Prarambh - 96 books and stories free download online pdf in Gujarati

પ્રારંભ - 96

પ્રારંભ પ્રકરણ 96

મહાત્માએ પોતાનો જમણો હાથ કેતનના માથા ઉપર મૂક્યો. કેતનને કરોડરજ્જુમાં વીજળીનો ઝાટકો લાગ્યો હોય એમ એ ધ્રુજી ગયો અને પછી ચારે બાજુ બધું ફરતું લાગ્યું. ધીમે ધીમે એને આખી પૃથ્વી ફરતી લાગી અને પોતે પૃથ્વીથી ઉપર ઊંચે ને ઊંચે હવામાં ઊડી રહ્યો છે એવો અનુભવ થયો. એ સાથે જ પોતાનું ભાન ગુમાવી બેઠો !!

આવી અવસ્થામાં એ કેટલો સમય રહ્યો એનું એને કોઈ જ ભાન ન રહ્યું. એ ભાનમાં આવ્યો ત્યારે રૂમની અંદર એકલો જ હતો. એનું શરીર ખૂબ જ અકડાઈ ગયું હતું. ધીમે ધીમે એણે પોતાના પગ છૂટા કર્યા. એ ઉભો થયો. હાથ પગની થોડી કસરત કરી.

સન્યાસી મહાત્મા અચાનક ક્યાં જતા રહ્યા હશે ? મહાત્માનો બગલ થેલો પણ ત્યાં ન હતો. એનો મતલબ કે એ ચાલ્યા ગયા હતા.

કેતને પોતાનો મોબાઇલ હાથમાં લીધો. બેટરી ડિસ્ચાર્જ થયેલી હતી એટલે ફોન બંધ હતો. ત્યાં એક પ્લગ હતો એમાં એણે તત્કાલ ફોનને ચાર્જિંગમાં મૂકી દીધો. એને ભૂખનો પણ અનુભવ થયો. વહેલી સવારે મહાત્માજીએ એના માથે હાથ મૂક્યો હતો. અત્યારે તો ખરા બપોરનો સમય લાગતો હતો. નહાવાનું હજુ બાકી હતું. એણે નળ પાસે જઈને સહુ પ્રથમ નાહી લીધું. કપડાં પણ બદલી નાખ્યાં.

એ પછી એણે પોતાનો મોબાઇલ ચાલુ કર્યો. બપોરના ત્રણ અને દસ મિનિટ થઈ હતી. અરે આ શું ? આટલા બધા મિસ કોલ ? ૭ ફોન પોતાના ઘરેથી આવ્યા હતા. જેમાં ૨ જાનકીના હતા ૧ પપ્પાનો હતો અને ૧ સિદ્ધાર્થભાઈ નો હતો ! ૧૦ થી પણ વધારે ફોન જયેશ ઝવેરીના હતા અને ૧ ફોન મનોજભાઈનો હતો !

એણે તરત જ જયેશ ઝવેરીને ફોન કર્યો.

" જયેશ હું કેતન બોલું. કેમ આજે આટલા બધા ફોન કરવા પડ્યા ? " કેતન બોલ્યો.

"અરે કેતનભાઇ તમે ક્યાં છો ? ચાર દિવસથી તમે ખોવાઈ ગયા છો. તમારો ફોન પણ સ્વીચ ઓફ આવે છે. અમે બધા કેટલી બધી ચિંતામાં પડી ગયા છીએ. તમને શોધવા માટે હું આજે સાંજે પોલીસને પણ જાણ કરવાનો હતો ! " જયેશ બોલ્યો.

" ચાર દિવસ !! પણ હું તો ગઈકાલે જ અહીં બેટ દ્વારકા આવ્યો છું. " કેતન આશ્ચર્યથી બોલ્યો.

