Gita - Your question, Krishna's answer - 3 in Gujarati Moral Stories by Hardik Galiya books and stories PDF | ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 3

Featured Books
Categories
Share

ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 3

હાર્દિક: કેમ છો મિત્રો ! સ્વાગત છે ફરી એકવાર પોડકાસ્ટ ‘ગીતા : સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના’. હું છું હાર્દિક અને મારી સાથે છે આપણા ગુરુ, ગાઈડ અને જેમની વાતો 5G કરતા પણ ફાસ્ટ મગજમાં ઉતરી જાય છે - એવા શાસ્ત્રીજી!

શાસ્ત્રીજી: નમસ્તે હાર્દિક, નમસ્તે મિત્રો.

હાર્દિક: શાસ્ત્રીજી, આજે મારો મૂડ જરાક ઓફ છે.

શાસ્ત્રીજી: કેમ ભાઈ? હજી તો શરૂઆત છે. શું થયું?

હાર્દિક: અરે શું વાત કરું! મેં ગયા મહિને ઓફિસમાં એટલી મહેનત કરી, રાતે ૧૦-૧૦ વાગ્યા સુધી રોકાયો, બોસનું બધું કામ પતાવ્યું. મને એમ હતું કે આ વખતે તો ‘એમ્પ્લોય ઓફ ધ મન્થ’ પાક્કો! અને આજે સવારે ઈમેઈલ આવ્યો... એવોર્ડ કોને મળ્યો? પેલા રમેશને! જે આખો દિવસ બ્રેકમાં ચા પીવા જતો હોય છે.
હવે તમે જ કહો, મારે કામ કરવાનો શું મતલબ? લોહી ઉકળી જાય છે મારું તો! 

શાસ્ત્રીજી: બસ હાર્દિક, આ તારો ગુસ્સો અને હતાશા છે ને, એ જ આજનો આપણો વિષય છે. તારી હાલત અત્યારે અર્જુન જેવી જ છે. તને એમ છે કે "મેં કર્યું તો મને કેમ ના મળ્યું?"

બીજા અધ્યાયમાં આપણે જોયું કે "હું આત્મા છું". પણ ત્રીજો અધ્યાય એ સમજાવે છે કે આ આત્માએ શરીરમાં રહીને વ્યવહાર કેવી રીતે કરવાનો? આ વિષય છે - કર્મયોગ.

હાર્દિક: તો સમજાવોને બાપુ! કર્મયોગ એટલે શું? કામ કરવાનું છોડી દેવાનું? જંગલમાં જતું રહેવાનું?

શાસ્ત્રીજી: ના. ગીતાનો ત્રીજો અધ્યાય કહે છે:

"ન હિ કશ્ચિત્ક્ષણમપિ જાતુ તિષ્ઠત્યકર્મકૃત્ |"

મતલબ: આ દુનિયામાં કોઈ પણ માણસ એક સેકન્ડ માટે પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી.

હાર્દિક: અરે સાહેબ, મારા પેલા સોસાયટીના વોચમેનને મળવા જેવો છે. આખો દિવસ ખુરશીમાં ઊંઘતો જ હોય છે. એ તો કોઈ કર્મ નથી કરતો!

શાસ્ત્રીજી:ભૂલ છે તારી. ઊંઘવું એ પણ કર્મ છે. શ્વાસ લેવો એ કર્મ છે. મનમાં જે વિચારો ચાલે છે ને, એ 'માનસિક કર્મ' છે.
કર્મનો મતલબ ખાલી 'હાથ-પગ હલાવવા' નથી થતો. તારો ઈરાદો (Intent) શું છે, એ પણ કર્મ છે.
જો એક ઉદાહરણ આપું. તું જીમમાં જાય છે? 

હાર્દિક: હા, હમણાં જ ચાલુ કર્યું. પણ સાચું કહું? ૧૫ દિવસ થયા, રોજ ડાયેટ કરું છું, કડવા જ્યુસ પીઉં છું, પણ વજન કાંટામાં એક કિલો પણ ઓછું નથી થતું! હવે મને થાય છે કે જીમ છોડી દઉં અને વડાપાંઉ ખાઈ લઉં!

