Prarambh - 92 books and stories free download online pdf in Gujarati

પ્રારંભ - 92

પ્રારંભ પ્રકરણ 92

કેતન નીતાની સગાઈમાં જામનગર આવ્યો હતો અને કંપની માટે જયેશ ઝવેરીને પણ લેતો આવ્યો હતો. બંને જણા બેડી રોડ ઉપર આરામ હોટલમાં ઉતર્યા હતા. બપોરે જમીને થોડો આરામ કર્યો હતો અને અત્યારે ४ વાગે ઊઠીને એમણે ચા મંગાવી હતી.

"જયેશ જામનગરમાં તારે કોઈને પણ મળવું હોય તો તું જઈ શકે છે. તું જામનગરનો જ વતની છે અને આટલો બધો સમય અહીં રહેલો છે એટલે તારા મિત્રો સંબંધીઓ પણ અહીં ઘણા હશે. મારે તો અહીં બીજું કોઈ કામ છે જ નહીં. કાલે સવારે ૧૦ વાગે નીતાની સગાઈમાં હાજરી આપવાની છે એ સિવાય હું તો નવરો જ છું. " કેતને ચા પીતાં પીતાં જયેશને કહ્યું.

" મારે બીજે તો ક્યાંય જવાની ઈચ્છા નથી. પરંતુ જ્યારે પણ જામનગર આવું છું ત્યારે પટેલ કોલોની શેરી નંબર ૪ માં જ્યાં મારો જન્મ થયેલો એ બાપદાદાના બંગલાને જોવા માટે જરૂર જાઉં છું. મારાં બચપણનાં સંસ્મરણો એની સાથે જોડાયેલાં છે." જયેશ બોલ્યો.

" એ જ બંગલા સાથે મારી સ્મૃતિઓ પણ જોડાયેલી છે ને ? મારી પણ ઈચ્છા દરેક વખતે એ બંગલાનાં દર્શન કરવાની હોય છે. " કેતન બોલ્યો.

"તો પછી કેતનભાઇ ચાલો આપણે બંને રીક્ષા કરીને એક આંટો મારી આવીએ. ગાડીમાં તો હવે રોજ ફરીએ છીએ. ક્યારેક રીક્ષાનો રસાસ્વાદ પણ માણીયે." જયેશ બોલ્યો.

" આપણે અત્યારે કોઈને ડિસ્ટર્બ કરવા નથી અને કોઈની મહેમાનગતિ માણવાની ઈચ્છા પણ નથી. બહારથી જ જોઈને આપણે પાછા વળી જઈશું." કેતન બોલ્યો.

અને બંને મિત્રો હોટલમાંથી બહાર આવી રીક્ષા કરી પટેલ કોલોની શેરી નંબર ૪ માં પહોંચી ગયા. રીક્ષા શેરીની બહાર જ છોડી દીધી અને ત્યાંથી ચાલતા ચાલતા જ શેરીમાં ગયા.

બંગલા નજીક જઈને થોડેક દૂર ઊભા રહી બંગલાને મન ભરીને જોઈ લીધો અને બંને પાછા વળવા લાગ્યા. પરંતુ એમને કોઈ ના જુએ એમ થોડું બને ?

બીજા કોઈની નહીં પરંતુ મનાલીની નજર જ કેતન ઉપર પડી. બરાબર એ જ સમયે એ વરંડામાં બાંધેલા તાર ઉપર સૂકવેલાં કપડાં લઈ રહી હતી.

"અરે કેતન સર તમે !! આમ બારોબાર જતા રહેવાનું ? શું અમારી સાથે સંબંધ નથી રાખવાનો ?" મનાલી બોલી.

"ના ના એવું નથી. દરેક વખતે એમ મહેમાન બનીને થોડું અવાય ? અમે લોકો આજે જ જામનગર આવ્યા છીએ એટલે ટાઈમપાસ કરવા જરા ફરવા નીકળ્યા છીએ. " કેતને કર્યો.

" મારે બીજું કંઈ જ સાંભળવું નથી સર. તમે આમ બારોબાર નીકળી જાઓ એમ ના ચાલે. તમે બંને અંદર આવો. " મનાલી બોલી.

