Anokhi Pretkatha - 1 books and stories free download online pdf in Gujarati

અનોખી પ્રેતકથા - 1

અસ્વીકરણ:
આ રચના સંપૂર્ણ કાલ્પનિક છે જેનો કોઈ વ્યક્તિ વિશેષ કે ઘટના સાથે સંબંધ નથી છતાં સામ્યતા જણાય તો એ માત્ર સંયોગ છે.
_______________________
રૂપરેખા:
આ વખતે એક અલગ જ કથાવસ્તુ માનસપટ પર ઉભર્યુ. હોર્મેડી (હોરર કૉમેડી) લખવાની ઈચ્છા થઈ.

"અનોખી પ્રેતકથા" - કેવું લાગ્યું શીર્ષક?
શું કહ્યું? પ્રેમકથા?
ના ના તમે બરાબર વાંચ્યું છે - પ્રેતકથા.
આમ તો શીર્ષક પરથી તો ખ્યાલ આવી જ ગયો હશે કથાનકનો, તો નાહકની પાત્રોની ચર્ચા કરી વધુ સમય શું કામ બગાડવો!

કહેવાય છે કે ઈચ્છાઓ પૂરી કરી લેવી સારી. ન પૂરી થાય તો પ્રેતેચ્છા એટલે કે ઈચ્છાઓ પ્રેત બની જાય છે એટલે લખવાની ઇચ્છા થઇ તો પૂરી કરી લેવી જ સારી એમ વિચારી શરુઆત તો કરી છે પછી તો મૂડ.....!!!

તો શરું કરીએ!!!
*****************
ભાગ - ૧

એક શ્વેત-શ્યામ રૂ જેવો નાજૂક દરવાજો મેં જોયો. ખોલવાનો પ્રયત્ન કર્યો પણ વ્યર્થ. મેં ઘરે જવા પ્રયત્ન કર્યો પણ વ્યર્થ.
છેલ્લાં બાર દિવસમાં બનેલી ઘટનાઓ મારા મગજમાં ઘૂમરી મારી મારીને મને હેરાન કરી રહી હતી. બારમા દિવસે હું ઉપર તરફ ખેંચાયો. ગુરુત્વાકર્ષણ મને અસર નહોતું કરી રહ્યું. ઉપરથી હું નીચે છૂટતું મારું ઘર, મારા સ્વજનો, મારું શહેર, મારો દેશ તથા છૂટતી જતી પૃથ્વી જોઇ શકતો હતો. અચાનક હું એક અજાણ્યા વિશ્વમાં પટકાયો. ના.. હું બે વિશ્વ વચ્ચે અટકી પડ્યો. એક વિશ્વ મારું જાણીતું જ્યાં મારા સ્વજનો હતાં, મિત્રો હતાં, જીવન હતું પણ ત્યાં જવું હવે કદાચ શક્ય નહોતું અને બીજી તરફ આ દરવાજો જે ઉઘડતો જ નહોતો. ચારે તરફનો અંધકાર મને ડરાવી રહ્યો પણ હું શું કરી શકવાનો! હું માથું પકડી બેસી ગયો અને જોર જોરથી રડવા લાગ્યો.

થોડીવારમાં દરવાજો જાતે જ રૂ જેવો નાજૂક હોવા છતાં ચરરર... અવાજ કરતો ખૂલ્યો ને
"એ કોણ છે?" એવો એક મધુરો અવાજ પણ સંભળાયો.

મેં અવાજની દિશામાં જોયું તો એક સુંદર યુવતી મારી સામે ઉભી હતી. એણે કંઈક ફ્રોકને મળતું આવતું પાની સુધીનું સફેદ વસ્ત્ર પહેર્યું હતું. એનાં વાળ હવામાં મંદ મંદ મલકાઇ રહ્યાં હતાં. મને લાગ્યું કે, આ તો અપ્સરા જ. નક્કી હું સ્વર્ગનાં દ્વારે જ છું. પણ એનો પહેરવેશ? હશે... છોકરીઓ ગમે ત્યાં હોય ફૅશન તો કરે જ. પેલાં આભૂષણો અને પૌરાણિક વસ્ત્રોથી કંટાળી હશે એટલે નવો અવતાર ધારણ કર્યો હશે.

"કોણ છે તું?" એ મીઠી ઘંટડી ફરી રણકી.

