Love you yaar - 44 books and stories free download online pdf in Gujarati

લવ યુ યાર - ભાગ 44

નક્કી કર્યા મુજબ મીત અને સાંવરીની લગ્નની ગ્રાન્ડ પાર્ટીનું આયોજન લંડનની સારામાં સારી ફાઈવસ્ટાર હોટલ ડાઉનટાઉનમાં કરી દેવામાં આવ્યું હતું. મીત અને સાંવરી આજે ખૂબજ ખુશ હતાં સાથે સાથે તેમની ઓફિસ સ્ટાફ પણ ખૂબજ ખુશ હતો. મીત અને સાંવરીએ દરેકને સૂચના આપી દીધી હતી કે કોઈએ પણ ગીફ્ટ કે કંઈજ રોકડ રકમ લાવવાની નથી તેઓ તે સ્વીકારશે નહીં બસ ફક્ત બધાએ પોતાના બ્લેઝીન્ગ્સ જ પોતાની સાથે લઈને આવવાનું છે અને પાર્ટી એન્જોય કરીને ઘરે જવાનું છે.

પાર્ટીનો માહોલ ખૂબજ સરસ રીતે જામેલો હતો મીત અને સાંવરી એક ખૂબજ સુંદર કપલ તૈયાર થઈને પાર્ટીના હોલમાં પ્રવેશી રહ્યું હતું. મીતે સાંવરીનો ફેવરિટ લાઈટ પર્પલ કલરનો સૂટ પહેર્યો હતો અને સાંવરીએ મીતની ફેવરિટ લાઈટ પીંક કલરની આખી વર્કવાળી સુંદર સાડી પહેરી હતી આજે તો તે બ્લેક બ્યુટી લાગી રહી હતી અને મીતની નજર તેની ઉપરથી હટતી નહોતી. બંને એકબીજાના હાથમાં હાથ પરોવીને હોલમાં એન્ટ્રી લઈ રહ્યા હતા અને ઘડીકમાં એકબીજાની સામે તો ઘડીકમાં હોલની અંદર રહેલા માહોલને જોતાં જોતાં મરક મરક મલકાતાં મલકાતાં હોલમાં પ્રવેશી રહ્યા હતા. તેમની કલ્પના બહારનું હોલમાં ડેકોરેશન કરવામાં આવ્યું હતું જે ઓફિસના સ્ટાફ મિત્રોએ સાથે મળીને કર્યું હતું. જેવી મીત અને સાંવરીની એન્ટ્રી હોલમાં થઈ કે તરતજ તેમની ઉપર ગુલાબનો વરસાદ થયો અને સ્ટેજ સુધીનો તેમનો રસ્તો પણ ગુલાબના ફૂલથી શણગારવામાં આવ્યો હતો. મીત અને સાંવરી બંને આ બધું જોઈને ખૂબજ ખુશ થઈ ગયા અને સાંવરીની આંખો તો ખુશીથી છલકાઈ આવી તે વિચારવા લાગી કે, પોતાના સિવાય કોઈ પારકા પણ કોઈને માટે કંઈક કરી છૂટે તેવા હોય છે અને હજી તો તે આવું વિચારી રહી હતી ત્યાં તો એક સુંદર ટ્રોલીમાં એક સુંદર ત્રણ માળની કેક આવી જેની ઉપર એક છોકરો અને એક છોકરીનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું હતું. જે મીતે અને સાંવરીએ કટ કરી અને આખોયે હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠયો.

મીત અને સાંવરીએ દરેકને પોતાના હાથેથી કેક ખવડાવી અને દરેકની સાથે સેલ્ફી લીધી સાંવરીએ પોતાના સાસુ સસરાને વિડિયો કોલ કર્યો તો તેઓ પણ ઓફિસ સ્ટાફ ઉપર ખૂબજ ખુશ થઈ ગયા અને તેમણે મીતના લગ્ન નિમિત્તે લંડનના તેમજ ઈન્ડિયાના બંનેના ઓફિસ સ્ટાફને પાંચ ગ્રામનો સોનાનો સિક્કો આપવાની જાહેરાત કરી તેથી સ્ટાફ મેમ્બર્સ વધુ ખુશ થઈ ગયા હતા.

