Hasya Manjan - 2 in Gujarati Comedy stories by Ramesh Champaneri books and stories PDF | હાસ્ય મંજન - 2 - ભાડુઆતનું ભાંગડા નૃત્ય

Featured Books
Share

હાસ્ય મંજન - 2 - ભાડુઆતનું ભાંગડા નૃત્ય

 

ભાડુઆતનું ભાંગડા નૃત્ય                                     

                          

                                   હસવાની ઈચ્છા થાય ત્યારે મનને મારવું નહિ, પોતાનું નહિ તો કોઈનું પણ પેટ પકડીને હીહીહીહી કરી લેવાનું..! હસવા માટેના અનેક ધોરીમાર્ગ છે, એમાંથી એકાદ પકડી લેવાનો. કોઈ ભાડુઆત મકાન ખાલી નહિ કરતો હોય તો, એનું ભાંગડા નૃત્ય જોવાનું. એને મળશો તો કહેશે કે, ભાડે આપતી વખતે મકાન માલિકની શરત હતી કે, 'જે સ્થિતિમાં મકાન ભાડે આપ્યું એ જ સ્થિતિમાં મકાન પરત સુપ્રત કરવાનું રહેશે.' એના કપાળમાં કાંદા ફોડું, એટલા ઊંદર-માંકડ-ચાંચડ-વંદા-પલવડા મળવા સહેલા છે યાર..?  અને મળે તો પણ એ ખરીદવા માટે કોઈ મને કોઈ બેંક લોન આપવાની છે..? જેને હસવું જ છે, એને આવી 'નોટ' માંથી પણ  પેટભરીને હાસ્ય મળે..! 


                                  સંતો-કથાકારો-ભજનીકો છાશવારે કહે કે, શરીર  ભાડાનું મકાન છે, ફેર એટલો કે, એમાં ૧૧ મહિનાનો કોન્ટ્રાકટ થતો નથી, ભગવાન બોલાવે એટલે ચાલતી પકડવાની, ટાઈ-શૂટ કે જોડાં શોધવા પણ નહિ રોકાવાનું..! ઘડીનો પણ સમય નહિ આપે.  મકાન હોય કે શરીર, માયા એવી ફરી વળે કે, ઝટ છોડવાનું કોઈને મન જ નહિ થાય. પૃથ્વી ઉપર શરીરને આવવાની  ઉતાવળ ખરી, પણ જવાની નહિ..! અહીં  "સિઝેરિયન વગર કોઈ આવતું નથી, ને વેન્ટીલેટર કોઈ જતું નથી."  શ્વાસ ખૂટી ગયા હોય તો પણ, ટકી જવા વેન્ટીલેટર પાસે મજુરી કરાવે..! સંપૂર્ણ સુવિધાવાળું ભવ્ય શરીર મળ્યું હોય તો કોને ખાલી કરવાની ઈચ્છા થાય? જેમાં નહિ ખીલા, સિમેન્ટ, રેતી, કપચી કે કોઈ જગ્યાએ ઝારણ કરેલો સાંધો જોવા મળે. શરીરમાં સઘળી વસ્તુ યથાસ્થાને..! સાંભળવા માટે કાન હોય, જોવા માટે આંખ હોય,  શ્વાસ લેવા માટે નાક હોય, ને જમતી વખતે કોળીયો પીઠ પાછળ નહિ લઇ જવાનો, સામે જ મુખદ્વાર જેવું ઝાંપલુ હોય..! એમાં ખાધેલું પચાવવાની જવાબદારી તો પાછી માલિકની..! ભાડુઆત શરીરને રંગરોગાન કરી શકે, ચરબી વધારી શકે, લોહીનો ભરાવો કરી શકે, બાકી ખભામાંથી પિલર કાઢીને માથે બે મજલા બાંધી નહિ  શકે..! બાલ્કની જેવું પેટ કાઢવાની છૂટ..! 


