Maharaj the moovie in the eyes of a vaishnav devotee in Gujarati Film Reviews by Sarika Sangani books and stories PDF | મહારાજ દ મૂવી - એક વૈષ્ણવ ભક્ત ની નજરે

Featured Books
Categories
Share

મહારાજ દ મૂવી - એક વૈષ્ણવ ભક્ત ની નજરે

"બંધ કરો, પ્રતિકાર કરો" . " અમે કીધુ એટલે તમે બહિષ્કાર કરો." કઈક તો કરો જેથી હોબાળો થાય. અને "બેન કરો"તો હાથવગું છેજ. અહીં કોઈ પણ વાત દબાવવી સહજસાધ્ય છે. અરે હા, એક વાત તો કહી દઉ વાચકો આ લેખ કોઈ ફિલ્મ ની સમીક્ષા નથી. એક ફિલ્મ બનાવતા ખૂબ મેહનત લાગે છે પણ કોઈ પણ ફટ દઈને તેની પર પ્રતિક્રિયા આપી દેય ને જાણે એનાથી સંકળાયેલા કેટલાક નું ભવિષ્ય ઘડી દેય એટલ કોઈ પણ ફિલ્મ વિશે હું કશુંક સારું લાગે તો જરૂર કહું પણ ખરાબ લાગે તો તેની પાછળ લખવાની દરકાર પણ ના કરું.
ખેર તમને સહુને ખબરજ છે , "નેટફલિક્સ પર યશ રાજ બેનર ની "મહારાજ" તીવ્ર પ્રતિકાર વચ્ચે પણ આવી ને અત્યારે ટોપ ટેન માં પણ છેજ.મનમાં એક છૂપો રોષ હોવા છત્તા મે ફિલ્મ રિલીઝ થવાના અર્ધી કલાકમાં ફિલ્મ શુરૂ કરી દીધી.
ફિલ્મ શુરૂ થઈ થોડા કુતૂહલ સાથે પાંચ મિનિટ જોઈ પછી કેમ કોને ખબર પણ ખૂબ રડી જવાયું. અંત સુધી આમજ વિસ્મય, ડર, ઘૃણા, પ્રશ્નો અને આંસું સાથે ફિલ્મ જોયે રાખી ને પૂરી કરી.
મારી જેમ બીજાએ પણ જોઈ અને તરતજ વાદ_ વિવાદ શુરૂ થઈ ગયો. અમારા વોટ્સ ગ્રુપમાં જાણે નેટફલીક્સ વાળા અને ફિલ્મ નો બહિષ્કાર કરવાવાળા બધા ભેગા થઈ કોર્ટ કેસ આગળ ધપાવવા માંડ્યા.
ઇતિહાસ ના પાનાંમાં ઘણું દાટેલું હોય છે. ઠીક છે જે હશે તે . આપણે જોવા નથી ગયા. તે પણ એક કાળ હતો , એક યુગ હતો, ત્યારનું જીવન જેમ હશે તેમ , પણ આપણે કોઈને ઇતિહાસ દર્શાવવાની મનાઈ પણ નથી કરી શકતા. આ દેશમાં વિધવા પ્રત્યે આજે પણ ઘણી જગ્યાએ ભેદ કરાય છે તો ત્યારે શું હશે? ( આશરે દોઢસો વર્ષ પહેલાં) રાજપૂત સ્ત્રીઓ કે ઉત્તરી વિસ્તારમાં સતી પ્રથા જોરમાં હતી , શું એ યોગ્ય હતી? સ્ત્રી શિક્ષણ તો આજે પણ એક પડકાર રૂપ છે તો ત્યારે તો શું હશે એનું શું કહેવું ? રહેવાજ દ્યો. એટલેજ ફિલ્મ માં જે દર્શાવ્યુ તેની પર શંકા કરવી તે આપણી શ્રદ્ધા ને અંધશ્રદ્ધા માં ફેરવવા જેવું છે. કોઈના કહેવા પર આંદોલન કરવા નીકળી પડવું એના કરતા સ્વયં બુદ્ધિના દરવાજા ખોલી ,ફિલ્મ જોવી અને નિર્યણ કરવો એવું મને વધારે યોગ્ય લાગ્યું . પણ જો આજે લોકો આંધળો વિશ્વાસ કરી