એ પછી તરત જ મનાલી અંદર ગઈ અને મમ્મી પપ્પાને જાણ કરી કે કેતન સર અને જયેશભાઈ આવ્યા છે.

કેતન અને જયેશ મનોજભાઈના ઘરમાં દાખલ થયા. મનોજભાઈની જિંદગી કેતને બચાવેલી હતી એટલે એમના ઘરમાં કેતન માટે બધાને એક અલગ જ અહોભાવ હતો.

"આવો આવો કેતનભાઇ. તમે આમ બારોબાર જતા રહો એ ન ચાલે સાહેબ. તમારો મારા ઉપર ઘણો મોટો ઉપકાર છે. કમ સે કમ જ્યારે જામનગર આવો ત્યારે તો સેવા કરવાનો કોઈ મોકો આપો !!" મનોજભાઈ બોલ્યા.

" ના ના સાવ એવું નથી. બપોરનો ટાઈમ છે એટલે બધા ઘરે આરામ કરતા હોય. અને મારે બીજું કંઈ કામ ન હતું." કેતન બોલ્યો.

" અમારા જમાઈ તેજસકુમાર તમારા ખૂબ જ વખાણ કરતા હતા. તમે ખાસ એમને મલાડ મળવા ગયા હતા એ બધી જ વાત એમણે અમને કરી. " મનોજભાઈ બોલ્યા.

"મનાલીનો સંબંધ કરવાનો હોય અને મનાલીનો મારા ઉપર મેસેજ આવે એટલે મારે પણ એનું રિસ્પેક્ટ કરવું જ જોઈએ ને ? એમબીબીએસ થઈ ગયો
છે અને હવે એમ.ડી કરી રહ્યો છે. છોકરો મને ખૂબ જ સારો અને વિવેકી લાગ્યો" કેતન બોલ્યો.

"તમે ગ્રીન સિગ્નલ આપી દીધું એટલે અમે સગાઈ કરી દીધી. હવે આવતા ડિસેમ્બરમાં લગ્ન લઈશું. " મનોજભાઈ બોલ્યા.

"હવે તમારી તબિયત કેમ છે ? હાર્ટમાં કોઈ પ્રોબ્લેમ ? " કેતને પૂછ્યું.

"અરે કેતનભાઇ તમે તો મને પચીસ વર્ષનો યુવાન બનાવી દીધો છે. તમે મને જીવનદાન આપ્યા પછી એટલો બધો તરવરાટ હું અનુભવું છું કે ના પૂછો વાત. બીપી નોર્મલ, પલ્સ નોર્મલ, હેમોગ્લોબીન પણ એકદમ નોર્મલ. આખા શરીરમાં ગજબની સ્ફૂર્તિ હું અનુભવું છું. " મનોજભાઈ બોલ્યા.

"પપ્પાની વાત સાચી છે કેતન સર. પપ્પા હવે ગાર્ડનમાં જોગિંગ કરવા જાય ત્યારે એક યુવાનની જેમ દોડતા હોય છે. લોકો પણ એમને જોઈ રહે છે. હું જાતે એક વખત પપ્પાની સાથે ગાર્ડનમાં ગઈ હતી. " મનાલી બોલી.

"આ જીવનદાનની વાત વળી શું છે ?" મનોજભાઈની વાતો સાંભળી રહેલો જયેશ અચાનક બોલ્યો.

" કંઈ નહીં હવે. એ તો મનોજભાઈ હાર્ટ એટેકમાંથી બચી ગયા એની વાતો કરે છે. " કેતન બોલ્યો.

" ના કેતનભાઇ.. તમે મારાથી છુપાવો છો. કોઈ વાત તો છે. મનોજભાઈ તમે જ વાત કરો. કેતનભાઇ ક્યારે પણ પોતાના વિશે કોઈ ચર્ચા નહીં કરે. " જયેશ બોલ્યો.