"અરે કેતનભાઇ તમે ગઈ કાલની ક્યાં વાત કરો છો ! તમે ૧૧ તારીખે બેટ દ્વારકા ગયેલા. આજે ૧૫ તારીખ થઈ સાહેબ. પાંચમો દિવસ છે આજે." જયેશ બોલ્યો.

" ચાર દિવસ થઈ ગયા ? એવી જગ્યાએ છું કે જ્યાં દિવસ રાતનું કોઈ ભાન જ ના રહે. " કેતને મનમાં જે આવ્યું તે પ્રમાણે જવાબ આપ્યો.

" તમારા ઘરેથી પણ મારા ઉપર ફોન આવ્યો હતો. મારે એમને કહેવું પડ્યું કે કેતનભાઇ દ્વારકા બાજુ એક જગ્યાએ ધ્યાન શિબિરમાં ગયા છે અને ત્યાં કદાચ નેટવર્ક પકડાતું નહીં હોય. જો એવું ના કહું તો એમને ચિંતા થાય." જયેશ બોલ્યો.

" એ તેં બહુ જ સારું કામ કર્યું. હવે હું અહીંથી નીકળું છું. મારે રસ્તામાં જમવું પડશે. આટલે સુધી આવ્યો છું તો દ્વારકાધીશનાં દર્શન કરવાની પણ મારી ઈચ્છા છે એટલે મને પહોંચતાં સાંજ ના ૭ ૮ વાગી જશે. " કેતન બોલ્યો.

" તમારો ફોન આવી ગયો એટલે મને નિરાંત થઈ. હવે તમે ગમે ત્યારે આવો. પરંતુ મને એ તો કહો કે ચાર દિવસ સુધી તમે ક્યાં હતા ? " જયેશે પૂછ્યું.

" હું એક ગુફામાં રહેતો હતો અને ત્યાં નેટવર્ક બિલકુલ નહોતું."કેતન બોલ્યો અને ફોન કટ કર્યો. સાચી વાત કોઈને કહી શકાય તેમ ન હતું.

કેતને પોતાના મોબાઈલમાં તારીખ જોઈ. જયેશની વાત સાચી હતી. ચાર ચાર દિવસ સુધી એ સમાધિમાં જ રહ્યો હતો અને એટલા માટે જ એનો ફોન બંધ થઈ ગયો હતો અને આટલા બધા મિસ કોલ હતા !

હવે અહીં રોકાવાનો કોઈ મતલબ ન હતો. કેતન પોતાની ટ્રાવેલ બેગ લઈને બહાર આવ્યો. દરવાજો બહારથી બંધ કર્યો અને જેટી તરફ ચાલવા લાગ્યો. ત્યાંથી હોડીમાં બેસીને ઓખા પહોંચી ગયો. બપોરના પોણા ચાર વાગ્યા હતા. ભૂખ સખત લાગી હતી પણ અહીં કોઈ મેળ પડે એમ નહોતો.

એણે મનોજભાઈની ગાડી સ્ટાર્ટ કરી અને દ્વારકા તરફ પ્રયાણ કર્યું. સવા ચાર વાગે એ દ્વારકા પહોંચી ગયો. સૌ પ્રથમ જમવું જરૂરી હતું પણ અત્યારે કોઈપણ ડાઇનિંગ હોલ ચાલુ ન હતો.
નાસ્તા માટેની ઘણી રેસ્ટોરન્ટ ચાલુ હતી. એણે એક રેસ્ટોરન્ટમાં બેસીને મેથીના ગોટા અને ચા મંગાવી લીધી. નાસ્તો કર્યા પછી એના શરીરમાં ચેતન આવ્યું.

