Barbrakjishnu - Jaisingh Siddhraj - 34 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 34

Featured Books
Share

બર્બરકજિષ્ણુ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 34

૩૪

અમાત્ય-મહાઅમાત્યની પરંપરા

કેશવે મહારાજને એકલા જોવાની આશા રાખી હતી. એણે આશ્ચર્ય થયું. મુંજાલ મહેતાને પણ અત્યારે આંહીં જોઇને એ સ્તબ્ધ થઇ ગયો. પોતે જે કામ માટે આવ્યો છે, એ જ કામ માટે કદાચ મુંજાલ મહેતો પણ આવ્યો નહિ હોય? નમીને એ ત્યાં ઊભો રહ્યો. પણ એણે રાહ જોવી પડી નહિ. મહારાજે જ એને કહ્યું: ‘કેશવ નાયક! મહીડાને મારવા ખેંગાર ગયો છે એ સાચું? તને ખબર પડી છે કાંઈ? આપણે જરાક સમાધાનવૃત્તિ બતાવી કે એણે તો તરત લાભ લીધો! તું આવ્યો છે, તે તારી પાસે બીજી કોઈ માહિતી છે? ક્યારે ગયો? ક્યારે આવવાનો છે?’

પોતે ધાર્યા કરતાં જુદી જ વાત મુંજાલ અને મહારાજ વચ્ચેની હતી. એ વિચારમાં પડ્યો. ખેંગાર ગયો હોય એ એને અસંભવિત ન લાગ્યું. પણ પોતે તો આજે મહારાજના જ વિચારમાં એટલો બધો તલ્લીન બની રહ્યો હતો કે એ વસ્તુ એની નજર બહાર રહી ગઈ હતી. અત્યારે પણ એ તો પોતાને કામે જ આવ્યો હતો. ખેંગાર વિષે એણે આ દ્રષ્ટિએ આજે વિચાર જ કર્યો ન હતો. તેને માટે સવાલ અચાનક જ હતો.

‘કોણે કહ્યું?’ કેશવ બોલ્યો.

જવાબમાં મુંજાલે એક આંગળી ઊંચી કરી સામે ઊભેલ ઝાંઝણ તરફ એનું ધ્યાન દોર્યું: ‘ઝાંઝણ એ સમાચાર લાવ્યો છે,  નાયકજી!’

‘આપણે તપાસ કરો...’ સિદ્ધરાજે કહ્યું.

‘મહારાજ! તપાસ એની હવે એમ ન થઇ શકે. એ તો આપણે જાણતા નથી એમ વર્તવામાં જ હવે તો આપણું ગૌરવ રહ્યું છે. આપણી શિથિલ રાજનીતિનું આ પરિણામ આવ્યું છે. અમાત્યમંડલ ને રાજા જે એક નિર્ણય કરે તેણે ફેરવી ન શકાય. મહારાજને એ સિદ્ધાંત વહેલે-મોડે સ્વીકારવો જ પડશે. આજ દિવસ સુધી આ ચાલ્યું, કારણકે સૌ તૈયારીમાં હતા. હવે સૌ માલવા, લાટ સોરઠ – તૈયાર થઇ ગયાં છે, પ્રભુ! રાજનીતિ વિનાની યુદ્ધનીતિ એક ઘડીના છઠ્ઠા ભાગમાં આપણને હતા-ન-હતા કરી નાખશે!’ મુંજાલે કહ્યું.