" તમે એમના મિત્ર છો અને તમને એમના વિશે કંઈ ખબર જ નથી ? આ કેતનભાઇ આટલી ઉંમરમાં ઘણી બધી સિદ્ધિઓ ધરાવે છે જયેશભાઈ. હાર્ટ એટેકથી મારું મૃત્યુ થઈ ગયું હતું ડોક્ટરે સર્ટિફિકેટ પણ આપી દીધું હતું કે મનોજભાઈ હવે આ દુનિયામાં નથી ત્યારે કુદરતને કરવું કે એ જ વખતે કેતનભાઇ અચાનક મારા ઘરે આવ્યા અને પોતાની સિદ્ધિથી મને ઉભો કરી દીધો. એટલું જ નહીં મારું આખું શરીર પણ જાણે કે યુવાન થઈ ગયું." મનોજભાઈ બોલ્યા.

"શું વાત કરો છો મનોજભાઈ ? મને મનસુખભાઈએ પણ વાત કરી હતી કે એમના કોઈ પડોશીએ આત્મહત્યા કરી લીધી હતી અને આ કેતનભાઇએ એમને ફરી જીવતા કરી દીધા હતા. પરંતુ મને મનસુખભાઈની વાત ઉપર એ વખતે વિશ્વાસ નહોતો આવ્યો. પણ તમે કહો છો એટલે હવે મને લાગે છે કે એ તાકાત કેતનભાઇમાં છે." જયેશ બોલ્યો.

" અરે મારી વાત તો જવા દો જયેશભાઈ. હું એમને કેન્સરના એક નર્સિંગ હોમમાં લઈ ગયો હતો. ત્યાં એક કેન્સરનો છેલ્લા સ્ટેજનો પેશન્ટ એમણે નોર્મલ કરી દીધો. આનાથી વિશેષ હું તમને શું કહું ?" મનોજભાઈ બોલ્યા.

"કેતનભાઇ હવે તો માનવું જ પડશે કે તમે છૂપા રુસ્તમ છો. મને તમારી આ બધી વાતો તમે ક્યારે પણ મને કરી જ નથી. નજીકનો મિત્ર હોવા છતાં પણ તમારા વિશે આ બધું હું કંઈ જ જાણતો નથી. " જયેશ બોલ્યો.

"પોતાના વિશે કોઈ વાત એ કદી પણ નહીં કરે. એમને એવી ટેવ જ નથી. એમની પાસે આટલી બધી સિદ્ધિઓ છે પણ ક્યારે પણ ખોટો ગેરલાભ લેતા નથી. અને પ્રસિદ્ધિથી તેઓ દૂર જ ભાગે છે." મનાલી બોલી.

"મારો જન્મ જ માનવ સેવા માટે થયો છે. ગાયત્રી ઉપાસના અને મારી ગુરુજીની કૃપાથી આ બધી સિદ્ધિઓ મને આપોઆપ મળી છે. મને એનું કોઈ અભિમાન છે જ નહીં. સમય આવે અને જરૂર પડે તો હું એનો ઉપયોગ કરી લઉં છું. બાકી મારી દુનિયામાં હું મસ્ત છું." કેતન બોલ્યો.

"સારું હવે મને એ કહો. જામનગર કેમ આવવું પડ્યું ? મારે લાયક અહીંની કોઈ સેવા હોય તો બોલો. " મનોજભાઈ બોલ્યા.

"અરે અમારા એક સંબંધી ધરમશી અંકલની દીકરીનું કાલે વેવિશાળ છે. એમનો ખાસ આગ્રહ હતો. પાછા એ મારા અહીંના કન્સ્ટ્રક્શનના ધંધાના પણ પાર્ટનર છે અને મારી સ્કીમ પણ પૂરી થઈ ગઈ છે. એટલે પછી હું આજે જામનગર આવ્યો છું. જયેશ તો મને ખાલી કંપની આપવા માટે આવ્યો છે." કેતન બોલ્યો.

"હવે સાંજનું જમવાનું શું બનાવું ? તમે જામનગરમાં હો અને હોટલમાં જમો એ અમારાથી સહન નહીં થાય. સાંજે તમારે જે ખાવાની ઈચ્છા હોય તે અમારા ઘરે જ બનશે. રાત્રે જમીને પછી જ હોટલમાં જજો." મનાલી બોલી.

