સંજયભાઈએ રેખાબેન સાથે આગળનું જીવન જીવવાં માટે અનુમતિ દર્શાવી દીધી.નવાં જીવનની શરુઆત તેઓ બન્ને મીઠી કુલ્ફી ખાઈને કરવાં લાગ્યાં.
સંજયભાઈ રેખાબેન સાથે બીજી ઘણી બધી વાતો કરતાં ગયાં અને કુલ્ફીની લિજ્જત માણતાં ગયાં. કુલ્ફીને ખાવામાં વધુ સમય લાગવાથી સંજયભાઈનાં હાથમાંથી કુલ્ફી સરકી ગઈ અને હાથમાં ખાલી સળી બચી. સંજયભાઈની આવી સ્થિતિ જોઈને રેખાબેને મુખમાં મલકવાં લાગ્યાં.
"તને હસવાનું એક નવું કારણ મળી ગયું. બહું જ હોશિયાર છે હો.અમને તારી જેમ કુલ્ફી ખાતાં એવું ના આવડે તો ઓગળીને સરકી ગઈ. એમાં પણ મારી લાચારીમાં હસવાનું."ખોટો ગુસ્સો કરીને સંજયભાઈ મોં ફુલાવીને અદબ વાળીને બેસી ગયા.
"આટલાં મોટા ઢાંઢાં થયા પણ હજુ તમને કુલ્ફી ખાતા આવડ્યુ નહિ.અરે તમારાથી સારી કુલ્ફી ખાતા નીલને આવડે છે."
સંજયભાઈએ કશો જવાબ આપ્યો નહિ અને મોં ફેરવી લીધુ.
"મારી સામે જુઓ તો." રેખાબેનનાં કહેવાથી સંજયભાઈએ એમની સામે જોયું.
જુઓ મારી સામે.હું કુલ્ફી ખાઉં છું,એમ પ્રેમથી એને ચાટવાની હોય."રેખાબેને કુલ્ફીને મોંમાં નાખીને ચાટવાં લાગ્યાં.
"મે મારાં જીવનમાં કુલ્ફી ખાધી નથી.હા તું હતી ત્યારે તને કંપની આપવાં કુલ્ફી ખાતો હતો.હવે મોંઢાની અંદર અમુક દાંત પડી ગયા છે.ઘરડાઓ કુલ્ફી ખાતા શીખીને કેટલાં વર્ષો ખાઈ શકશે."
"તમે કુલ્ફી ખાવાનો પ્રયાસ કરો.આવડી જશે, એમાં કોઈ વેદ ભણવાના ના હોય."
"મારી પાસે પણ હવે કુલ્ફીએ નથી.પહેલો લારી વાળો પણ જતો રહ્યો.તુ કુલ્ફી ખાઈ લે.ત્યારબાદ હું તને ઘરે મૂકી જાઉં."
"તમારી પાસે તમારી કુલ્ફી નથી.તમે મારી કુલ્ફી ખાઈ શકો છો."
રેખાબેને એટલું કહીને એમનો કુલ્ફી વાળો હાથ સંજયભાઈની સામે કર્યો.સંજયભાઈ કોઈપણ આનાકાની કર્યા વિના રેખાબેનની એઠી કુલ્ફી ચાટવાં લાગ્યાં.જેમાં તેઓ બન્નેનાં શુધ્ધ અને નિર્મળ પ્રેમની ઝલક દેખાઈ આવતી હતી.વાસનાના નામનું લેશ માત્ર એમાં કોઈ સ્થાન હતું નહિ.
કુલ્ફી ખાધાં પછી તેઓ બન્ને બગીચાની બહાર રહેલ શિવજીનાં મંદિરે દર્શન કરવાં ગયાં.બન્નેએ એમની હવે પછીનાં જીવનમાં કોઈ અડચણ આવે નહિ અને એમની કૃપા એમનાં જીવનમાં બની રહે એવી પ્રાર્થના કરી.ત્યારબાદ સંજયભાઈએ શિવ અને પાર્વતીજી સાક્ષીએ રેખાબેનનાં ગળામાં મંગળસૂત્ર પહેરાવીને એમનાં શણગારને અખંડ બનાવી દીધો.
ફરી તેઓ ભગવાનનાં આશીર્વાદ લઈને ક્રિષ્ના એપાર્ટમેન્ટ પર જવાં રિક્ષામાં બેસી ગયાં.રિક્ષામાં રેખાબેને સંજયભાઈનો કસીને હાથ પકડી લીધો હતો.જાણે તેઓ હવે પછી એમનાથી અલગ થવાં માંગતાં ના હોય.
