Astitva - 8 in Gujarati Thriller by Falguni Dost books and stories PDF | અસ્તિત્વ - 8

Featured Books
Categories
Share

અસ્તિત્વ - 8

અનુરાધા ધીરા અને મક્કમ પગલે જેમ જેમ આસ્થા સુધી પહોંચી રહ્યા હતા, તેમતેમ એમના મનમાં ઉત્તેજના એ વાત જાણવાની વધી રહી કે, આસ્થા શું પ્રતિભાવ આપશે? એમણે આસ્થા પાસે પહોંચીને પ્રેમથી એના માથા પર હાથ ફેરવ્યો!

આસ્થાએ ફક્ત નામ પૂરતું જ હાસ્ય કર્યું, અને આસપાસ નજર કરી. આસ્થાએ મૌન તોડતા કહ્યું, "આપ કોણ છો? હું અહીં કેમ છું? મને શું થયું કે, હું હોસ્પિટલમાં છું?" પોતાનો એક હાથ માથા પર મૂકતા વિચાર કરતી હોય એવા પ્રતિભાવ  સાથે અનેક પ્રશ્નો પોતાની કુતુહલતા દૂર કરવા પૂછ્યા હતા.

"આ અનુરાધા છે, તમે એના દીકરી છો. આપનું એકસીડન્ટ થયું હતું. આથી આપ હોસ્પિટલમાં છો." સમય સંજોગને ધ્યાનમાં રાખી કલ્પે જવાબ આપ્યો હતો.

"મારા મમ્મી! પણ... આટલું બોલી એ ફરી ચૂપ થઈ ગઈ!" એને કઈ સમજાઈ રહ્યું નહોતું.

"હા. એ તમારા મમ્મી છે."

"મને કેમ યાદ નથી? હું તમને કોઈને ઓળખતી નથી. હું મમ્મીને પણ ઓળખતી નથી. મને કઈ સમજાતું નથી. મારે મારા ઘરે જવું છે. મારે અહીં રહેવું નથી. ઓહહ... મને મારુ ઘર ક્યાં છે? એ પણ યાદ નથી. આ શું થઈ ગયું મને? મને કઈ જ યાદ નથી આવતું!!" એકદમ ગળગળા અને લાગણીસભર વ્યથિત અવાજે એ બધું રડમસ આંખે બોલી ગઈ હતી.

"અરે બેટા! તું જરા પણ તારા મગજને કષ્ટ ન આપ. સમય જતા તને બધું જ યાદ આવી જશે. એકસીડન્ટ વખતે તારા માથામાં જે ઈજા થઈ હતી. એના લીધે તું બધું ભૂલી ગઈ છે. ચાલ! તું શાંતિથી આરામ કર. ર્ડોક્ટર ઓપરેશનમાં છે, એ આવે ને રજા આપે પછી આપણે ઘરે જાશું. હું અહીં તારી પાસે જ બેઠી છું." પરિસ્થિતિ સાચવતા અનુરાધા બોલ્યા હતા.

ના મમ્મી! મારે ઘરે જ જવું છે. મારો અહીં ખુબ જીવ મુંજાય છે. પ્લીઝ તમે મને આપણા ઘરે લઇ જાવ." એમ કહી એ ઉભી જ થવા જતી હતી ત્યાં જ એને સહેજ ચક્કર આવ્યા.

આસ્થાના મુખેથી પ્રથમ વખત મમ્મીનું સંબોધન સાંભળીને અનુરાધા એ હરખમાં જ ખોવાઈ ગયા હતા. બસ, એજ સમયે ર્ડો. સુમન આવ્યા. આસ્થા આટલા સમયથી કોમામાં હતી જેથી થોડી નબળાઈ હતી એનો ખ્યાલ એમને આવી ગયો. એમણે તરત જ કહ્યું કે, આજનો દિવસ અહીં રહેવું પડશે. આવતીકાલે તમને રજા આપવામાં આવશે.

"શું તો આજ અહીં જ રહેવું પડશે? પણ હું તો ઠીક જ છું. મને કાંઈ જ નથી થયું, મમ્મી તમે કહો ને! મારે ઘરે જવું છે."

