Miraculous Rudraksha - 3 books and stories free download online pdf in Gujarati

ચમત્કારિક રૂદ્રાક્ષ - 3

ચમત્કારિક રૂદ્રાક્ષ - 3

(ભાગ-૩ સમજવા માટે શરૂથી ભાગ-૧ અને ૨ વાંચશો તો વાંચવાની મજા આવશે.)

·         એનો એક કિસ્સો કહું તમને...!

        અમારા ગામ સરખાડીમાં બહુ ઓછા લોકો માછલી પકડવાનું કામ કરતાં. દરિયામાં ખુબ અંદર જઇએ તો જ માછલીઓ જાળમાં આવતી. અને ખુબ અંદર જવામાં જોખમ રહેતું. એટલે બહુ ઓછા લોકો જ માછીમારી કરતાં. તે પૈકી એક માછીમાર એક દિવસ દરિયામાં જ્યારે માછલીઓ પકડવા ગયો ત્યારે તેની જાળમાં ફસાયેલી માછલીઓ પૈકી એક માછલીના મોંઢામાં કંઇક ફસાયેલું જોયું. તે કાઢવા જતાં તે માછીમારને વાગ્યુ અને તેનું લોહી એ પદાર્થ પર પડ્યું. તે પદાર્થના કારણે માછીમારને ઇજા થઇ છતાં તેણે તે પદાર્થને પાણીથી ધોઇ અને ચોખ્ખો કર્યો. ચોખ્ખા થયા પછી તેને ખ્યાલ આવ્યો કે આ એક રૂદ્રાક્ષ છે. એટલે માછીમારે તે રૂદ્રાક્ષને એક ધાતુંની રાંગમાં ફીટ કરીને તેમાં દોરો બાંધી ગળામાં પહેરી લીધો. આમ, તે માછીમારે આ રૂદ્રાક્ષને ધારણ કર્યો.

સાહેબ...! શું આ એ જ .....! પત્રકાર બોલ્યો.

હા.... આ એ જ રૂદ્રાક્ષ.....!

રૂદ્રાક્ષ ધારણ કર્યાથી માછીમારની જીંદગી જ બદલાઇ ગઇ. દિવસ પૂરો થતા માછીમાર તો સુઇ ગયો. પરંતું સવારે જાગ્યો ત્યારે અવાચક બની ગયો. માછીમારની ઝુંપડીમાં એક મોટો તુટેલો કાચ (મીરર) હતો. તે રોજ સવારે જાગીને પોતાની જાતને આઇનામાં જોતો અને વસવસો કરતો, કે આ એ જ હું છું જે મારા ઘર માટે બે વખતનું ખાવાનું પણ પૂરતું નથી લાવી શકતો. એમ રોજ વસવસો કરતો અને નવા સંકલ

પ સાથે રોજગાર માટે નીકળી પડતો. માછીમારની દૈનિક દિનચર્યા મુજબ સવારે જાગીને એ સૌ પ્રથમ પોતાને આઇનામાં જુએ છે. અને જોઇને ચકિત થઇ જાય છે. તેના શરીર પર કેટલીક આડી-અવળી લાઇનો પડી ગયેલ હોય છે. આ લાઇનો એવા પ્રકારની દેખાઇ રહી છે કે જાણે કોઇકે કંઇક દોરેલું હોય. પરંતું માછીમારને એ દોરેલી જગ્યાએ બળતરા અનુભવાય છે. તે કંઇ સમજી નથી શકતો. એટલે બળતરાને બેધ્યાન કરીને માછલી પકડવા નીકળી પડે છે. તે તેના દૈનિક ક્રમ મુજબ એક જ જગ્યાએ માછલી પકડવા જાય છે. પરંતું આજે પણ કંઇ ખાસ જાળમાં માછલીઓ પકડાઇ નહી. સાંજ પડતા ઘરે પરત ફરે છે અને થાકેલો હોઇ સુઇ જાય છે.