થોડીક મિનિટોમાં ક્રિષ્ના એપાર્ટમેન્ટ આવી પહોંચ્યું. રિક્ષાવાળાએ એની રિક્ષા ઊભી રાખી.સંજયભાઈએ ગ્રાઉન્ડમાં રેખાબેનને ઘરે જવાં માટે રજા આપી દીધી અને ત્યાંથી તેઓએ રિક્ષાવાળાને એના ઘરે જવા માટે લોકેશન જણાવી દીધું.
"તમે ફલેટની અંદર નહિ આવો.! હવે નિસર્ગને પણ તમારા માટે કોઈ દ્રેષ નથી.તમે કાયમ માટે અમારી સાથે રહી શકો છો."
"એ ફ્લેટ નિસર્ગનો છે.આપણાં દીકરાનું ઘર છે.મારું ઘર એ ના કહી શકાય.તું હા પાડે તો તને અત્યારે જ આપણાં ઘરે લઈ જાઉં.એ ઘર આપણે બન્નેએ સહિયારે બનાવ્યું છે. એ ઘરમાં આપણો જ હક છે.ચાલ..તું શું કહે છે આવીશ.?"રિક્ષાની અંદર બેઠાં સંજયભાઈએ બહાર ઊભેલાં રેખાબેનને સવાલ કરી દીધો.
"તમારી વાત સાચી છે.આ નિસર્ગે વસાવેલું ઘર છે.આપણું ઘર આને કહી ના શકાય.તમે થોડીક વાર માટે તો આવી શકો છો.નિસર્ગ હમણા ઓફીસથી ઘરે આવવો જોઈએ."
"હવે તો નિસર્ગ મને પપ્પા કહીને ગળે વળગશે પછી જ આવવાની ઈચ્છા છે."
રેખાબેને વધુ જિદ્દ કરીને સંજયભાઈનાં આત્મ સન્માનને ઠેસ પહોંચડવાં માંગતાં ન હતાં.એ એમની તબિયત સાચવે એવું સુચન કરીને રેખાબેન ત્યાંથી વિદાય લઈને ફલેટમાં લિફ્ટ મારફતે પહોંચી ગયાં.
રેખાબેનનાં ગળામાં મંગળસૂત્ર જોઈને અને એમનો ચહેરો વધારે નિરખતો જોઈને હિમજા ખુશ થઈ ગઈ.અંતે તેઓ બન્નેએ સમજદારી દાખવીને એક થઈ જ ગયાં.
રાતના સમયે બેડરુમમાં હિમજાએ સંજયભાઈ અને રેખાબેન બન્ને સાથે રહેવાં માટે તૈયાર થઈ ગયાં છે,એ વાત નિસર્ગને જણાવી દીધી.રેખાબેનને એમનાં જીવનની છેલ્લી ક્ષણોમાં પૂરી જિંદગીની ઈન્તેજારી પછી જીવનસાથીની હૂંફ મળશે.એ જાણીને નિસર્ગને ખૂબ ખુશી થઈ.
"નિસર્ગ પપ્પા મમ્મીને એમનાં ઘરે લઈ જાવાં માંગે છે.તમે એમને એકવાર મળીને પપ્પા કહીને ગળે મળશો પછી જ તેઓ આપણા ઘરમાં પગ મૂકશે.એવું પપ્પાએ મમ્મીને કહ્યું છે. મમ્મી પણ એમની વાતમાં સહમત થયાં છે."
"એવું કઈ રીતે બની શકે.આટલાં વર્ષો હું મમ્મીથી અલગ થયો નથી.તેઓ આપણી સાથે આ ઘરમાં પણ રહી શકે છે."નિસર્ગને આ વાત પસંદ ના આવી.
"આ ઘર તમે વસાવેલું છે, જ્યારે એમનું ઘર એ મમ્મી અને પપ્પાએ સાથે મળીને વસાવેલું છે.એ ઘરમાં ઘણી યાદો વસેલી છે.મમ્મીની પણ ઈચ્છા એ ઘરમાં જવાની છે."
"હમ્મ..મારું નાનપણ એ જ ઘરમાં વિત્યું છે. એ ઘર સાથે ઘણી યાદો સંકળાયેલી છે.આપણે પણ એમની સાથે ત્યાં જ શિફ્ટ થઈ જઈશું."હરખથી નિસર્ગે કહ્યુ.
"નીલને અહીં જ ફાવી ગયુ છે.એના મિત્રો બધા અહીં છે.એની સ્કુલ અહીથી નજીક પડશે.નીલનો પૂરો શેડ્યુલ વિખેરાઈ જશે."નિરાશા સાથે હિમજાએ કહ્યું.
