Love you yaar - 37 books and stories free download online pdf in Gujarati

લવ યુ યાર - ભાગ 37

સાંવરી અલ્પાબેનના ગાલ ઉપર પોતાના નાજુક હાથ ફેરવતી જતી હતી, તેમનાં આંસુ લુછતી જતી હતી અને તેમને સમજાવીને શાંત પાડી રહી હતી.
કમલેશભાઈ, અલ્પાબેન સાંવરીના મમ્મી પપ્પા, બંસરી, તેની નાનકડી લાકડી દીકરી હેત્વી તેમજ સાંવરીના જીજુ બધાજ સાંવરી તેમજ મીતને વિદાય કરવા માટે એરોડ્રામ ઉપર આવ્યા હતા. સાંવરી તેમજ મીત બધાને પગે લાગ્યા. સાંવરીએ પોતાની લાડકી ભાણી હેત્વીને ખૂબજ વ્હાલ કર્યુ, કીસ કરી અને તેની આંખો સ્હેજ ભરાઈ આવી... બધાને બાય કહીને બંનેએ વિદાય લીધી અને લંડન તરફ ઉડાન ભરી...
મીત અને સાંવરી કંપનીના બોસ લંડન આવી રહ્યા છે તે જાણીને લંડનની ઓફિસમાં થોડી ચહલપહલ મચી ગઈ હતી અને જેની, જેના વારંવાર મીત ઉપર મેસેજ આવી રહ્યા હતા કે, તું ક્યારે મને મળવા માટે આવે છે? તે જેનીને મળવા માટે જવાનું વિચારી રહ્યો છે....

