Tari Pidano Hu Anubhavi - 2 in Gujarati Moral Stories by Dada Bhagwan books and stories PDF | તારી પીડાનો હું અનુભવી - ભાગ 2

Featured Books
  • My Devil Hubby Rebirth Love - 61

    अब आगे पीहू बताओ क्या आईडिया है मैं वो सब करूंगी जिससे वह मे...

  • Devil I Hate You - 13

    और वही दो दिन बाद, ,,,,,रूही पागलों की तरह अपनी मां को ढूंढ...

  • बैरी पिया.... - 64

    अब तक :शिविका ने आंसू पोंछे और बोली " आपका दर्द समझ सकती हूं...

  • Nafrat e Ishq - Part 10

    सहदेव के कमरे में सन्नाटा पसरा हुआ था। खिड़की के बाहर बहती ह...

  • साथिया - 135

    " भगवान सांझ की आत्मा को शांति दे।" जज साहब बोले। " जज साहब...

Categories
Share

તારી પીડાનો હું અનુભવી - ભાગ 2

વીસ મિનિટમાં અમે નાટક હોલ પહોંચી ગયા. લોકોની નજર કોઈ એલિયનને જોતા હોય એમ મારા પર સ્થિર થઈ જતી. બધાને પસાર કરતા હું અને રોનક આગળ વધ્યા.
‘રોનક, પોપકોર્ન ખાશે?’
‘હા, હું જઈને લઈ આવું.’ રોનક આગળ વધ્યો.
‘આજે હું લઈ આવું છું.' મેં તેનો હાથ પકડીને તેને રોક્યો.
એ નવાઈ પામ્યો. કંઈ બોલ્યો નહીં પણ એની આંખોમાં આનંદ દેખાતો હતો. પોપકોર્નની લાઈનમાં મારી પાછળ બે આન્ટી ઊભા હતા. એમણે ધીમેથી મારા પર કમેન્ટ કરી,
‘એ, આને જો તો, વાળ કેવા વિચિત્ર છે.'
‘છે કે નથી એ જ ખબર પડતી નથી.’
‘કદાચ કોઈ બિમારી હશે.' એક આન્ટીના મનમાં અચાનક દયા ઊપસી આવી. બીજા આન્ટી પણ હવે બોલતા બંધ થયા. બહારથી આવું બધું સાંભળવાનું અને ભોગવવાનું કંઈ મારા માટે નવું નહોતું. પણ આજે મને એનો સ્વીકાર થાય છે.
‘આન્ટી, તમારો રૂમાલ નીચે પડી ગયો છે.’ મેં જતા જતા એમને કહ્યું.
‘ઓહ, થેન્ક યૂ.’ એમણે આભાર દર્શાવ્યો.
નાટક સરસ હતું. કોમેડી હતું. હું પેટ ભરીને હસી. ધીમે ધીમે આખું ટોળું થીયેટરમાંથી બહાર નીકળ્યું. આછા ઘોંઘાટમાં મને એક અવાજ સંભળાયો.
‘સંયુક્તા...’
મેં પાછું વળીને જોયું તો મારી સ્કૂલની ફ્રેન્ડ ઈશિતા પાછળ ઊભી હતી.
‘હાય, હાઉ આર યુ?’ મેં હાથ લંબાવ્યો.
‘ફાઈન, તું કેમ છે?’ એણે પણ અચરજ સાથે મારો હાથ પકડ્યો.
‘એકદમ ઓલરાઈટ.
‘બાકી શું ચાલે છે?’
