BHOOT, BHEMO NE BHAMARAJI - 1 books and stories free download online pdf in Gujarati

ભૂત, ભેમો ને ભમરાજી - ભાગ 1

"ભૂત બૂત કોય ના હોય લ્યા.. એ તો બધી મનની વે'મો સે પથુ.. તને આવુ ભૂતનું તૂત કને વરગાડ્યું સે લ્યા..? "
"જો ભઈ ચંદુ, તુ કે' એટલે હાચુ જ મોની લેવાનું ઈમ.?"
"ના, ઈમ નઈ. પણ મું આવી વાતોમોં નહીં મોનતો. અન હોય તો મને ચમ નહીં દેખાતું.?"
"આવુ અભિમોન હારુ નઈ હો લ્યા ચંદુ.. કોક દાડો હોમે ભડઈ જયા, એ દાડે બધું અભિમોન ચેડેથી નેકળી જાસે પાસું.."
"અલ્યા, ઓમોં અભિમોનની વાત નહીં પથલા. પણ જે હકીકત હોય એ તો સ્વીકારવી જ પડે ને..! ચ્યમ લ્યા માસ્તર, મારું કે'વું હાચું સે કે ખોટું..?"
પથુ, ચંદુ અને હું ત્રણ જણા બપોરે પાદરના વડ નીચે બેઠા હતા. એમાં કોઈક વાતમાંથી ભૂતની વાત નીકળી, એટલે પથુ અને ચંદુ ચર્ચાએ ચડ્યા. હું બન્નેની વાતો શાંતિથી સાંભળતો હતો. એમાં ચંદુએ મને જ પ્રશ્ન પૂછ્યો.
હું આજે મજાકના મૂડમાં હતો. ચર્ચા થોડી આગળ વધવાના ઈરાદે મેં કહ્યું, "જો ભઈ ચંદુ, ભૂત હોય પણ ખરું અને ના પણ હોય."
"ઈમ હા અને ના બેય ના ચાલે હોં માસ્તર. હોય અને ના પણ હોય, એ વળી ચેવું ઈયાર..?"
"એ એવું કે જો મોનીએ તો હોય, અને ના મોનીએ તો ના હોય.. તમે જેવુ વિચારો એવુ દેખાય. ચ્યમ પથુ, હાચી વાત ને..?? "
"અલ્યા માસ્તર, હાવ હાચી વાત. ભૂત હોય જ. આ બધા કાળીચૌદસે મોહણીયોંમોં સાધવા જઈં સીં, એ બધું ખોટું તો..??" પથુ થોડો અકળાયો.
"બધોં જ ગપ્પોં સીં લ્યા પથલા, આ સાધવાની વાતો ચોય તંબૂરામોંયે હાચી નહીં હોતી. તું યે શું લઈ મોંડ્યો સે ચ્યારનો..?" ચંદુ પણ થોડો ખિજાણો.
"ઊભો રે , ઊભો રે, તો ટેકરાવાળા ભમરાજી માહરાજેય ખોટા..? એ દર કાળીચૌદસે સાધવા જઈં સીં. આખા ગોમ ને ખબર સે કે ઈમને જન સાધેલો સે. ઈએ ખોટું..?" પથુએ પોતાની વાત સાબિતી સાથે દોહરાવી.
"ચોય તુંબલામોંયે હાચું નહીં. બધોંયે ટાઢા પો'રનોં ગપ્પોં સીં લ્યા." આજે ચંદુ પણ મક્કમ હતો.
"બસ... બસ... અલ્યા મેલો ન આ બધી માથાકૂટ.. તમારા બે મોં થી એકેય ને ભૂત ઉપર પીએચડી કરવું સે..? ચ્યાણનું ભૂત ભૂત કરીને માથું ચડાઈ દીધુ ઈયાર..હવે ચૂપ.. " બન્નેની ઉગ્ર ચર્ચાઓથી હું પણ કંટાળ્યો.
થોડીવાર શાંતિ છવાયેલી રહી. એટલામાં પથુને ઘરેથી કોઈક સંદેશો આવ્યો એટલે અમે એ ચર્ચાને ત્યાં જ અટકાવીને છૂટા પડ્યા.