શાસ્ત્રીજી: બસ, આ જ પ્રોબ્લેમ છે. તારું ધ્યાન ક્યાં છે? કસરત પર કે વજન કાંટા પર?

હાર્દિક: કાંટા પર જ હોય ને! રિઝલ્ટ જોવા તો જઈએ છીએ.

શાસ્ત્રીજી: અહીંયા જ તું માર ખાઈ ગયો.

કૃષ્ણ કહે છે: કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન...

તારો અધિકાર 'કસરત' કરવા પર છે, 'વજન ઘટાડવા' પર તારો ડાયરેક્ટ કંટ્રોલ નથી. શરીર એનું કામ એની ઝડપે કરશે.
જ્યારે તું રોજ સવારે ઉઠીને પહેલા કાંટો જુએ છે અને વજન ઓછું નથી દેખાતું, ત્યારે તારું મગજ નેગેટિવ થઈ જાય છે. તારો ઉત્સાહ તૂટી જાય છે. પરિણામે, બીજા દિવસે તું કસરત ઓછી કરે છે અથવા છોડી દે છે.
જો તેં ફળની (વજન ઘટવાની) ચિંતા કર્યા વગર માત્ર પ્રોસેસ એન્જોય કરી હોત, તો ૩ મહિને રિઝલ્ટ આપોઆપ મળત!

હાર્દિક: ઓહ! એટલે આ તો પેલા એમેઝોન જેવું છે. ઓર્ડર આપી દીધો, હવે વારેઘડીએ એપ ખોલીને જોવાનું નહિ કે "ક્યાં પહોંચ્યું?", એ એના ટાઈમે આવશે જ!

શાસ્ત્રીજી: એકદમ સાચું! કર્મ કરવું એ 'ઓર્ડર પ્લેસ' કરવા જેવું છે. ફળ મળવું એ 'ડિલિવરી' છે. ડિલિવરીનો ટાઈમ કુદરત નક્કી કરે છે, તું નહીં.

હાર્દિક: ઓકે, આ તો હેલ્થની વાત થઈ. પણ સાહેબ, જ્યાં કોમ્પિટિશન હોય ત્યાં શું? ત્યાં તો આપણે જીતવું જ પડે ને? ત્યાં "ફળની આશા ના રાખો" એવું વિચારીએ તો લૂઝર ના બની જઈએ?
શાસ્ત્રીજી: ના. ઉલટું, ફળની આશા છોડવાથી જ જીતી શકાય છે.
ચાલ આપણે ક્રિકેટના મેદાનમાં જઈએ.
વિરાટ કોહલી બેટિંગ કરે છે. ભારતને જીતવા માટે ૬ બોલમાં ૨૦ રન જોઈએ છે. પ્રેશર કુકર સિચ્યુએશન છે.

હવે જો કોહલી એવું વિચારે કે:
"ઓ તારી! જો હું આઉટ થઈ જઈશ તો આખું સ્ટેડિયમ મને ગાળો આપશે."
"જો આપણે હારી જઈશું તો મારું સિલેક્શન નહીં થાય."
"જો સિક્સ નહીં વાગે તો મારી ઈજ્જત જશે."
તો શું એ બોલ પર ફોકસ કરી શકશે?

હાર્દિક: ના જ કરી શકે ને! એનું ધ્યાન તો 'ઈજ્જત' અને 'હાર' પર છે. હાથ ધ્રૂજવા માંડે.

શાસ્ત્રીજી: એક્ઝેટલી! આને સાયકોલોજીમાં કહેવાય Performance Anxiety.
જ્યારે તમારું ધ્યાન 'પરિણામ' (Result) પર હોય છે, ત્યારે તમારી સ્કિલ બગડી જાય છે.વપણ એક 'કર્મયોગી' ખેલાડી શું વિચારે?
એ વિચારે: "મારે અત્યારે સ્કોરબોર્ડ નથી જોવું. મારે ખાલી સામેથી આવતા બોલને જોવો છે અને એને બેસ્ટ રીતે ફટકારવો છે."
જ્યારે એ 'ભવિષ્ય' માંથી નીકળીને 'વર્તમાન' (Present Moment) માં આવે છે, ત્યારે સિક્સર વાગે છે!

