Love you yaar - 28 books and stories free download online pdf in Gujarati

લવ યુ યાર - ભાગ 28

મીતના સાસુમા સોનલબેન બૂમો પાડતા રહ્યા કે, "ક્યાં ગયા જમાઈરાજા ? આવ્યા છો તો એમનેમ ન જવાય તમને મારા હાથની આદુવાળી ચા ભાવે છે તો પીને જ જાવ.."
પરંતુ મીત તો અત્યારે શરમના માર્યા નીચું માથું કરીને જ ઉભો હતો અને સાસુમાની સામે જોવાની અત્યારે કોનામાં હિંમત હતી..?? શરમનો માર્યો કંઈજ બોલી શકે તેમ જ નહોતો અને કંઈજ બોલ્યા વગર હાથમાં પોતાની ફોર્ચ્યુનરની ચાવી લઈને રૂમની બહાર નીકળવા લાગ્યો.. બંસરીની નજર તેનાં ગાલ ઉપર પડી તેનાથી બોલ્યા વગર ન રહેવાયું, " જીજુ દીના હાથની મહેંદી તમે ગાલ ઉપર લગાવી દીધી ? " અને મીતે ગાલ ઉપર પોતાનો હાથ ફેરવ્યો તો હાથમાં મહેંદી લાગી પછી સામે રાખેલા દર્પણમાં નજર કરી તો સાંવરીની મહેંદીનો રંગ તેનાં ગાલ ઉપર ચઢ્યો હતો એટલે તે જોઈને નાની સાળી બંસરીને તો જીજુની મશ્કરી કરવાની ખૂબ મજા પડી ગઈ હતી અને ચાન્સ પણ મળી ગયો હતો, તો જવા ઓછો દેવાય ? આવો ચાન્સ તે છોડવા માંગતી નહોતી એટલે તેણે ફરીથી ટકોર કરી કે, " જાવ જાવ હવે એ રંગ તો નહીં જાય મારી દીના સાચા પ્રેમનો રંગ તમારા ગાલ ઉપર ચઢ્યો છે અને માટે જ તમારા ગાલ લાલ લાલ થયા છે. " અને સાંવરી તેમજ મીત બંને મનમાં ને મનમાં હસી રહ્યા હતા અને મીત શરમાઈ પણ રહ્યો હતો... મીત કશુંજ બોલ્યા વગર ચૂપચાપ ઘરમાંથી બહાર નીકળી ગયો અને તેના સાસુમા એટલે કે સાંવરીના મમ્મી સોનલબેન બૂમો પાડતા રહ્યા કે, " ક્યાં ગયા જમાઈરાજા ? કંઈ ચા પાણી કર્યા વગર જ જતાં રહ્યાં ? "
બંસરી હસવા લાગી અને બોલી કે, " ચા પાણી કરવા થોડા આવ્યા હતા એ તો તારી આ લાડલીને મળવા આવ્યા હતા.."
અને સાંવરીની આંખો ઢળેલી હતી તેનાં શરીર ઉપર મીતના પ્રેમનો રંગ અને હાથમાં તેનાં નામની મહેંદીનો રંગ બરાબર ચઢ્યો હતો.

મીતે એક જ સેલ મારીને ગાડી પોતાના ઘર તરફ હંકારી મૂકી.. પોતાના બંગલાના પાર્કિંગમાં ગાડી પાર્ક કરીને ઘરમાં પ્રવેશ્યો ઉપર પોતાના રૂમમાં જવા માટે જતો હતો ને ત્યાં તેનાં મામી સુશીલાબેન રસોડામાંથી બહાર આવ્યા તેમની નજર તેનાં ચહેરા ઉપર પડી એટલે તે પણ તરત જ બોલ્યા કે, " સાંવરીએ હાથમાં મહેંદી મુકાવી અને તે ગાલ ઉપર મુકાવી ? "
મીતે પોતાનો હાથ ગાલ ઉપર મૂકી દીધો અને શરમાઈ ગયો કંઈજ જવાબ ન આપી શક્યો અને મામાની દીકરી ખૂશ્બુએ તેનું ઉપરાણું લીધું કે, " શું મમ્મી તું પણ કંઈ પણ બોલવાનું બાકી નથી રાખતી.."
સુશીલાબેને પોતાના નણંદ અલ્પાબહેનને બૂમ પાડી કે, " આપણે કાલે પીઠીનો સમય કેટલાં વાગ્યાનો છે ? "

અલ્પાબેન: સવારે સાડા સાત વાગ્યાનો સમય છે. ગોરમહારાજ સવારે સાત વાગ્યે આવી જવાના છે જરૂરી સામાન તે સાથે લઈને જ આવવાના છે તેથી આપણે કંઈ ચિંતા નથી. બસ ગણેશજી તો પૂર્વ દિશામાં પેઈન્ટ કરાવી દીધા છે અને સોસાયટીમાં આજુબાજુમાં રહેતાં તેમજ સગાં સંબંધીમાં બધાને પીઠી માટે સમયસર આવવાનું કહી દીધું છે એટલે ચિંતા કરશો નહીં.