"મનાલી આજે રહેવા દે. જો ગયા વખતે તારું માન રાખીને જમ્યો હતો ને ? અને હું અત્યારે ખરેખર તો ધરમશી અંકલનો મહેમાન છું. પરંતુ હું જામનગર આવી ગયો છું એ એમને ખબર નથી એટલે આજે અમે સાંજે હોટલમાં જ જમી લઈશું. તમારે લોકોને પણ અમારી સાથે જોડાવું હોય તો તમે બધા હોટલમાં આવી શકો છો. તમને પણ ચેન્જ રહેશે." કેતન બોલ્યો.

"લો બોલો. કેતન સર હવે આપણને બધાને હોટલમાં જમાડવાની વાત કરે છે ! આ તો મહેમાન યજમાનને જમવા લઈ જાય એવી વાત છે !" મનાલી ખડખડાટ હસી પડી.

"અરે પણ એમાં ખોટું શું છે ? તારો આટલો જમાડવાનો ભાવ છે તો મારો પણ એટલો જ જમાડવાનો ભાવ છે." કેતન બોલ્યો.

"મુંબઈ આવું પછી મને હોટલમાં જમવા લઈ જજો. અત્યારે સાંજે તો તમારે અહીંયાં મારા હાથની રસોઈ જ જમવાની છે. " મનાલી બોલી.

"કેતનભાઇ... મનાલીબેન આટલો આગ્રહ કરે છે તો હવે આજનો દિવસ રાત્રે અહીં જ જમી લઈએ." જયેશ બોલ્યો.

" તું પણ હવે એમના પક્ષમાં ભળી ગયો ?" કેતન હસીને બોલ્યો.

" શું કરું જૂનો પાડોશી છું ને ?" જયેશ બોલ્યો.

"ચાલો ઠીક છે. તો પછી એક કામ કર. તને જે ઈચ્છા હોય તે બનાવી દેજે. સ્પેશિયલ આઈટમો બનાવવાની કોઈ જરૂર નથી. અમે રાત્રે ૮ વાગે પાછા આવી જઈશું . અત્યારે સમય છે તો મારી સ્કીમ ઉપર આંટો મારી આવું. " કેતન બોલ્યો.

"એક કામ કરો કેતનભાઇ. મારી ગાડી પડેલી જ છે. તમારે રીક્ષા કરવાની કોઈ જરૂર નથી. ગાડી લઈ જાઓ તમને પણ અનુકૂળતા રહેશે. " મનોજભાઈ બોલ્યા.

"હા એ વાત તમારી મને ગમી. ગાડી હશે તો જ્યાં ઈચ્છા હશે ત્યાં જઈ શકાશે." કેતન બોલ્યો.

" જમવાનો કંઈક તો આઈડીયા આપો ! શું જમવાની ઈચ્છા છે ? " મનાલી બોલી.

"મેં કહ્યું ને કે આ વખતે મારી કોઈ જ ચોઈસ નહીં. તને જે ગમે તે બનાવજે. ખીચડી બનાવીશ તો પણ એ પ્રેમથી ખાઈશ. " કેતન બોલ્યો.

"ચાલો ઠીક છે. " મનાલી બોલી.

અને પછી બંને મિત્રો મનોજભાઈની ગાડી લઈને બહાર નીકળ્યા. કેતને એરપોર્ટ રોડ તરફ ગાડી લઈ લીધી.

'જમનાદાસ બંગલોઝ' આવી ગયા પછી કેતન અને જયેશ બંને નીચે ઉતર્યા. બધા જ બંગલા તૈયાર થઈ ગયા હતા. ઘણા લોકો રહેવા માટે પણ આવી ગયા હતા. સ્કીમ ખૂબ જ સરસ બની હતી.

આ બંગલોઝ સાથે કેતનની માયાવી જગતની ઘણી બધી સ્મૃતિઓ જોડાયેલી હતી. એ સમયે અહીં લગભગ એક વર્ષ સુધી એ પરિવાર સાથે રહ્યો હતો. અત્યારે પણ જાણે માયાવી જગતમાં હોય એવી અનુભૂતિ થતી હતી. બધું જ સામે તાદ્રશ્ય થતું હતું !

પોતે માયાવી જગતમાં જ્યાં રહેતો હતો એ બંગલામાં ચક્કર મારવાની એની ઈચ્છા હતી પરંતુ એ બંગલો અત્યારે વેચાઈ ગયો હતો અને ત્યાં કોઈ પરિવાર રહેતો હતો એટલે એ વિચાર એણે પડતો મૂક્યો. ૧૦ ૧૫ મિનિટ સુધી એ ત્યાં ઉભો રહ્યો.

