Bhootkhanu - 5 books and stories free download online pdf in Gujarati

ભૂતખાનું - ભાગ 5

( પ્રકરણ : ૫ )

મરીનાએ બાથરૂમમાં, સામેના અરીસાની પાછળના ખાનામાંથી લોશન લેવા માટે અરીસાવાળો દરવાજો ખોલ્યો હતો. તેની નજર અંદર પડી હતી અને એ સાથે જ તેના મોઢામાંથી ભયભરી ચીસ નીકળી ગઈ હતી ને તે બાથરૂમની બહારની તરફ દોડી હતી.

અત્યારે તે દોડતી રૂમના દરવાજા બહાર પહોંચી ત્યાં જ પોતાના રૂમમાંથી દોડી આવેલો જેકસન તેની સાથે અથડાયો.

‘મરીના !’ જેકસને ગભરાયેલી મરીનાનો ખભો પકડી લેતાં પૂછયું : ‘શું થયું ?! તું આમ ચીસો કેમ પાડી રહી છે !’

‘ડેડી ! ત્યાં બાથરૂમમાં.....’ અને મરીનાએ ત્યાંથી જ રૂમની અંદર દેખાઈ રહેલા બાથરૂમ તરફ આંગળી ચિંધી.

જેકસન બાથરૂમ તરફ જોઈ રહેતાં આગળ વધ્યો.

જેકસને બાથ-રૂમના દરવાજા પાસે પહોંચીને અંદર નજર નાંખી અને તેના મોઢામાંથી વાકય સરી ગયું : ‘ઑહ ! માય ગૉડ !!’

-અંદર બાથરૂમમાં, વૉશબેસિનની ઉપરનું કેબિનેટ ખુલ્લું હતું અને એમાંથી એક-પછી એક જીવડાં નીકળીને બાથરૂમમાં ઘુમરાઈ રહ્યાં હતાં !

-મોટી-મોટી પાંખો, મોટી-ગોળ આંખો અને બે લાંબા તીણાં દાંતવાળા એ વિચિત્ર અને ભયાનક જીવડાં ‘હુમ્મ્મ્મ્‌ !’ના અવાજ સાથે બાથરૂમમાં ઘુમરાઈ રહ્યાં હતાં.

ગઈકાલે જેકસને મરીનાના રૂમમાં જે વિચિત્ર ને ભયાનક જીવડું માર્યું હતું, એવા જ એક-બે નહિ, પણ પચાસ-સાઈઠ જેટલાં જીવડાં બાથરૂમમાં ઘુમરાઈ રહ્યાં હતાં.

‘આ એકસાથે આટલાં બધાં જીવડાં આવ્યા કયાંથી ?!’ જેકસનના મગજમાં સવાલ જાગ્યો, ત્યાં જ તેના કાને મરીનાનો અવાજ પડયો : ‘ડેડી !’

અને જેકસને પાછળ ફરીને રૂમના દરવાજા તરફ જોયું.

રૂમના દરવાજા બહાર ઊભેલી મરીના અત્યારે જમણી બાજુ-તેની નાની બહેન સ્વીટીના રૂમ તરફ ભયભરી નજરે જોઈ રહી હતી.

જેકસને ઝડપી પગલે મરીના તરફ આગળ વધતાં પૂછયું : ‘શું થયું, મરીના ?!’

અને મરીનાએ જેકસનને જીભેથી જવાબ આપ્યો નહી. તેણે જમણા હાથની આંગળી સ્વીટીના રૂમ તરફ ચિંધી.

જેકસને બાકીના બે પગલાં વધુ ઝડપે ભરીને-રૂમની બહાર નીકળીને સ્વીટીના રૂમ તરફ જોયું.

-સ્વીટીના રૂમનો દરવાજો બંધ હતો !

-એ બંધ દરવાજા નીચેની તિરાડમાંથી એક પછી એક પેલા વિચિત્ર અને ભયાનક જીવડાં બહાર નીકળી આવીને દરવાજાની આસપાસ ઘુમરાઈ રહ્યાં હતાં !

જેકસન ઝડપી પગલે સ્વીટીના રૂમ તરફ આગળ વધ્યો.

મરીના ભય સાથે જોઈ રહી.

જેકસન હવામાં ઘુમરાઈ રહેલાં એ ભયાનક જીવડાંઓને દૂર ધકેલતાં સ્વીટીના રૂમના દરવાજા નજીક પહોંચ્યો.