હાર્દિક: વાહ! મતલબ કે "ફળની આશા છોડવી" એટલે રિઝલ્ટની પરવા ન કરવી એવું નહીં, પણ રિઝલ્ટનું પ્રેશર મગજ પર ન લેવું.

શાસ્ત્રીજી: ૧૦૦ ટકા સાચું. ફોકસ ઓન ધ એક્શન, નોટ ઓન ધ આઉટકમ.

હાર્દિક: શાસ્ત્રીજી, હવે એક એવો સવાલ પૂછું જે દરેક યંગસ્ટરના દિલનો દર્દ છે. મારો એક ભાઈબંધ છે, ચિન્ટુ. એણે એક છોકરી પાછળ બહુ મહેનત કરી. એના કોલેજના અસાઇનમેન્ટ લખી આપ્યા, એને રાત્રે એરપોર્ટ મૂકવા ગયો, એના મોબાઈલનું રિચાર્જ કરાવ્યું. એને એમ હતું કે છોકરી ઈમ્પ્રેસ થઈ જશે. પણ છેલ્લે છોકરીએ શું કહ્યું? "ચિન્ટુ, તું બહુ સારો છે, પણ હું તને ખાલી ફ્રેન્ડ માનું છું." હવે ચિન્ટુ ડિપ્રેશનમાં છે. એ કહે છે કે "ભાઈલા હાર્દિક આ ભલાઈનો જમાનો જ નથી."
ગીતા આ 'ફ્રેન્ડઝોન' વાળા માટે શું કહે છે?

શાસ્ત્રીજી:આજના જમાનાનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે હાર્દિક!
જો, ચિન્ટુએ જે કર્યું એ 'કર્મ' હતું કે 'સોદો' (Business Deal)?

હાર્દિક: સોદો? ના ના, એ તો પ્રેમ કરતો હતો.

શાસ્ત્રીજી: ના, એ પ્રેમ નહોતો. એ 'બાર્ટર સિસ્ટમ' હતી.

ચિન્ટુના મનમાં ગણતરી હતી: "હું અસાઇનમેન્ટ લખી આપીશ , બદલામાં એ મને પ્રેમ આપશે."

આ તો દુકાનદાર જેવું થયું ને? મેં પૈસા આપ્યા તો સામાન મળવો જ જોઈએ.

ગીતા કહે છે કે જ્યારે તમે સંબંધોમાં પણ વળતરની અપેક્ષા રાખો છો, ત્યારે તમે દુઃખી થવાના જ છો. કારણ કે સામેવાળી વ્યક્તિ યંત્ર નથી, એનું મન છે.

હાર્દિક: તો શું કરવાનું? કોઈની મદદ જ નહીં કરવાની?

શાસ્ત્રીજી: મદદ કરવાની, પણ પ્રેમથી. 'પ્રેમ' એટલે આપવું, માંગવું નહીં.

જો ચિન્ટુએ એમ વિચારીને મદદ કરી હોત કે "મને આ વ્યક્તિ ગમે છે, એટલે હું એની મદદ કરું છું. એ મને પ્રેમ કરે કે ના કરે, મને મદદ કરીને આનંદ મળ્યો" - તો એને દુઃખ થાત?

હાર્દિક: ના થાત. કારણ કે એને તો મદદ કરવાનો આનંદ મળી ગયો ને.

શાસ્ત્રીજી: બસ! આ જ નિષ્કામ કર્મયોગ.
જ્યારે તમે પત્ની, પ્રેમિકા, મિત્ર કે મા-બાપ માટે કઈ કરો, ત્યારે સામેથી "થેન્ક યુ" ની પણ અપેક્ષા ના રાખો. જો અપેક્ષા રાખશો તો એ પ્રેમ નથી, એ વેપાર છે. અને વેપારમાં ખોટ જાય તો રડવું આવે. પ્રેમમાં ખોટ હોતી જ નથી.

હાર્દિક: ઓ હો હો... બાપુ તમે તો કવિ થઈ ગયા! "પ્રેમમાં ખોટ હોતી જ નથી." સ્ટેટસ મૂકવા જેવું વાક્ય છે આ તો.