પાર્ટી પતાવીને મીત અને સાંવરી બંને પોતાના ઘરે આવ્યા બંને આજે ખૂબજ થાકી ગયા હતા એટલે પથારીમાં પડ્યા તેવા તરતજ સૂઈ ગયા. બીજે દિવસે પોતાની આદત મુજબ સાંવરી સવારે વહેલી જ ઉઠી ગઈ હતી અને રુટીન મુજબ તેણે પોતાની અને મીતની ચા બનાવી દીધી અને તે મીતને ઉઠાડવા માટે બેડરૂમમાં ગઈ તો મીતે તેને પોતાની તરફ ખેંચી લીધી કારણ કે સાંવરી પોતાના આછા સ્કાય કલરના નાઈટગાઉનમાં આકર્ષક લાગતી હતી અને સાંવરી ઉપર તેણે ચુંબનનો વરસાદ કરી દીધો અને સાંવરી બૂમો પાડતી રહી અને મીતે તેને પોતાની બાજુમાં સુવડાવી દીધી અને બંને જણાં જાણે એકબીજામાં ખોવાઈ ગયા થોડીવારમાં મીતના ફોનનું એલાર્મ વાગ્યું જેણે બંનેના પ્રેમનાં રંગમાં ભંગ પડાવ્યો અને સાંવરી બૂમો પાડતી પાડતી મીતની બાજુમાંથી ઉભી થઈ કે, હવે લન્ચ માટે ફટાફટ કંઈક બનાવી દઉં મીત તેને કહી રહ્યો હતો કે આપણે બહાર જમી લઈશું પરંતુ સાંવરી મીતને પોતાના હાથેથી બનાવેલું જ જમાડવા માંગતી હતી એટલે તે ફટાફટ કિચનમાં ગઈ અને તેણે ફટાફટ જમવાનું પણ બનાવી દીધું.

