Gurjareshwar Kumarpal - 2 books and stories free download online pdf in Gujarati

ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 2

અચળેશ્વર

બારણું વધારે ઊઘડ્યું એટલે કોવિદાસ ને એનો જુવાન સ્વામી બંને અંદર ગયા. 

પેલા બ્રાહ્મણે બહાર એક નજર કરી લઇ બારણું પાછું તરત ઠસાવી દીધું. ઝૂંપડીમાં બે ભાગ જણાતા હતા. અંદરના ભાગમાં દીવો બળી રહ્યો હતો. બ્રાહ્મણ અંદર જઈને દીવો બહાર લઇ આવ્યો.

દીપિકાનો પ્રકાશ વધારે આવતાં જ કોવિદાસે ઝૂંપડીમા ચારે તરફ નજર ફેરવી. તેણે આશ્ચર્ય થયું. કેવળ ભીખનાં હાંલ્લાં સિવાય ઝૂંપડીમા કાંઈ કહેતા કાંઈ જ ન હતું. પાથરવા માટે કે પરાળનો ઢગલો એક બાજુ કરી રાખ્યો હતો તેમ જણાતું હતું. ઉપર, નીચે કે આસપાસ ક્યાંય કોઈ ધાતુપાત્ર દેખાતું ન હતું. જેટલાં હતાં તેટલાં કાં માટીનાં કાં નાળિયેરનાં કાચલાંના! એક બાજુ ખૂણામાં બે-ત્રણ તુંબડા લટકતાં હતા. નીચે નાળિયેરનાં ચારપાંચ કાચલાં ઊંધાં પડ્યાં હતાં. વાસણ તરીકે આ જ વપરાતાં લાગ્યાં.

આવી ભયંકર ગરીબી જોઇને કોવિદાસ એક પળભર શંકામાં પડી ગયો. કોઈ શત્રુરાજપ્રેરિત માણસો તો આવા વેશે પાટણનો રંગ નિહાળવા આવ્યા નહિ હોય? તેણે પોતાના જુવાન સાથીને સાવધ કરવા એનો હાથ જરાક દબાવ્યો. પેલાં બ્રાહ્મણ બ્રહ્મચારીએ એ દેખ્યું હોય કે ગમે તેમ, દીપિકાને એક બાજુ મૂકીને ત્યાં થોડુંક પરાળ પાથરતા એણે બોલવા માંડ્યું:

‘તમે આવી પહોંચ્યા છો વખતસર. હું ગામમાંથી કરભંક માગી લાગ્યો’તો તે અમારા અચળેશ્વરજીને જરા ઠીક નથી એટલે ફેંકી દેવાની તૈયારી કરતો હતો ત્યાં તમે આવ્યા. દિવસે તો આ પ્રપા રહી એટલે કોઈ ને કોઈ આવતા-જતા રહે, સુખદુઃખની વાતો થાતી હોય, નવાજૂની મળ્યા કરે, એટલે વખત ક્યાં ગયો તેની ખબર ન પડે પણ રાત્રે આ સ્થાન તોબા છે – બહુ એકાંતનું! કોઈ કહેતાં કોઈ ફરકે જ નહિ ને! જરાક વહેમ જેવું પણ મનાય છે! આજ વળી તમે આવી ચડ્યા!’

‘ત્યારે તમે વસ્તીમાં કેમ નથી જતા રહેતા!’

‘દ્ર્મ્મ, બાપા, દ્ર્મ્મ! કહેનારે કહ્યું નથી કે લોભે લક્ષણ જાય. કાંઈક મળે એટલે લોભેલોભે આંહીં આ પ્રપામા ઠામણાં સાચવતા રાતે પણ પડ્યા રહીએ. પણ એવા અનુભવ થાય છે! ચાલો, ત્યારે તમે બંને જણા થોડો કરભંક ખાઈ લ્યો.’ નાળિયેરના ઊંધાં પડેલાં કાચલાં ઉપાડવા તેણે હાથ લંબાવ્યો.