      તો ચાલો પ્રેમની વાત પતી. હવે વાત કરીએ ગુસ્સાની. હમણાં હું સ્ટુડિયો આવતો હતો. રસ્તા પર ફૂલ ટ્રાફિક. એક ભાઈ રોંગ સાઈડમાં ઘૂસ્યા અને મારી ગાડીને અડીને નીકળી ગયા. મને એટલો ગુસ્સો આવ્યો કે મેં કાચ ખોલીને બે-ચાર સારા શબ્દો (ગાળો) સંભળાવી દીધા. આખો મૂડ બગડી ગયો.

હવે ગીતા શું કહે છે? રોંગ સાઈડ વાળાને ફૂલહાર પહેરાવવાના?

શાસ્ત્રીજી: ના, પણ તું જે ગાળો બોલ્યો, એનાથી પેલાને શું ફરક પડ્યો?

હાર્દિક: કઈ જ નહીં! એ તો નીકળી ગયો. પણ મારું લોહી ઉકળી ગયું.
શાસ્ત્રીજી: જોયું? કર્મ પેલાએ કર્યું (રોંગ સાઈડમાં આવવાનું), પણ ફળ (દુઃખ અને ગુસ્સો) તેં ભોગવ્યું! આ ક્યાંનો ન્યાય?
કર્મયોગી એ છે જે સમજે છે કે - "દુનિયા મારા કંટ્રોલમાં નથી, પણ મારું રિએક્શન મારા કંટ્રોલમાં છે."

જો તું કર્મયોગી હોત, તો તું શું વિચારત?

"આ ભાઈ અજ્ઞાની છે અથવા ઉતાવળમાં છે. એને જવા દો. મારે મારો મૂડ અને મારી ડ્રાઇવિંગ ખરાબ નથી કરવી."

તેં ગાળ બોલીને તારું 'વાણીનું કર્મ' બગાડ્યું. પેલાનું કર્મ પેલાની સાથે, તારું કર્મ તારી સાથે.

બીજાની ભૂલની સજા પોતાની જાતને આપવી, એનું નામ ગુસ્સો. અને કર્મયોગી ક્યારેય પોતાની જાતને સજા નથી આપતો.

હાર્દિક: સાહેબ, આ વાત બહુ અઘરી છે હો! ઇન્સ્ટન્ટ રિએક્શન આવી જ જાય.

શાસ્ત્રીજી: એટલે જ તો આ 'યોગ' છે. યોગ એટલે પ્રેક્ટિસ. જીમમાં પહેલા દિવસે ૫૦ કિલો વજન ના ઉપડે, એમ મગજને શાંત રાખતા પણ ધીરે ધીરે આવડે.

હાર્દિક: શાસ્ત્રીજી, સમય પૂરો થવા આવ્યો છે પણ એક છેલ્લો ટ્રેન્ડી ટોપિક લેવો છે. પછી આપણે આપણા દર્શકોના સવાલ તરફ વળીએ. 

આજકાલ બધાને 'લાઈક્સ' અને 'વ્યુઝ' ની ભૂખ છે. રીલ મૂક્યા પછી દર પાંચ મિનિટે ચેક કરે કે "કેટલી લાઈક આવી?". અને જો લાઈક ના આવે તો ડીલીટ કરી નાખે. આને તમે કઈ કેટેગરીમાં મૂકો?

શાસ્ત્રીજી: આને હું "ડિજિટલ ભિખારી" કહું છું.

હાર્દિક : હા…હા…હા…ડિજિટલ ભિખારી.
 
જ્યારે તમારું સુખ બીજાના અંગૂઠા ( લાઈક બટન) પર આધારિત હોય, ત્યારે તમે ગુલામ છો. 

કર્મયોગ શું કહે છે?

"તમારું ટેલેન્ટ, તમારી કળા, તમારો વિચાર વ્યક્ત કરવો એ તમારું કર્મ છે."

લોકોને ગમશે કે નહીં, એ એમના હાથમાં છે. જો તમે લાઈક્સ માટે રીલ બનાવો છો, તો તમે પબ્લિકના નોકર છો. પણ જો તમે તમારા આનંદ માટે, તમારી કળા બતાવવા રીલ બનાવો છો, તો તમે બાદશાહ છો.
જે કલાકાર તાળીઓની ભૂખ વગર પરફોર્મ કરે છે ને, એની કળામાં જાદુ હોય છે.