મીત અને સાંવરી બંનેની ખુશી આજે ચરમસીમાએ પહોંચી ગઈ હતી.. એક મિનિટ માટે મીત પોતાના ભૂતકાળમાં સરી પડ્યો હતો કે... તેને કેન્સર થયું ત્યારે તેની કેવી દશા હતી..!! અને તેને પોતાને પોતે ભૂતકાળમાં કરેલા ખરાબ વ્યસન ઉપર આજે ખૂબજ પસ્તાવો થતો હતો પરંતુ સાંવરીનો અનહદ પ્રેમ અને પોતાના પરિવારનું સદ્નસીબ જ તેને આ ફર્સ્ટ સ્ટેજના કેન્સરથી બચાવી શક્યા હતા કારણ કે તે તરતજ ડીટેક્ટ થઈ ગયું હતું અને તેની તરતજ ટ્રીટમેન્ટ પણ શરૂ કરી દેવામાં આવી હતી તો તે બચી ગયો આજે તેને થતું હતું કે મેં શું કામ આવું ખરાબ અને ખતરનાક જીવલેણ સ્મોકિંગ અને ડ્રીંકીંગનું વ્યસન કર્યું હતું..?? જેને કારણે મારે મારા જીવથી પણ વધારે વ્હાલી મારી સાંવરીને અને મારા પરિવારને આટલું બધું સહન કરવું પડ્યું..??

પરંતુ સાંવરી... મારી વ્હાલી સાંવરી... પારકા દેશમાં લંડનમાં મારી સાથે રહી તેની હિંમતને દાદ આપવી પડે તેમ છે તેણે કોઈને જણાવ્યું પણ નહીં ઈવન મને પણ જાણ નહોતી થવા દીધી કે મને કેન્સર છે કારણ કે હું ભાંગી પડુ અને મારી બેસ્ટમાં બેસ્ટ ટ્રીટમેન્ટ કરતી રહી અને હું આબાદ રીતે બચી ગયો જીવનની એ આકરામાં આકરી કસોટીમાંથી અમે પાર ઉતરી ગયા.. એ સમય કદાચ હું ભૂલવા માંગીશ તો પણ નહીં ભૂલી શકું... અને સાંવરીને હમણાં પોતાના આલિંગનમાં લઈને આવ્યો હતો તે તેણે યાદ કર્યું અને એક ઉંડો શ્વાસ લીધો અને મનોમન ઈશ્વરને પ્રાર્થના કરી કે, ભવોભવ મને મારી સાંવરીનો સાથ મળતો રહે પ્રભુ, હું તેના વગર અધુરો છું અરે હું તેનાં વગર કંઈ જ નથી તે છે તો જ હું છું.. અને પછી તેનાં મગજમાં બીજો એક વિચાર આવ્યો કે, હું ખૂબજ ભાગ્યશાળી છું તો મને મારી મારા જીવથી વધુ વ્હાલી મારી સાંવરી મળી પરંતુ બધાના નસીબમાં તો આવી જીવનસંગીની ન પણ હોય..!! અને જવાનીના જોશમાં અને અનમેચ્યુરીટીમાં અને કેટલાંક એવાં મિત્રોને અને ખરાબ માહોલને કારણે ખૂબજ ખરાબ વ્યસને ચઢી જતાં હોય છે અરે કેટલાંક તો ડ્રગ એડીક્ટ પણ થઈ જતાં હોય છે જેમને માટે કંઈક કરવું જોઈએ અને તેણે એક ઉંડો નિસાસો નાખ્યો અને પછી નક્કી કર્યું કે આવા યંગ સ્ટર્શ માટે આવા ખરાબ લતે ચઢી ગયેલા યંગ જનરેશન માટે હું એક "વ્યસન મુક્તિ" અભિયાન શરૂ કરીશ તેમની સામે મારા જીવનનો સચોટ દાખલો રજૂ કરીશ અને તેમને ખરાબ જીવલેણ વ્યસનમાંથી મુક્તિ અપાવીશ તેને માટે જે પણ પૈસા ખર્ચ થશે તે હું મારી કમાણીમાંથી આપીશ અને તેને માટે એક સંસ્થા પણ ઉભી કરીશ...અને આવા મનોમંથનની સફરે તે ખૂબ દૂર નીકળી ગયો હતો અને મક્કમપણે વિચારી રહ્યો હતો ત્યાં.. ક્યારનું કોઈ ડોર ઉપર નૉક કરી રહ્યું હતુ કે.." મીત ભાઈ..મીત ભાઈ.." અને એકદમ જાણે તે ઉંઘમાંથી ઉઠ્યો હોય અને બૂમ પાડે તેમ તે સભાન અવસ્થામાં આવ્યો અને જોરથી બોલ્યો કે, " હા ખોલું બેટા.." બારણું ખોલ્યું તો સામે ખુશ્બુ હતી જે કહી રહી હતી કે, " ક્યારની બારણું ખખડાવુ છું શું કરતાં હતાં ? સૂઈ ગયા હતા કે શું ? "
મીતે પણ હસીને કહી દીધું કે, " હા બસ જરા આંખ લાગી ગઈ હતી... બોલ બેટા શું કામ છે..?? "
અને ખુશ્બુ પણ સમજી અને બોલી કે, " આખી રાત વાતો કરી લાગે છે ભાભી સાથે ? ચાલો હવે નીચે તમને બોલાવે છે ફીઆ.."
મીત: બસ આવ્યો..ટુ મીનીટ્સ પ્લીઝ..
ખુશ્બુ: ઓકે જરા જલ્દીથી આવજો મારે ફરીથી બોલાવવા માટે ન આવવું પડે..
મીત: ના ના જલ્દીથી આવ્યો બેટા તું જા.

હવે પીઠીની બરાબર તૈયારી ચાલી રહી છે... અને પછી લગ્ન.. મહેંદીનો રંગ તો મીત અને સાંવરીને કેવો ચઢ્યો તે આપણે જોઈ લીધું હવે પીઠીનો રંગ કેવો ચઢે છે તે આપણે આગળના ભાગમાં જોઈશું...આપ પણ સૌ પીઠીની વિધિમાં હાજર રહેજો.. અને યોગ્ય પ્રતિભાવ આપતા રહેશો આપના પ્રતિભાવથી જ મને આગળ વધુ ને વધુ સારું લખવાની પ્રેરણા મળતી રહે છે..આપની લેખિકા...
~જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
21/10/23