"અરે બેટા! આજ એક જ દિવસની તો વાત છે. આમ સમય જતો રહેશે." પ્રેમથી એના માથા પર હાથ ફેરવતા અનુરાધા બોલ્યા હતા.

"મમ્મી! મારા પપ્પા કોણ છે? એ ક્યાં?" આસ્થાના પ્રશ્નથી બધા એકદમ અવાચક થઈ ગયા. શું કહેવું એ બધા માટે મોટો પ્રશ્ન થઈ ગયો!

"તારા પપ્પા બહાર ગામ છે. એમના ધંધાના કામથી એ બહારગામ જ રહે છે." હકીકતને હાલ પૂરતી છુપાવવાના હેતુથી અનુરાધા બોલ્યા.

"મમ્મી પપ્પા સાથે વાત કરવી છે."

"હા બેટા! પછી શાંતિથી વાત કરશું. તું અત્યારે હવે એ કહે તારે શું જમવું છે?" વાત ટાળવા તેઓ બોલ્યા.

"મને શું જમવું છે!!... મને એજ યાદ નથી મને શું ભાવે છે. તમે જે જમવા આપશો હું જમી લઈશ."

આસ્થાના એક એક શબ્દ અનુરાધાને ખુબ સ્પર્શી રહ્યા હતા. એક અજાણી છોકરી આખું જીવન અનુરાધાને સોંપીને એને પોતાની મમ્મી સમજી કેટલી ખુદને સલામત સમજી રહી હતી! એનો આ વિશ્વાસ જોઈ એ ખુબ ભાવવિભોર થઈ ગયા હતા. પોતાને ખુબ જ સાચવીને તેઓ આગળ વધી રહ્યા હતા. અમુક જ સેકન્ડમાં કેટલું જાજુ વિચારી ચુક્યા હતા.

"હું હમણાં જ તારે માટે જમવાનું મંગાવી આપું. ત્યાં સુધી તું ફ્રેશ થઈ જા!"

એક નર્સ આસ્થાનો હાથ પકડીને  વોશરૂમ તરફ લઈ ગઈ હતી. આ તરફ આ લોકો બધા જ ICU રૂમની બહાર નીકળ્યા હતા. હવે, અનુરાધાએ ર્ડો સુમનનો અને ત્યાં ઉપસ્થિત બધાનો આભાર માન્યો અને એમના જુઠમાં સાથ આપવા માટે તેમની માફી પણ માંગી.

"અરે માફી ન માંગો. તમે તો ઉલ્ટાનું ખુબ સારું કાર્ય કરી રહ્યા છો. અમને બધાને તમારા પર ખૂબ ગર્વ છે. જે પણ થઈ રહ્યું છે એ તમારી નહીં પરંતુ કુદરતની મરજીથી થઈ રહ્યું છે આથી તમે તમારા મન પર કોઈ જ ભાર ન રાખો." કલ્પ આશ્વાસન આપતા બોલ્યો.

"મારી પાસે અત્યારે તમને લોકોને કહેવા માટે કોઈ જ યોગ્ય શબ્દ નથી પણ હા એટલું અવશ્ય કહીશ કે મારા જીવનની અધૂરપ દૂર કરવા માટે તમે આપેલ આ સાથ જીવનભર નહીં ભૂલું. અને એ વાત પણ નક્કી છે કે હું આસ્થાને એનું ખરું અસ્તિત્વ અવશ્ય અપાવીશ. એની સાથે જે ખોટું થયું છે એમાં એને અવશ્ય ન્યાય મળશે જ!" દ્રઢ વિશ્વાસ સાથે તેઓ બોલ્યા હતા.

"મને પૂરી ખાતરી છે કે તમે તમારા કામમાં અવશ્ય સફળ થશો. એ માટે તમારે ખૂબ ધીરજ અને સાવચેતી રાખવી પડશે." ર્ડો. સુમન બોલ્યા.