‘ઓલ વેલ છે, તું બોલ.' મેં આજે એની સાથે ખરી લાગણીથી વાત કરી.
ઈશિતા એટલે અમારા ક્લાસની બ્યૂટિફૂલ છોકરી. માત્ર ચહેરો જ નહીં, વાળ પણ એટલા જ સુંદર. ખુદ ટીચરો પણ એને પૂછતા કે એ વાળ માટે કયું તેલ વાપરે છે. અને ત્યારે એની છાતી ગજ ગજ ફૂલતી. છોકરીઓ એની ફ્રેન્ડ બનવામાં માન અનુભવતી, પછી ભલેને અંદર એના પ્રત્યે ઈર્ષામાં જલતી હોય.
સુંદરતાના કારણે એનો પારો થોડો ઊંચો રહેતો. હું એની સાથે ભાગ્યે જ વાત કરતી. એને જોઈને મને પોતાની જાત પર વધારે શરમ આવતી. મને ખૂબ જ લઘુતા અનુભવાતી એટલે તેનાથી દૂર જ રહેતી.
એકવાર છઠ્ઠા ધોરણમાં સ્ટેજ પર એક નાટક કરવાનું હતું. તેમાં ભાગ લેવા બધા ખૂબ ઉત્સાહી હતા. મને પણ અનેક અરમાનો હતા પણ હું પાછી પડતી હતી એ જાહેર કરવામાં. જ્યારે બધી છોકરીઓ ટોળે વળીને એની ચર્ચા કરતી ત્યારે તે બધી વાત હું ટોળાથી દૂર રહીને ધ્યાનથી સાંભળતી. નાટક વૃદ્ધો અને યુવા પેઢીના વચ્ચેના જનરેશન ગેપ પર હતું. કુલ પાંચ પાત્રો હતા. એમાં એક પાત્ર વૃદ્ધ સ્ત્રીનું હતું. બધા મજાકના મૂડમાં હતા.
‘એ અંજલી, પેલી યંગ છોકરીનું પાત્ર તો હું જ ભજવીશ.’ સ્વાતિએ જાહેર કર્યું.
‘જા જા, તું તો એની મમ્મીના રોલમાં જ સારી લાગીશ.' અંજલીએ વળતો જવાબ આપ્યો.
‘મને લાગે છે કે એ રોલ તો ઈશિતાને જ મળશે.’ ‘ઈશિતાની ચમચી’, નિશા તરત બોલી ઊઠી. નિશા હંમેશાં ઈશિતાની પાછળ પાછળ ફરવામાં અને તેની હામાં હા મિલાવવામાં નંબર વન હતી. બધા એને ખાનગીમાં ઈશિતાની ચમચી જ કહેતા. તેનું પોતાનું જાણે કોઈ અસ્તિત્વ જ નહોતું.
‘આઈ થિંક નિશા સાચું કહે છે. ટીચર ઈશિતાને જ સિલેક્ટ કરશે.' રેહાનાએ પણ સ્વીકાર્યું.
ઓ.કે. બાબા, તો પછી એ રોલ તો ગયો આપણા હાથમાંથી.’ સ્વાતિએ અંજલી સામે જોઈને કહ્યું.
‘આપણો મમ્મી-પપ્પા બનવાનો જ વારો આવશે.' અંજલીની કમેન્ટ પર બધા ખડખડાટ હસી પડ્યા. ઈશિતા મૌન થઈને સાતમાં આસમાનમાં ઊડી રહી. તેના નાકના ટેરવા ગર્વથી ફૂલી ગયા.
ચાલો, હવે બે રોલ બાકી રહ્યા. એક તો યંગ છોકરીનો ભાઈ અને બીજા એના દાદીમા.' પ્રિયાએ વાત આગળ ચલાવી.
‘એના ભાઈનો રોલ તો સના કરશે તો સારું લાગશે, એના વાળ બોય કટ છે ને.' અંજલીએ પાછું પોતાનું ડહાપણ બતાવ્યું.
‘અને દાદીમા કોણ બનશે?' સ્વાતિએ પ્રશ્ન કર્યો.