                                      ભાડેનું મકાન રાખતી વખતે મકાન માલિક જેમ કેટલીક શરતો રાખે, એમ ભગવાને પણ ભાડાનું શરીર આપતા પહેલાં, શરત રાખેલી કે, ‘સખણો રહેજે, હું બોલાવું ત્યારે ગુપચુપ આવી રહેવાનું. વેન્ટીલેટર ચઢાવીને કાકલુદી નહિ કરાવતો..! વાળ-દાંત- આંખ-કાન-ને ચટાકા ખંખેરવાની નોટીશ હું સમયે સમયે આપતો રહીશ. એ વખતે મંદિરમાં જઈને મારી સાથે સેલ્ફી કે, હાથમાં ભગવદ ગીતા પકડી કે દાન-દક્ષિણા આપીને ઉલ્લુ નહિ બનાવતો. એના કપાળમાં કાંદા ફોડું, બધા પ્રકારની નોટીશ મળી હોવા છતાં, એવા નફગરા કે, દીવ-દમણ ને આબુના આંટાફેરામાં કોઈ ઘટાડા નહિ થાય. ને પોલીસ ચોકીમાં ફોટા ચઢે નહિ ત્યાં સુધી જલસા ઘટે નહિ ..! માથે ટાલ પાડી હોય, દાંત ઉખેડી લીધા હોય, આંખે મોતિયા ઠેપી દીધાં હોય, કાનમાં પ્રવેશબંધી મૂકી દીધી હોય તેમ છતાં, ‘ફેસબુક’ નોંધારું પડી જવાનું હોય એમ, ફોટા મુકીને સ્ટેટસનો દેખાડો કરવાનું નહિ છોડે..! જે મા-બાપે શરીર મફતમાં આપ્યું હોય, એ વડીલો વૃધ્ધાશ્રમના ઓટલે બેસી છાપા ફેરવતા હોય, ને આ બંદો “મા-બાપને ભૂલશો નહિ” વાળું ગીત ગાઈને, રાગડા તાણીને જગતને સમજાવતો હોય..! 
                           આ તો થઇ ભાડેના શરીરની કહાણી..! બાકી ભાડેનું મકાન મેળવવું એટલે, ભાજપામાંથી ચૂંટણી લડવા જેટલું સહેલું નથી..! બોચીનો પરસેવો પગની ઘૂંટી સુધી ઊતરી આવે. શરીરના મકાન માલિકને તો કોઈએ જોયો જ નથી. એટલે બે આંખની શરમ પણ નહિ નડે. મકાન માલિક તો મહિનાનું પાનું ફેરવાયું, એટલે સામે ઉભો જ હોય..! બોસ..! મકાન ભાડે મેળવવું, એટલે રાવણના મોંઢે શ્રીરામ બોલાવવા જેટલું કપરું..! એકાદ મકાન ભાડે મળી જાય તો જાણે, હબસીઓના ટોળામાંથી સગપણ માટે એશ્વર્યારાયની નાની બેન જેવી કન્યાનું માંગુ આવ્યું હોય, એટલો લાપસી-લાપસી થઇ જાય. બાકી પૈણવા માટે કન્યા ગોતવામાં ઘરડા થઇ ગયાના  દાખલા ઓછા નથી. અમારા ચમનીયાએ અડધી સદી કાઢી નાંખી, છતાં હાડકે પીઠી લાગી  નથી. વીજળી-ટેલીફોનના બીલ આવે, પણ કોઈના માંગા નહિ આવે. હજી આજે પણ ઉકરડે બેસીને પતંગિયા પકડે છે, બોલ્લો..! એમ ભાડેનું મકાન આપતા પહેલા મકાન માલિક પણ શાખ તો માંગે ને મામૂ..!