        બીજે દિવસે ફરીથી જાગીને સવારે આઇનામાં પોતાને જુએ છે તો આજે પણ તેના શરીર પર ફરીથી કેટલીક લાઇનો એવી દેખાય છે જે કંઇક કહેવા માંગતી હોય. પરંતું માછીમાર એ સમજી શકતો નથી. આજે પણ માછીમાર એ જ જગ્યાએ જાય છે જ્યાં રોજ માછલી પકડવા જતો હોય છે. દિન ઢળતા આજે પણ જાળમાં કંઇ ખાસ માછલીઓ ન આવતા માછીમાર નિરાશ થઇ જોય છે અને તેની નાવને હલેસા મારવાનું છોડી દઇ, નાવમાં સુતો સુતો નિરાશા સાથે આકાશ તરફ જોઇ રહે છે.  થોડાક સમય બાદ અચાનક તેની નાવમાં એક માછલી આવે છે. ત્યારબાદ બીજી અને ત્રીજી. માછીમાર અચાનક જાગીને જુએ છે તો તેની નાવની આજુ-બાજુમાં દરિયામાં બહુ બધી માછલીઓ જુએ છે. માછીમાર જોઇને ખુશ થઇ જાય છે અને જાળ પાણીમાં નાંખે છે અને ખુબ માછલીઓ પકડાય છે. ખુશ-ખુશ થઇને ગામમાં પરત આવે છે અને બધી જ માછલીઓ વેંચી નાંખી, કમાણી કરી ખુશખુશાલ થઇને ઘરે આવે છે. દિનચર્યા પતાવી સુવા જાય છે. અને તેને અચાનક ખ્યાલ આવે છે કે, આજે જે જગ્યાએ આટલી બધી માછલીઓ પકડાઇ એ જગ્યા ક્યાંક જોઇ હોય તેવું લાગે છે. તે વિચારે છે કે આ જગ્યા ક્યાં જોયેલી...! પણ યાદ ન આવતા સુઇ જાય છે.

        બીજે દિવસે ફરીથી જાગીને સવારે આઇનામાં પોતાને જુએ છે તો આજે જુની લાઇનોની સાથે કેટલીક નવી પણ લાઇનો પોતાના શરીર પર જુએ છે. અને તેને ખ્યાલ આવી જાય છે કે, દરિયામાં માછલીઓ પકડવાની દિશા-જગ્યા બતાવતી લાઇનો તેના શરીર પર તે જોઇ રહ્યો છે. કંઇ પણ વિચાર્યા વગર માછીમાર એ નવી લઇનો જોઇને તે દિશા-જગ્યા તરફ માછલી પકડવા જાય છે. આજે તો દિશા સૂચક હોવાથી યોગ્ય જગ્યાએ જ માછલી પકડવા ગયેલ હોવાથી ખુબ ઝડપથી ઘણી બધી માછલીઓ જાળમાં ફસાઇ જાય છે. અને ગામ તરફ પરત ફરી નાવમાં રાખેલી માછલીઓ બપોર સુધીમાં વેંચી ફરીથી એ જ જગ્યાએ માછલીઓ પકડવા જઇ સાંજ સુધીમાં પરત આવી ફરીથી પકડેલી માછલીઓ પણ વેંચીને રોજ કરતા ઘણી સારી કમાણી કરી ઘરે પરત આવે છે. આમ, દિવસો વિતતા જાય છે. અને માછીમાર ગરીબ માંથી સધ્ધર થતો જાય છે.

        આમ ને આમ એક વરસ વિતી જાય છે. માછીમારની આર્થિક સ્થિતિ તો સુધરી પરંતું શરીર પરની લાઇનોની બળતરાના કારણે શરીર નબળુ પડતું ગયું. બળતરાના કારણે માછીમારે ધારણ કરેલ રૂદ્રાક્ષ કાઢીને ઘરના એક ખુંણામાં મૂકી દીધો. જેવો રૂદ્રાક્ષ કાઢ્યો તેના શરીરની લાઇનો ઓછી થવા લાગી. એટલે માછીમારને થયું કે રૂદ્રાક્ષના કારણે જ તેનું શરીર બગડતું ગયું, એટલે તેણે રૂદ્રાક્ષને તોડીને ફેંકી દેવાનું નક્કી કર્યું. માછીમાર જેવો રૂદ્રાક્ષ તોડવા ગયો, રૂદ્રાક્ષ ઉછળીને તેની જ આંખમાં વાગ્યો અને માછીમારને એક આંખે દેખાતું બંધ થઇ ગયું. માછીમારની રૂદ્રાક્ષ પ્રત્યેની નફરત વધી ગઇ. તેણે રૂદ્રાક્ષને તેના જ ઘરના આંગણામાં જમીનમાં દાટી દીધો. રૂદ્રાક્ષ જમીનમાં દાટતા જ અચાનક જમીનમાં એક ઉંડો ખાડો પડ્યો અને રૂદ્રાક્ષ અંદર ઉતરી ગયો અને સાથે-સાથે માછીમારનું ઘર પણ ધ્વસ્ત થઇ ગયો.

        તો સાહેબ, એનો અર્થ એ થયો કે, જો રૂદ્રાક્ષને તમે જો ધારણ કરો તો તમને સમૃધ્ધ બનાવે પરંતું સાથે-સાથે શારિરીક દુઃખ પણ મળે..... પત્રકાર બોલ્યો.

હા....! તમારી આ વાત કંઇક અંશે સાચી છે. પરંતું અન્ય એક કિસ્સામાં આવું કંઇ જ ન હતું થયું, એટલે આ એક જ કિસ્સા પરથી આવું માની કે ધારી લેવું પણ યોગ્ય ન ગણાય.