*******
રાત્રે જમ્યા પછી વળી પાછા અમે ત્રણેય જણ મળ્યા. ફરી પાછી ભૂતની ચર્ચા નીકળી. પથુને પોતાની વાત મનાવવાની સનક ઉપડી હતી. પરંતુ ચંદુ એકનો બે થવા તૈયાર નહોતો. હું ચર્ચાની મજા લેવા ખાતર બન્ને પક્ષે હતો.
"ઓમ તો પથુનીયે વાત હાવ કાઢી નોંખ્યા જેવી નહીં હોં ચંદુ. ઈન કોક એવો પરચો મળ્યો હશે તાણે તો એ કે'તો હશે ને ભઈ." મેં મમરો મૂક્યો.
"હા... માસ્તર, મુંયે ચ્યારનો એજ કઉ સું કે આ ભઈ હજુ ભૂતની ભડીઓ મોં આયા નહીં ને એટલે આટલા બોસ બકીં સીં. પણ એ ખબેર નહીં કે બધા દાડા હરખા નઈ જઈં." પથુએ ચંદુને ટોન્ટ માર્યો.
"હારુ ભઈ, મું ભડીઓ મોં આઉ તો તું સોડાવવા ના આવતો. બાકી ભૂતવાળી વાતો તો તારી વે'મ જ સે ભઈ." ચંદુએ પણ ટોણો માર્યો.
"અલ્યા માસ્તર, હવ આ ચંદુડીને મારે શું કે'વું..? હેંડજો ભમરાજી માહરાજ જોડે જઈએ. હમણાં ખબર..." કહેતાં પથુ અમને બન્નેને હાથ પકડીને લઈ જવા મથી રહ્યો.
"અલ્યા, એ ભમરોએ તારો જ ભઈ સે ને. તમે બધાએ બીકણ છો. તુ તારે એકલો જા. મારે નહીં આબ્બુ કોઈ ભમરા-બમરા જોડે.." ચંદુએ હાથ છોડાવતાં કહ્યું.
"ચ્યમ નહીં આબ્બુ..? ઈમ નહીં કે'તો કે ઈકણીંયો જતોં ફાટે સે.. મોટો મરદનો શીયો હોય તો હેંડ ભમરાજી જોડે.." પથુ જોશથી ચંદુને ખેંચવા લાગ્યો.
વળી પાછી ધમાચકડી વધતી ચાલી એટલે હું વચમાં પડ્યો. "ચોય નહીં જઉ લ્યા. ઓય બેહો ન શોંતિથી. તમે બેય હાચા બસ..!"
એટલામાં ભેમો ભીલ ત્યાંથી નીકળ્યો. મને જોતાં જ બોલ્યો, "ચ્યમ માસ્તર..? શું હાચુંખોટું કરો સો..? "
"ઓહ, ભેમો..? તુ ઓમ ચો ઉપડ્યો લ્યા..? પીવા તો નહીં જતો ને..?"
"ના, ના, માસ્તર. આ તો શંભુજીના ઘેર દોનજીના પૈસા લેવા જ્યો'તો. તે આ બાજુથી નેકળ્યો.." ભેમો ખિસ્સામાંથી પૈસા કાઢતો બોલ્યો.
"ઓહ, એવુ સે.. ? બઉ હારુ હોં.. પણ હેં ભેમા, પીવાનું સોડી દીધું કે ચાલુ..?" ચંદુએ હસતાં હસતાં પૂછ્યું.
"સોડી દીધું હોં ચંદુભઈ. પણ એવો ટેમ આવ તો સોટો લઈ લઉ. ઈએ ચોક ભવિસમોં કોક્ક જ દાડો."
"તો ઈએ બંદ કરી દેને. કોક દાડોએ શું કોમ લેવું પડે..? ઈમોં કોય હવાદ મળે સે.? ખોટું સરીરને નુકસોન કરવાનું ને..!" મેં ભેમાને થોડું "જ્ઞાન" આપતાં કહ્યું.
"હવાદ તો કોય નહીં માસ્તર, પણ આ કોક દાડો જીવ આઘોપાસો થઈ જાય ઈના દાડે હાળુ કંટરોલ નહીં રે'તો. પણ તમે કો' સો તો લ્યો તાણ આજથી હાવ બંદ. હવે નઈ લઉં બસ..! લ્યો તાણ મારે મોડું થાય સે.." એમ કહેતો ભેમો ત્યાંથી નીકળી ગયો.