કેશવને નવું અજવાળું મળ્યું. એને લાગ્યું કે આ તો મુંજાલ મહેતાએ એક તક પકડી હતી. ખેંગાર ગયો એ નિમિત્તમાત્ર હતું, પણ મહારાજની સત્તાકાંક્ષાને એક પ્રકારની મર્યાદામાં રાખવાનો આ આખા અમાત્યમંડલનો કદાચ આ પ્રયોગ હતો. મુંજાલે એ વાત રજૂ કરવા માટે માથે લીધી હોય. કેશવને લાગ્યું કે દેવડીને લીધે ઊભા થયેલા ઘર્ષણમાં આને લીધે વધારો થતો હતો. તે પોતે કાંઈ બોલ્યો નહિ, પણ એણે મુંજાલને એક દ્રષ્ટિથી માપી લીધો. એની દ્રષ્ટિમાં મુંજાલ પ્રત્યે જરાક રોષ હતો, પણ મુંજાલને એની દરકાર હવે કરવાની ન હતી. એણે જોયું કે સિદ્ધરાજની સત્તાને જો અમાત્યોની પરંપરાની રાજનીતિ દ્વારા નિયમન આપવા નહિ આવે તો અમાત્યમંડલ હવે તો તદ્દન નિર્માલ્ય અને નામનું બની રહેશે. પણ કેશવને તો લાગ્યું કે મુંજાલ મહેતાએ આ માહિતી મહારાજ પાસે રજૂ કરીને એમાંથી એક ભયંકર પરિણામ ઊભું કર્યું છે! એને તો એક ચિંતા હતી – મહારાજની વીરોપાસના વિષેની – એમાં આનાથી બીજીનો વધારો થયો. ખેંગાર – એના માનવા પ્રમાણે બહુબહુ તો દેવડીને લઈને ભાગી જાત – એના માનવા પ્રમાણે તો એક ઇષ્ટાપત્તિ જ હતી. પણ હવે તો, ખેંગાર દેવડીને લઇ જઈ શકે એ વસ્તુ જ અશક્ય બનતી હતી. પાટણનો એમાં એણે વિનિપાત દીઠો – ઘર્ષણને લીધે, દેવડીને લીધે, મહારાજની ઘેલછાને લીધે અને આ બર્બરકની વાતને લીધે. તે વિચાર કરતો ઊભો રહ્યો. એટલામાં મહારાજે કહ્યું: ‘મુંજાલ મહેતા! ખેંગાર પાછો ફરે કે તરત આપણે આપણી સંભાળ નીચે મૂકી દેવો, પછી શું? એને જૂનોગઢ ક્યારે જવા દેવો.... એ પછી હવે નક્કી થાશે! ને આજે કડક બંદોબસ્ત કરી નાખો, કેશવ! એનું સૈન્ય તો અડખેપડખે ક્યાંક નથી નાં? મદનપાલની હવેલીએ બરાબર બંદોબસ્ત રાખો.’

‘સૈન્ય તો પડખે શું પડે? પણ ખેંગાર ઘા મારવા પ્રેરાયો તે આપણી શિથિલ રાજનીતિને લીધે. મહત્વની વસ્તુ એ છે કે એક વખત એક રેખા નક્કી થઇ ગઈ તેમાં ફેરફાર કરવાનો અધિકાર માત્ર અમાત્યમંડલને છે, મહારાજ! પાટણની એ પ્રણાલિકા છે, એમાં રજ જેટલો ફેરફાર આત્મઘાતક નીવડે. આજ આપણે એ પ્રત્યક્ષ જોયું. એક જ નીતિ હોત તો ખેંગાર પાટણ છોડવાની હિંમત જ કરત નહિ. સાંતૂ મહેતા, દાદાક મહેતા, કર્ણાવતીમાં મહાદેવ અને સજ્જન મહેતા, પરશુરામ અને પ્રભુ! હું પોતે – એમ માનીએ છીએ, કે જેમ મહારાજને વારસો મળ્યો છે, તેમ અમને પણ અમાત્યમંડલનો વારસો મળ્યો છે. વિમલ મંત્રી, દામોદર, જેહુલ અને જંબક જેવાનો વારસો અમારે પણ જાળવવાનો છે. પાટણ મહાન રહી શક્યું છે, કેટલું એના રાજાને લીધે, એટલું જ મંત્રીમંડળને લીધે. અમારે પણ જોવાનું છે કે પાટણની પ્રતિષ્ઠા ઝાંખી ન પડે, એની પ્રણાલિકા અખંડ રહે, એનું ગૌરવ સચવાઈ રહે. મહારાજે ખેંગાર સાથે જે રીતે વાત કરી, એ રીતને લીધે આમ થયું. આમાંથી એક નવું ઘર્ષણ ઊભું થશે એનું શું? અત્યારે માલવા તો પાટણ ઉપર આવવા ટાંપી રહ્યું છે. પૂછો કેશવ નાયકને.’

