Baharvatiya Kalubha - 1 in Gujarati Adventure Stories by દિપક રાજગોર books and stories PDF | બહારવટિયો કાળુભા - 1

Featured Books
Categories
Share

બહારવટિયો કાળુભા - 1

પ્રસ્તાવના,ગુજરાત ભુમી બહારવટિયા, સતી, સુરાઓ, સંતો, મહાત્માઓ અને યુગ પુરુષ ની ધરતી તરીકે ઓળખાય છે. ગુજરાતના દરેક ગામડાઓની ધરતી વીરોની વાતોને પોતાના પેટમાં સંઘરીને બેઠી છે. ગુજરાત પ્રાંતમાં ઘણા જ બહારવટિયાઓ થઈ ગયા, તેમાંનો એક બહારવટિયો એટલે "કાળુભા"

બારડી વિસ્તારમાં આવેલ મોવાણ નામના ગામે એક લોહાણા શેઠને ત્યાં મજૂરી કરતો માણસ, જેણે સરકારની સામે બહારવટુ માંડ્યું હતું. કાળુભાઈ નું બારવટુ બારાડી, સોરઠ, હાલર, કાઠીયાવાડ વગેરે વિસ્તારમાં જાણીતું હતું. કચ્છના કોઈ ગામડેથી ભાગીને આવેલ એ કાળુભા બારાડીમા આશરો લે છે. ઘણા વર્ષો સુધી લોહાણા શેઠને ત્યાં ગોડાઉનમાં માલ ઉતારવા ચડાવવાનું કામ કરતો રહ્યો.

પણ...

અચાનક કંઇક એવું થયું કે કાળુ મજૂર મટીને બહારવટિયો બની ગયો.

કોણ હતો આ કાળુભા? એ સવાલ આજે પણ લટકતો જ છે.

કેમ તે કચ્છથી ભાગીને બારાડી પ્રાતમાં આશરો લીધો હતો.?

પહેલા તેને પોતાની ઓળખ કેમ છૂપાવી હતી?

અને કેમ અચાનકથી તેણે હથાયાર ઉપાડ્યું અને બહારવટિયો બની ગયો?

આ દરેક પ્રશ્નોનાં ઉકેલ તમને અહી વાંચવા મળશે.

બહારવટિયા કાળુભાની આ વાત તમારી સમક્ષ રજુ કરું છું. કાળુભા નાં જીવનના અલગ અલગ તબક્કાઓ અલગ અલગ રીતે લોકવાયકાઓ રૂપે સાંભળવા મળે છે.

અહી રજુ કરેલ વાત લોકોમાંથી અને લોકો દ્વારા જાણી અને લેખન કરેલ છે. જેની દરેક વાંચક મિત્રોએ નોંધ લેવી.


દીપક રાજગોર

બહારવટિયો કાળુભા

પ્રકરણ_૧માગશર પોષ મહિનાની કડકડતી ટાઢ વાય રહી હતી. ઠંડો પવન સૂસવાટા મારી રહ્યો હતો, સુરજના કિરણો ધરતી પરથી વિદાય લઈ રહ્યા હતા પંખીઓ કોલાહલ કરતાં પોતાના માળા તરફ પાછા ફરી રહ્યા હતા ધીમે ધીમે ધરતી અંધારપછેડો ઓઢી રહી હતી. એવા સમયે મોવાણ ગામનો મામદ હાથમાં પોતાના ચામડાના ચવલા ઉપાડીને દોડી રહ્યો હતો. મોવાણ ગામથી ઉગમણી દિશાએ આવેલ ભંગનીધાર થી સીધો માડી ગામનો રસ્તો પકડ્યો. દેશી બાવળ અને કાંટાળો ગાડાચિલા માર્ગ પર દોડી રહ્યો હતો. તેના મનમાં અત્યારે એક જ તુફાન ઉલાળા મારી રહ્યું હતું,

" બહારવટિયો કાળુભા"

મનમાં ને મનમાં શબ્દોને ઘૂટતો એ ભાડથર ગામ તરફ ઝડપથી દોડી રહ્યો હતો. તેના પગ યંત્રવત ઉપાડી રહ્યા હતા. તેના ચહેરા પર અકળામણ અને આંખોમાં ભયની છાયા ઉપસી આવી હતી. "મામદ મોવાણ ગામનો પસાયતો હતો" પાંચ હાથ પૂરી ઊંચાઈ અને મજબુત બાંધાનો દેહ ધરાવતો મામદ અત્યારે કોઈ ભૂયથી કંપી રહ્યો હતો.