તરત જ કોવિદાસ ઉતાવળે-ઉતાવળે બોલી ઊઠ્યો: ‘ના-ના-ના બ્રહ્મદેવ! એવું કાંઈ કરવાની જરૂર નથી. અત્યારે તે કાંઈ ખાવાનું હોય? અરધી રાત તો વીતી ગઈ હશે. અમે સાથુ હતો તે ખાઈને જ બેઠા છીએ. તમારું નામ શું?’

‘મારું નામ માધવેશ્વર.’

બ્રાહ્મણ બ્રહ્મચારી અત્યારસુધી બંનેને નખશિખ નિહાળી રહ્યો હતો, પણ આ સવાલથી જરાક વધારે સાવધ થયો. તેણે એક વેધક દ્રષ્ટિથી બંનેને ફરીથી નીરખ્યા.

‘ક્યાંના – મરુભોમના છો?’

‘ના-ના, અમે તો અર્બુદમંડલમાંથી આવી રહ્યા છીએ, આ બાજુ સાંભળ્યું કે મહારાજને ઘોડાં લેવા છે એટલે નીકળ્યા’તા, પણ ત્યાં તો રસ્તામાં જ...’

‘મહારાજ તો દેવ થયા છે! ભારે થઇ છે! આ પૃથ્વી રંડાઈ ગઈ, બીજું શું!’

‘એ સાંભળ્યું, એટલે તો પછી પગ ભાંગી ગયા. સારું થયું આ રાત ગાળવાનું ઠેકાણું મળ્યું, હવે સવારે પાછા ચાલ્યા જઈશું.’

‘લાંબી ખેંચો ત્યારે.’ માધવેશ્વરે કહ્યું.

અને એ પરાળને જમીન ઉપર સરખી રીતે પાથરવા માંડ્યું. પણ બ્રહ્મચારી આ બંને જણને જોઇને જ પામી ગયો હતો કે આ કોઈ ઘોડાના સોદાગર નથી. જણાતા. એટલામાં  દીપિકાના વધારે પ્રકાશમાં અક્સ્માત આવી ગયેલો પેલા તરુણનો ચહેરો એની દ્રષ્ટિએ પડ્યો અને એ થંભી જ ગયો. એવું વીરત્વભરેલું તેજસ્વી રૂપ એ ચહેરા ઉપર વિલસી રહ્યું હતું કે પળભર માધવેશ્વરને ભ્રાંતિ થઇ આવી. વડમાં રાજવંશીનું ભૂત થાય છે એમ વાત ચાલતી હતી. એ ભૂતો તો આ ન હોય? જેવું એનું રૂપ હતું, તેવું જ શરીરસામર્થ્ય પણ હતું. એના હાથની એક થાપટ પણ સહન કરવી મુશ્કેલ હતી.

માધવેશ્વર એ સામર્થ્ય જાણે જોઈ જ રહ્યો. એણે હજી સુધી આ નવા આવનારાઓની નજરે અચળેશ્વરને પડવા દીધો ન હતો. અંદરના બીજા આવા જ કંગાળ ભાગમાં પરાળની પથારી ઉપર પડ્યો-પડ્યો અચળેશ્વર પડખાં ફેરવી રહ્યો હતો એનો અવાજ પણ આવતો હતો. અચળેશ્વરને કોણ આવ્યું છે એ જાણવાની તાલાવેલી લાગી જણાતી હતી. એણે આ વાત પહોંચાડવી જોઈએ, એટલે માધવેશ્વર બોલ્યો:

‘તમે લંબાવો ત્યારે, થાક્યા હશો. હું જરાક અમારા ભાઈ અચળેશ્વરને ઠીક નથી તે થોડી વાર માથું દાબું, બે ઘડી સુઈ જાય તો. દીપિકાનો વાંધો હોય તો અંદર લઇ લઉં. એમાંય તેલ તો હવે ખૂટ્યું લાગે છે.