તેણે દરવાજાને ધકેલ્યો. દરવાજો ખુલ્યો અને અંદરનું દૃશ્ય જોતાં જ જેકસન પગથી માથા સુધી ખળભળી ઊઠયો, તો મરીનાનું મોઢું ચીસ પાડવા માટે ખુલ્યું જરૂર, પણ આઘાત અને આંચકાને કારણે તેના મોઢામાંથી ચીસ નીકળી શકી નહિ.

-અંદર સ્વીટીના રૂમમાં સ્વીટી પલંગ પર બેઠી હતી ! એની પાસે પેલું લાકડાનું મોટું બોકસ પડયું હતું ! લાકડાનું બોકસ ખુલ્લું હતું ને સ્વીટી એ બોકસની અંદર જોઈ રહી હતી !

જોકે, અહીંથી સ્વીટી ચોખ્ખે-ચોખ્ખી દેખાતી નહોતી. કારણ કે, સ્વીટીની આસપાસ એક-બે-પાંચ-પચીસ-પચાસ કે, સો-બસો નહિ, પણ ગણ્યા ગણાય નહી એટલાં બધાં ભયાનક જીવડાં ઘુમરાઈ રહ્યાં હતાં !

પળ બે પળ માટે ડઘાઈ ગયેલો અને પોતાની જગ્યા પર જ જડ્‌ બની ગયેલા જેકસનમાં જાણે જીવ આવ્યો : ‘સ્વીટી !’ બોલતાં તે સ્વીટીના રૂમમાં દાખલ થયો, તો એ ભયાનક જીવડાં તેની સાથે અથડાવા લાગ્યાં. એ જીવડાંને હાથથી દૂર હટાવવાનો નિષ્ફળ પ્રયત્ન કરતાં જેકસન સ્વીટીના પલંગ નજીક પહોંચ્યો : ‘તું ઠીક તો છે ને, સ્વીટી !’ પૂછતાં જેકસન સ્વીટી પાસે વાંકો વળ્યો, પણ સ્વીટીએ ન તો બોકસમાં જામેલી એની નજર હટાવીને જેકસન તરફ જોયું કે, ન તો એ સહેજ પણ હલબલી.

જેકસને સ્વીટીને બન્ને હાથોમાં ઊઠાવી અને ઝડપી પગલે રૂમના દરવાજાની બહાર નીકળ્યો.

મરીના હજુ પણ એ જ રીતના ડઘાયેલી હાલતમાં ઊભી હતી.

‘મરીના !’ જેકસને કહ્યું : ‘જલદી સ્વીટીના રૂમનો દરવાજો બંધ કર !’

મરીનાએ આગળ વધીને દરવાજો બંધ કરી દીધો.

જેકસને સ્વીટીને સોફા પર બેસાડી.

-સ્વીટીનું શરીર અક્કડ હતું. એની આંખોની કીકીઓ સ્થિર હતી અને એ કીકીઓ જાણે કોઈ બીજી જ દુનિયામાં જોઈ રહી હોય એવા ભાવ એમાં થીજેલાં હતાં !

જેકસને સ્વીટીને હલબલાવી : ‘સ્વીટી ! તું ઠીક છે,  ને ?’

સ્વીટી કંઈ બોલી નહિ. એ એમ જ બેસી રહી.

‘સ્વીટી !’ જેકસને સ્વીટીને બન્ને હાથે પકડીને હલબલાવી નાંખી : ‘તું કંઈ બોલતી-ચાલતી કેમ નથી ? તું ઠીક તો છે  ને ?’

અને અત્યારે હવે સ્વીટી હલબલી. એની સ્થિર પાંપણો પટપટી અને એની થીજેલી કીકીઓ જેકસન તરફ ફરી.

જેકસનના જીવમાં જીવ આવ્યો : ‘સ્વીટી !’ તેણે પોતાનો એ જ સવાલ દોહરાવ્યો : ‘તું ઠીક તો છે ને ?!’

‘ડેડી !’ સ્વીટીએ જેકસનને સામે સવાલ પૂછયો : ‘તમે મને આવું કેમ પૂછી રહ્યા છો ?! મને તે વળી શું થયું છે ?! ?’

સ્વીટીની આ વાત સાંભળીને જેકસનને શું બોલવું એની જ સમજ પડી નહી. તેણે પાછું વળીને મરીના સામે જોયું.

મરીનાના ચહેરા પર હજુય ભય ચિતરાયેલો હતો. ‘ડેડી !’ મરીના બોલી : ‘ચાલો, આપણે મમ્મીના ઘરે ચાલ્યા જઈએ !’