એ પછી એ ગાડીને એક સાઈડમાં પાર્ક કરીને દ્વારકાધીશના મંદિરમાં ગયો. અત્યારે મંદિરમાં ખાસ ભીડ ન હતી. ભગવાન શ્રીકૃષ્ણનાં ભાવ પૂર્વક એણે વંદન કર્યાં. પોતે સમાધિ અવસ્થા અનુભવી હોવાથી દ્વારકાધીશની મૂર્તિ એને એકદમ ચૈતન્યથી ભરેલી લાગી. એણે બંને આંખો બંધ કરી દીધી તો ચારે બાજુ એને "ગોપાલ કૃષ્ણ રાધે કૃષ્ણ" નો નાદ સંભળાવવા લાગ્યો. એ શ્રીકૃષ્ણની ચેતનામાં થોડીવાર માટે ખોવાઈ ગયો.

" અરે ભાઈ આગળ ખસો." કોઈએ એને હળવો ધક્કો માર્યો ત્યારે એ ભાનમાં આવ્યો. એણે ફરી વંદન કર્યાં અને બહાર નીકળી ગયો.

ચોકમાં પાછા આવીને એ ગાડીમાં બેઠો અને ગાડી જામનગર તરફ ભગાવી. સાંજે ૭ વાગે એણે જામનગરમાં પ્રવેશ કર્યો. એણે ગાડી સીધી પટેલ કોલોની લઈ લીધી અને મનોજભાઈના ઘરે જઈને ગાડી પાર્ક કરી. અંદર બંગલામાં એ ગાડીની ચાવી આપવા માટે ગયો.

" સોરી મનોજભાઈ...ધ્યાન શિબિરમાં જોડાઈ ગયો હતો એટલે ચાર દિવસ રોકાઈ જવું પડ્યું. મેં તમને ઘણા તકલીફમાં મૂકી દીધા. " કેતન બોલ્યો.

"અરે પણ બેસો તો ખરા ! અને તમારે કોઈ ખુલાસા કરવાના ના હોય. ગાડી તમારી જ છે. એ તમારા ઉપયોગમાં આવી એનો મને આનંદ છે." મનોજભાઈ બોલ્યા.

" ના અંકલ હવે હું જાઉં. જયેશ મારી રાહ જોતો હશે. " કેતન બોલ્યો અને તરત બહાર નીકળી ગયો. અત્યારે મનાલી ઘરમાં નહોતી નહીં તો વળી પાછો જમવાનો આગ્રહ કરતી.

કેતન મેઇન રોડ ઉપર આવ્યો અને ત્યાંથી રીક્ષા કરીને સીધો આરામ હોટલ પહોંચી ગયો.

" તમારો ફોન આવ્યો પછી મને રાહત થઈ. હું કેટલો બધો ટેન્શનમાં આવી ગયો હતો કે તમારી તપાસ ક્યાં કરવી ! તમે ઘરે વાત કરી કે નહીં ?" જયેશ બોલ્યો.

" ના દોડાદોડીમાં સમય મળ્યો જ નથી. હવે શાંતિથી વાત કરી લઉં છું." કહીને કેતને સૌ પ્રથમ જાનકી સાથે વાત કરી.

" જાનકી કેતન બોલું. "

" અરે તમે ચાર દિવસથી ક્યાં હતા ? તમારો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. મમ્મી પપ્પા પણ ચિંતા કરતા હતા. " જાનકી બોલી.

" હું દ્વારકાથી થોડેક દૂર એક શિબિરમાં હતો જ્યાં બિલકુલ નેટવર્ક ન હતું. ફોન કરવો પણ કેવી રીતે ? હજુ હમણાં જ હું જામનગર આવ્યો છું. આવતીકાલે જૂનાગઢ જવાનો છું. મુંબઈ આવતાં કદાચ હજુ એક બે દિવસ થશે. પપ્પાને પણ કહી દેજે. " કેતન બોલ્યો.

એ પછી થોડીક અંગત વાતો કરીને એણે ફોન કટ કર્યો.

રાત્રે ૮ વાગે કેતન અને જયેશ નીચે હોટેલની રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા. ચાર દિવસથી કેતન જમ્યો ન હતો. બપોરે થોડો નાસ્તો કર્યો હતો છતાં ભૂખ તો હતી જ. અત્યારે એણે શાંતિથી પેટ ભરીને જમી લીધું.