"આ જૂઠો, કદીએ પીવાનું સોડવાનો નહીં લ્યા માસ્તર. હેવા પડ્યો હોય એ જાય કદી..?" પથુ ચીડપૂર્વક બોલ્યો.
"એ બધું એ જોણે. આપડે તો બે શબ્દો હારા કેવામોં શો વોધો..?" એમ કહીને હું પણ ઊભો થયો. "હેંડો, હવે ઊંઘ ચડી સે. ઘેર જઈએ."
ત્યારબાદ બે-ચાર મિનિટ ભેમાની વાતો કરીને અમે છૂટા પડ્યા.
********
રાત્રે પથારીમાં પડતાં જ પથુની વાત યાદ આવી. પથુ એની રીતે તો સાચો જ હતો. ગામલોકોમાં ભૂતની વાતો તો હાલતાં ને ચાલતાં સાંભળવા મળે. એમાં પાદરનો વડ, તળાવનો પીપળો, ગોઝારિયો કૂવો, સ્મશાનનો ખિજડો, ગોચરનો વખડો, આડીવાટની આંબલી વગેરે એવાં સ્થળો હતાં કે જ્યાં અનેક લોકોને ભૂતના પરચા મળ્યાની વાતો સાંભળવા મળતી.
આ બધી જગ્યાઓ સિવાય ખેતર, સીમ, અને ગામના કેટલાંક ખંડેરો પણ ભૂતકથાઓ સાથે જોડાયેલાં હતાં. પથુ જેવા ભોળા મનના માનવીઓ એમાં બહુ માનતા. માત્ર માનતા એટલું જ નહીં, ભૂલથી પણ ભૂત વિશે આડુઅવળું બોલતાં ડરતા. ક્યારેક જો એવું કંઈ બોલાઈ ગયું હોય તો એ બાજુ સામા પગલે હાથ જોડીને માફી પણ માંગી લેતા.
જ્યારે બીજી બાજુ ચંદુ જેવા લોકો પણ હતા કે જેમને આ ભૂતની વાતો તૂત લાગતી. એટલે જ તો પથુ-ચંદુની રકઝક અવારનવાર જામી જ પડતી.
હું પથારીમાં પડ્યો પડ્યો વિચારે ચડ્યો. એમાં ભમરાજી મહારાજ યાદ આવ્યા. કેટકેટલી વાયકાઓ આ ભમરાજી વિશે ગામમાં ચર્ચાતી હતી. કોઈ એમણે જાદુના જાણકાર કહેતું, તો કોઈ મેલી વિદ્યાઓના જાણકાર કહેતું. કોઈ કહેતું કે એમણે જન સાધ્યો છે, તો વળી કોઈ અલૌકિક શકિતઓના અવતાર ગણાવતું. આમ ભમરાજી મહારાજનું વ્યક્તિત્વ જરા અટપટું હતું.
ગામમાં એક વાત તો જગજાહેર હતી તે ભમરાજી કાળીચૌદસની રાત્રે સ્મશાનમાં સાધના કરવા જતા. ત્યાં અનેક ભૂતો સાથે એમણે મોંઢેમોંઢ વાતો પણ કરેલી છે. સ્મશાનનો ખવીસ તો આવીને હાથોહાથ ચલમ લઈને પીતો. ચૂડેલ સાથે એમણે ચા પણ પીધેલી છે. બીજાં નાનાંમોટાં ભૂત તો ભમરાજી કહે ત્યારે આવીને સેવામાં હાજર થઈ જતાં. આવી તો અનેક વાતો અને રહસ્ય ભમરાજી સાથે જોડાયેલાં હતાં.
"સાલું આ બધુ હાચું હસે..?" મારા મનમાં એક સવાલ ઉઠ્યો. શક્ય એટલી તમામ બાજુથી મેં વિચાર્યું. પણ એકેય બાજુથી ભમરાજીની વાતો મારા ગળે ઉતરી નહીં.
"આ ભમરાજીનો કો'ક ઑળ પાડવો પડસે" એવું નક્કી કરીને મેં સૂવાનો પ્રયત્ન કર્યો.
*************(ક્રમશઃ)
- "નિસર્ગ"🍁🍁🍁