તે વારેવારે પાછળ નજર કરીને જોઈ લેતો હતો જાણે પાછળ મોત પડ્યું હોય તેમ. મનમાં મોતનો ભય અને મગજમાં ઝટ પહોંચવાની તાલાવેલી લઈને ભાડથર ગામ તરફ જઈ રહ્યો હતો. બારાડી મા આવેલા દેસી બાવળોનાં જંગલો અનંત છે. આ બાવળોનાં જંગલની અંદરથી પસાર થતી પગદંડીઓ રાત્રે બિહામણી બની જતી. ઊંચી નીચી ટેકરીઓ અને ઉચાણ નીચાણ વાળા ઢાળ તો ક્યાંક વિશાળ મેદાનો વચ્ચે ભેખડોમાં ભયાનક સન્નાટો ફેલાયેલો હતો.

મામદ પાસાયતો આવા માર્ગપર દોડી રહ્યો હતો. ઘણીવાર થયા તે દોડી રહ્યો હતો. અત્યારે અંધારું સંપૂર્ણ જામ્યું હતું. તે થાક ખાવા થોડીકવાર થોભ્યો. પોતાના એક હાથમાં ચવલા અને બીજા હાથની મુઠ્ઠીમાં જકડાવિને પકડી રાખેલ પાઘડીથી તેણે પોતાના મોઢા પરનો પરસેવો લૂછ્યો. અત્યારે મામદ મામદ પસાયતો સમજી નહોતો શકતો કે આ પરસેવો ઝડપથી દોડવાને કારણે થયો હતો કે તેના મનમાં જન્મેલા મોતના ભયનો. તેના હૃદયના ધબકારા વધી ગયા હતા. મામદ આજે પોતાની જિંદગીને દાવ પર લગાવીને બહારવટિયા સામે જુગાર રમી રહ્યો હતો. તેણે પોતાના ખુદાને યાદ કરતાં મનમાં ને મનમાં પ્રાર્થના કરી કે પોતે ભાડથર ગામની પોલીસ ચોકી સુધી જલ્દી પહોંચી જાય. થોડોક થાક ઊતરતાં જ તે પાછો દોડવા લાગ્યો. ધીમી પડેલી પોતાની દોડને વધુ તેજ કરતા તે ઉતાવળે દોડ્યો. હવે રાત્રિની ભયાનકતા વધતી જતી હતી. બાવળોના જંગલ અને ધારોની ઊંચી નીચે જમીન પર દોડવું થોડુંક મુશ્કેલ હતું. અત્યારે ઠંડી હાડ ધ્રુજાવતી હતી. અને ઠંડો પવન વાય રહ્યો હતો. પવનના કારણે ડોલી રહેલા વૃક્ષોનાં પાંદડાનો અવાજ કોઈ ભેદી ભૂતાવળ જેવો લાગી રહ્યો હતો. કાળી ભેખડોને વટાવતો મામંદ ક્યાંક અંધારામાં તો ક્યાંક અજવાળામાં દોડી રહ્યો હતો. તેનું હૃદય ખૂબ જ જોરથી ધડકી રહ્યું હતું. આજે તે પોતાની ફરજ પર હતો અને મહિનાઓ પહેલા તેને જે કામ આપવામાં આવ્યું હતું. "બસ એજ કામ કરવા એ દોડી રહ્યો હતો." તે મનમાં ને મનમાં વિચારી રહ્યો હતો.

અચાનક એક નાનકડો ખાડો આવતા તે ગોથાલ્યું ખાઈને પડી ગયો. તે જેવો પડ્યો તેવોજ ઝડપથી ઊભો થઈ ગયો અને એક જગ્યા પર ઉભો રહીને હાફવા લાગ્યો. મોત ભરેલી આંખે હાફતા હાફતા તેણે પાછળ જોયું. અત્યારે સુમસાન જંગલમાં પોતે એકજ હતો. અંધારામાં જ તેણે પોતાનાં લુગડા પર લાગેલી ધૂળને ઝાટકતા પોતાના ચવલા શોધવા લાગ્યો. મામદ જ્યારે પડ્યો ત્યારે તેના હાથમાં રહેલા ચવલા છૂટીને આગળ પડી ગયા હતા. તેણે પાંચ છ ડગલાં આગળ ચાલતા પોતાના ચવલા ઉપાડ્યા. છૂટા છવાયા પડેલાં ચવલાને હાથ કરતા મામદે દાંત ભિસ્યા, અને ધીમા પગલે આગળ ચાલ્યો. તેના મનમાં અત્યારે ઝટ ભાડથર પહોંચવાનું તોફાન મચ્યું હતું. ઉતાવળી ચાલે ચાલતા તે મનમાં કઈક કોઠા ઘડી રહ્યો હતો. અત્યારે તેની આંખોમાં અગ્નિનીજ્વાળા ભભૂકી રહી હતી. તે દાંત કચવચાવતા બોલ્યો, "બહારવટિયા કાળુભા આજે તારા બહારવટાનો છેલ્લો દિવસ સમજ આજે તો તને ઝાલ્યે જ જંપીશ."