મેં ફરી વિચાર્યું, આ તો સંસ્કૃતના બદલે મારી જ માતૃભાષા બોલે છે. હશે! સ્વર્ગમાં રહેનારાં તો કોઇ પણ ભાષા બોલી શકે.

એ ઘંટડી થોડી વધું જોરમાં રણકી એટલે જવાબ આપ્યો.

"હું અમર છું."

જવાબ સાંભળી એ તો પાગલની જેમ પેટ પકડી હસવા લાગી. હું આશ્ચર્યથી એને જોઈ રહ્યો.
એણે ફરી પૂછ્યું, "અમર?"

"હા. અમર." મેં નિર્દોષતાથી ફરી જવાબ આપ્યો.

એ ફરી હસવા લાગી. મને ગુસ્સો આવતો હતો. પછી મારાથી ન રહેવાયું.

"શું કામ હસે છે? મેં મારું નામ કહ્યું છે કોઈ રમૂજી ટુચકો નહીં અને મારું નામ કંઈ રમુજી નથી."

"ના રમૂજી તો બિલકુલ નથી પણ મૃત્યુ પછી કોઈ પોતાને અમર કહે છે એટલે હસવું આવ્યું." એમ કહી એ ફરી હસવા લાગી.

હા. હું કંઈ રીતે ભૂલી ગયો કે હવે હું... વિચારતાં આંખો ભીંજાઇ ગઇ.

"સૉરી" એ બોલી.

હું કંઈ ન બોલ્યો. મને મારું અત્યાર સુધીનું સુખ અને ખુશીભર્યું જીવન યાદ આવ્યું. મારી પાછળ આક્રંદ કરતાં સ્વજનો યાદ આવ્યાં. એ બાર દિવસ હું બધી જગ્યાએ ફર્યો જે મને પ્રિય હતી. એ દરેક વ્યક્તિને મળ્યો, એમનાં મનોભાવ વાંચ્યા જે મને પ્રિય હતી. કેટલાંક લોકોની મનની વાતો પણ જાણી, મારા વિશેના અભિપ્રાયો પણ જાણ્યા. સત્ય જાણ્યું. કેટલાંક સાચે જ દુખી હતાં અને લાગણી વ્યક્ત કરતાં હતાં તો કેટલાક ઉપરથી સારું બોલતાં હતાં પણ હું એમનાં સાચાં વિચારો વાંચી શકતો હતો. એમનાં આક્ષેપો સાંભળી એકવાર તો જવાબ આપ્યો પણ હું ક્યાં કોઈને સંભળાતો હતો! મેં હૉલમાં પડેલા મારા નિશ્ચેતન શરીરમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો પણ સફળ ન થયો, ઘણું મોડું થઈ ગયું હતું. મમ્મી મારી આંગળીનો સળવળાટ જોઈ શક્યાં અને બોલ્યાં પણ... પણ માને કોણ? સૌને તો એમ જ લાગ્યું કે માને આઘાત લાગ્યો છે. તે દિવસે મને સમજાયું કે, માને ઈશ્વરતુલ્ય કેમ ગણાય છે! એને એનાં બાળકની દરેક હિલચાલનો અણસાર આવે છે માટે. આગલા દિવસે પણ મમ્મીએ મને કહ્યું હતું કે એ મારી સાથે જ છે. કદાચ એમને અણસાર આવી ગયેલો.

એ અપ્સરાનાં સ્પર્શની અનુભૂતિએ મને વિચારોમાંથી બહાર કાઢ્યો. મેં ભીની આંખે એનાં તરફ જોયું. એની પણ આંખો ભીની હતી. શું એ અંતર્યામી હતી! એણે મારા ભાવો કળી લીધાં! સ્વર્ગમાં રહેનારાં માટે તો બધું જ શક્ય છે એમ વિચારી હું એનાં ઇશારે એની પાછળ ચાલવા લાગ્યો. અમે બંનેએ દરવાજો પાર કર્યો ને દરવાજો બંધ થઈ ગયો.

અંદર પ્રવેશતાં જ આછાં ઉજાસ સાથેનો અંધકાર જોઈ મને આશ્ચર્ય થયું, "સ્વર્ગમાં અંધકાર!"

ધીમે ધીમે આંખો ટેવાઇ અને સામેનું દ્રશ્ય જોઈ ડરથી થરથર કાંપતા મારાથી ચીસ પડાઈ ગઈ.

(ક્રમશઃ)