હાર્દિક: એટલે કે "સેલ્ફ-વેલિડેશન" મહત્વનું છે, "સોશિયલ-વેલિડેશન" નહીં.

શાસ્ત્રીજી: એકદમ સાચું. તારો આનંદ તારી અંદર હોવો જોઈએ, મોબાઈલની સ્ક્રીન પર નહીં.

હાર્દિક: ઓ બાપ રે... આજે તો આપણે જિમથી લઈને ટ્રાફિક સુધી અને ગર્લફ્રેન્ડથી લઈને ઇન્સ્ટાગ્રામ સુધી બધું જ કવર કરી લીધું!
મતલબ કે કર્મયોગ ખાલી સાધુઓ માટે નથી, આપણા જેવા પામર જીવો માટે જ છે.


હાર્દિક: શાસ્ત્રીજી, આપણો એપિસોડ સાંભળીને વોટ્સએપ પર મેસેજનો વરસાદ થઈ ગયો છે! લોકોના દિલના સવાલો આવ્યા છે. બે-ત્રણ અઘરા સવાલો લઈએ?

શાસ્ત્રીજી: ચોક્કસ, પૂછો.

હાર્દિક: પહેલો સવાલ છે રાજકોટથી પરેશભાઈનો. એ પૂછે છે:
"શાસ્ત્રીજી, હું સરકારી ભરતીની તૈયારી કરું છું. ત્રણ વર્ષથી મહેનત કરું છું પણ પેપર ફૂટી જાય છે અથવા ભરતી રદ થાય છે. હવે વાંચવાનું મન નથી થતું. જો ફળ (નોકરી) મળવાની જ ના હોય, તો કર્મ (વાંચવું) શું કામ કરવું?"

શાસ્ત્રીજી: પરેશભાઈ, તમારી વેદના સાચી છે. પણ અહીં ગીતાનો સિદ્ધાંત સમજો.તમારા હાથમાં શું છે? 'તૈયારી કરવી'. પેપર સાચવવું કે સિસ્ટમ સુધારવી એ તમારા હાથમાં નથી (એ સરકારનું કર્મ છે).
હવે વિચારો: જો તમે નિરાશ થઈને વાંચવાનું છોડી દેશો, અને કાલે અચાનક પરીક્ષા લેવાશે, તો? તો તમે નાપાસ થશો. એટલે નુકસાન કોને ગયું? તમને જ.કર્મયોગી પરિસ્થિતિને દોષ નથી દેતો, એ પરિસ્થિતિમાં પણ પોતાનું બેસ્ટ આપે છે. અને યાદ રાખજો, જ્ઞાન ક્યારેય એળે નથી જતું. કદાચ સરકારી નોકરી ના મળે, પણ એ મહેનત તમને બીજે ક્યાંક સફળ બનાવશે. બસ, રુકાવટ આવે તો અટકવું નહીં.

હાર્દિક: સાચી વાત પરેશભાઈ, 'વાંચે ગુજરાત' તો જ 'આગળ વધે ગુજરાત'! લોડ ના લેતા, મહેનત ચાલુ રાખો.

બીજો સવાલ સુરતથી ભાવનાબેનનો છે. આ થોડો ઈમોશનલ છે.
"શાસ્ત્રીજી, હું આખો દિવસ ઘરનું કામ કરું છું, બધા માટે ગરમ રસોઈ બનાવું છું. પણ કોઈ એક વાર પણ 'થેન્ક યુ' નથી કહેતું. ઉલટું જમવામાં મીઠું ઓછું હોય તો ટોકે છે. મને થાય છે કે હું આ ઘરની નોકરાણી છું? મને હવે કામ કરવાનો કંટાળો આવે છે."

