Shikhar - 13 books and stories free download online pdf in Gujarati

શિખર - 13

પ્રકરણ - ૧૩

શિખરની શાળા શરૂ થવાને હવે માત્ર એક મહિનાની વાર હતી. પરંતુ મનુષ્યની ઈચ્છાઓની ધારણા બહાર પણ કુદરત કંઈક ને કંઈક કરતી જ હોય છે. કોઈએ ક્યારેય પણ વિચાર્યું નહોતું કે કુદરત આ રીતે કઠોર રમત રમશે.

શિખરને શાળાએ જવાને હજુ મહિનો બાકી હતો. તેવામાં એક દિવસ નીરવે ટીવીમાં સમાચાર જોયા.

ચીનમાં કોરોના વાયરસનો વધતો જતો પ્રકોપ. ચીનમાં આ વાયરસ દિવસે ને દિવસે ફેલાતો જઈ રહ્યો છે અને લોકો ખૂબ જ ડરી રહ્યા છે. કારણ કે, આ વાયરસ એકબીજાને અડવાથી પણ ફેલાઈ શકે છે. અને એમાં પણ ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને માટે આ વધુ જોખમકારક સાબિત થઈ શકે છે માટે દરેક નાગરિકે ખૂબ જ સાવધાની વરતવી જરૂરી છે.

કહેવાય છે કે, હવે આ વાયરસ વિશ્વભરમાં ફેલાઈ શકે છે. આ એક બાયોલોજીકલ યુદ્ધના અણસાર છે અને હવે ભારતમાં પણ આવી શકે છે અને આ વાયરસની પરખ આર.ટી.પી.સી.આર. નામના ટેસ્ટ દ્વારા થઈ શકે છે. હવે કોઈ વ્યક્તિએ એક દેશમાંથી બીજા દેશમાં જવું હશે તો પણ આ ટેસ્ટ ફરજિયાત કરવો પડશે અને જે લોકોને આ રોગનો ચેપ લાગ્યો હશે એમણે ક્વોરેન્ટાઈન થવું પડશે અને જ્યાં સુધી આ વાયરસનો એમનો રિપોર્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી આઈસોલેશનમાં રહેવું પડશે.'

બે દિવસ પછી ફરી નીરવે સમાચારમાં જોયું કે, આજે ભારતમાં કોરોનાનો પહેલો કેસ આવ્યો છે. આ સમાચાર મળતાં જ ભારત સરકાર ખૂબ જ એક્ટિવ મોડમાં આવી ગઈ અને લોકોને કોઈ પણ સમાજીક કે ધાર્મિક સ્થળોએ મળવા માટેની મનાઈ ફરમાવવામાં આવી. બે થી વધુ લોકોએ ભેગા ન થવું એવું કહેવામાં આવ્યું. બધી જ દુકાનો વગેરે બંધ કરવામાં આવી. આખા દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટેના બધાં જ વાહનવ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યા અને ધારા 144 લાદવામાં આવી. દરેક વ્યક્તિઓને માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું. શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી. બાળકોને પણ ઘરેથી જ ભણાવવાનું શરૂ કરવામાં આવશે એવું કહેવામાં આવ્યું. શરૂ હતાં તો માત્ર હોસ્પિટલ અને મેડિકલ સ્ટોર. અને માત્ર જીવનજરૂરિયાતની વસ્તુઓ માટેની દુકાનો. એ સિવાયનું બાકીનું બધું જ બંધ હતું. એવું લાગતું હતું જાણે આખા દેશમાં સોપો પડી ગયો છે. ચારેબાજુ નીરવ શાંતિ હતી. અધૂરામાં પૂરું નીરવ આઈ. ટી. કંપનીમાં કામ કરતો હતો એટલે એને પણ વર્ક ફ્રોમ હોમ આપી દેવામાં આવ્યું હતું.

આખા રસ્તાઓ સૂમસામ થઈ ગયા હતા. આ સમાચાર સાંભળીને નીરવ, શિખર અને પલ્લવી એ ત્રણેય જણા ખૂબ જ ગભરાઈ ગયા હતા. બંનેને શિખરની ખૂબ જ ચિંતા થવા લાગી કે એને કંઈ થઈ તો નહીં જાય ને?

નીરવ અને પલ્લવી બંને શિખરને લઈને કંઈક વધુ પડતી જ ચિંતામાં આવી ગયા હતા. ઘરમાં એકમાત્ર હિંમત હતી તો એ તુલસીમાં હતી. એને એના ભગવાન પર ભરોસો હતો. એ વારંવાર બંનેને સમજાવવાની કોશિશ કરતી કે, તમે લોકો ચિંતા ન કરો. ભગવાન જે કંઈ કરે છે એ સારા માટે જ થતું હોય છે. ઈશ્વરની આ લીલા પણ અપરંપાર છે. જેને આજ સુધીમાં કોઈ વ્યક્તિ કદી ભેદી જ નથી શક્યું. જે કંઈ પણ ઘટનાઓ બની રહી છે એની પાછળ જરૂર કોઈને કોઈ કારણ તો હશે જ. જે સમય જતાં આપણને સહુને ખ્યાલ આવશે.

જ્યારથી આ કોરોનાના ન્યુઝ આવ્યા હતા ત્યારથી નીરવ અને પલ્લવી બંને જણા શિખરને ખૂબ જ ઓવર પ્રોટેક્ટ કરવા માંડ્યા હતા જે તુલસીને બિલકુલ જચતું નહોતું. તુલસી એને સમજાવતી અને કહેતી કે, "તમે બંને આ રીતે એને વારંવાર કોરોના કોરોના કરી અને એને ડરાવો નહીં. એ ગભરાઈ જશે. અત્યારે એની ઉંમર એના ગ્રોથની છે. જો તમે અત્યારે એને આ રીતે ડરાવશો તો એ ભવિષ્યમાં પણ ડરતો જ રહેશે. ઘણા સમયથી જોઉં છું કે તમે લોકો વારંવાર એના હાથ ધોયા કરો છો. એને ડરાવ્યા કરો છો કે, ક્યાંય અડતો નહીં. તમે એને જેટલું વધારે ડરાવશો એટલો એનો વિકાસ સંકુચિત થઈ જશે એ તમે લોકો કેમ સમજતા નથી?"

"પણ મમ્મી! એને કોરોના થઈ જશે અને એને કંઈ થઈ જશે તો આપણે શું કરીશું?" નીરવની ચિંતા બોલી ઉઠતી.

"સૌથી પહેલાં તો તમે બંને જણા તમારા મનમાંથી એ ડર કાઢી નાખો કે એને કોરોના થઈ જશે. આપણે જેવું વિચારીએ છીએ ને એવું જ થાય છે. એટલે બને ત્યાં સુધી હકારાત્મક વિચારો. આપણે એવું વિચારવું જ શા માટે કે જે નેગેટિવિટીથી ભરેલું હોય? પોઝિટિવિટીમાં ઘણી જ તાકાત હોય છે." તુલસી એને સમજાવવાનો પ્રયત્ન કરતી.

થોડા સમય પછી સરકારે જાહેર કર્યું કે, બાળકોનું ભણતર બગડે નહીં એ માટે ઓનલાઈન ક્લાસીસ શરૂ કરવામાં આવશે અને બાળકોને ઓનલાઈન ઘરેથી જ ભણવાનું રહેશે.

સરકારે આ જાહેર કર્યા પછી હવે શિખરને પણ ઓનલાઇન ક્લાસીસમાં જ ભણવાનું હતું. આજથી એના ઓનલાઈન ક્લાસીસ શરૂ થવાના હતા. આજે એનો પહેલો ક્લાસ હતો.

(ક્રમશ:)