રવિના ખૂબ સમજાવવાં છતાં હેતલ એની સાથે ઘરે જવાં તૈયાર થઈ રહી ન હતી. તેણીને રવિ અને વત્સલ સાથે અલગ રહેવું હતું. અલગ રહીને એને એની સ્વતંત્રતા માણવી હતી. રવિનું માનવું એવું હતું કે પરિવારની સાથે રહેવાથી સંબંધોમાં આત્મીયતા બની રહે છે.
રવિએ હેતલને અલગ રહેવાં સિવાય બીજી તેણીની કોઈ પણ ઈચ્છા હોય એ પૂરી કરવાં માટે કહ્યું. હેતલે તો એક નવી ચિંતા રવિનાં માથા પર લાવી દીધી. એણે જણાવ્યું કે, એ અલગ રહેવાં તૈયાર ના હોય તો એને દસ લાખ રૂપિયા આપે તો એ એની સાથે ઘરની અંદર રહેવાં તૈયાર થશે.
હેતલ રૂપિયાની એટલી લાલચું હશે એ રવિને દસ લાખ રૂપિયાની વાત સાંભળીને ખબર પડી. એણે હેતલને ખૂબ સમજાવી પણ એ ટસને મસ થઈ રહી ન હતી. અંતે, પુરુષનો સ્વભાવ સ્ત્રીની જિદ્દથી કંટાળીને ગુસ્સે થઈ ગયો.
"મને લાગે છે કે તને મારા કે મારા પરિવાર પ્રત્યે કોઈ દિવસ લાગણી રહી નથી. રૂપિયાની લાલચું હેતલ તને એક ચેતવણી આપી દઉં છું. તું આ રૂપિયા રૂપિયા કરે છે, એક દિવસ તારી પાસે રૂપિયાનો ઢગલો હશે પણ તારું પોતાનું કહેવાં વાળું તારી આસપાસ કોઈ નહિ હોય."
"તને તો વત્સલ પ્રત્યે પણ પ્રેમ નથી. એણે તારાં વિના રડીને નિસાસા નાખીને સુતો હતો એનો હું સાક્ષી છું. તને તો તારી જિદ્ પર એની દયા આવતી નથી. હું હવે જાઉં છું. હવે પરિવારમાંથી તને કોઈ મનાવવાં આવશે તો હું એમને રોકીશ નહિ. મારી પાસેથી તું અપેક્ષા રાખતી નહિ કે તને ફરી મનાવવાં આવું. તને કોલ દ્રારા આજીજીના સ્વરે કોઈ ઘડીએ તને નહિ કહું. તને તારી ભૂલ સમજાય જાય. તારે ઘરે આવવું હોય તો ઘરના દરવાજા હંમેશાં તારા માટે ખૂલ્લા રહેશે."
રવિ ગુસ્સામાં આટલું કહીને હેતલથી મોં ફેરવીને પોતાનાં ઘરે જવાં નીકળી ગયો. ગેટ પાસે એને દુકાનેથી પરત આવતો વત્સલ મળી ગયો. રવિ એનો હાથ પકડીને ઘરે જવાં માટે કહ્યું.
વત્સલને એની મમ્મીને લીધાં વિના જવું ન હતું. હેતલ ખોટી હઠને પકડીને બેસી ગઈ છે. એ એની ભૂલની જાણ થઈને આવી જશે. એમ કહીને રવિ વત્સલને ઊપાડીને ત્યાંથી નીકળી ગયો.
હેતલ છેલ્લી ક્ષણે વત્સલને મળી ના શકે એનું દુઃખ થયું. એ પછી એ એની રીતે સાચી છે એવો અહંકાર મગજમાં ભરાઈ જતાં ગાલ પર આવેલ આંસુઓ સાફ કરીને પોતાનું કામ કરવાં લાગી.
હેતલ રવિ સાથે હમણાં આવી જ જોઈએ. એવાં હરખથી પારુલે બપોરની મોટાં ભાગની રસોઈ જલ્દી કરી નાખી હતી. ઘરને સાફ સુથરું કરીને ડેલીએ હેતલનાં આવવાની આંખોને પારુલે સ્થિર કરી રાખી હતી.