એ પછી બંને જણા રૂમ ઉપર આવ્યા.

" જયેશ આવતીકાલે સવારે જૂનાગઢ જવાનો છું. તારી ઈચ્છા હોય તો તું પણ મારી સાથે આવી શકે છે." કેતન બોલ્યો.

"ના કેતનભાઇ. હવે હું કાલે સવારે નીકળી જઉં. કારણકે હોસ્પિટલમાં પણ મારા વગર તકલીફ પડતી હશે. દવાઓ ઈન્જેકશનો બાટલા વગેરેનો સ્ટોક મારી પાસે હોય છે. જો કે ચાવી જયંત વસાણીને આપીને આવ્યો છું છતાં મારે જવું જોઈએ." જયેશ બોલ્યો.

" હા તો તો પછી તું નીકળી જ જા. હું તારા માટે કાલ સવારની ફ્લાઇટની ટિકિટ બુક કરાવી દઉં છું. બપોરે ૧ વાગે તો તું પહોંચી જઈશ. " કેતન બોલ્યો અને પછી એણે જયેશ માટે ટિકિટ પણ બુક કરાવી દીધી.

બીજા દિવસે સવારે પાંચ વાગ્યે ઊઠીને કેતન ધ્યાનમાં બેસી ગયો. એકવાર સમાધિ અવસ્થા થઈ ગયા પછી ધ્યાન તરત જ લાગી જતું હોય છે. એના માટે પ્રયત્ન કરવો પડતો નથી. આજે સામેથી ચેતન સ્વામી એના માનસ પટલ ઉપર આવી ગયા.

" અભિનંદન ! ચાર દિવસનો સમાધિ અનુભવ કેવો રહ્યો ? " સ્વામીજી બોલ્યા.

" મને તો કંઈ ભાન જ રહ્યું નહોતું. સમાધિમાંથી બહાર આવ્યો ત્યારે ચાર દિવસનો સમય પસાર થઈ ગયો હતો. એટલે સમાધિના અનુભવ વિશે શું કહી શકું ? " કેતન બોલ્યો.

"ચાર દિવસ સુધી તું સૂક્ષ્મ જગતમાં ઘણું ફર્યો છે. છેક ચોથા લોક સુધીની યાત્રા તેં ચાર દિવસમાં કરી છે. આપણા મહાન ગુરુજીને પણ તું મળ્યો છે. પરંતુ ભાનમાં આવ્યા પછી આ બધું વિસ્મૃતિમાં ચાલ્યું જાય છે." સ્વામીજી બોલ્યા.

"ઓહ ... કાશ એ બધું મને યાદ રહ્યું હોત !" કેતન બોલ્યો.

"એ મહાત્માજીએ તને લાંબી સમાધિ નો અનુભવ કરાવ્યો છે અને તારાં તમામ ચક્રો ખોલી નાખ્યાં છે. એના કારણે કેટલીક નવી સિદ્ધિઓ પણ તને આપોઆપ મળી ગઈ છે. આ બધી સિદ્ધિઓ વિશે તને જૂનાગઢમાં માહિતી મળી જશે. " કહીને સ્વામીજી અદ્રશ્ય થઈ ગયા. કેતન ધીમે ધીમે ધ્યાનમાથી બહાર આવ્યો.

એણે બ્રશ કરીને નાહી લીધું અને તૈયાર થઈ ગયો. સવારના સાત વાગ્યા હતા. એણે જયેશને ઉઠાડ્યો અને એને કહીને એ જૂનાગઢ જવા નીકળી ગયો. સૌ પ્રથમ નીચે રેસ્ટોરન્ટમાં ચા પી લીધી અને રીક્ષા કરીને બસ સ્ટેન્ડ ગયો. ત્યાંથી સ્પેશિયલ ટેક્સી કરી લીધી. ત્રણ કલાકની મુસાફરી પછી ૧૦ વાગ્યે એણે જૂનાગઢમાં પ્રવેશ કર્યો.