કોવિદાસને પણ આ માધવેશ્વરની નજરબંધી બહુ આવકારદાયક જણાતી ન હતી. આંહીં પ્રપામા આ બે જણા કોઈ હેતુસર પડ્યા રહ્યા લાગે છે, એટલું તો એ જાણી ગયો હતો. પણ તેઓ કોણ હતા અને ક્યાંના હતા તે કળી શકાયું ન હતું. એમાં પાછું ‘વાટ્યું ઓસડ ને મૂંડ્યો જોગી’ એની જેમ માધવેશ્વરે દાઢું ઉગાડ્યું હતું, એટલે ખરી રીતે એ કોણ છે એ જાણવું મુશ્કેલ હતું. અચળેશ્વર તો દેખાયો જ ન હતો. કોવિદાસને ચિંતા એ થતી હતી કે નાહકના કોઈની વાતમાં એમને સંડોવાવાનું થાય નહિ.

એટલે માધવેશ્વર બીજા ભાગમાં જવા માટે ઝૂંપડીનું બારણું બરાબર વાસીને જેવો અદ્રશ્ય થયો કે કોવિદાસે પોતાના જુવાન સ્વામીને આંખની ઈશારતથી જ જાગતા રહેવાની સૂચના કરી દીધી. ‘આંહીં કાંઈક વિચિત્ર લાગે છે, મહારાજ!’ તેણે ધીમેથી કહ્યું, ‘આપણે વહેલા જ ભાગવું પડશે!’

‘કેમ?’ તરુણે ધીમેથી પૂછ્યું. જવાબમાં કોવિદાસે ઈશારતથી ઝૂંપડીના અંદરના બીજા ભાગ તરફ એની દ્રષ્ટિ ખેંચી. જુવાને ત્યાં જોયું. માધવેશ્વરે જેને અચળેશ્વર નામ આપ્યું હતું તે ત્યાં હોવો જોઈએ. એમને જોવા માટે એ બહાર ડોકિયું કરતો હોય તેમ લાગ્યું. પણ એટલામાં દીપિકાનો પ્રકાશ આવતા એની આખી મુખમુદ્રા – એક પળમાત્ર – એમની નજરે પડી ગઈ અને બંને જણા ચમકી ઊઠ્યા.

એ મુખમુદ્રામા મેઘ-ચમક્યા વિદ્યુતપ્રકાશ જેવું આંખનું અજબ તેજ બેઠું હતું. બંને સમજી ગયા – કોઈ અચળેશ્વરનું એવું તેજ ન હોય. પણ આ તો આંહીં કોણ બેઠું હોય? વિચાર ઉપર વિચાર આવી ગયા.

કોઈકની વાતમાં ક્યાંક પોતે સપડાતા હોય નહિ!

આ બે જણા આંહીં કોણ પડ્યા હતા એ કોવિદાસ માટે તો કેવળ અનુમાનનો વિષય હતો. આંહીંથી પરિસ્થિતિનો એ જાણકાર ન હતો. તેમ જ એણે પોતાને એમાં રસ પણ થોડો હતો. મહારાજ જયદેવ પાસે એ બંને તો એક ન્યાય માગવા માટે આવી રહ્યા હતા. અને હઠીલો રસ્તામાં મળી જતા. એ એમને ભૂખ જેવો ઓળખી ગયો એટલે જાત પ્રગટ કરવી પડી; ને હવે વાત કૃષ્ણદેવજી સુધી પહોંચી, એટલે પાટણમાં પ્રવેશ કર્યા વિના છૂટકો ન હતો. બાકી તેઓ તો અહીંથી જ પાછા ફરી જવા માગતા હતા.

પણ કોવિદાસને ક્યાં ખબર હતી કે એ પોતે ભલે ને અલિપ્ત રહેવા માગતો હોય, એનો જુવાન સ્વામી તો આવતાં પચાસ વર્ષ પાટણનો સમર્થ સહાયક અને અવિચળ રક્ષક થઇ રહે એવા લેખ અત્યારે જ વિધાતા પાસે લખાઈ રહ્યા હતા. 