‘મરીના !’ જેકસને ઊભા થતાં કહ્યું : ‘આ જીવડાંઓથી ડરવાની જરૂર નથી. દેખાવમાં ભલે આ જીવડાં ભયાનક લાગતાં હોય, પણ એ પતંગિયા જેવા નિર્દોષ છે. આટલા બધાં જીવડાંઓની વચમાં જઈને હું સ્વીટીને લઈ આવ્યો, પણ એમાંના એકેય જીવડાએ મને ડંખ માર્યો નહિ !’

‘ડેડી !’ મરીનાએ પોતાની વાત પકડી રાખી : ‘ચાલો ને !’

‘મરીના ! કોઈક કારણસર એ જીવડાંઓનું ધાડું આપણા ઘરમાં ઊતરી આવ્યું હતું, પણ એ થોડીક વારમાં ચાલ્યું જશે.’ જેકસન બોલ્યો : ‘કદાચ અત્યાર સુધીમાં તો એ જીવડાં ચાલ્યાં પણ ગયાં હશે !’ અને જેકસન સ્વીટીના રૂમ તરફ આગળ વધ્યો.

‘ના, ડેડી ! રહેવા દો ! હમણાં રૂમ ખોલશો નહિ !’ મરીના બોલી, પણ જેકસન રોકાયો નહી.

તે સ્વીટીના રૂમના બંધ દરવાજા પાસે પહોંચ્યો. જો હજુ પણ રૂમમાં એ ભયાનક જીવડાંઓનું ધાડું હોય તો તુરત જ પાછો દરવાજો બંધ કરવાની તૈયારી સાથે તેણે દરવાજો  ખોલ્યો !

-અંદર....,

...અંદર રૂમમાં જીવડાંઓનું ધાડું નહોતું ! અરે ! જીવડાંઓનું ધાડું તો ઠીક પણ એકેય જીવડુ નહોતું !

‘જોયું !’ જેકસને કહ્યું : ‘મેં કહ્યું ને, જીવડાંઓનું એ ધાડું આવ્યું હતું એવી રીતના જ ચાલ્યું પણ ગયું.’ અને જેકસન રૂમની ખુલ્લી બારીને બંધ કરવા માટે આગળ વધી ગયો.

તે પલંગ પાસેથી પસાર થયો.

પલંગ પર પડેલું પેલું લાકડાનું બોકસ અત્યારે બંધ હતું !

જેકસને બારી બંધ કરી અને પાછો રૂમના દરવાજા બહાર નીકળ્યો. તેણે રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો.

તે મરીનાના રૂમમાં દાખલ થઈને બાથરૂમ પાસે પહોંચ્યો.

-બાથરૂમમાં પણ અત્યારે એકય જીવડું નહોતું !

તે મરીનાના રૂમની બહાર નીકળ્યો.

સ્વીટી હજુ પણ સોફા પર બેઠી હતી, અને એનાથી થોડેક દૂર મરીના તેને જોતી ઊભી હતી.

‘મરીના ! તારા રૂમમાં પણ હવે એકેય જીવડું નથી રહ્યું.’ જેકસન બોલ્યો.

‘ડેડી !’ બોલતાં મરીના મેઈન દરવાજા તરફ આગળ વધી : ‘અત્યારે આપણે મમ્મી પાસે જઈ રહ્યા છીએ !’ અને મરીના મેઈન દરવાજાની બાજુમાં કી-બોર્ડ પર લટકી રહેલી કારની ચાવી લઈને બહાર નીકળી ગઈ.

‘હા, ડેડી ! આપણે મમ્મી પાસે જઈએ !’ બોલતાં સ્વીટી પણ દોડતી મેઈન દરવાજાની બહારની તરફ આગળ વધી ગઈ.

જેકસને નિસાસો નાંખ્યો.

તેણે મેઈન દરવાજો લૉક કર્યો અને કાર તરફ આગળ વધ્યો.

મરીના કારની ડ્રાઈવિંગ સીટની બાજુની સીટ પર બેસી ચૂકી હતી, તો સ્વીટી કારની પાછલી સીટ પર બેઠી હતી.

જેકસન કારની ડ્રાઈવિંગ સીટ પર બેઠો. તેણે પોતાની ઍકસ વાઈફ પામેલાના ઘર તરફ કાર આગળ વધારી.