કેશવે બે હાથ જોડીને માત્ર માથું નમાવ્યું. તે કાંઈ બોલ્યો નહિ.

‘અને દંડનાયકે જતાં પહેલાં જ આ વખતે કહી દીધું છે કે લાટમાં યુદ્ધ આવી રહ્યું છે. એ યુદ્ધ ભયંકર હશે. લક્ષ્મીદેવીને – મહારાજ! કાને વાત આવી ગઈ હશે કે આવશે કે પતનમાં તો એણે સૌ બે કોડીની કિંમતની ગણે છે, તો એ નારી પાછી લાટની છે.લાટ યુદ્ધમાં જ છે એમ આપણે સમજવું રહ્યું. ને આજથી આ સોરઠ પણ. પાટણના યશનો, પ્રતિષ્ઠાનો, પ્રણાલિકાનો, ગૌરવનો નાશ થતો જોવા માટે અમે ઊભા નથી, અમે ઊભા રહેવા માગતા પણ નથી, મહારાજ! અમાત્યો પાટણના – તે પાટણની ભૂમિની પેઠે, વંશપરંપરાનું પોતાનું રાજ પ્રત્યે ઋણ રાખે છે અને સ્થાન પણ રાખે છે. આજ દિવસ સુધી આ ચાલ્યું, અમે ચલાવ્યું રાજમાતા પ્રત્યેના માનથી, મહારાજ પ્રત્યેની ભક્તિથી, પાટણ પ્રત્યેના પ્રેમથી, સમય પલટાશે એવી આશાથી. હવે એમ ચાલી ન શકે, મહારાજ!’

મુંજાલનો અવાજ મક્કમ હતો, રણકો દ્રઢ હતો, નિશ્ચય જાણે કે અડગ હતો. કેશવે ન ધારેલી એવી વાત આ તો નીકળી પડી.

એ સાંભળી રહ્યો, પણ એનું લોહી ઊકળી આવ્યું હતું. એણે પોતાની જાત ઉપર કાબૂ રાખ્યો. એ વસ્તુસ્થિતિ સમજી ગયો. મુંજાલે તમામ અમાત્યો વતી એક છેલ્લો પાસો ફેંક્યો હતો – સત્તા પ્રાપ્ત કરવા માટે અને મહાઅમાત્યની પરંપરાને પુન: સ્થાપવા માટે. ખેંગાર મહીડાને મારવા ગયો અને એક વખત પાટણની રાજનીતિને એણે અવગણી, એમાં મહારાજની રાજનીતિ જવાબદાર હતી એ ભૂમિકા ઉપર આજે એણે એ ઘટસ્ફોટ કરી નાખવાની તક પકડી લીધી હતી એટલું જ. પોતાના શબ્દોનો પ્રત્યાઘાત નિહાળતો મુંજાલ ત્યાં ઊભો રહ્યો. જે મહારાજે ખેંગાર જેવા દુશ્મન સાથે સમાધાન કરવાની વૃત્તિ બતાવી હતી – પોતાના તાત્કાલિક કાર્યની મહત્તાથી દોરાઈને – તે મહારાજ અત્યારે પણ એ જ કાર્યની મહત્તા ગણીને સમાધાની બતાવવા પ્રેરાશે એ એની ગણતરી હતી. અને એક વખત એ પ્રમાણે અમાત્યમંડલની પ્રતિષ્ઠા જૂનું ગૌરવ પ્રાપ્ત કરશે તો પછી એ ગૌરવ ચાલુ રહેશે. અત્યાર સુધી તો મહારાજે પોતાના જ પરાક્રમથી પોતાની નીતિ ઘડી હતી. ધીમેધીમે એ પ્રણાલિકા રૂઢ થઇ જાય એ ભય મુંજાલને હતો. અને તે સાચો હતો. એને લાગ્યું હતું કે એક વખત જો સ્પષ્ટ નહિ કહેવામાં આવે, તો મહારાજની સત્તાકાંક્ષાને કાંઈ જ મર્યાદા નહિ હોય.