એ પછી બંને જણા લખોટા તળાવ તરફ નીકળી ગયા. તળાવના કિનારે ગાર્ડનમાં જઈને બંને જણા બેઠા. થોડી વાર પછી જયેશ હેવમોરમાં જઈને બે આઈસ્ક્રીમ લઈ આવ્યો અને બંને જણાએ વાતો કરતાં કરતાં આઈસ્ક્રીમની મજા માણી.

બરાબર પોણા આઠ વાગે બંને જણા ઊભા થયા અને મનોજભાઈના ઘરે પટેલ કોલોનીમાં જવા માટે નીકળી ગયા.

ઘરે પહોંચ્યા ત્યારે રસોઈ તૈયાર જ હતી. બંને જણા હાથ મ્હોં ધોઈને મનોજભાઈની સાથે ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવાઈ ગયા.

આજે મનાલીએ ચાઈનીઝ ગુજરાતીનું ગજબનું કોમ્બિનેશન કર્યું હતું. સૌથી પહેલા એણે ત્રણેયને હક્કા નૂડલ્સની એક એક ડીશ પીરસી.

"સર હક્કા નૂડલ્સ મેં ઘરે જ બનાવેલા છે. બહારથી લાવી નથી એટલે કોઈ પણ જાતના ટેન્શન વગર ખાજો." મનાલી બોલી.

"રસોઈમાં તારી સારી પકડ છે એ તો ગયા વખતે જ ખબર પડી હતી. ચાઈનીઝ આઈટમ પણ ખૂબ સરસ બનાવી છે. એવું જ લાગે કે જાણે હોટલમાં જમી રહ્યા છીએ. " કેતન બોલ્યો.

બંને ડીશ ખાલી થઈ ગઈ એ પછી બીજી પ્લેટમાં ખીચડી અને કઢી પીરસ્યાં અને એમાં એણે ઘણું બધું ઘી નાખ્યું.

" ખીચડી ખાવાની મજા તો ઘીથી જ આવે. પહેલાંના જમાનામાં તો ખીચડીમાં એટલું બધું ઘી પીરસવામાં આવતું કે ખીચડી ઘીથી લથપથ થઈ જતી. લાપસી અને ખીચડી હોય એટલે ઘીની રેલમછેલ !! આખો જમાનો બદલાઈ ગયો. હવે તો લોકો ઘી ખાતાં પણ ડરે છે. અરે ઘી પણ પહેલાંના જેવું મળતું જ નથી." મનોજભાઈ બોલ્યા.

"જમવાનો સાચો સંતોષ બસ આવા સાદા ભોજનમાં છે ! " જયેશ બોલ્યો.

એ પછી બંને મિત્રો મનોજભાઈની વિદાય લઈને હોટલ જવા માટે નીકળી ગયા. હોટલે પહોંચ્યા ત્યારે ૯:૩૦ વાગી ગયા હતા એટલે પછી બંને મિત્રોએ હવે આરામ કરવાનું જ પસંદ કર્યું.

કેતન સવારે ૪:૩૦ વાગે ઊભો થઈને ધ્યાનમાં બેસી ગયો. જામનગરની ભૂમિ ઉપર એને ધ્યાનમાં ઘણો અનુભવ થયેલો હતો. આજે પણ બે કલાકનું સરસ ધ્યાન લાગી ગયું. એ પછી એણે ગાયત્રીની ૧૧ માળા કરી.

માળા કરીને ઉભો થયો ત્યારે સવારના સાત વાગી ગયા હતા. જયેશ ઝવેરી હજુ સૂતો હતો. કેતનની ઈચ્છા ચા પીવાની હતી. એટલે એણે બ્રશ કરી લીધું અને ફ્રેશ થઈ ગયો.

જયેશને જગાડવાનું મન થયું પણ પછી થયું કે આમ પણ ઉઠ્યા પછી જયેશને બીજું કંઈ કામ છે નહીં તો ભલે ને આરામ કરતો ! એટલે ૭:૩૦ વાગે એ એકલો જ નીચે હોટલના રેસ્ટોરન્ટમાં ગયો.