હસમુખભાઈએ માંગનાથ રોડનું એડ્રેસ આપ્યું હતું પરંતુ કોઈના પણ ઘરે ઉતરવાની કેતનની ઈચ્છા ન હતી. એ હંમેશા હોટલમાં રહેવાનું જ પસંદ કરતો હતો. એણે ગુગલ સર્ચ કર્યું.

ટેક્સીને સક્કરબાગ પાસે હોટલ મેગનમ તરફ લેવડાવી. હોટલ પહોંચીને ટેક્સીને છૂટી કરી દીધી અને ડીલક્ષ રૂમ એણે રાખી લીધો.

રૂમમાં જઈ એણે હાથ મ્હોં ધોઈ લીધાં. ૩ કલાક સતત બેસીને અકડાઈ ગયો હતો એટલે ૧૫ મિનિટ એ આડો પડ્યો. એ પછી એણે હસમુખભાઈને ફોન કર્યો.

"અંકલ હું કેતન બોલું છું. હું જૂનાગઢ આવી ગયો છું અને સક્કરબાગ ઝૂ પાસે મેગનમ હોટેલમાં રૂમ નંબર ૨૦૪ માં ઉતર્યો છું." કેતન બોલ્યો.

અરે કેતનભાઇ હોટલ રાખવાની જરૂર ક્યાં હતી ? મારા ઘરે જ સીધા આવવું હતું ને ! " હસમુખભાઈ બોલ્યા.

" તમારી લાગણી હું સમજી શકું છું પરંતુ જ્યાં પણ જાઉં હું હોટલમાં રહેવા જ ટેવાયેલો છું. "કેતન બોલ્યો.

" ચાલો ઠીક છે. હું એકાદ કલાક પછી આવું છું. એ પછી આપણે સાથે જ જમવા માટે જઈએ." હસમુખભાઈ બોલ્યા.

લગભગ સવા અગિયાર વાગે હસમુખ ઠાકર કેતનની હોટલે પહોંચી ગયા.

" તમે મારું માન રાખ્યું અને જૂનાગઢ આવ્યા એનો મને ખૂબ જ આનંદ છે." હસમુખભાઈ બોલ્યા.

" તમે જૂનાગઢ આવવાનો આટલો બધો આગ્રહ કર્યો પછી હું તમને નારાજ કેવી રીતે કરી શકું ? ઈશ્વરની જ કોઈ ઈચ્છા હશે એમ માનીને મેં તમારી વાતનો સ્વીકાર કર્યો ." કેતન બોલ્યો.

" આપણે અત્યારે જમવા માટે જઈશું. એ પછી હું તમને હોટલ ઉપર મૂકી દઈશ. તમે બે ત્રણ કલાક આરામ કરી લેજો. હું તમને ચાર વાગે લેવા આવીશ અને મારા ઘરે લઈ જઈશ. અમૃત રસ અને સંજીવની રસની બોટલ તમને આપી દઈશ. સાંજનું ભોજન તમે મારા ઘરે જ રાખજો. કાલે વહેલી સવારે પાંચ વાગે તૈયાર રહેજો. હું તમને લેવા માટે આવીશ. એ વખતે આપણે ગિરનારનાં જંગલોમાં જઈશુ. ગિરનારમાં ફરવાની મજા વહેલી સવારની જ છે." હસમુખભાઈએ આખો પ્રોગ્રામ કેતનને બતાવી દીધો.

એ પછી થોડીક આડી અવળી વાતો કરીને બંને જણા નીચે ઉતર્યા અને હસમુખભાઈ પોતાની ગાડીમાં કેતનને તળાવ દરવાજા પાસે મોડર્ન ડાઇનિંગ હોલમાં જમવા માટે લઈ ગયા.