રવિ અને વત્સલે ડેલીની અંદર પ્રવેશ કર્યો. હેતલને એમની સાથે પારુલે ના જોઈ. શાયદ એ રસ્તામાં કોઈ સાથે વાતો કરવા ઊભી રહી ગઈ હશે, એવું વિચારીને પારુલે રવિને કહ્યું.
"મને ખબર હતી કે તું હેતલને મનાવવાં જઈશ તો એ જરૂરથી તારી સાથે આવવાં તૈયાર થઈ જશે. એ જરૂર ગલ્લીની સ્ત્રીઓ સાથે વાતો કરવાં ઊભી હશે." હરખેથી પારુલની નજર હજું ડેલીએ હતી. હેતલ ક્યારે ડેલીની અંદર પગ મૂકે !
"મમ્મી ! એ મારી સાથે આવી નથી. તમે તેણીની રાહ જોવાનું બંધ કરો. તેણીને જ્યારે આવવું હશે ત્યારે એ આવી જશે. તેણીને જેમ મનાવશું એમ એ એની મનમાની કરતી રહેશે."
રવિને હજું હેતલની કહેલી વાત પર મગજમાં ઘુમરાયાં કરતી હતી. પારુલની ઇન્તેઝારી જોઈને ઊંચા અવાજે હેતલ પર ગુસ્સો ઊતાર્યો. રવિનો અવાજ સાંભળીને દલપત દાદા લાકડીનાં સહારે બેઠક રૂમમાંથી બહાર આવ્યા. પ્રવિણ પણ એના રૂમમાંથી રવિએ હતો ત્યાં આવી પહોંચ્યો.
"આવા જોરથી તારી મમ્મી સાથે વાતો કેમ કરે છે ? આવી રીતે વાત કરતા મેં તને ક્યારેય જોયો નથી ! છેવટે એવું શું થયું કે તને હેતલ વહુ પર ગુસ્સો આવે છે ?" દલપત દાદાએ રવિને પૂછ્યું.
"એક મિનિટ...રવિ તું તો હેતલ વહુને લેવાં ગયો હતો. તેણી તારી સાથે કેમ ના આવી ? તેં તો કહ્યું હતું કે એને તું કોઈ પણ રીતે મનાવીને લઈ આવીશ."
દલપત દાદાના સવાલનો કોઈ જવાબ આપે એ પહેલાં પ્રવિણે પણ એક સવાલ કર્યો. આ બધામાં પારુલ સ્તબ્ધ થઈને સાંભળી રહી હતી. રવિએ વત્સલને એના રૂમમાં મૂકી દીધો.
"પપ્પા ! તમારા કહેવાથી હું તેણીને મનાવીને લેવાં ગયો હતો. ગઈ કાલે તેણીનો મૂડ પણ સારો હતો. અમે સાથે સારો એવો સમય પસાર કર્યો હતો પણ...." રવિ કહેતા અટકી ગયો.
"પણ શું રવિ ?" પ્રવિણને વાત પૂરી જાણવી હતી.
આગળ કહેતાં રવિને પણ શરમ આવતી હતી. એણે માથુ નીચું કરીને બોલ્યો, "હેતલને આ ઘર છોડીને અલગ રહેવું છે. જો હું એ કરવાં તૈયાર ના થાઉં તો એણે દસ લાખ રૂપિયાની માંગણી કરી. એની આવી માંગણીને લીધે હું એની સાથે ઝઘડો કરીને આવતો રહ્યો. તેણીને એની ભૂલ સમજાશે તો એ એની રીતે આવી જશે."
"અલગ થવાની વાત તેં હજું સુધી અમને કહી ન હતી. હવે તને આ કહેવાનું યાદ આવે છે ? તેં અમને પહેલાં કહ્યું હોય તો એને અમે મનાવીને લઈ આવત." પારુલ રવિના ખુલાસાથી બોલી.