"હા આપની વાત સાચી છે મારે ખૂબ ધીરજ અને સાવચેતીથી જ આગળ વધવું પડશે, પહેલા તો મારે ઘરે એના માટે યોગ્ય વ્યવસ્થા કરવી પડશે! એમણે નર્સને કહ્યું કે, તમે આજ અહીંથી છૂટો એટલે પહેલા આસ્થા માટે ૨૦ થી ૨૫ જોડી કપડાં લઈને મારા ઘરના કપબૉર્ડમાં ગોઠવી આપજો. આસ્થાને કોઈ જ વિચાર મગજમાં હાવી થાય એવું હું ઈચ્છતી નથી. અને હા, કપડાં પરના ટેગ બધા જ કાઢી નાખજો એ ભૂલતા નહીં."

"ઓહહ! તમે તો ખુબ જાજુ વિચારી રહ્યા છો! આટલી ચિંતા એક મા જ કરે!"

"હું અહોભાગ્યથી મળેલ દીકરીના પ્રેમને આજીવન રાખવા ઈચ્છું છું. એ ખુશ હોવી જોઈએ. બસ, એજ મારો ધ્યેય છે. ભગવાને મારી પ્રાર્થના સાંભળી છે, એનું જ આ પરિણામ છે."

ત્યારબાદ બધા જ પોતપોતાના કામ પર લાગી ગયા હતા. કલ્પ પણ જમવાનું લઈ આવ્યો હતો. અનુરાધાએ પોતાના હાથેથી આજે આસ્થાને જમાડી હતી. આસ્થા ખૂબ વિચલિત હતી, આસ્થાના મનમાં અનેક વિચારો ઘુમી રહ્યા હતા. જે એના ચહેરા પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. પોતે અનુભવી રહ્યા હતા કે, એમની લાગણીના લીધે જ આસ્થા ખુદને સલામત સમજી રહી હતી. આ વાતનો હરખ એમને અનહદ થઈ રહ્યો હતો. એ હરખથી જે સંતોષ એમના ચહેરા પર દેખાતો હતો એ જ આસ્થાની હિંમત બની રહ્યો હતો.

આસ્થા ખૂબ જ ઓછું જમી શકી હતી. જમ્યાબાદ એને અમુક દવાઓ જે પીવાની હતી એ દવા લઈ એ ઊંઘી ગઈ હતી.

અનુરાધા ફરી એકલા પડ્યા અને તેઓ એમનાં ભૂતકાળમાં જતા રહ્યા હતા.


******************************


"ના. મારી અનુને કંઈ જ થવું ન જોઈએ! એને કંઈ થઈ જશે તો હું નહીં જીવી શકું. અનુ વગર મારું જીવવું મુશ્કેલ છે." ગિરિધર ઘડી ઘડી આ જ શબ્દ ઉચ્ચાર્યા કરતો હતો. એનું માનસિક સંતુલન એ ખોઈ બેઠો હતો. તેમના પરિવારનું કોઈ સદસ્ય એમને અંકુશમાં રાખી શકે એમ નહોતું. આથી એમને સારવાર માટે મેન્ટલ હોસ્પિટલ દાખલ કરવા પડ્યા હતા. અનુરાધાના ભાનમાં આવ્યા બાદ ડોક્ટરે એમને આ હકીકત કહી ત્યારે આ સાંભળીને તેઓ એકદમ આઘાત પામ્યા હતા. એમને પોતાના શબ્દો યાદ આવ્યા, "મારા પ્રેમમાં ક્યારેક સાચે જ પાગલ થઈ જઈશ!"


******************************


"મમ્મી મને પાણી પીવું છે. મને આપોને પ્લીઝ." આસ્થાના આ શબ્દ અનુરાધા ને ફરી વાસ્તવિકતામાં ખેંચી લાવ્યા હતા. એના આ શબ્દ ઘા પર મલમનું આજે કામ કરી રહ્યા હતા.

મારી ધારાવાહીક "અસ્તિત્વ" ની સફરમાં જોડાવા બદલ વાચક મિત્રોનો દિલથી આભાર. આપના પ્રતિભાવો મને લખવા માટે ખૂબ પ્રોત્સાહીત કરે છે, ધારાવાહિકને અનુરૂપ પ્રતિભાવ જણાવશો. ફરી મળીશું નવા પ્રકરણમાં. જય શ્રી રાધેકૃષ્ણ.🙏🏻