મુદ્દાની વાત એ કે, ભાડેનું મકાન શોધવા નીકળીએ ત્યારે જ પત્નીની કીમત પણ સમજાય. બાકી જેને વાઈફ જ નહિ હોય, એવા લુખેશને દુનિયાના વિઝા મળે, પણ સહેલાઇથી ભાડેનું મકાન નહિ મળે. ફાંફા જ પડે..! પત્નીને અમસ્તી ગૃહલક્ષ્મી કહી છે..? મકાન માલિક પણ વિચારે ને કે, જેને કોઈ કન્યા આપતું નથી, એને ભાડેનું મકાન આપીને ધંધે લાગી ગયા તો..? વાઈફ પોષવાના ઠેકાણા નહિ હોય, ને ભાડાનું મકાન આપી ભેરવાય ગયા તો..? એમાં પાછા કૂતરો પાળે..! કૂતરાની શાખ ઉપર કોણ ઘર ભાડે આપે..? ૧૪ ઈન્જેક્શન લેવાની ક્ષમતાવાળો પાડોશી પણ હોવો જોઈએ ને..? આટલું પુરતું ના હોય એમ, પાછો ગાયક કલાકાર હોય..! અડધી રાતે  રિયાઝ કરવાનો થયો તો, પાડોશીની ઊંઘ બરફ કરી નાંખે. જ્યાં પોતે જ ભાડે ફરતો હોય, એ ઘરનું ભાડું શું ચૂકવવાનો, એવી શંકા પણ જાય ને મામૂ..?
                               એક દાખલો આપું.  ભારતને આઝાદી મળવા પહેલા રતનજીએ કાકલૂદી કરીને એક મકાન માલિકનું ભાડે રાખેલું. ત્યારે કહેલું કે, ‘ મેરે છોટે છોટે ચાર બચ્ચે હૈ, મુઝે રહને કે લીએ મકાન દો માલિક..! માલિક એવો ભેરવાયો કે, હવે મકાન માલિકે કાલાવાલા કરવા પડે છે કે, “મેરે છોટે છોટે બાર બચ્ચે ઔર બુઢે મા-બાપ હૈ, મુઝે મેરા મકાન વાપસ કરદો, ઠાકુર..!”  દેડકી સાપના માથે ચઢી ગઈ..! ને પેલા બંદાએ ભાડેના મકાનમાં આખી ગોલ્ડન જ્યુબીલી કાઢી નાંખી, ને વસ્તી વધારો આપ્યો તે અલગ..! બાકી આજની તારીખે રતનજી પોશ વિસ્તારમાં ૧૨ બેડરૂમનો બંગલો ખરીદી શકે એટલો આસામી છે, છતાં, ભાડેનું મકાન છોડતો નથી. અત્યારે એક ડઝન લોકો એમાં ટૂંટિયું વાળીને જીવે છે. સારા સારા માણસોએ ઘણું સમજાવ્યુ કે 'ચમના, આ ઘર તને હવે નાનું પડે તો કહે,  ‘ટૂંટિયુંવાળીને સુઈ રહીએ તો પિછોડી પણ ટૂંકી નહિ પડે..! '  એના કપાળમાં કાંદા ફોડે..! મારે તો આ ભાડેના મકાનમાં શતાબ્દી કાઢવી છે..! ભાડુઆત ભાડેના મકાનમાં એશ કરતો હોય, ને અત્યારે મકાન માલિકના વંશજો, કોઈ બીજાના ભાડેના ઘરમાં મચ્છર મારે તો કેવુંલાગે મામૂ, બોલ્લો..! 
                       

                                      લાસ્ટ ધ બોલ

                      એક વાત છે, મકાન ભાડે જ લેવું હોય તો, સુપર સ્ટાર અમિતાભ બચ્ચન શારુખ ખાન સલમાન ખાન કે દીપિકા પાદુકોણની પડોશમાં જ લેવાય. દીપિકા પાદુકોણ એક વાટકી ખાંડ લેવા આવે તો આપણો વટ તો પડી જાય..!

એના કપાળમાં કાંદા ફોડું..!

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

 

 

( રમેશભાઈ ચાંપાનેરી  ' રસમંજન ' )