‘એમાં તો કોઈને રસ નથી.’ રેહાના બોલી.
‘કોઈકે તો કરવો જ પડશે ને?’ પ્રિયા બોલી.
‘મારી પાસે એક આઈડિયા છે.’ ઈશિતાએ બધાનું ધ્યાન મારા તરફ કરતા ધીમેથી કંઈક ઈશારો કર્યો. મને સમજ ના પડી. બધા જોર જોરથી હસવા લાગ્યા.
વાઉ ઈશિતા, તારો આઈડિયા તો સૂપર છે.’ ઈશિતા કંઈક બોલે તો નિશાથી કેમ ચૂપ રહેવાય.
‘અરે યાર, જવા દે ને.’ પ્રિયા થોડી સીરિઅસ થઈને બોલી.
‘એકવાર પૂછી તો જોઈએ.’ નિશા બોલી.
એમ પણ દાદીના રોલમાં સફેદ વાળની વિગ પહેરવી પડશે. તો એને પરફેક્ટ ફિટ થશે.’ ઈશિતાના વાક્યોમાં ભરપૂર અહંકાર છલકાતો હતો.
‘સંયુક્તા, તારે ડ્રામામાં રહેવું છે?’ નિશાએ બૂમ પાડીને મને પૂછ્યું.
‘ના.’ એને ખબર નહોતી કે મેં એમની બધી વાતો સાંભળી છે. હું સાવ તૂટી ગઈ. ભાંગી પડી. ઈશિતા માટે મને ભારોભાર નફરત થવા લાગી. મારી આવી મશ્કરી એક દિવસ ઊડશે એની મેં કલ્પના પણ નહોતી કરી. હું મજાક બનીને રહી ગઈ. મારી આંખો ભરાઈ આવી હતી પણ મારે બધા સામે રડવું નહોતું. હું ઉતાવળે પગલા ભરીને બાથરૂમ તરફ જવા લાગી. રસ્તામાં જ રડી પડી. બાથરૂમમાં પાણીનો નળ ચાલુ કરીને મોઢું ધોતા ધોતા મારા આંસુ બીજી છોકરીઓથી છૂપાવવાનો પ્રયત્ન કર્યો પણ આંખો તો લાલઘૂમ થઈ ગઈ હતી. એ દિવસે મારાથી કોઈનો પણ સામનો કરવાનું શક્ય નહોતું. નીચી નજરે હું ક્લાસમાં પાછી ગઈ અને ડાયરી લઈને સ્ટાફ રૂમ તરફ ગઈ.
‘અક્ષિતા મેમ.’ મેં ધીમેથી ક્લાસ ટીચરને બોલાવ્યા.
‘બોલ સંયુક્તા.’
‘મારી તબિયત સારી નથી. મને ઘરે જવાની રજા આપશો, પ્લીઝ?’
‘શું થયું છે તને?”
‘તું રડી હતી?’ અક્ષિતા મેમને ખબર પડી ગઈ.
‘હા મેમ, પેટમાં બહુ દુખે છે. નથી રહેવાતું.' મેં નીચું જોઈને બહાનું આપ્યું.
‘તમે કહો તો પપ્પાને ફોન કરીને બોલાવી લઉં,’
‘હા, લાવ ડાયરીમાં સાઈન કરી આપું.' અક્ષિતા મેમે પણ મને ત્યારે વધારે સવાલ પૂછ્યા વિના રજા આપી દીધી. એ મારી ઉપર એમનો ઉપકાર હતો કારણ કે વધારે બોલવા જાત તો હું મારા આંસુને રોકી ના શકત.
‘થેન્ક યૂ મેમ.’ મેં ઢીલા મોઢે સ્માઈલ આપવાની પરાણે મહેનત કરી.
સ્કૂલની ઓફિસમાંથી પપ્પાને ફોન કરીને બોલાવી લીધા. ગેટ પાસે મેમની સાઈન કરેલી ડાયરીનું પાનું બતાવી પપ્પા સાથે સ્કૂટર પર રવાના થઈ.