આજે પણ તે વહેલી જ ઓફિસે જવા માંગતી હતી એટલે તેણે મીતને પૂછ્યું પણ મીતે તેને ટેક્સી બોલાવીને જ ઓફિસે પહોંચવા જણાવ્યું એટલે તેણે પોતાનું અને મીતનું ટિફિન પેક કર્યું અને તે ઓફિસ જવા માટે નીકળી ગઈ રસ્તામાં તે વિચારી રહી હતી કે મીસીસ ડિસોઝા કહી રહ્યા હતા કે, દિવાકરભાઈએ નવો બંગલો ખરીદ્યો છે અને તે પણ હમણાં થોડા સમય પહેલાં અને મેં જોયું કે તે કાર પણ નવી પેટીપેક લઈને આવે છે તો આ બધું એકદમ તેમની પાસે આવ્યું કઈરીતે મારે બધી તપાસ કરવી પડશે અને એકાએક તેને એક બીજો વિચાર આવ્યો કે આજે મારે પહેલા ઓફિસે નથી જવું તેને બદલે કંપનીના ગોડાઉને સરપ્રાઈઝ વીઝીટ માટે જવું છે એટલે તેણે પોતાની ટેક્સી ઓફિસે ન લઈ જતાં કંપનીના ગોડાઉને લેવડાવી અને તે કંપનીના ગોડાઉને પહોંચી ગઈ. ગોડાઉનની બહાર વોચમેન બેઠેલો હતો જેને સાંવરીએ ગોડાઉન ખોલવા માટે સૂચના આપી અને પોતે ગોડાઉનની અંદર પ્રવેશી અને પહેલા આખાયે ગોડાઉનમાં બે ચક્કર લગાવીને તેણે ગોડાઉનમાં રહેલા માલના ફોટા પાડી લીધા અને ત્યારબાદ તેણે ગોડાઉનના ફોટા પાડી લીધા. ગોડાઉનમાં એક રૂમ એવી રાખવામાં આવી હતી જ્યાં ગોડાઉનમાં રહેલા દરેક સીસીટીવી કેમેરાના ફૂટેજ જોઈ શકાય સાંવરીએ વોચમેન પાસે તે રૂમ ખોલાવી અને તે ગોડાઉનના સીસીટીવી ફૂટેજ જોવા લાગી તો ગોડાઉનમાં રહેલા મોટાભાગના કેમેરા તેને બંધ જોવા મળ્યા આ બાબતે તેણે વોચમેનને અંદર રૂમમાં બોલાવીને પૂછ્યું તો વોચમેનના કહેવા પ્રમાણે આ બાબતની કોઈ જ માહિતી તેને નહોતી ગોડાઉનનો તમામ વહીવટ ગોડાઉનનું બધું જ કામકાજ ફક્ત દિવાકર સર સંભાળે છે તેમના સિવાય ઓફિસનો કોઈ માણસ અહીં આવતો કે જતો નથી તેવું વોચમેને સ્પષ્ટ શબ્દોમાં સાંવરીને જણાવ્યું એટલે સાંવરીને એટલી વાત તો સમજમાં આવી જ ગઈ કે ગોડાઉનના મોટાભાગના સીસીટીવી કેમેરા જાણીજોઈને બંધ કરાવી દેવામાં આવ્યા છે. હવે તેને લાગ્યું કે, ગોડાઉનમાંથી માલની ચોરી થાય છે તે વાત નક્કી છે. તેણે ફરીથી સીસીટીવી ફૂટેજ ખોલ્યા અને જે કેમેરાના ફૂટેજ બતાવતા હતા તે થોડા વધારે ધ્યાનથી અને થોડા સમય પહેલાના પણ જોવાની તેણે કોશિશ કરી તો તે જોઈને તેને એવું લાગ્યું કે, કંપનીનો અમૂક માલ પહેલેથી જ સાઈડમાં જ મૂકી દેવામાં આવે છે જે પછીથી ખસેડી દેવામાં આવે છે. આ બાબત જોઈને તેને લાગ્યું કે, નક્કી આ સાઈડમાં મૂકેલો માલ અધ્ધર કરી દેવામાં આવે છે અને તેના પૈસા જે તે વ્યક્તિના ખીસ્સામાં જાય છે. આ બધું જ જોયા પછી તેણે ગોડાઉનના વોચમેનને અંદર રૂમમાં બોલાવ્યો અને તેને સૂચના આપી દીધી કે, હું અહીં ગોડાઉન ઉપર વોચ કરવા માટે આવી હતી તે વાત તમારે કોઈને પણ જણાવવાની નથી આ વાત આપણી બંનેની વચ્ચે જ રહેવી જોઈએ અને તે ગોડાઉનથી નીકળીને પોતાની ઓફિસમાં પહોંચી જ્યાં દિવાકરભાઈ આજે સમયસર આવી ગયા હતા એટલે તેણે દિવાકરભાઈને પોતાની કેબિનમાં બોલાવ્યા.

દિવાકરભાઈ પોતાના બોસની ઉપર ખૂબજ ખુશ હતા કારણ કે કંપનીના બોસ શ્રી કમલેશભાઈ કંપનીના દરેક એમ્પલોઈને પાંચ ગ્રામનો સોનાનો સિક્કો આપવાના છે એટલે જેવા મીતસર અને સાંવરીમેમની કેબિનમાં આવ્યા તેવા તે સાંવરીમેમને કહેવા લાગ્યા કે, " મેમ કમલેશસરે જે જાહેરાત કરી તેનાથી આપણી ઓફિસના દરેક એમ્પલોઈ આજે ખૂબ ખુશ છે અને કમલેશસરના તમારા તેમજ મીતસરના ખૂબ વખાણ કરે છે.
સાંવરીએ પણ ખુશ થઈને પૂછ્યું કે, " અચ્છા એવું છે ? " અને દિવાકરભાઈએ ફરીથી કહ્યું કે, " જી મેડમ " ત્યારબાદ સાંવરીએ દિવાકરભાઈને કહ્યું કે, " આપણે આજે ગોડાઉનની વીઝીટ કરવા માટે જવાનું છે. " તો દિવાકરભાઈએ જવાબ આપ્યો કે, "જી મેડમ પણ ગોડાઉન તો અહીંથી ખૂબ દૂર છે અને જેની પાસે ગોડાઉનની ચાવી રહે છે તે વોચમેન આજે આવ્યો પણ નથી માટે આજે ગોડાઉનની વીઝીટ નહીં થઈ શકે."