‘મહારાજ! મેં સજ્જન મહેતાને અને પરશુરામને પણ બોલાવેલ છે...!’

‘કેમ? શા માટે?’

‘પાટણનો વિનિપાત અમે જોઈ રહ્યા છીએ. અમારાથી એ વિનિપાત થવા નહિ દેવાય. અમને પણ વારસો પાટણના મહાઅમાત્યોનો મળ્યો છે. વીરોપાસના જેવી એક સ્વપ્નભરેલી ઘેલછા માટે જો રાજનીતિની રેખાઓ ફરતી રહે, તો પ્રભુ! પાટણની અવનીતિનો કોઈ અંત જ ન હોય! એ સૌ આ વાત કહેવા ભેગા થઈએ છીએ. મેં એ તમને આજે સંભળાવી, થોડા દિવસમાં રાજમાતા સંભળાવશે. સૌ મંત્રીઓ પણ એ કહેશે. એ તો તમને માત્ર જે આવી રહ્યું છે તે માટે તૈયાર કર્યા છે, પ્રભુ!’

કેશવ જે કહેવા આવ્યો હતો તે મુંજાલે કહી નાખ્યું, પણ મહારાજ ઉપર એની અસર થઇ નહિ. તેણે જાણે સાંભળ્યું-ન-સાંભળ્યું કર્યું. કેશવે એ જોયું. એક ઘડીભર તો સિદ્ધરાજ કાંઈ બોલ્યો નહિ. પછી એ બોલ્યો ત્યારે એના અવાજમાંથી કોઈ સ્વપ્નદ્રષ્ટાની અગમ્ય વાણીનો ટંકારવ પ્રગટતો જોયો. તે સાંભળી જ રહ્યો.

‘મુંજાલ મહેતા! તમે આજ દિવસ સુધી મહારાજ કર્ણદેવની રાજનીતિને દોરી રહ્યા હતા – તમે, સાંતૂ મહેતા, દાદાક મહેતા, સજ્જન મહેતા – સૌ. તમે જ રાજમાતાને ખરી મુશ્કેલીમાં માર્ગ બતાવ્યો હતો, તમે અનેક પડોશી રાજ્યોને સામ,દામ, ભેદ, દંડથી સાચવી રહ્યા હતા. તમને તમારી રાજનીતિમાં શ્રદ્ધા હોય એમાં નવાઈ પણ નથી. પણ હું શું તમારી અવગણના માટે આ જાણીજોઈને કરી રહ્યો છું, એમ? મારે શું મારા અમાત્યોના પ્રેમની પડી નથી, એમ? હું શું એવો સ્વાર્થી છું કે તમને હવે આમ ત્યજી દઉં? ના, એવું કાંઈ જ નથી. પણ તમને ખબર છે? હરેક દિવસે ને હર પળે – હરેક ક્ષણે આ રાજમહાલયમાંથી આવતા અનેક અવાજો હું સાંભળી રહ્યો છું. જાણે...કે...’

‘મહારાજ!... એની એ વાત...’