આજે હોટલમાં ભીડ લાગતી હતી કારણ કે રેસ્ટોરન્ટમાં પણ ચહલ પહલ દેખાતી હતી.

એણે રિસેપ્શનિષ્ટ ને પૂછ્યું. " તમારી હોટલ ફુલ રહેતી લાગે છે. સવાર સવારમાં અત્યારે આટલી ભીડ છે ! "

" આમ તો રોજ આટલી બધી ભીડ ના હોય પણ રાજકોટથી મહેમાનો આવેલા છે એમનો ઉતારો અહીં આપેલો છે. " રિસેપ્શનિષ્ટ બોલ્યો.

" ધરમશી અંકલના મહેમાનો છે ? " અચાનક કેતનને ટ્યુબલાઈટ થઈ એટલે પૂછ્યું.

" હા. તમે ઓળખો છો ધરમશીભાઈ ને ? " રિસેપ્શનિષ્ટ બોલ્યો.

" અરે હું પણ એમનો જ મહેમાન છું પણ હું મુંબઈથી આવું છું. " કેતન હસીને બોલ્યો.

"તો પછી તમારે પણ ચા ના પૈસા દેવાના નથી કારણ કે હોટલનો તમામ ખર્ચો ધરમશીભાઈનો છે. "
રિસેપ્શનિષ્ટ બોલ્યો.

એ પછી કેતન રેસ્ટોરન્ટમાં ચા પીવા માટે બેઠો. એની બરાબર બાજુના ટેબલ ઉપર પણ રાજકોટથી આવેલા ત્રણ મિત્રો ચા પીવા માટે બેઠા. એમાંનો એક જણ નીતાનો મુરતિયો હોય એવું કેતનને લાગ્યું. એ કેનેડા રહેતો હોવાથી વાતચીતમાં જુદો પડતો હતો. એ લોકોનું ધ્યાન એમની પોતાની મસ્તીમાં જ હતું.

" કેનેડા પાછો ક્યારે જવાનો છે ?" ત્રણમાંથી એક મિત્ર બોલ્યો.

" ૨૦ દિવસ પછીની ટિકિટ છે. ઇન્ડિયામાં તો હવે ગમતું જ નથી. " પેલો મુરતિયો બોલ્યો.

" આજે સગાઈ થઈ જાય પછી હનીમૂન બનીમૂન કરવાનું કે કોરે કોરો કેનેડા જતો રહીશ ? " બીજો મિત્ર બોલ્યો.

" પાગલ છે કે શું ? એમનેમ જવાતું હશે ? છોકરીનો ફોટો જોયો ત્યારથી જ જલસા કરવાનું નક્કી કરી લીધું. ફરવાના બહાને લઈ જઈશ. કોઈની તાકાત છે મને ના પાડે !! અને મારે ક્યાં મેરેજ કરવાં છે ? મારે તો મારી સ્વીટી કેનેડામાં રાહ જોતી હશે " મુરતિયો બોલ્યો.

"મતલબ તેં ત્યાં લગ્ન કરી લીધાં છે ? ધીસ ઈઝ નોટ ફેર ! તું અહીં લગ્ન કરવાનો જ ના હોય તો તારે કોઈની જિંદગી સાથે આવી રમત ના રમવી જોઈએ." પહેલો મિત્ર બોલ્યો.

" ડેમ ઈટ ! હવે છોકરીઓ પણ ઘણી બધી આગળ વધી ગઈ છે. તું શું એમ માને છે કે એ વર્જિન હશે !! કળિયુગ છે મારા ભાઈ. આવા બધા વિચારોમાંથી બહાર આવી જા. એની લાઇફમાં પણ કોઈને કોઈ તો હશે જ." મુરતિયો બોલ્યો.

અને કેતન એ મુરતિયા જેવા દેખાતા છોકરાની સામે નજર માંડીને બે મિનિટ માટે અંદર ધ્યાનમાં ઊંડો ઉતરી ગયો. છોકરાનો ભૂતકાળ બધો વાંચી લીધો અને પછી મનોમન કોઈ નિર્ણય લઈ આરામથી ચાની ચૂસકી લેવા લાગ્યો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)