધા પછી કેતનનો પરિવાર, એના સાસુ સસરા અને તમામ મિત્રોએ વિદાય લીધી. કેતન પાછો હોસ્પિટલમાં ગયો.

ચેરમેન અને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કેતન માટે પહેલા માળે એક સ્પેશિયલ ચેમ્બર બનાવી હતી ત્યાં જઈને એ બેઠો. એના માટે મોહન નામનો એક એટેન્ડન્ટ પણ એપોઇન્ટ કર્યો હતો. કેતન ના હોય ત્યારે એ નીચે ઓપીડીમાં પેશન્ટને ગાઈડ કરતો હતો.

કેતન પાછો આવ્યો પછી શાહ સાહેબ તેમ જ એપોઇન્ટ કરેલા તમામ ડોક્ટરો ફરીથી કેતનને સ્પેશિયલ મળવા આવ્યા અને એના વક્તવ્યની દિલથી પ્રશંસા કરી અને પોતાનો સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી પણ આપી.

કેતનનું એક સપનું પૂરું થઈ ગયું અને હોસ્પિટલ ચાલુ પણ થઈ ગઈ.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)