શાસ્ત્રીજી: ભાવનાબેન, આ સવાલ લાખો ગૃહિણીઓનો છે.
તમે જ્યારે રસોઈ બનાવો છો, ત્યારે તમારો ભાવ શું હોય છે?
જો તમે એવો ભાવ રાખો કે "હું કામ કરું છું એટલે પતિ કે સાસુ મારા વખાણ કરે", તો તમે 'ડીલ' કરો છો. અને વખાણ ના મળે એટલે દુઃખ થાય. પણ તમે એવો ભાવ રાખો કે "હું આ ઘરની અન્નપૂર્ણા છું. મારા હાથનું જમશે તો મારા પરિવારનું સ્વાસ્થ્ય સારું રહેશે."
જ્યારે તમે 'મા' બનીને પીરસો છો, ત્યારે તમને કોઈના સર્ટિફિકેટની જરૂર નથી હોતી. થાળી ખાલી થાય અને પરિવાર તૃપ્ત થાય, એ જ તમારું મેડલ છે. તમારું કર્મ 'સેવા' છે, 'નોકરી' નહીં. તમારી વેલ્યુ તમે જાતે કરો, બીજા કરે એની રાહ ના જુઓ.

હાર્દિક: વાહ શાસ્ત્રીજી! એટલે કે રસોડામાં પણ યોગ થઈ શકે છે! ભાવનાબેન, આજથી તમે 'હાઉસ વાઈફ' નહીં, 'હોમ મેનેજર' અને 'અન્નપૂર્ણા' છો!

હાર્દિક: ઓ બાપ રે... આજે તો આપણે જિમથી લઈને ટ્રાફિક સુધી અને સરકારી ભરતીથી લઈને રસોડા સુધી બધું કવર કરી લીધું!
તો શાસ્ત્રીજી, આજનો સારાંશ:

૧. Gym Rule: ફોકસ પ્રોસેસ પર, રિઝલ્ટ પર નહીં. (ઇન્સ્ટન્ટ રિઝલ્ટની ઘેલછા)
૨. Performance Anxiety: હારવાનો ડર કાઢો તો જ જીતશો.
૩. Relationship: વેપાર નહીં, પ્રેમ કરો.
૪. Traffic Rule: બીજાના ખરાબ કર્મનું રિએક્શન આપીને તમારું કર્મ ના બગાડો. રિસ્પોન્સ આપો, રિએક્શન નહીં.
૫. વોટ્સએપ જ્ઞાન: પરિસ્થિતિ ગમે તે હોય, આપણું કામ (તૈયારી/સેવા) અટકવું ના જોઈએ.

શાસ્ત્રીજી: અને આજનું હોમવર્ક? આ અઠવાડિયે એક ગુપ્ત સેવા કરો.

ઓફિસમાં કે ઘરમાં એક કામ એવું કરો જેની ક્રેડિટ લેવાની નથી. કોઈને કહેવાનું નથી.
જેમ કે - ઘરનું બાથરૂમ ગંદુ હોય તો સાફ કરી નાખવું, અથવા ઘરે કચરો ઉપાડી લેવો, અથવા ઘરમાં કોઈનો ફેવરિટ નાસ્તો બનાવી દેવો.
એ ચૂપચાપ કામ કરવાનો જે આનંદ છે ને, એ જ સાચો કર્મયોગ છે.

પણ શરત એ કે - કોઈને કહેવાનું નહીં! કોઈ ક્રેડિટ લેવાની નહીં.
એ જે 'સિક્રેટ' સંતોષ મળશે ને, એ જ કર્મયોગનો આનંદ છે.

હાર્દિક: ડન! ગુપ્ત દાન મહા કલ્યાણ!

મિત્રો, તમારા પણ કોઈ સવાલ હોય તો વોટ્સએપ કરજો. અમે આવતા એપિસોડમાં પાક્કા લઈશું.

આવતા અઠવાડિયે આપણે વાત કરીશું - "અવતાર રહસ્ય".

શું ભગવાન પૃથ્વી પર આવશે? કારણ કે કલિયુગમાં પાપ તો બહુ વધી ગયું છે હો!

શાસ્ત્રીજી: યદા યદા હિ ધર્મસ્ય... બહુ રસપ્રદ વિષય છે.

હાર્દિક: તો મળીએ આવતા અઠવાડિયે.
ત્યાં સુધી... કર્મ કરતા રહો, ફળની ચિંતા છોડો અને દિલથી બોલો -જય શ્રી કૃષ્ણ!

જય શ્રી કૃષ્ણ!