સિદ્ધરાજે હાથ લંબાવીને મુંજાલને બોલતો અટકાવી દીધો: ‘એની એ વાત અને એકની એક વાત ફરીફરીને એ જ માણસ કરી શકે છે, મુંજાલ મહેતા! કે જે એને થતી દેખે છે, જેને એનામાં પરમ શ્રદ્ધા હોય છે. તમે જ નથી જોતા – તમને જેનો સ્વપ્નમાં ખ્યાલ પણ નથી આવતો – તે વસ્તુ હું તો મારી સામે બનતી જોઈ રહ્યો છું! અર્ધા ભારતવર્ષને આંગણે આવેલું હું દેખું છું. એકચક્રી સત્તા – એ તો ઠીક હવે, એ તો હું આવતી જોઈ રહ્યો છું, પણ હું તો આ નગરીમાં વિદ્વાનોની, ઉજ્જૈનીની વિધાસભાને ડોલાવે એવી વિદ્યાસભા આંહીંના કર્ણમેરુપ્રાસાદમા નીરખી રહ્યો છું – આંહીં વિક્રમી નવરત્ન દરબાર નિહાળી રહ્યો છું. કાંચીના ચોલ ને કર્ણાટકના ચૌલુક્ય, ચેદિના હૈહય ને ઉજ્જૈનીના પરમાર જે શિલ્પસૌંદર્ય જોતા મોંમાં આંગળી નાખીને ચકિત થઇને થંભી જાય એવી અનુપમ શિલ્પ ગુજરાતમાં ઠેરઠેર જન્મ લેતું હું પ્રત્યક્ષ દેખી રહ્યો છું! હું શી રીતે તમારી મોટામાં મોટી આશંકા – માલવાને હંફાવવાની, સોરઠને હરાવવાની કે લાટને સંબંધી કરવાની – સાથે મારા સ્વપ્નનો મેળ મેળવી શકું? ગુજરાત માટે એમાંના કોઈને હવે હરાવવાનું રહેવાનું નથી. મારે મન એ સઘળાં ગુજરાતનાં અંગ છે! જે ગુજરાત, આવડું વિશાળ હશે એ ગુજરાતનો ‘કુક્કુટધ્વજ’ જો સામર્થ્ય વિનાનો હશે, તો-તો, મુંજાલ મહેતા! ત્રણ દિવસમાં જ એ ધ્વજને ગમે તે માણસ ઉપાડીને પોતાની સાંઢણી ઉપર ખંખેરી મૂકશે!’

કેશવ ચમકી ગયો. તેને શંકા પડી – મહારાજ આ વાત કોઈનો નિર્દેશ કરીને બોલે છે કે શું? તો-તો થઇ રહ્યું. પણ મહારાજ વાતના વહેણમાં જ બોલતા હોય એવું તેને લાગ્યું. તેણે પછી સ્વસ્થતા મેળવી લીધી.

‘આ બર્બરકની વાત તમે કરતા હો, તો એની પાસે વિદ્યા છે. એ વિદ્યાનો ભાર ઉપાડવાનું સામર્થ્ય કોઈકે તો બતાવવું જ પડશે. એ ભાર ઉપાડનાર જો આંહીં પાટણમાંથી કોઈ નહીં નીકળે તો-તો આપણે આ પૃથ્વીને શણગારી રહ્યા! તમારું અંતર હું જાણું છું, તમને સત્તાનો, રાજ્યનો, સંબંધો સ્થાપવાનો, પડોશી રાજ્યોને હરાવવાનો અને પ્રભાવ બેસારવાનો લોભ છે. મને પણ એ લોભ છે, નથી એમ નહિ કહું. પણ મારે તો જે સિંહાસન અવંતીનાથનું હતું – પેલું અનુપમ રત્નપ્રતિમાઓનું – એ સિંહાસન આંહીં પાછું ફરી સજીવન કરવાના કોડ છે તેનું શું? ઘરઘરનું દુઃખ જાણનાર એક નામ લોકકંઠમાં આખા ભારતવર્ષમા આજે રમી રહ્યું છે, એવું જ નામ ગુજરાતમાં પણ પ્રગટે એમ કરવું છે તેનું શું? ઘરેઘરનું, દીનનું, હીનનું, અશક્તનું, ભાગ્યહીનનું દુઃખ જાણવાની મારે શક્તિ મેળવવી છે તેનું શું? તમારામાંથી જે કોઈ મારા સ્વપ્ન સાથે તાલ મેળવી શકે એ મારો મહાઅમાત્ય. એ સિવાય તો મારે કોઈ અમાત્ય પણ નથી. મારો અમાત્ય, મારો સેનાપતિ, મારો સલાહકાર, મારો મહાપ્રધાન હું પોતે જ.’