બેટા, ચાલ પહેલા ડોક્ટર પાસે લઈ જઉ તને.' પપ્પાએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું.
‘ના, મારે ઘરે જવું છે.’
‘પણ તું દવા લઈ લઈશ તો તને સારું થઈ જશે, દીકરા.’
“મેં તમને કહ્યુંને કે મારે ઘરે જવું છે. હમણાં ડોક્ટરની જરૂર નથી.’ મેં અકળાઈને પપ્પાને જવાબ આપ્યો.
‘જેવી તારી ઈચ્છા.’ કદાચ પપ્પા સમજી ગયા હતા કે હું જૂઠું બોલીને આવી છું એટલે આગળ કંઈ પણ કહ્યા વિના મને સીધા ઘરે લઈ ગયા.
‘સંયુક્તા...’ ઈશિતાએ મને ઢંઢોળી.
‘ઓહ...’ જોયું તો હું થીયેટરના હોલમાં ઊભી હતી. મારી વિચારધારા તૂટી.
‘તું સ્કૂલમાંથી કોઈના ટચમાં છે?’ ઈશિતાએ પૂછ્યું.
‘ના. પણ હવે આપણે ટચમાં રહીશું.'
‘મને તારો મોબાઈલ નંબર આપ.' ઈશિતા જેવી છોકરી મારા જેવીનો નંબર માંગે? મને થોડી નવાઈ લાગી પણ આગળ વિચાર્યા વિના અમે એકબીજાના નંબર શેર કર્યા.
‘ચાલ, પછી ક્યારેક મળીશું.' આગળ હવે કંઈ વાત ન હોવાથી, મેં તેને બાય કહેવાનું યોગ્ય સમજ્યું.
‘હા, શ્યોર મળીશું.’
‘ઓ.કે. બાય.’
‘બાય.’ ઈશિતાએ બાય તો કર્યું પણ હજી જાણે એને કંઈક કહેવું હોય એમ લાગ્યું. હું એક મિનિટ તેની સામે ઊભી રહી.
‘તું બહુ બદલાઈ ગઈ છે.’ ઈશિતાના મોઢામાંથી શબ્દો સરી પડ્યા.
‘એમ? તને એવું લાગે છે?’ મને એના વિચાર જાણવામાં રસ પડ્યો.
‘હા, યૂ લુક હેપી એન્ડ કોન્ફિડન્ટ
‘યુ આર રાઈટ.’
‘આટલા વર્ષો પછી તને મળીને સારું લાગ્યું.' પ્રાઉડી ઈશિતા આજે મારી સાથે આવી રીતે વાત કરે છે, એની એટલી જ નવાઈ મને લાગી જેટલી ઈશિતાને મને ખુશ જોઈને લાગી.
‘દીદી, હવે જઈએ?’ રોનકે બૂમ પાડી.
લગભગ બધા જ માણસો હોલમાંથી નીકળી ગયા હતા. હું અને ઈશિતા એકબીજાને જોઈને આશ્ચર્યની લાગણીમાં એટલા ખોવાઈ ગયા હતા કે અમને સમયનું ધ્યાન ના રહ્યું. આમેય બે છોકરીઓ જ્યારે ભેગી થાય ત્યારે વાત લાંબી જ થાયને. અને હવે હું પણ બધા સાથે મિક્સ થવા લાગી હતી. પહેલાની સંયુક્તા તો કોઈની સાથે બહુ મિક્સ નહોતી થતી. અને ઈશિતા પણ માત્ર અમુક જ છોકરીને ફ્રેન્ડ બનાવતી પણ આજે તે પણ બદલાયેલી લાગી.
‘દીદી.’ રોનકે ફરી બૂમ પાડી.
‘હા, આવું છું.’
“ચાલ, બાય ઈશિતા. પછી ફોન પર વાત કરીશું.’
‘હા, હું તને ફોન કરીશ.’ મેં તેને સ્માઈલ આપી અને અમે બંને છૂટા પડ્યા.