મામદને કાળુભા સાથે કોઈ અંગત વેર નહોતું. બારાડી પ્રાંતમાં કાળુભાએ પોતાનો હાહાકાર મચાવ્યો હતો. તેણે બારાડી, હાલાર, કાઠીયાવાડમાં ગામોના ગામ ભાંગીને પોતાના નામનો પડઘો જગાવ્યો હતો. આજ કારણે બહારવટિયા કાળુભાને ઝાલવા માટે સરકારે પોતાના કર્મચારીઓને સખતમાં સખત હુકમ આપ્યો હતો.

બસ... આજ કાળુભાનાં કારણે મામદ પસાયતો આજ પોતાની ફરજ અદા કરવા માટે ઉઘાડા પગે દોડી રહ્યો હતો. મામદની નજર અંધારાને ચીરતી આગળ જંગલના માર્ગપર મંડાયેલી હતી. તેની આંખો કોઈ ભયાનક જંગલી જાનવરની જેમ ઝગમગતી હતી. તેનો શ્વાસ ધમણની જેમ ચાલી રહ્યો હતો. તે પોતાના હોઠ અને મક્કમતાથી બીડતો ફરીથી દોડવા લાગ્યો. હવે તે ભાડથર ગામની નજીક આવી ગયો હતો. રાતના અંધારામાં ગામના કેટલાક ઘરોમાં તથા શેરીઓના દિવા પ્રકાશતા દેખાઈ રહ્યા હતા. હવે મામદના જીવમાં જીવ આવ્યો. તેના મનમાં શાંતિ વળી કે પોતે સહી સલામત ભાડથર ગામ પહોંચી આવ્યો. હવે તો તેને પગમાં લાગેલા કાંટા અને અણીદાર પથ્થરોના ઘા પણ દુખતા હતા અને શરીર થાકીને લોથપોથ થઈ ગયું હતું. ભાડથર ગામ ખંભાળિયાના બીજા ગામડાઓની જેમ જ વિકાસ પામેલું ગામ છે તે બીજા નગરોને ખંભાળિયાની સાથે જોડતું મુખ્ય ગામ છે એટલે ત્યાં દવાખાનુ, નિશાળ, પંચાયત કેટલા પાક્કા ઘર અને માર્ગને અડીને જ એક મોટી પોલીસ ચોકી હતી. આ પોલીસ ચોકી આડે રસ્તે થી મોવાણ ગામને એકદમ નજીક થાય છે એટલે જ મામદ પસાયતાએ ભાડથર તરફ દોડ લગાવી હતી. અત્યારે તે ભાડથર ગામે પહોંચી ગયો હતો. ગામની આથમણી બાજુ માર્ગને અડીને બનેલી મોટી પોલીસ ચોકી હતી મામદ સીધો ત્યાં ગયો. જૂનવાણી ઢબનું બનેલું પોલીસ ચોકીનું આ મકાન હતું. નાનકડા ફળિયાની બહાર મુખ્ય ડેલા ઉપર એક કોન્સ્ટેબલ હાથમાં બંદૂક લઈને બેઠો. પોલીસ ચોકીની અંદર બહાર ચારે બાજુએ દીવાલો પર ફાનસો પેટી રહ્યા હતા, મુખ્ય ડેલાની બંને બાજુની દીવાલોનાં ખીલાઓમાં ટાંગેલા ફાનસ માર્ગ પર પ્રકાશ પાથરી રહ્યા હતા. અંધારા ભરેલા માર્ગ પરથી નીકળીને મામદ સીધોજ કોન્સ્ટેબલની પાસે ગયો.
ક્રમશ.