જમીને હસમુખભાઈ કેતનને ફરી પાછો મેગનમ હોટેલમાં મૂકી ગયા.

જમ્યા પછી થોડો આરામ કરવાની આમ પણ કેતનને ટેવ હતી જ. પહાડી વિસ્તાર હતો એટલે અહીંયા ઠંડી વધારે પડતી હતી. બપોરનો સમય હતો એટલે ઠંડી ઓછી હતી છતાં એ.સી એણે બંધ જ રાખ્યું અને ધીમો પંખો ચાલુ રાખીને એ સૂઈ ગયો.

કેતન ચાર વાગે ઉઠી ગયો અને એણે ચા પોતાના રૂમમાં જ મંગાવી લીધી. લગભગ સાડા ચાર વાગે હસમુખભાઈ એને લેવા માટે આવી ગયા.

જૂનાગઢ આમ બહુ મોટું શહેર નથી. હોટલથી માંગનાથ રોડના એમના ઘરે ૧૫ થી ૨૦ મિનિટમાં જ પહોંચી ગયા.

હસમુખભાઈનો ત્રણ માળનો બંગલો આમ જૂનો હતો છતાં અંદરથી ઘણો સરસ હતો. ડ્રોઈંગ રૂમ પણ ઘણો વિશાળ હતો. અત્યારે ઘરમાં એમનાં પત્ની દિવ્યાબેન સિવાય બીજું કોઈ ન હતું. કેતને સોફામાં બેઠક લીધી એટલે એ કેતન માટે પાણી લઈ આવ્યાં.

"મને એમણે તમારા વિશે ઘણી બધી વાતો કરી છે. તમે અમારા ઘરે આવ્યા એનો મને પણ આનંદ છે. " દિવ્યાબેન બોલ્યાં.

" કેતનભાઇ સાંજે અહીં જ જમવાના છે એટલે તમે એમની રસોઈ પણ બનાવી દેજો." હસમુખભાઈએ દિવ્યાબેન સામે જોઈને કહ્યું. એ પત્નીને બહુવચનથી જ સંબોધતા હતા.

" તમને શું ફાવશે ભાઈ ? " દિવ્યાબેન બોલ્યાં.

"અરે માસી મને બધું જ ફાવશે. તમને જે પણ અનુકૂળ હોય એ તમે બનાવી દો. " કેતન બોલ્યો.

" તો પછી ભાખરી અને કોબી બટાકાનું શાક બનાવી દઉં છું. સાથે થોડી ખીચડી પણ મૂકી દઉં છું." દિવ્યાબેન બોલ્યાં અને કિચનમાં ગયાં.

" દિવ્યાને પણ ૧૦ વર્ષ પહેલાં મેં અમૃત રસનું એક ટીપું આપ્યું હતું. એના વાળ પણ સફેદ થયા નથી. ૬૨ વર્ષની ઉંમરે પણ એ ૫૦ ૫૫ ની લાગે છે. ગમે એટલું કામ કરે એ જરા પણ થાકતી નથી." હસમુખભાઈ બોલ્યા.

" તમારી વાત સાવ સાચી છે. માસી ખરેખર ૫૫ ની આસપાસનાં જ લાગે છે. ૬૨ વર્ષની ઉંમર કોઈ જ ના કહી શકે." કેતને પણ કબુલ કરવું પડ્યું.

" તમારી બેટ દ્વારકાની યાત્રા કેવીક રહી ? " હસમુખભાઈએ પૂછ્યું.

"બહુ જ સરસ રહી અંકલ. સંન્યાસી મહાત્માએ તો મને સમાધિ અવસ્થા કરાવી દીધી. ચાર દિવસ સુધી હું સમાધિમાં રહ્યો. એટલા માટે તો અહીં પાંચ દિવસ પછી હું આવ્યો. ખરેખર તો બીજા દિવસે જ આવવાનો હતો." કેતન બોલ્યો.

