Sambhavna - 2 books and stories free download online pdf in Gujarati

સંભાવના - ભાગ 2

"સાંભળો છો હું શું કહું છું થોડીવાર માટે રોકાઈ જઈ અને પછી નીકળ્યે આમ બીલાડીનો રસ્તો કાપવો તે અપશુકન છે."- જશોદાબેન જુના વિચારોવાળા હતા આથી તેમને ગાડી રોકવા કહ્યું.

"અરે મમ્મી શું તમે પણ ક્યાં જમાનાની વાત કરો છો, અત્યારે એવું કંઈ ના હોય અને આપણને એમ પણ મોડું થઈ રહ્યું છે'- શ્રેયસે કહેતા કહેતા ગાડી સ્ટાર્ટ કરી દીધી.

શિયાળાની કડકડતી ઠંડી.....

સાંજનો સમય....

ડુંગરમાં આથમી રહેલો સૂરજ.....

કુદરત જાણે તેની સુંદરતાનો ખજાનો વરસાવી રહીં હતી. આ સમી સાંજનો નજારો માણતું પટેલ પરિવાર મુસાફરી કરી રહ્યું હતું.

'હોશ વાલોં કો ખબર ક્યા..'

'પપ્પા હવે તો ચેંજ કરો, આ તમારા જમાનાનું મ્યુઝિક બહુ બોર‌ કરે છે.'

નાનકડી કાવ્યાના મોંથી આ સાંભળીને કારમાં સવાર ઘરના બધા સભ્યો ખડખડાટ હસી પડ્યાં.

ઘરના દરેક સભ્યોનો જીવ વસ્તો હતો આ નાનકડી ઢીંગલીમાં. નાનપણથી તેને એક રાજકુમારીની જેમ રાખવામાં આવી હતી.અને એમાં પણ તેના દાદુની તો તે સૌથી વધારે લાડકી હતી.

"દીકરા તારા પપ્પાને દવાનો સમય થઈ ગયો છે આગળ કોઈ હોટલ પર જમી લઈએ તો એમને હું સમયસર દવા આપી દઉં નહીં તો તને તો ખબર છે ને એમની આ ભૂલવાની બીમારી"- જશોદાબેન એ કહ્યું.

શ્રેયસે હકારમાં માથું હલાવી આગળની હોટલ પર ગાડી ઊભી રાખી. યશવર્ધનભાઈને ઉમર થતાં સહેજ ભૂલવાની બીમારી થઈ હતી તેમને જૂની વાતો ભાગ્યે જ યાદ રહેતી હતી.જશોદાબેન હંમેશા તેમનુ જમવાનું સમયસર થાય, દવા સમયસર મળે તે બધી વાતોનું ખૂબ જ ધ્યાન રાખતા હતા. કોઈ વાર જો જશોદાબેન ઘરે ન હોય તો રાધિકા પણ તેમનુ ધ્યાન રાખવામાં કોઈ કસર રાખતી નહોતી.સહેજ આગળની તરફ જતા હાઇવે પર તેમને એક હોટલ મળી. શ્રેયસે તે હોટલ તરફ ગાડી વાળી. જમવાનું જમીને સૌ ફરી પોતાની ગાડીમાં ગોઠવાઈ ગયા.


"અરે આપણે આ ભરૂચ હાઇવે પર છીએ ને ?"-રાધિકાએ શ્રેયસને પૂછ્યું.

"હા, કેમ શું થયું ?"- શ્રેયસ એ પૂછ્યું.

"હા તો સાંભળો અહીંયા આગળથી લેફ્ટ લઈ લેજો ત્યાંથી એક શોર્ટકટ છે ભરૂચ હાઇવે જલ્દી ક્રોસ થઈ જશે. એકવાર રિપોર્ટિંગ માટે અમે અહીંના રોડ પરથી પસાર થયા હતા એટલે મને યાદ છે."-રાધિકાએ શોર્ટકટ રસ્તો બતાવતા કહ્યું.

રાધિકા રિપોર્ટર હતી અને રિપોર્ટિંગ માટે અવારનવાર તેને અહીં આવવાનું થતું હતું.

"તારી વાત બરાબર છે પણ આવી રીતે.... આપણે આમ રાત્રે અજાણ્યા રોડ પર કેવી રીતે......."- શ્રેયસે અજાણ્યા રસ્તા પર જતા પહેલા સહેજ મૂંઝવાતા કહ્યું.

" અરે કંઈ નહીં થાય તમે સાંભળો ને મારી વાત અને લઈ લો ચલો આ બાજુ"-શ્રેયસની વાત ને કાપતા રાધિકાએ કહ્યું.

"ઠીક છે તને ખબર છે રસ્તો તો પછી ચાલો"- કહીને શ્રેયસે ગાડી એ રસ્તા તરફ વાળી.

શ્રેયસે જેવી ગાડી એ તરફ વાળી કે તરત જશોદાબેન પરસેવાથી અત્યંત રેબઝેબ થવા લાગ્યા. એક તો પહેલાથી જ તે પેલી કાળી બિલાડી ના લીધે વહેમમાં હતા અને ઉપરથી આ જાણ્યો રસ્તો તેમના મનમાં સહેજ ફાળ પડી.

"દીકરા આપણે હાઇવે પરથી આપણા રસ્તે જવા દેને આવી રીતે અત્યારે રાત્રે ક્યાં આમ અલગ રસ્તો લઈશું.? આપણને તો એના વિશે કંઈ ખ્યાલ પણ નથી."- જશોદા બેને શ્રેયસને રોકતા કહ્યું

"મમ્મી તમે ચિંતા નથી કરો આ રસ્તા વિશે મને ખબર છે. તમે જવા દો શ્રેયસ આપણે જલ્દી પહોંચી જઈશું."- રાધિકાએ કહ્યું

શ્રેયસે પણ હકારમાં માથું હલાવીને ગાડી લઈ લીધી તે અજાણ્યા રસ્તા તરફ.....

શ્રેયસે જેવી ગાડી એ રસ્તા તરફ વાળી કે ગાડીમાંથી જશોદાબેન ને ફરી ત્યાં જોવા મળી એક કાળી બિલાડી.....

શું આ તેજ કાળી બિલાડી હતી કે પછી હતો માત્ર જશોદાબેનનો વહેમ !

ક્રમશઃ