"સોરી મમ્મી, મને એમ કે એણે નાદાનીમાં આવી જિદ્દ કરી હશે. વત્સલની યાદ આવતાં એ એનો અહંકાર મૂકીને ઘરે પાછી આવશે. એની લાલચી જિદ્દ પાસે એને વત્સલનો પ્રેમ પણ દેખાયો નહિ. વત્સલ એની મમ્મી વિના એકલો થઈ ગયો છે એ પણ એને મહેસુસ થતું નથી."
"તારાં સાસુ અને સસરાએ પણ હેતલ વહુને મનાવી નહિ ?" પ્રવિણ ચિંતામાં દેખાવા લાગ્યો.
"પપ્પા ! એ મને મળ્યા નથી. તેઓ કોઈ પ્રસંગ માટે બહાર ગામ ગયા હતા."
"કોઈ વાધો નહિ. જે થઈ ગયું એ થઈ ગયું. હવે એ બદલી શકાય એમ નથી. હેતલ વહુ દસ લાખ રૂપિયાથી આપણી સાથે પ્રેમથી રહેવાનું કહ્યું છે." દલપત દાદાએ એ પછી પ્રવિણ સામે જોઈને કહ્યું, "પ્રવિણ, તારી પાસે હાલ જો દસ લાખની સગવડ હોય તો આવતી સવારે તું હેતલ વહુને લઈ આવજે."
દલપત દાદાની વાત સાંભળીને પ્રવિણે પોતાની સહમતી દર્શાવી. એની પાસે છ લાખ જેવી રકમ હતી. એણે વર્ષો પહેલા પ્લોટ ખરીદીને રાખેલો હતો. એણે કહ્યું કે એ પ્લોટ વહેંચવાથી દસ લાખ જેવી રકમ ભેગી થઈ જશે. એ એની રીતે હેતલને સમજાવીને ઘરે લઈ આવશે.
"કોઈને ક્યાંય નથી જાઉં. રવિની વાત સાચી છે. તેણીને લાડ કરાવીને આપણે એને આપણી માથે ચઢાવી છે. એની દરેક જિદ્દ પૂરી કરશું તો એને જિદ્દ કરવાની આદત પડી જશે. આજે દસ લાખની માંગણી કરી. એને આ ઘર સાથે માયા બંધાયેલી નથી. એ કોઈ રીતે રૂપિયા લઈને પણ અલગ થવાનાં નવાં પેંતરા અજમાવતી રહેશે." પારુલે હેતલને તેણીની જિદ્દ પૂરી કરીને ઘરે લઈ આવવાની ના કરી દીધી.
"રવિની મમ્મી, તું એકવાર વિચાર તો કર. આમાં રવિનું લગ્નજીવન ખરાબ થશે. એ તો નાસમજ છે તો આપણે પણ એનાં જેવું થઈ જાવાનું ?"
"દરેક સમસ્યાનું સમાધાન છે. હેતલ વહુ આ ઘરનાં લક્ષ્મી છે. આપણાં ઘરની લક્ષ્મીને ખુશ રાખશું તો નારાયણની લક્ષ્મીની કૃપા આપણી પર રહેશે. આ બધું એ લોકોનું જ છે. આપણે આપણું જીવન જીવી લીધું છે. આપણાં કોઈ શોખ હતાં નહિ તો હેતલ વહુનાં શોખ પૂરાં કરવાં નહિ." પ્રવિણ પારુલને સમજાવી રહ્યો હતો.
"તમે મને સમજાવાનો પ્રયાસ કરશો પણ મારો ફેસલો અટલ રહેશે. તેણીની કોઈ ગેરવ્યાજબી જિદ્દ પૂરી થશે નહિ. એ એની રીતે સમજીને આવે તો ઠીક પણ હવે આપણે એને મનાવવાં નહિ જાય."
પારુલે એને એનો છેલ્લો ફેસલો જણાવી દીધો. પ્રવિણ અને દલપત દાદા આગળ કશું ના બોલી શક્યાં. બનાવેલી રસોઈ એમ પડી રહી. બે રોટલી બનાવીને પારુલે વત્સલને જમાડી દીધો. બીજાં સૌની ભૂખ આવેલી મોટી મુશીબતથી મરી ગઈ હતી. ચિંતામાં પૂરો દિવસ પસાર થઈ ગયો હતો.
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"