"તારી એ વાત પણ સાચી.આપણે પેરેન્ટ્સ બની ગયાં છીએ.આપણે આપણો સ્વાર્થ નહિ જોવાનો પણ પહેલાં નીલની ખુશી જોવાની.મમ્મીની મરજી મિસ્ટર સંજય સાથે રહેવાની હોય તો ઠીક છે ને આપણે સન્ડેનાં બધાં ત્યાં જતાં રહેશું.પૂરો દિવસ આપણે એમની સાથે વિતાવશું.એક પિકનીક જેવું થઈ જશે."
"તમે હજુ પપ્પાને એમના નામથી બોલાવો છો.! હવે તમે એમને પપ્પા કહી શકો છો."
"આઈ નો બટ સૌથી પહેલા મારે એમની સામે જ એ વર્ડ યુઝ કરવો છો.એ પછી જ હુ એમને એમના નામથી બોલાવવાનું બંધ કરીશ."
"એના માટે તમારે પપ્પાની ઘરે જઈને એમની માફી માંગવી જોશે.જલ્દી તમે માફી માંગશો તો તમારા મન પરથી એક ભાર હળવો થઈ જશે."
"ગયા મહિને બોસ મને મેનેજરની પોસ્ટ આપવાના હતા, પણ હજુ આપી રહ્યા નથી. મારાથી આ પોસ્ટ છુટે નહિ, એ કારણે મારે ઓફીસમાં કામનુ ભારણ વધુ રાહે છે.જેનાથી બોસ સામે મારી ઈમેજ સારી રહે. લોકલ દિવસે મને સમય રહેવાનો નથી.આ વીકના સન્ડેના દિવસે આપણે બધા એમના ઘરે જશુ અને પૂરો દિવસ એન્જોય કરશુ."
નિસર્ગની વાત હિમજાને ગમી ગઈ.સુવામાં ખૂબ મોડું થઈ ગયું હતું. બન્ને એકબીજાંને ગુડ નાઈટ કહીને સુઈ ગયાં.
નિસર્ગે સંજયભાઈને મળીને માફી માંગવાનો રજાનો દિવસ નક્કી કર્યો હતો.અધીરાઈથી જે ઘડીની રાહ જોવાની હતી,એ ઘડી પણ આવી ગઈ હતી.
રવિવારના દિવસે નિસર્ગ અને નીલ બન્ને ઘરે હતા.સંજયભાઈને આગલે દિવસે જણાવ્યુ દીધુ હતુ કે પૂરું ફેમિલી એમના ઘરે આવી રહ્યુ છે.જેથી તેઓ એમના ઘરે રહે.સંજયભાઈએ એમના ઘરે એમનો જ પરિવાર આવવાનો હતો,એમના સ્વાગત માટે દરેક તૈયારીઓ કરી રાખી હતી.
રેખાબેન તૈયાર થઈ ગયાં હતાં. એ દિવસે તેઓ એમનાં પોતાનાં ઘરે જ કાયમી માટે રોકાઈ જવાનાં હતાં.એના માટે તેઓએ એમનાં કપડાંની બેગ તૈયાર કરીને હોલમાં સૌથી પહેલાં ઉપસ્થિત થઈ ગયાં હતાં.
એ પછી નીલ તૈયાર થઈને આવી પહોચ્યો હતો.એની દાદી કાયમી ત્યાં જ રહી જશે એનાં માટે એ દુઃખી થઈ ગયો હતો.
"દાદી તમે ત્યાંથી રિટર્ન અમારી સાથે પાછાં આવી જજો.તમને દાદા વિના ગમતું ના હોય તો આપણે દાદાને પણ સાથે લેતાં આવશું.પ્લીઝ તમે ત્યાં રોકાઈ ના જતાં."
નીલ આટલું કહીને રેખાબેનને બાથ ભીડીને રડવાં લાગ્યો. રેખાબેનને એ જ મુંઝવણ સતાવી રહી હતી.તેઓ હવે સંજયભાઈ વિના એકલાં રહી શકતાં ન હતાં અને નિસર્ગ,હિમજા અની નીલને છોડવાં માંગતાં ન હતાં.નીલને છાનો રાખતાં રાખતાં રેખાબેન પણ રડવાં લાગ્યાં.
બન્ને દાદી અને પૌત્ર રડતાં હતાં ત્યાં નિસર્ગ અને હિમજા તૈયાર થઈને એમનાં રુમમાંથી બહાર આવી ગયાં.
"આ શું અત્યારથી વિદાય કાર્યક્રમ ચાલું કરી નાખ્યો..!અમને લોકોને બોલાવ્યાં પણ નહિ."નિસર્ગે વાતાવરણને નોર્મલ કરવા માટે બોલ્યો.
"તમે પણ ક્યાં આવા સમયે આવું બોલો છો."હિમજા નિસર્ગને ખીજાતી રેખાબેન અને નીલને છાનાં રાખવાં લાગ્યાં.
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"