Bhitarman - 50 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | ભીતરમન - 50

Featured Books
  • Wheshat he Wheshat - 2

         وحشت ہی وحشت قسط نمبر (2)   تایا ابو جو کبھی اس کے لیے...

  • Wheshat he Wheshat - 1

    Wheshat he Wheshat - Ek Inteqami Safar
    ترکی کی ٹھٹھورتی ہوئی...

  • مرد بننے کا تاوان

    ناول: بے گناہ مجرمباب اول: ایک ادھورا وجودفیصل ایک ایسے گھر...

  • مرد بننے کا تاوان

    ناول: بے گناہ مجرمباب اول: ایک ادھورا وجودرضوان ایک ایسے گھر...

  • صبح سویرے

    رجحان ہم ہمت کے ساتھ زندگی کا سفر طے کر رہے ہیں۔ کندھے سے کن...

Categories
Share

ભીતરમન - 50

નર્સ હજુ ત્યાં જ ઉભી હતી; એણે તરત જ મારી સામે નજર કરી કહ્યું, "તમે ખૂબ નસીબદાર છો કે તમને આટલી સમજદાર પત્ની મળી છે. જોઓ એણે દુનિયાની બધી જ ફરજ સાઈડમાં મુકીને પહેલા માતૃત્વની ફરજ નિભાવી છે!"

"એ મારા સાસુ હતા, પણ મને એની દીકરી સમાન જ એણે મને પ્રેમથી સ્વીકારી હતી. મને એક માને ગુમાવ્યાની જે લાગણી હોય એવી જ લાગણી એમના માટે થઈ રહી છે. એમની જ વાત મને બરાબર યાદ છે, માતૃત્વ ધર્મ હંમેશા જીવંત રાખવો કારણ કે, એ જ બધાં સંબંધને સાચવી રાખે છે!" આંખમાં સહેજ ભીનાશ અને ગળગળા સ્વરે તુલસીએ નર્સ ને જવાબ આપ્યો હતો.

હું નર્સ અને તુલસીની વાતને સાંભળીને સહેજ ભાવુક થઈ ગયો હતો. સ્ત્રીઓમાં રહેલી લાગણી ખરેખર ખૂબ જ અદભુત હોય છે. એ હંમેશા પરિવાર માટે જીવતી રહી છે. પોતાની ઈચ્છાઓ આશાઓ અને સપનાઓ એણે પરિવાર પર જ ન્યોછાવર કરી દીધા છે. મારા જીવનમાં આવનાર દરેક સ્ત્રી પાત્ર મને ખરેખર ખૂબ જ અદભુત મળ્યા છે!

મુકતાર મારી પાસે આવ્યો અને બોલ્યો, ચાલ હવે આપણે જે લોકોને ટેલિગ્રામ મોકલવાના છે, એમનું લિસ્ટ બનાવી લઈએ. જેથી વહેલી તકે લોકો ને સમાચાર પહોંચે! ટેલિગ્રામમાં દુખના અને સુખના બંને સમાચાર લખ્યા હતા. માની અંતિમ ક્રિયાની વિધિ વિશે પણ લખ્યું. મેં જ્યાં જ્યાં ટેલિગ્રામ મોકલવાના હતા એનું લિસ્ટ મુકતારને આપી દીધું અને એ કાર્ય એના પર છોડ્યું હતું!

ફઈને સમાચાર પહોંચી ગયા હોવાથી મારા મામી અને બીજા ફઈ પણ આવી ગયા હતા. એમણે બધાએ શાંતિથી બધી જ જવાબદારીઓ પોતાની માથે લઈ લીધી હતી. બે પુત્ર નો પિતા બની ગયો હતો, છતાં મારા માટે નાના બાળકની સાચવણી અને બીજી અન્ય જરૂરી બાબતો વિશે હજુ હું ખૂબ કાચો હતો. હું ઘરે જ ક્યાં એટલું રહેતો હતો કે બધું જાણી શકું ને સમજી શકું! મા હતી તો બધું સાચવી લેતી હતી, મા યાદ આવતા આંખમાંથી આંસુ સરકવા લાગ્યા હતા.