‘અને ચાલતી આવતી અમાત્યની પરંપરા – એનું પાટણમાં કોઈ સ્થાન જ નથી, એમ? મહારાજ અમાત્યના ગૌરવ વિના જ ચલાવવાના છે એવો આનો અર્થ સમજવો, એમ?’ મુંજાલ બોલ્યો.

‘એનો અર્થ એ નથી. એનો અર્થ આટલો જ છે: પાટણનું આજ દિવસ સુધીનું એનું સામર્થ્ય એની બુદ્ધિમાં હતું. હવે લાગે છે કે ખરું સામર્થ્ય એના સ્વપ્નમાં છે!’

‘અને બુદ્ધિ? એને કોઈ સ્થાન નથી, પ્રભુ! એમ?’

‘ના... એમ નહિ. બુદ્ધિ સ્વપ્નને સમજવાનો પ્રયત્ન કરે, એમ એનું એ સ્થાન છે. તમારે દેશો જીતવા છે, મુંજાલ! મારે દેશો તો જીતવા છે, પણ જનતા જીતવી છે! તમને શોખ સત્તાનો છે, મને શોખ શક્તિનો છે. સત્તા જોઈ શકાય છે, શક્તિ અદ્રશ્ય છે. અને તમે જે વસ્તુ કાલ્પનિક માનો છો એ વસ્તુને હું કાલ્પનિક નથી માનતો, એ તે શા આધારે કલ્પના કરો છો? હું પણ એણે કલ્પના ગણતો હોઉં. મારાથી એ અજાણ્યું ન પણ હોય. પણ તમારી રાજનીતિ રાજ્યો અંગેની છે, મારી રાજનીતિ જનતા અંગેની છે. ઘણી વખત મુંજાલ મહેતા! જે વસ્તુ નથી, તે વસ્તુ નથી એમ બોલવું નહિ, એ પણ એક સામર્થ્ય હોઈ શકે. અને રાજનું સામર્થ્ય તો જેટલું વસ્તુમાં છે, એટલું જ અવસ્તુમા પણ છે. તમારી પાસે જે વસ્તુ છે, એ તો તમારું બળ છે જ. પણ જે વસ્તુ તમારી પાસે નથી, તે વસ્તુ તમારી પાસે છે એમ બીજા માને તો એ પણ તમારું બળ છે.’

મુંજાલ માત થયો. રાજાએ પોતાની નહિ, સ્વપ્નની મહત્તા સ્થાપી હતી. અને એ સ્વપ્ન એની પાસે હતું.

‘અને આ સ્વપ્ન મારું નથી, મુંજાલ! આપણું સૌનું છે. આ ખેંગાર આવ્યો છે, તક જોઇને એ ઘા મારવા આવ્યો છે એ કાંઈ આપણને અજાણ્યું છે? પણ એ યુદ્ધ લાવશે – તો તમે સૌ જોશો કે એ  યુદ્ધ જ આપણામાં એકતાનતા પ્રગટાવશે. એ વખતે સૌની શક્તિ પોતપોતાનું કામ શોધી લેશે. આપણે તો કેશવ! જાગતા રહેવું, બીજું શું?’

કેશવની ચિંતા તો ઊલટી વધી, ‘મહારાજ! એ ચિંતા જ ખોટી છે. ખેંગાર તો હજી આંહીં પડ્યો રહેશે!’

‘કેમ, આંહીં શું છે?’

‘એ માલવાની રાહ જુએ છે. માલવાની વાત જાણ્યા પછી જ એ ખસશે!’ 

