Agnisanskar - 21 books and stories free download online pdf in Gujarati

અગ્નિસંસ્કાર - 21


કેશવે પોતાના બન્ને હાથોને માટીથી સાફ કર્યા. ત્યાર બાદ શેર સામે નજર કરીને પહેલો હમલો કર્યો. શેરની ઊંચાઈ કેશવથી વધારે હતી અને બળ પણ વધારે પ્રમાણમાં હતું. એટલે કેશવના હમલાથી શેરને કોઈ ફરક પણ ન પડ્યો. તેણે તરત કેશવને કોલરથી પકડીને ઊંચો કર્યો અને જોરથી નીચે પછાડી દીધો.

કેશવ ધડામ દઈને જમીન પર પચડાતા એમનું આખુ શરીર દર્દ કરવા લાગ્યું.

" કેશવ જીદ છોડ..ચલ આપણે ભાગી જઈએ..." રાઘવે કહ્યું.

ત્યાં કેશવે રાહ જોવાનો ઈશારો કર્યો અને ફરી ધૂળ ખંખેરતો ઉભો થયો.

શેર કમર પર હાથ ટેકવી ઘમંડ કરતો હસી રહ્યો હતો. ત્યાં જ અચાનક કેશવ આગળ વધ્યો અને ઊંચો કૂદકો મારીને શેરના જબડા પર જોરથી મુક્કો માર્યો. શેર સીધો જમીન પર પટકાયો અને એના મોંમાંથી રક્ત વહેવાનું પણ શરૂ થઈ ગયું.

મોંમાં હાથ નાખીને જોયું તો શેર ડરના મારે ચિલાવવા લાગ્યો.
" લોહી!!..." ધ્યાનથી જોયું તો એની બાજુમાં એનો જ તૂટેલો દાંત પડ્યો હતો. શેર વધુ ગભરાયો અને ઉભા થવાની હિંમત પણ ન થઈ.

કેશવ શેરની નજદીક આવ્યો અને એને બન્ને હાથો વડે પકડી ગોળ કુંડાળાની બહાર ધકેલી દીધો. આ રીતે કેશવની જીત થઈ ગઈ.

" ચલ લાવ મારું ઈનામ..." કેશવે કહ્યું.

ત્યાં જ જમીન પર પડેલા શેરે પોતાના પોકેટમાંથી પાંચસોની નોટ કાઢીને આપી દીધી.

" બીજી વાર મારી સાથે રમવાની ઇચ્છા હોય તો આવી જજે...હું તૈયાર જ છું..." એટલું કહીને કેશવ ચાલતો થયો.

થોડે દૂર ચાલીને રાઘવ બોલ્યો. " વાહ કેશવ તું તો ઘણો હિંમતવાન નીકળ્યો..પેલા શેરના તો તે દાંત જ તોડી નાખ્યા!.."

કેશવના ચહેરા પર સ્મિત ન જોઈને રાઘવ બોલ્યો. " શું થયું દોસ્ત? તારા ચહેરા પર જીતવાની ખુશી દેખાતી નથી.."

ચાલતા ચાલતા કેશવનું ઘર આવી ગયું. એટલે કેશવે કહ્યું.
" ચલ દોસ્ત કાલે મળીએ..." કેશવ તુરંત પોતાના ઘરે જતો રહ્યો અને રાઘવ પણ પોતાના ઘરે જવા રવાના થયો.

કેશવની મા રસીલા રસોઈ બનાવી રહી હતી. ત્યાં કેશવને આવતા જોઈને કહ્યું. " આવી ગયો દીકરા..." એટલું કહેતાં જ તેનું મોં ખુલ્લું રહી ગયું.

" કેશવ તારી આવી હાલત કોણે કરી? ફરી કોઈ સાથે જઘડો કરીને આવ્યો ને તું? તને કેટલી વાર કહેવું કે બધા સાથે હળીમળીને રહે...પણ નહિ તારે તો મોટા થઈને ગુંડો જ બનવું છે ને..આ જો, આ જો, શર્ટ અને પેન્ટની શું હાલત કરી નાખી છે!! શું કરવું તારું મને એ જ નથી સમજાતું..."

" મમ્મી મારી વાત તો સાંભળ..." આદરપૂર્વક કેશવે કહ્યું.

" શું સાંભળવાનું બાકી છે હવે?" ગુસ્સામાં રસીલા એ કહ્યું.
ત્યાં જ કેશવ માની નજદીક આવ્યો અને એના હાથમાં પાંચસોની નોટ થમાવી.

" આ પૈસા તું ક્યાંથી લાવ્યો દીકરા?"

" મારી પહેલી કમાઈ છે મમ્મી...હવે હું નાનો નથી રહ્યો મોટો થઈ ગયો છું, હવે હું પણ કમાઈને તારી મદદ કરીશ, જોજે તું થોડેક વર્ષોમાં તારે કોઈ કામ પણ નહિ કરવું પડે..."

ભાવુક થઈને રસીલા સીધી કેશવને ગળે મળી અને કહ્યું. " આ પૈસા તું ચોરી કરીને નથી લાવ્યો ને હે દીકરા?"

" મમ્મી...હું તારો દીકરો છું, હું તોફાની ભલે છું પણ ચોર નથી..અને આ પૈસા હું રમતમાં જીતો છું.."

" કેવી રમત?"

કેશવે જે બન્યું હતું એ બધી ઘટના કહી દીધી.

" મારી કસમ ખાઈને કહે કે આજ પછી તું કોઈ સાથે મારપીટ નહિ કરીશ..." રસીલા એ કેશવના હાથ પોતાના માથા પર રાખીને કહ્યું.

" પણ મમ્મી..." કેશવ કસમ ખાવા તૈયાર ન હતો.

" મેં કીધુંને મારી કસમ ખા..."

કેશવે હાથ છોડાવ્યો અને કહ્યું. " ના મમ્મી.... મારી સામે કોઈ મારા પપ્પા અને તારું અપમાન કરશે તો હું આમ જ એના દાંત તોડી નાખીશ..." એટલું કહીને કેશવ ઘરથી થોડે દૂર ચાલ્યો ગયો.

" પણ દીકરા...." રસિલા એ રોકવાની કોશિશ કરી પણ કેશવ એક નો બે ન થયો.

થોડાક દિવસો સુધી કેશવ એ કોઈ જઘડો કે મારપીટ ન કરી. આ જોઈને રસીલા બેનને મનોમન શાંતિ જરૂર થઈ. પરંતુ આ શાંતિ થોડાક દિવસો સુધી જ રહી. કારણ કે કેશવે ફરી નાના મોટા જઘડાઓ કરવાના શરૂ કરી દીધા હતા.

ક્રમશઃ