અને ત્યારે તેના મન-મગજમાં પેલાં વિચિત્ર અને ભયાનક જીવડાં ઘુમરાઈ રહ્યાં હતાં. ‘જે રીતના એ ભયાનક જીવડાંના ઝુંડના ઝુંડ તેના ઘરમાં ઘૂસી આવ્યાં હતાં અને પછી જે ઝડપે પાછા એ જીવડાં ચાલ્યા ગયાં હતાં, એ શું ખરેખર એક સીધી-સાદી ને સામાન્ય ઘટના હતી ખરી ?!’

‘જીવડાંઓના એ ઝૂંડથી મરીના તો ખૂબ જ ડરી ગઈ  છે !’ પોતાના ઘરમાં જેકસનની સામે ઊભેલી જેકસનની ઍકસ વાઈફ પામેલાએ કહ્યું : ‘તેં એવું તો કેવું ઘર લીધું છે, કે જીવડાંઓનું ઝૂંડ ઘરમાં ઊતરી આવ્યું ?!’

‘તું ફિકર ન કર !’ જેકસને કહ્યું : ‘એવું કંઈક લાગશે તો હું જંતુનાશક દવા છંટકાવી લઈશ.’

‘એવું લાગશે તો નહિ, પણ જરૂર છંટાવી લેજે.’

‘ઠીક છે !’ જેકસને કહીને પૂછયું : ‘તારા કૉમ્પ્યુટરમાંથી હું આપણી વિડીયો લઈ લઉં.’

‘હા, જરૂર !’ પામેલા બોલી.

જેકસન કૉમ્પ્યુટર સામેની ખુરશી પર બેસવા ગયો, ત્યાં જ તેની નજર રૂમના દરવાજા પાસેથી પસાર થઈ રહેલા પામેલાના નવા પ્રેમી ડેવિડ પર પડી. ડેવિડના ચહેરા પર જાણે એને જેકસનની પામેલા સાથેની આ વાત-મુલાકાત ગમતી ન હોય એવા ભાવ હતા.

ડેવિડને અવગણીને જેકસન કૉમ્પ્યુટર સામેની ખુરશી પર બેઠો.

પામેલા તેની બાજુમાં ઊભી રહી.

જેકસને કૉમ્પ્યુટરમાં પેનડ્રાઈવ લગાવી અને એમાં પોતાની તેમજ પામેલાની વીડિયો કૉપી કરતાં પહેલાં એક વીડિયો ચાલુ કરી.

કૉમ્પ્યુટરના સ્ક્રીન પર જેકસન અને પામેલા દેખાયાં. જેકસન ટી-શર્ટ અને શોર્ટસ પહેરીને ઊભો હતો અને પામેલા નાઈટી પહેરીને ઊભી હતી !

‘મરીના ને સ્વીટી વેકેશનમાં શિમલા ટૂર પર ગઈ હતી અને ઘરમાં આપણે બન્ને એકલાં હતાં ત્યારની આ વીડિયો છે ને ?!’ મરીના સ્ક્રીન પર દેખાઈ રહેલા જેકસન અને પોતાની જાતને જોઈ રહેતાં બોલી.

‘હા !’ જેકસને ચહેરો ફેરવીને પામેલા સામે જોયું.

‘જેકસન !’ કૉમ્પ્યુટરના સ્ક્રીન પર એને લઈને વિચિત્ર રીતના ડાન્સ કરી રહેલા જેકસનને જોઈને પામેલા હસી પડી : ‘એ વખતે આપણે કેટલી મજા કરી હતી !’

‘હા !’ જેકસન બોલ્યો.

‘તું આમાં કેટલો હેન્ડસમ લાગે છે ?!’

‘હેન્ડસમ તો શું હું અત્યારે પણ નથી લાગતો ?!’ જેકસને કહ્યું અને જાણે પામેલા ભૂતકાળની દુનિયામાંથી પાછી આવી. એણે એક નજર જેકસન પર નાંખી અને જેકસનથી દૂર થઈ : ‘જેકસન !’ પામેલા બોલી : ‘તું વીડિયો લઈને નીકળ !’

‘હા !’ જેકસને એક નિશ્વાસ નાંખ્યો અને પેનડ્રાઈવમાં વીડિયો કૉપી કરીને, પેનડ્રાઈવ લઈને ઊભો થયો. ‘પામેલા !’ તેણે પામેલાને પૂછયું : ‘હું તને એક વાત પૂછવા માંગું છું. શું તેં સ્વીટીમાં કોઈ ફેરફાર આવ્યાનો અનુભવ કર્યો છે ?!’

‘કેવો ફેરફાર ?!’