સાંવરી: ઓકે તો એક કામ કરો મને અત્યારે ફાઈનલ જે ગોડાઉનમાં માલ છે હાજર સ્ટોકમાં કેટલો છે અને આપણી પાસે સેલ ઓર્ડર કેટલો છે તે લિસ્ટ બતાવો અને આપણે કયો કયો માલ કઈ જગ્યાએ રાખીએ છીએ તે અને કઈ કઈ કંપનીને કેટલો કેટલો માલ દર મહિને સેલ કરીએ છીએ તેનું લિસ્ટ અને છેલ્લા પાંચ વર્ષમાં જે માલની આવક અને જાવક થઈ હોય તેનું લિસ્ટ આ બધું જ મારે જોઈએ છે અને તે પણ અત્યારે જ.
દિવાકરભાઈ: જી, મેડમ અત્યારે ને અત્યારે તો આટલું બધું પોસીબલ નહીં થાય.
સાંવરી: તમે એક કામ કરો આ બધોજ ડેટા તમારા લેપટોપમાં જ હશે ને ?
દિવાકરભાઈ: જી મેડમ.
સાંવરી: તો તમારું લેપટોપ અહીં લેતા આવો હું જે કંઈ પણ તમને પૂછું તે તમે મને તમારા લેપટોપમાં અત્યારે ખાલી બધું બતાવી દો પછીથી શાંતિથી મને ફોરવર્ડ કરી દેજો.
સાંવરીની વાત સાંભળીને દિવાકરભાઈના છક્કા છૂટી ગયા છેલ્લા પાંચ વર્ષની આવક જાવકનો હિસાબ પોતાના લેપટોપમાં કઈરીતે બતાવવો તેમ તે વિચારમાં પડી ગયા એટલે તેમણે સાંવરીને એમ કહી દીધું કે મેડમ આજે હું મારું લેપટોપ જ નથી લાવ્યો.
સાંવરી: તો પછી દિવાકરભાઈ આપણે કંપનીના કમ્પ્યુટરમાં આ બધો હિસાબ સેવ નથી કરતા ?
દિવાકરભાઈ: ના મેડમ મારા લેપટોપમાં બધો હિસાબ સેવ જ હોય છે એટલે કંપનીના કમ્પ્યુટરમાં સેવ કરવાની કદી જરૂર પડી નથી.

સાંવરી મનમાં ને મનમાં વિચારી રહી હતી કે, 'હોઠ સાજા તો ઉત્તર ઝાઝા' એવું છે આ માણસ થોડો વધારે પડતો જ સ્માર્ટ બની રહ્યો છે અને ચોર પણ તે જ છે અને સાબિતી વગર મીત તો તેને ચોર માનવા માટે જરા પણ તૈયાર જ નહીં થાય. તેને ખુલ્લો પાડવા માટે મારે કંઈક કીમીયો ઘડવો પડશે....

શું મીત અને સાંવરીની સહિયારી કંપનીમાં કોઈ ચોરી કરી રહ્યું છે ? કોણ છે તે ? સાંવરી તેને પકડી શકશે ? મીત સાંવરીની વાત માનવા તૈયાર થશે ? મીતે જે જાસૂસી ટીમ હાયર કરી છે તેણે ખૂનીને શોધી કાઢ્યો હશે ? જાણવા માટે વાંચો આગળનું પ્રકરણ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
19/3/24