લંડન એક અનોખું શહેર જ્યાં મીતે પોતાની જુવાની પસાર કરી હતી, મીતની જુવાનીની ઘણીબધી વાતો અને ઘણીબધી યાદો આ લંડન શહેર સાથે જોડાયેલી છે. કદાચ ફરી હવે આ ધરતી ઉપર પગ નહીં મૂકીએ તેવા એક નિશ્ચય અને ઉંડા અહેસાસ સાથે આ ધરતીને બાય બાય કહીને નીકળેલા મીત અને સાંવરીએ ઘણાં લાંબા સમય પછી ફરીથી આ ધરતી ઉપર પગ મૂક્યો અને આ ધરતી ઉપર પગ મૂકતાંની સાથે અહીંની અનેરી ઠંડક અને અહીંની માટીની એક અલગ જ ખૂશ્બુએ તેમના દિલોદિમાગને જાણે પ્રફુલ્લિત કરી દીધાં અને મનને શાંત કરી દીધું તેમને લેવા માટે ઓફિસનો હિસાબ કિતાબ સંભાળનાર સ્ટાફ મેમ્બર ઓસ્ટિન સમયસર પોતાની રેડ કલરની કાર લઇને એરોડ્રામ ઉપર પહોંચી ગયો હતો અને તેણે લંડનમાં રહેલ મીતનો બંગલો પણ એકદમ ક્લીન કરાવીને રાખ્યો હતો જેથી મીત અને સાંવરીને કોઈ તકલીફ ન પડે. ઓસ્ટિન મળ્યો એટલે તેને જોઈને મીતને ઘણો આનંદ થયો તેણે ઓસ્ટિનને તેના ખબર અંતર પૂછ્યા અને ઓફિસમાં બધું બરાબર ચાલે છે ને તેમ પણ પૂછ્યું. ઓસ્ટિનને પણ મીત અને સાંવરીમેમને જોઈને ઘણો આનંદ થયો તેણે પણ પોતાની ઓફિસમાં બધું જ બરાબર ચાલે છે તેવા સમાચાર આપ્યા અને આમ રસ્તામાં વાતો કરતાં કરતાં રસ્તો ક્યાં કપાઈ ગયો તેની જાણે ત્રણેયમાંથી કોઈને પણ ન થઈ અને મીત તેમજ સાંવરીનું ડેસ્ટિનેશન તેમનો લંડનમાં સ્થિત બંગલો આવી ગયો. પાંચ બેડરૂમ, એક ડ્રોઈંગ રૂમ, આધુનિક વિશાળ કિચન અને એક ખૂબજ બ્યુટીફુલ ગાર્ડન ધરાવતો આ બંગલો મીતને ખૂબજ પ્રિય હતો તેણે પોતાની પહેલી કમાણીમાંથી આ વિશાળ બંગલો ખરીદ્યો હતો.
ઓસ્ટિન બંનેને ત્યાં ડ્રોપ કરીને વિવેકપૂર્વક તેમનું લગેજ પણ ઘરમાં મૂકી આપીને ત્યાંથી નીકળી ગયો. મીત અને સાંવરી બંને થોડા ફ્રેશ થયા અને મુસાફરીનો થાક ઉતારવા માટે આડા પડ્યા.
સાંવરીને સૂતેલી જોઈને મીત બહાર પેસેજમાં ગયો અને તેણે જેનીને ફોન લગાવ્યો પહેલી જ રીંગમાં જેનીએ મીતનો ફોન ઉઠાવી લીધો અને તે તેને કહેવા લાગી કે, " તે મને સામેથી ફોન કર્યો ખરો કેમ ? બોલ ક્યારે આવે છે મને મળવા માટે ? "
મીત: સાંભળ મારી વાત. હું લંડન આવી ગયો છું...
જેની મીતની વાત વચ્ચે જ કાપતાં બોલી, " હાંશ હવે મને થોડી રાહત થઈ..."
મીત: હા પણ હજુ ઉતાવળી ન થા, હું કહું તે પહેલા શાંતિથી સાંભળ.. હું એકલો લંડન નથી આવ્યો મારી સાથે સાંવરી પણ આવી છે અને તેને આપણાં રિલેશન વિશે કંઈજ ખબર નથી અને હું તેને હમણાં કંઈ જણાવવા પણ માંગતો નથી તારું બધું કામ પતી જાય પછી હું તેને બધું જ જણાવી દઈશ અને સાંભળ બીજું હું આવતીકાલે ઓફિસથી બારોબાર તને મળવા માટે આવીશ મારે તને મળવા માટે કઈ જગ્યાએ આવવાનું છે ? "
જેની: તારે મને મળવા માટે મારા ઘરે જ આવવાનું છે. હું તને એડ્રેસ સેન્ટ કરું છું.
મીત: અંહ, સાંભળ એડ્રેસ અત્યારથી સેન્ટ કરવાની જરૂર નથી. હું ઓફિસેથી તારા ઘરે આવવા માટે નીકળીશ એટલે તને ફોન કરીશ બસ ત્યારે તું મને એડ્રેસ સેન્ટ કરજે. ઓકે ચાલ હવે મૂકું બાય કાલે મળીએ.
જેની પણ ઓકે બોલી અને તેણે ખૂબજ રાહત અનુભવી તેને થયું કે હવે મારી પડખે ઉભું રહેનારું કોઈ મારું આવી ગયું છે અને પોતાની સામે મૂકેલા ટેબલ પાસે તે થોભી ગઈ અને પોતાના પતિના હાથમાં હાથ પરોવીને પડાવેલા સુંદર ફોટા સામે તેની નજર અટકી તેણે તે ફોટો હાથમાં લીધો અને પ્રેમથી પોતાના પતિના ફોટા ઉપર હાથ ફેરવવા લાગી અને એટલી વારમાં તો તેની આંખમાંથી અશ્રુ ટપકીને ફોટા ઉપર પડવા લાગ્યા જેને તે લૂછવા લાગી પરંતુ તે પોતાના અશ્રુને રોકી શકી નહીં પોતાના હાથમાં રહેલો ફોટો તેણે પોતાની છાતી સરસો ચાંપી લીધો અને તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. તેના અશ્રુ લૂછવાવાળું કે તેને શાંત પાડવાવાળું તેનું પોતાનું કહી શકાય તેવું કોઈ તેની આસપાસ નહોતું.