************************************

સવિતાબેન ચા બનાવી રૂમમાં આપવા આવ્યાં હતાં. એમણે દરવાજામાં ટકોર કરી એ અવાજ મને વાસ્તવિકતામાં ફરી ખેચી લાવ્યો હતો. ભૂતકાળની યાદમાં સરતા આંસુ અત્યારે પણ આંખમાંથી સરી રહ્યા હતા. મેં મારી આંખના આંસુ લુછ્યા અને દરવાજો ખોલી સવિતાબેન પાસેથી ચા અને નાસ્તો લીધો હતો.

તેજાની ઉઘ દરવાજો ખોલવાના અવાજથી ઉડી ગઈ હતી. મે તેજાને ચીડવતા કહ્યું, "ચાની સુગંધ આવી ગઈ તને?"

"હા જો ને! એટલે તો ઊંઘ ઊડી." તેણે હસતા ચહેરે જવાબ આપ્યો હતો.

"ચાલ આપણે બંને બાલ્કનીમાં બેઠાં બેઠાં ચાની લિજ્જત માણીએ! હું મોટા ભાગે સાંજની ચા બાલ્કની મા જ પીતો હોઉં છું."મેં મારી ઈચ્છા જણાવતા કહ્યુ હતુ.

"હા ચોક્કસ ચાલ બેસીએ! ખુલ્લા વાતાવરણમાં તો વધુ મજા આવે!"

તેજો જેવો બાલ્કનીમા પ્રવેશ્યો કે તરત જ બોલ્યો, "ઓહો! આ તો ખૂબ મોટી બાલકની છે અહીં તો એક આખો રૂમ બની જાય એટલો મોટો ભાગ છે. બાલ્કનીનું નિરીક્ષણ પણ એ કરી રહ્યો હતો. બાલ્કનીમાં નેતરના સોફા રાખેલા હતા. એના પર નરમ ગાદી મૂકેલી હતી. સાઈડમાં એક હીંચકો પણ મુકેલો હતો. એક ટીપોઈ પર સુંદર બાઉલમાં પારીજાતના તાજા ફૂલ પાણીમાં મુકેલા હતા. બાલ્કની એટલી સરસ હતી કે ત્યાં બેસીએ તો ઉઠવાનું મન જ ન થાય! તેજો આસપાસમાં બધે જ નજર કરી રહ્યો હતો. હવેલીથી ખાસા દૂરના અંતરે બીજી બધી હવેલીઓ હતી. મારા ઘરની એકદમ સામે જ, જે હવેલી હતી એના પર તેજાની નજર સ્થિર હતી.

"એ હવેલી આબેહૂબ અમારી હવેલી જેવી જ બનાવી છે. બહારનું રંગ પણ અમારી હવેલી જેવું જ બનાવ્યું છે. એ હવેલી એ મારી હવેલીની જે બધી જ હવેલીથી અલગ તરી આવતી હતી એ લાક્ષણિકતા ને હટાવી દીધી! છેલ્લા આઠ મહિનાથી એ હવેલીનું કામ ચાલુ છે. છેલ્લા દસ દિવસથી તો ગાર્ડનિંગ જ કરે છે. બાકી બધું જ કામ પૂરું થઈ ગયું હોય એવું મને લાગી રહ્યું છે. હું પણ રોજ એ હવેલી પર મારી નજર ફેરવતો રહુ છુ. ખબર નહિ એ હવેલી કોની છે, પણ એક અલગ જ ખેંચાણ એ હવેલી પર થઈ રહ્યું છે."

તેજાએ મારી વાત ફક્ત શાંતિથી સાંભળી અને એક હળવું સ્મિત જ કર્યું હતું. તેજાનો કોઈ ખાસ પ્રત્યુત્તર ન મળતા મને લાગ્યું કે, તેજો એમ સમજશે છે કે, હું એની સામે કેટલી મોટાઇ કરી રહ્યો છું. મને મનમાં જ થોડું દુઃખ થયું અજાણતા જ મેં તેજાની લાગણી દુભાવી હોય એવી ગ્લાની મને થઈ હતી.

તેજાએ મને પૂછ્યું, "તારો પુત્ર રવિ ક્યારે આવશે? 