આ તરફ માધવેશ્વર જયારે અંદર ગયો ત્યારે એણે અચળેશ્વરને બે હાથ ઉપર શરીર ટેકવીને ઉભડક ડોકે આવનારાઓ કોણ છે એ જાણવાની ઉત્સુકતાભરી પ્રતીક્ષા કરતો દીઠો. તેણે ધીમેથી એના કાનમાં કહ્યું: ‘કોઈક બે જણ છે. એનાથી એક તો રાજવંશી જેવા લાગે છે!’

‘પણ છે કોણ? ક્યાંના છે? કેમ આવ્યા જણાય છે? પાટણ જ જતા લાગે છે! સાથે એમનાં ઘોડાં હશે નાં?’

‘આમ તો ઘોડાના સોદાગર પોતાને ગણાવે છે, એટલે ઘોડાં સાથે હશે જ, પણ સોદાગર-બોદાગર નથી. એકની વીરતા છાની રહી શકતી નથી. પાટણ જવાનાં હોય એમ લાગે છે. જોકે પાછા ફરવાની પણ વાત કરે છે.

‘પણ તને કોના જેવા લાગ્યા, વૌસરિ!’

‘મારાથી ઓળખાયા નહિ, મહારાજ! તમે જો જાણી શકો તો. પણ મેં તમારું નામ અચળેશ્વર કહ્યું છે અને હું માધવેશ્વર બન્યો છું! વાતચીતમાં હવે ધ્યાન રાખજો!’

‘ઠીક, હવે અત્યારે તો સૂઈ જાઓ. સવારે આંહીં જ હશે નાં? ક્યાં જવાનાં છે? રાત જેવું ધાબું છે. જોઈ લેવાશે. પણ કાંઈ કપટ તો નથી લાગતું નાં?’

‘ના-ના, એમ તો નિખાલસ જણાયા.’

‘થયું ત્યારે; સુઈ જાઓ; પણ જોજો વૌસરિ! તને મારો એક અનુભવ કહું. મરદ મરે છે વિશ્વાસે. એટલે એમનો વિશ્વાસ ન કરતો. જાગતા રહેવું – હું પણ જાગું છું. સવારની વાત સવારે.’

થોડી વારમાં ઝૂંપડીનો દિવસો પણ જાણે વિદાય લેતો હોય તેમ ગુલ થઇ ગયો.

નીરવ ગંભીર રાત્રીમાં આખી સીમ જાણે નિષ્પ્રાણ હોય તેમ એકદમ શાંત થઇ ગઈ.

કેવળ એક જ માણસ એ વખતે પણ અશાંત હતો – માધવેશ્વરે જેનું નામ અચળેશ્વર આપ્યું હતું તે. એને થતું કે કહો-ન-કહો પણ આ આવનારો કાંઈક નવાજૂની કરવા આવી રહ્યો છે અને એ લાગે છે સમર્થ. એ કોણ હશે એનું અનુમાન કરવા એણે કૈં કૈં નામો ખોળ્યાં, પણ એકે બંધ બેઠું નહિ. એમ ને એમ જાગતાં-જાગતાં થાકને લીધે એણે ક્યારે ઊંઘ આવી ગઈ એનું પણ એણે ધ્યાન રહ્યું નહિ. વહેલી સવારે એના બ્રાહ્મણ સાથીએ એણે જગાડ્યો ત્યારે એ જાગ્યો. પણ પહેલાં તો શી વાત હતી એની એણે સમજણ પડી નહિ. વાત સ્પષ્ટ થઇ, ત્યારે એના આશ્ચર્યનો તેમ જ ગભરાટનો પાર રહ્યો નહિ. પોતાના બંને અતિથીઓની સંભાળ લેવા બ્રાહ્મણદેવ વૌસરિ વહેલી સવારે ગયો ત્યાં તેણે અતિથીઓ જ ગુમ થયેલા દીઠા! બહાર દોડ્યો, તો કોઈકનાં ઘોડાના દાબડા પાટણ તરફ ગયેલા ભાળ્યા. એણે ખાતરી થઇ કે પેલાં બે જણ... એટલે ગભરાટમા ને ગભરાટમા એ ઝૂંપડીમા આવીને એણે એકદમ જગાડી રહ્યો હતો.