નિર્યણ કરતા હશે તો ત્યારે તો કેટલા અંધ હશે. આ બધું આમ હતું કે નોતું એ તો ત્યારના લોકોજ જાણે પણ ચોક્કસ રીતે આજે એવુ નથી અને એટલેજ ફિલ્મ ના નાયક ની જેમ મને પણ અંતમાં વૈષ્ણવ થવાનો અનહદ આનંદ થયો. ફિલ્મમાં ભલે જેને મે સ્વેચ્છાએ પૂર્ણ આદર ભાવ સાથે સ્વીકાર્યો છે એ સંપ્રદાય ની વાત છે પણ આ તો બધા માટે જ એક શાશ્વત સત્ય છે કે જ્યારે તમે કોઈ એક વિશેષ વ્યક્તિને એક સમુદાય નો ચેહરો કે આખો સમુદાય માનવા લાગો ત્યારે તે વ્યક્તિગત થવાનો જ. હર હાલત માં દરેક કાળમાં વિવેક બુદ્ધિ જાગ્રત રાખવી પડે , સમજણ જાળવવી પડે પછી ચાહે સમય ત્યારનો હોય કે આજનો . આમાં તમારું જ્ઞાન , કેળવણી, શિક્ષણ અને મન મોકળાશથી વ્યક્ત થવાની મુભા જ તમને કામ આવે, તમારું રક્ષણ કરે . કોઈ પણ જાતના દુષ્પ્રભાવ થી તમે બચી શકો પછી ચાહે તે લાલચ નો દુષ્પ્રભાવ હોય કે અંધશ્રદ્ધા નો કે અત્યાચાર નો હોય કે બળવા નો . તમારી અજ્ઞાનતા નો ફાયદો લોકો જરૂર ઉઠાવે . કમજોર નું કોઈ ન કોઈ પ્રકારે શોષણ થાય છે .એટલે સદ_ જ્ઞાન પ્રાપ્ત કરવું જ સર્વોપરી છે. કોઈ અણગમતી , અણછાજતી, અસંગત વાત જો વિવેક બુદ્ધિથી દૂર કરી શકાય કે કરાઈ છે ,થઈ છે. તો આ ખરેખર એક પ્રગતિશીલ પંથ છે. જેના પર દરેક વૈષ્ણવ ને ગર્વ હોવો જોઈએ. .સતી પ્રથા બંધ થઈ છે અને સ્ત્રી હવે સન્માનભેર જીવે છે કેમકે એનું જીવન એના મૃત પતિની જાગીર નથી હોતી. વિધવા વિવાહ હવે શક્ય છે કેમકે વિધવા હોવું ના હોવું કોઈ સ્ત્રી ના હાથમાં નથી હોતું. એવીજ રીતે કોઈ કુપ્રથા ને નાબૂદ કરી આવકાર્ય બદલાવ જો સમયસર કરી લેવામા આવ્યો છે તો આ સાચું હતું કે ખોટું તેવો વિવાદ કેટલો અસ્થાને છે.
મારી પણ ફિલ્મ જોવાઈ ગઈ . હવે મારે મારું આકલન કરવાનું હતું. ફિલ્મ જોઈ, ચર્ચાઓ થઈ, રોવું ધોવું, દલીલ ને , કહેવાતું ગંભીર ડીસ્કશન ( વિચાર વિનિમય) બધું થયું. પછી???? મારી સેવાનું શું? શું એક પુષ્ટિ_માર્ગી તરીકે મારી ભક્તિમાં કે ગૃહસેવામાં કંઈ ફરક પડ્યો? ના અને ના જરાય નહિ. મારા હ્રુદય માં મારા ઘરના સેવ્ય સ્વરૂપ ના ભક્તિભાવ માં તસુભાર ફેર પડ્યો નહિ ,મારી કૃષ્ણભક્તિ ના ઓછી થઈ કે ના રાતોંરાત કોઈ જાદુ_ટોના ની જેમ વધી ગઈ. કેમકે આ માર્ગ જ પ્રેમની, ભાવ ની અનુભૂતિ નો છે , જેને તેની પ્રચિતી થઈ જાય તે કોઈ પુસ્તક વાંચ્યા પછી કે કોઈ ફિલ્મ જોયા પછી પણ તેને નકારી ના શકે કે કોઈના કંઈ કહેવા માત્ર થી છોડી ના શકે.