"રવિ બપોરે આવવાનો હતો પણ કદાચ એને મીટીંગ આવી ગઈ હશે એટલે એ આવ્યો નહીં. નહીં તો લંચ સાથે કરવાનું કહેતો હતો. પરંતુ બપોરે આવ્યો નથી આજે હવે સીધો સાંજે સાત વાગે જ આવશે."

આપણે છેલ્લે જ્યારે મળ્યા ત્યારે હજુ એનો જન્મ જ થયો હતો યાદ છે ને તને? એ સમય કેટલો કઠીન પસાર થયો હતો. તેજો હજુ બોલી રહ્યો હતો અને મારું મન ભૂતકાળમાં પાછું સરી પડ્યું હતું.

***********************************

સમય જતા બધા જ પરિવારના સદસ્યો અમારા ઘરે આવી ગયા હતા. માને અગ્નિસંસ્કાર આપવાના સમય સુધી માને બરફની પેટીમાં હોસ્પિટલે રાખી હતી. હવે માને ઘરે લઈ આવ્યા હતા. બંને બાળકો હજુ ખૂબ અણસમજુ હતા આથી એમને મા કેમ કઈ બોલતી નથી એ વાત ખૂબ પજવી રહી હતી. જ્યારે માને ઘરેથી બહાર સ્મશાન તરફ લઈ જતા હતા ત્યારે આદિત્ય રીતસર રડતા રડતા ચીસો પાડી રહ્યો હતો કે, " બાને શું થઈ ગયું? એ કેમ કંઈ બોલી રહ્યા નથી? તમે લોકોએ એને કેમ બાંધી દીધા છે? મને મારા બા થી દૂર ન કરો. મને બાની સાથે જ રહેવું છે."

આદિત્ય રડી રહ્યો હતો એટલે એને રડતા જોઈને દીપ્તિ પણ રડવા લાગી હતી. ધ્રુસકે ને ધ્રુસકે બંને ભાઈ બહેન રડી રહ્યા હતા. બધા એને સમજાવવાની અને શાંત કરવાની કોશિશ કરી રહ્યા હતા, પણ એ બંને કોઈના જાલ્યા રહે એમ નહોતા! ઘરનો માહોલ ખૂબ કરુણ બની ગયો હતો. તુલસી તો હજુ હોસ્પિટલે જ હતી! માના મૃતદેહને હોસ્પિટલેથી જ્યારે ઘરે લાવતા હતા ત્યારે માનો ચહેરો તુલસીને હોસ્પિટલમા જ દેખાડવો પડ્યો હતો. તુલસી ખૂબ રડી હતી. માને જોઈને એ પોતાની લાગણી અંકુશમાં રાખી શકી નહીં.

હું તુલસીને કંઈ સાંત્વના આપી શકું એવી સ્થિતિમાં જ નહોતો. નર્સે તુલસીને શાંત રહેવા કહ્યું હતું. સમજાવવા ના સૂરે એ બોલી, " તમે ખૂબ રડી રહ્યા છો, હવે શાંત થઈ જાઓ! તમારા ટાંકા પણ ન તૂટે એની તકેદારી તમારે જ રાખવાની છે. વળી અતિશય દુઃખ માના ધાવણને સુકવી નાખે છે. આથી હવે શાંત થઈ જાઓ બેન!"

નર્સની વાત સાંભળીને બાવલીએ પણ તરત જ તુલસીને શાંત રહેવા કહ્યું હતું. જેવા તુલસીના સમાચાર મળ્યા એવી બાવલી તરત જ અહીં હોસ્પિટલ આવી ગઈ હતી. તુલસીની સાથે હોસ્પિટલ એ જ રહી હતી! આ કપરી પરિસ્થિતિમાં તુલસીની સંપૂર્ણ દેખરેખ અને બધી જ જવાબદારી બાવલીએ પોતાને સર લીધી હતી. એક બહેન પણ ન રાખે એટલી કાળજી બાવલી એ તુલસીની લીધી હતી.

વિવેક અને તુલસી આ દુઃખમાંથી કેવી રીતે બહાર આવશે?વિવેકના જીવનમાં કેવા ફેરફાર આવશે?

વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