‘મને ખબર નથી, પણ કેટલીય વાર મને સ્વીટી ખોવાયેલી-ખોવાયેલી લાગે છે !’

‘મને લાગે છે કે, આપણી દીકરીઓ આપણે છુટા થયા છીએ એ કારણે પરેશાન છે, પણ,’ પામેલાએ કહ્યું : ‘સમયની સાથે બધું ઠીક થઈ જશે.’

‘હા, કદાચ !’ અને જેકસને કહ્યું : ‘હું નીકળું ! ટૂંક સમયમાં જ ફરી મળીશું !’ અને જેકસન એ રૂમની અને પછી પામેલાની ઘરની બહાર નીકળી ગયો.

રાતના આઠ વાગ્યા અને ખેલાડીઓને વૉલીબોલની પ્રેકટીસ કરાવીને, એમનાથી છુટો પડીને જેકસન ઘરે જવા માટે કારમાં બેઠો, ત્યારે જ તેને યાદ આવ્યું કે, તેણે ચાર વાગ્યે તો મરીનાનો ડાન્સનો પ્રોગ્રામ જોવા માટે એની કૉલેજ જવાનું હતું, પણ તે આ વાત ભૂલી જ ગયો હતો.

તેણે અફસોસ કરતાં કાર પોતાના ઘર તરફ આગળ વધારી અને પામેલાના ઘરે રહેલી મરીના સાથે વાત કરવા માટે મરીનાનો મોબાઈલ નંબર લગાવ્યો.

સામેથી થોડીક રીંગ સંભળાઈ અને પછી મોબાઈલ લેવામાં આવ્યો, એટલે જેકસને કહ્યું : ‘સૉરી, મરીના ! હું તારા પ્રોગ્રામમાં આવી શક્યો નહિ. હું તારા પ્રોગ્રામમાં ખરેખર આવવા માંગતો હતો, પણ...’

‘મરીના તમારાથી નારાજ છે, ડેડી !’ મોબાઈલ ફોનમાં સામેથી મરીનાને બદલે સ્વીટીનો અવાજ સંભળાયો.

‘હા, મને ખબર છે, સ્વીટી પણ...’ અને જેકસન આગળ બોલવા જાય ત્યાં જ મોબાઈલમાં સામેથી સ્વીટીનો સવાલ સંભળાયો : ‘ડેડી ! મારું પેલું બૉકસ તો બરાબર છે ને !’

‘હા !’ જેકસન બોલ્યો.

‘ડેડી ! એ બોકસને કોઈ નહિ અડકે !’ સામેથી સ્વીટીનો અવાજ સંભળાયો.

‘ઑ. કે !’

‘ફકત હું જ એને અડકીશ !’ મોબાઈલમાં સામેથી સ્વીટીનો ભારભર્યો અવાજ સંભળાયો.

‘સ્વીટી !’ જેકસને પૂછયું : ‘એ બોકસમાં એવું તો શું છે કે...’

‘...મેં કહ્યું ને, ડેડી !’ મોબાઈલ ફોનમાં સામેથી સ્વીટીનો ગુસ્સાભર્યો અવાજ સંભળાયો : ‘તમે એ બોકસને હાથ નહિ લગાવો ! બસ !’

‘ઠીક છે !’ જેકસને એક લાંબો શ્વાસ બહાર છોડયો : ‘હું તારા એ બોકસને હાથ નહિ લગાવું.’ અને જેકસને મોબાઈલ કટ્‌ કર્યો.

પણ ઘરે પહોંચીને જેકસન સીધો સ્વીટીના રૂમ તરફ આગળ વધ્યો. ‘એ બોકસમાં એવું તો શું હતું કે, સ્વીટી બોકસને હાથ સુધ્ધાં લગાડવા માટેની તેને ના પાડતી હતી !!’

જેકસન સ્વીટીના રૂમમાં દાખલ થયો.

બારી પાસેના ટેબલ પર એ લાકડાનું મોટું બોકસ પડયું હતું.

જેકસન ટેબલ પાસે પહોંચ્યો ને ટેબલ પાસેની ખુરશી પર બેઠો.

તે ટેબલ પર પડેલા એ બોકસને પળ બે પળ જોઈ રહ્યો અને પછી તેણે એ બોકસને ખોલવા માટે બન્ને હાથ આગળ વધાર્યા, અને...

...અને તેણે બોકસનો ઉપરનો ઢાંકણાવાળો ભાગ પકડયો અને ઢાંકણું ખોલ્યું-બોકસ ખોલ્યું !

(ક્રમશઃ)