‘એમ પણ હોય તોપણ શું? આપણે તો એણે જાળવવાનો રહ્યો, કેશવ! એ ઘા મારી જશે, તો પ્રતિષ્ઠા પાટણની જાશે!’

‘કેશવ નાયક!’ મુંજાલ બોલ્યો. કેશવના હ્રદયમાં તો એક જ વસ્તુ હતી – મહારાજને પોતાની વાત કહેવાની. તેણે મુંજાલ સામે જોયું. ‘તમે તો આજે કનસડે જ છો નાં?’

કેશવે માથું નમાવ્યું. ‘ત્યારે મુંજાલ મહેતા!’ સિદ્ધરાજે કહ્યું. સામેથી એણે કૃપાણને આવતો જોયો હતો: ‘જુઓ, આ કૃપાણ આવી રહ્યો છે. મારે કનકચૂડ – સિંધનો આવ્યો છે – તેને મળવા જવું છે. આંહીં તમે સૌ પાટણમાં તો છો અને એ બિચારો અત્યંત દુઃખી છે!’

કૃપાણ હાથ જોડીને ઊભો રહ્યો.

મુંજાલને લાગ્યું કે રાજાને એના હાથમાં કોઈ વાતનો દોર આપ્યો ન હતો અને કોઈ વાતનો દોર લીધો પણ ન હતો. ખેંગાર કાંઈક નવાજૂની કરશે એ મુશ્કેલી વખતે એની પાસે આવવાનો છે. અત્યારે એની હવાઈ વાતમાં બુદ્ધિની કોઈ વાતને સ્થાન નથી. તેણે નમીને રજા લીધી: ‘ચાલો મુંજાલ! કૃપાણ! તું પાછળ ચાલ્યો ન આવતો. કનસડે જઈને ઊભો રહે અને તમામ દરવાજે ખબર આપી દેજે!’

‘પ્રભુ! શાની?’ કેશવે બે હાથ જોડ્યા.

‘એ તો કેશવ,! દેવડાને ત્યાં કહેવરાવ્યું છે કોટિધ્વજને જવા દેવા માટે – કનકચૂડને આજે રાતે જ મરુભૂમિની સરહદે પહોંચાડવો છે. દિવસ ઊગ્યા પહેલાં તો એણે ત્યાં પહોંચી જવું જોઈએ!’

કનકચૂડની વાત કોઈ સમજ્યું નહિ. પણ કોઈ દુઃખી રાજવંશી માણસને મહારાજ મદદ કરી રહ્યા હતા ને એ માટે કોટિધ્વજ જેવા અશ્વને મોકલતા હતા એટલો જ ધ્વનિ પકડાયો. વધારે વાત કહેવાની મહારાજની પણ ઈચ્છા ન લાગી.

‘મુંજાલ મહેતા! સત્તા કે શક્તિ બે જુદી વસ્તુ છે એ ધ્યાન રાખજો. અમાત્ય સત્તાથી ચાલે, રાજા પાસે તો શક્તિ જોઈએ, પછી ભલે એ જનતાની સામુદાયિક કલ્પનામાં જ માત્ર અસ્તિત્વ ધરાવતી હોય!’

રાજાને આગળ વધતો જોઈ કેશવે હવે જરાક એની પાસે મંત્રણા માટે જવાનો પ્રયત્ન કર્યો.

‘પ્રભુ! મહારાજ...!’ એણે હાથ જોડ્યા.

પણ એને આશ્ચર્ય થાય. સિદ્ધરાજ એની વાત સમજી ગયો હોય તેમ ગતિમાં મંદતા આણ્યા વિના ચાલતો જ રહ્યો. ચાલતોચાલતો બોલ્યો: ‘કેશવ! તારી વાત હું સમજ્યો છું. તું એને સાહસ ગણે છે. ખરી રીતે એ પરાક્રમ છે. તારે એ જ કહેવાનું હતું નાં? કનસડે – કનસડે હું પાછો ફરતાં તને મળીશ. તું ત્યાં રહેજે!’