" તમે પણ એમની સારી સેવા કરી. બીજા અર્થમાં કહું તો એમણે તમને સેવા કરવાની તક આપી. તમે એમની ગંદકી સાફ કરી પરંતુ હકીકતમાં તો ત્યાં કોઈ ગંદકી હતી જ નહીં. એ દુર્ગંધ અને એ ગંદકી તમારી પરીક્ષા કરવા માટે એમણે ઊભી કરેલી હતી. આ બધો જ એક ભ્રમ હતો. મેં ધ્યાનમાં બેસીને બધું જોઈ લીધું હતું." હસમુખભાઈ બોલ્યા.

કેતન તો આ સાંભળીને ચકિત થઈ ગયો. હસમુખભાઈ આટલી બધી ઉંચી અવસ્થામાં છે ! મારા ગુરુજી એમનેમ તો એમની સાથે મારી મુલાકાત ન જ કરાવે !!

"તમે ખરેખર બહુ જ નસીબદાર છો કેતનભાઇ. સમાધિ અવસ્થા પ્રાપ્ત કરવા માટે આખી જિંદગી પૂરી થઈ જાય છે. અનેક જન્મો પછી એ અવસ્થા પ્રાપ્ત થાય છે. તમને ચાર દિવસની સમાધિ આપી એ બહુ કહેવાય. એનો મતલબ કે તમારા સાતે સાત ચક્રો ખુલી ગયાં. મને પણ ગિરનારી બાપુએ ગુફામાં સેવા કરતો હતો ત્યારે ત્રણ ચાર કલાકના ઊંડા ધ્યાનનો અનુભવ કરાવ્યો હતો અને અમુક સિદ્ધિઓ પણ આપી છે પરંતુ હજુ સમાધિ અવસ્થા પ્રાપ્ત થઈ નથી." હસમુખભાઈ બોલી રહ્યા હતા.

"આટલી લાંબી સમાધિ પ્રાપ્ત કર્યા પછી દુનિયામાં હવે કોઈપણ વસ્તુ તમારા માટે અશક્ય નથી કેતનભાઇ. સમાધિ સાથે સન્યાસી મહાત્માએ તમને અષ્ટ સિદ્ધિઓ પણ આપી છે." હસમુખભાઈ બોલ્યા.

" જી. મારા ગુરુજીએ પણ મને ધ્યાનમાં નવી સિદ્ધિઓ વિશે કહ્યું હતું. પરંતુ મને સિદ્ધિઓમાં કોઈ જ રસ નથી. બસ લોકોના કલ્યાણ માટે એ સિદ્ધિ કામમાં આવતી હોય તો મારા માટે એનું મહત્ત્વ છે. " કેતન બોલ્યો.

" એટલા માટે જ તમને આઠ પ્રકારની સિદ્ધિઓ મળી છે. 'ન માગે દોડતું આવે' એ જગતનો નિયમ છે. પરંતુ તમારે એ સિદ્ધિઓ વિશે જાણવું તો જોઈએ જ. તમને અણીમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ એમ આઠ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. હનુમાન ચાલીસામાં પણ અષ્ટ સિદ્ધિ વિશે વાત કરી છે. આ અષ્ટ સિદ્ધિ તમને વગર માગ્યે પ્રાપ્ત થઈ ગઈ છે." હસમુખભાઈ બોલ્યા.

"આ આઠ સિદ્ધિઓ કઈ કઈ છે એ તમે વિસ્તારપૂર્વક મને સમજાવી શકશો ?" કેતને પૂછ્યું.

" તમે ના પૂછ્યું હોત તો પણ હું તમને આ સિદ્ધિઓ વિશે જાણ કરવાનો જ હતો. કારણ કે મને ઉપરથી આદેશ મળેલો છે ! " હસમુખભાઈ બોલ્યા.

કેતન હસમુખભાઈ સામે જોઈ રહ્યો. આ વ્યક્તિ ખરેખર રહસ્યમય છે !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ )