Love you yaar - 23 books and stories free download online pdf in Gujarati

લવ યુ યાર - ભાગ 23

સાંવરીના સાસુ અલ્પાબેન તો સાંવરીની વાત સાંભળીને જ વિચારમાં પડી ગયા કે, આ બંનેએ મારાથી એટલે કે પોતાની માં થી કઈ વાત છુપાવી હશે ? અને પછી તેમને પોતાનો નાનકડો મીત યાદ આવી ગયો કે, મીતે તો અત્યાર સુધીમાં ક્યારેય કોઈ વાત મારાથી છૂપાવી નથી તો આ વખતે... કદાચ મારો મીત હવે બદલાઈ ગયો છે...અને તેમનું મોં પડી ગયું પણ પછી તરત જ તેમના દિલમાં થયું કે, ના ના આખી દુનિયા બદલાઈ જાય પરંતુ મારો મીત ન બદલાય અને તેમણે આગળની વાત જાણવા માટે, સાંવરીને પ્રશ્ન પૂછ્યો કે, " કેમ બેટા શું થયું હતું ? કંઈ અજુગતું તો નહોતું થઈ ગયું ને ? "

અને સાંવરી શાંતિથી પોતાની સાસુને લંડનની વાત જણાવતાં કહે છે કે, " હા મોમ, અજુગતું જ થઈ ગયું હતું પરંતુ તમારી ભક્તિ અને તમે અને ડેડીએ કરેલું પુણ્ય આડે આવી ગયું. જેણે આપણાં મીતને બચાવી લીધો.
અલ્પાબેનથી ચૂપ રહેવાયું નહિ તે તરતજ બોલ્યા કે, "હાય હાય, શું થયું હતું આપણાં મીતને ? "
સાંવરી: મોમ, અમે અહીંથી લંડન પહોંચ્યા પછી સેમિનાર એટેન્ડ કર્યો અને આપણી કંપનીને મળેલો વર્લ્ડ ફર્સ્ટ બિઝનેસ એવોર્ડ મેં અને મીતે લીધો, એ તો તમે જાણો જ છો. બસ, એ દિવસે તો અમે બંને ખૂબ થાકી ગયા હતા એટલે લંડનમાં રહેલા આપણાં બંગલો ઉપર જઈને સૂઈ ગયા. પછી બીજે દિવસે સવારે મીત ઉઠ્યો તો તેની તબિયત બરાબર નહતી લાગતી એટલે થયું કે, ગઈકાલનો થાક અને ટ્રાવેલીંગ અને વેધર ચેન્જ થયું માટે થોડું અનઈઝીનેસ જેવું લાગે છે એટલે મેં તેને રુટીન ટેબ્લેટ આપી અને આરામ કરવા કહ્યું એ દિવસે અમે બંનેએ આરામ જ કર્યો. પરંતુ તેના પછીના દિવસે પણ મીત ઉઠ્યો તો તેની તબિયત વધારે ખરાબ હતી. તેથી મેં તેને ડૉક્ટર પાસે લઈ જવાનું વિચાર્યું. અમે બંને ડૉ.ચોપરા પાસે ગયા તેમણે મીતને ચેક કર્યો અને બધા રિપોર્ટસ કરાવવા કહ્યું. જેમાં એક રિપોર્ટ કેન્સરનો પણ હતો.
અલ્પાબેન વચ્ચે જ બોલ્યા કે, " ઑ માય ગોડ એટલે મીતને કેન્સર..? "
સાંવરી: અલ્પાબેનની નજીક ગઈ અને તે જ્યાં સોફા ઉપર બેઠા હતા ત્યાં નીચે તેમના પગ પાસે બેસી ગઈ અને તેમના બંને હાથ તેણે પોતાના હાથમાં લઈ લીધા અને પછી બોલી, અત્યારે મીતને એકદમ સારું છે મોમ તમે ચિંતા ન કરશો. પછી મીતના બધાજ રિપોર્ટ્સ આવી ગયા એટલે હું અને મીત ડૉ.ચોપરા પાસે તે બતાવવા માટે ગયા. ડૉ.ચોપરાએ મને એકલીને કેબિનમાં બોલાવી અને મીતને બહાર બેસવા કહ્યું.
પછી ડૉ.ચોપરાએ મને સમજાવ્યું કે, મીતને કેન્સર છે. પણ તે ફર્સ્ટ સ્ટેજનું જ છે અને ક્યોરેબલ છે. જો પ્રોપર ટ્રીટમેન્ટ કરવામાં આવે અને પેશન્ટની પૂરેપૂરી કાળજી લેવામાં આવે તો આ બિલકુલ મટી શકે તેમ છે.
અલ્પાબેનની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી હતી અને સાંવરી પણ ઢીલી પડી ગઈ હતી. પછી આગળ સાંવરીએ જણાવ્યું કે, મોમ મેં ત્યારે જ નક્કી કર્યું હતું કે, ગમે તે થાય ભલે આકાશ પાતાળ એક કરવા પડે પરંતુ મારે આપણાં મીતને બચાવી લેવાનો છે અને હું ત્યારે જ મક્કમ થઈ ગઈ. ડૉક્ટર સાહેબ પાસેથી દવા કઈરીતે ક્યારે કઈ ટેબ્લેટ મીતને આપવાની છે તે મેં સમજી લીધું અને ખાવાપીવામાં મીતને શું આપવાનું છે તે પણ સમજી લીધું અને ડૉક્ટર સાહેબને જણાવ્યું કે, આ વાત મીતને જણાવવાની નથી નહિતર તે ઢીલો પડી જશે અને ભાંગી પડશે.
સાંવરીની આંખમાંથી પણ ટપ ટપ આંસુ સરી રહ્યા હતા જાણે ભૂતકાળનું તે દ્રશ્ય તેની નજર સમક્ષ તાદ્રશ્ય થઈ ગયું હતું અને તે તેમની બંનેની ઉપર વીતી ગયેલો કાળમો ભૂતકાળ તે અનુભવી રહી હતી.
સાંવરી: બસ મોમ પછી તો મેં કોઈને પણ જણાવ્યું જ નહીં તમને પણ નહીં અને મારા મોમ ડેડને પણ નહીં બસ ફક્ત હું અને ડૉક્ટર સાહેબ જ મીતની પરિસ્થિતિથી વાકેફ હતા. ખાવાપીવાથી માંડીને દવા સમયસર આપવી આ બધું અને સાથે સાથે લંડનની ઓફિસ અને અહીંની ઓફિસ આ બધું જ મેં એકલે હાથે સંભાળી લીધું મોમ. બસ મારો એક જ ગોલ હતો કે મીતને એકદમ સારું થઈ જાય અને આપણો મીત કેન્સર જેવા ભયાનક રોગમાંથી મુક્ત થઈ જાય.
પછી તો મીતને પણ ખબર પડી ગઈ હતી કે, તેને કેન્સર... તેણે મને તેને છોડી દેવા અને ઈન્ડિયા લઈ આવવા માટે ખૂબ ફોર્સ કર્યો પણ મારે તેને બચાવી લેવાનો હતો જો હું તેને અહીં લાવત તો તે તમને બધાને જોઇને વધારે ભાંગી પડત અને હું તેને છોડવા નહતી માંગતી, એકવાર કોઈને પતિ તરીકે સ્વીકારી લીધો પછી કઈરીતે તેને છોડી દેવાય ? બસ, મેં તો તેને ઈશ્વર પાસેથી માંગી લીધો હતો કારણ કે સાચા પ્રેમ આગળ ઈશ્વર પણ માથું ઝુકાવી દે છે.

અને સાંવરીએ એક ઉંડો નિસાસો નાખ્યો અને તે બોલી, ખૂબ ખરાબ સમય પસાર કર્યો મોમ અમે, ઈશ્વર કરે કોઈના નસીબમાં આવો ખરાબ સમય ન આવે અને કોઈને પણ આ કેન્સર નામનો રોગ ન થાય.

ઈશ્વરની કૃપાથી અમારા પ્રેમની જીત થઈ મોમ. આપણો મીત બચી ગયો. હવે તે એકદમ ઓકે છે. ડૉ. દિપક ચોપરાએ રજા આપી પછી જ હું તેને અહીંયા લઈ આવી છું. આપણો મીત બચી ગયો મોમ.‌‌.આપણો મીત બચી ગયો...અને અલ્પાબેનના ખોળામાં માથું મૂકીને સાંવરી છૂટ્ટા મોંએ રડી પડી. જાણે તેણે લંડનમાં એકલા રહીને જે સહન કર્યું હતું અને પોતાના હ્રદયમાં જે દર્દ ભરીને રાખ્યું હતું તે દુઃખ અને દર્દ અત્યારે તેના અશ્રુ દ્વારા વહી રહ્યું હતુ. અલ્પાબેન તેમજ સાંવરી બંને રડી રહ્યા હતા અને એટલામાં મીત આવ્યો અને ઘરમાં પ્રવેશતાં જ તેણે બૂમ પાડી, " મોમ...મોમ...

અને અલ્પાબેન અને સાંવરી બંને સ્વસ્થ થવાનો પ્રયત્ન કરવા લાગ્યા....
વધુ આગળના ભાગમાં.....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
12/9/23