મીત પોતાના બેડરૂમમાં જઈને સાંવરીની બાજુમાં સૂઈ ગયો સવાર પડજો વહેલી.
જેનીને મળવાની ચિંતામાં ને ચિંતામાં તે પોતાના મોમ ડેડને ફોન કરવાનું ભૂલી ગયો હતો. હજી તો તેની આંખ મીંચાય તે પહેલાં તેના સેલફોનમાં રીંગ વાગી તે સાંવરીને ડિસ્ટર્બ કરવા નહોતો ઈચ્છતો એટલે ફરીથી પોતાના હાથમાં ફોન લઈને બહાર પેસેજમાં આવ્યો આ વખતે તેની મોમનો ફોન હતો જે મીત અને સાંવરી બંને શાંતિથી પહોંચી ગયા તેની ચિંતા કરી રહ્યા હતા.
અલ્પાબેન: મીત બેટા શાંતિથી પહોંચી ગયા ને દિકરા તારો ફોન ન આવ્યો એટલે મને થોડી ચિંતા થઈ.. અને તારા પપ્પા પણ ચિંતા કરતાં હતાં.
મીત: હા મમ્મા, અમે શાંતિથી પહોંચી ગયા છીએ અને તું હવે અમારી ચિંતા ન કર્યા કરીશ જ્યારે એમ થાય કે એકલું લાગે છે ત્યારે અહીં આવી જજે અમારી સાથે..
અલ્પાબેન: હા હવે બેટા તમે કાયમ થોડા ત્યાં રહેવાના છો અને શું કરે છે બેટા સાંવરી ?
મીત: મોમ એ સૂઈ ગઈ છે. કાલે તને હું તેની સાથે વાત કરાવીશ.
અલ્પાબેન: સારું બેટા વાંધો નહીં. ચાલ મૂકું સાચવીને રહેજો બેટા અને સાંવરી સાથે ઝઘડો ન કરતો બંને જણાં ખૂબજ પ્રેમથી અને શાંતિથી રહેજો બેટા.
મીત: હા મોમ, તું ચિંતા ન કરતી.
અને ફોન મૂકીને મીત પાછો સાંવરીની બાજુમાં આડો પડ્યો અને તેની નજર સમક્ષ જેની આવી ગઈ. ત્યારે તે ઓગણીસ વીસ વર્ષની અલ્લડ છોકરી હતી..! ચાલાક હરણી સમી, નાજુક નમણી તોફાની વાયરા સમી તે ધસમસતી આવતી અને ઉછળતા દરિયાના મોજાં સમી તે કોઈપણ જુવાન ધબકતા હૈયાને હિલોળે ચઢાવી દેતી..! તેની હાજરી કદી છાની ન રહેતી, ઓફિસમાં તે દરેક માણસને પોતાની વાતોમાં મગ્ન કરી દેતી ને પછી મનમાં ને મનમાં તે મલકાતી, નટખટ તોફાની તે અત્યારે પરિસ્થિતિને વશ થઈને
મધદરિયાના શાંત નીર સમી બની ગઈ હતી.
ત્યારે જાણે તે નાની બાળ હતી અને અત્યારે ધીર ગંભીર..! વ્હાલના વરસાદ સમી લાગતી તે સ્વભાવે બિલકુલ નિખાલસ હતી અત્યારે પણ તે એટલી જ નિખાલસતાથી મક્કમપણે મને તેને મદદ કરવા માટે આગ્રહ કરી રહી છે મારી ઉપર તેનો ઉપકાર છે મારે તે ઉપકારને વશ થઈને તેને મદદ કરવી જ રહી પણ તેના પતિનું ખૂન થઈ ગયું છે તેમ તે કહેતી હતી એટલે મને થોડો ડર લાગે છે કે, હું ક્યાંક ફસાઈ તો નહીં જવું ને ? પાછી છેલ્લા ઘણાં દિવસથી તે સતત મને ફોન કરી રહી છે અને પોલીસ ઈન્કવાયરી પણ ચાલી રહી છે તો તેમાં હું ક્યાંક ફસાઈ જઈશ તો ? એકવખત તો ભયંકર ઘાતમાંથી આબાદ રીતે મારી આ સાંવરીના સપોર્ટને કારણે બચીને અહીં લંડનથી હું ઈન્ડિયા પહોંચી શક્યો હતો અને હવે આ કોઈ નવી ઉપાધી... કોઈ પ્રોબ્લેમમાં તો નહીં ફસાઈ જાવું ને ? હે ભગવાન, તું પણ કેવી પરીક્ષા લે છે ?

બસ, આજે તો મીતનું મગજ આમ વિચારે ચઢી ગયું હતું અને એટલામાં સાંવરીએ પડખું ફેરવ્યું અને તે જાગી ગઈ મીતને જાગતો જોઈને તેણે તરતજ મીતને પૂછ્યું કે, " કેમ હજી સૂતો નથી, ઉંઘ નથી આવતી તને ? "
અને મીત જાણે વિચારોમાંથી બહાર આવ્યો અને તેણે જેનીની બધીજ વાતો અને ચિંતા બાજુ પર મૂકીને, " આઈ જા મારી ડાર્લિંગ " તેમ બોલીને પોતાની સાંવરીને પોતાની બાહુપાશમાં જકડી લીધી અને બંને એકબીજામાં ખોવાઈ ગયા જાણે તે બે નહીં પણ એક જ હોય તેમ...!!

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
16/1/24