આ પંથ પોતાની બધી મર્યાદિત માનસિકતા ને ત્યાગી શ્રી કૃષ્ણના વાત્સલ્ય માં સમર્પિત થવું શીખવે છે. અહીં શ્રી કૃષ્ણ ના સુખનોજ વિચાર કરવામાં આવે છે. ભક્ત અને ભગવાન ભક્તિમાં ઓતપ્રોત થઈ જાય છે એજ તેની પરાકાષ્ઠા છે. એકમાત્ર શ્રી કૃષ્ણ માં દૃઢ વિશ્વાસ ભક્તને સર્વે નકારાત્મક પરિબળોથી દૂર રાખે છે. સ્વયં ના ઇષ્ટ ને કોઈ પૂજારી નહિ પણ ભક્ત પોતે શ્રિંગાર કરાવે છે, સ્વયં ભોગ સિદ્ધ કરી આરોગાવે છે. તેની સ્તુતિમાં મધુર કીર્તન ગાઈ તેને રીઝવે છે. અને આ બધી સેવાનો પ્રભાવ એ છે કે ભક્ત કદી ઉદાસીન નથી થતો. ઠાકોરજીના ઉત્સવો તેનો ઉત્સાહ પૂરજોશમાં રાખે છે. ચોક પૂરવા, શણગાર, ઝાંખી, મનોરથો દ્વારા તેનામાં રહેલી કલાનો વિકાસ થાય છે. ગીત, સંગીત, કીર્તન, પદ, ઝાંજ _ પખાજ ને વાંસળી ના સૂર રેલાય છે જે પુરાતન સંસ્કૃતિ નો વારસો છે. કૃષ્ણપ્રેમ તમને કદી એકલા પડવા નથી દેતો., તે સદા તમારી સાથે હોય છે.અને હા આ બધું સત્સંગ દ્વારા ,ગ્રંથ દ્વારા જાણી શકાય છે . ગુરુ ને ગુરૂતુલ્ય સન્માન આપી જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે પરંતુ પ્રીતિ , લગની માત્ર ને માત્ર શ્રીકૃષ્ણનિજ રહે છે. શ્રી કૃષ્ણની સેવા પ્રેમમય ભક્તિ છે જે તેની લીલાઓનું ચિંતન કરવાથી સ્વયં પ્રગટે છે. દાસ્ય ભાવ કોઈની ચાકરી નો ભાવ નથી પણ માતાના વાત્સલ્ય નો ભાવ છે જે પોતાના બાળક માટે શક્ય તે બધું કરી છૂટે.. અંત માં એ પણ કબૂલ કરવું રહ્યુ કે મને મારા નજીકના શુભચિંતકોએ તાકીદ આપી હતી કે હું આ બાબત કંઈ લખું નહિ.જે પળે મે મારો ફિલ્મ વિશેનો તાર્કિક અભિપ્રાય આપવાનું શુરૂ કર્યું તે પળેજ મારા આ પંથ અનુસરતા મિત્રગણ અને સગાઓ વિનંતી કરવા લાગ્યા કે બેન તું કઈ આ વિષે લખવા ના બેસી જતી ક્યાંક લેવા ના દેવા થઈ જશે ત્યારે મને કહેવાનું મન થતું કે સખીઓ તમારો આજ બિનજરૂરી ડર તમારા જીવનમાં કઈક અઘટિત, અસંગત થવાની શક્યતા ને વધારે છે. ભીડ થી અલગ વિચાર કરવો કોઈ ગુનાહ નથી . કોઈ પણ જાતનો ડર રાખી કોઈ ભક્તિ ,પૂજા કે સેવા શક્ય નથી. ડર તમારી બુદ્ધિને જંગ લગાવી દેય છે અને ત્યાંજ તમારા દ્વારા કરેલું ભગવદ્કાર્ય ખોખલું થઈ જાય છે.
ડર છોડી કૃષ્ણને સાંભરો, એકવાર જો શ્રી કૃષ્ણ તમારો હાથ ઝાલી લેશે તો પછી તમને ક્યારેય એકલા નહિ મૂકે. "કૃષ્ણ તવાસ્મી" જય શ્રી કૃષ્ણ!