તિર અને જવાબદારી
सुखे कर्मफलैः तुष्टः स्वयमेव विजयी भवेत्।
दुःखे दैवगतिं दृष्ट्वा ईश्वरं दोषयत्यसौ॥
માનવજીવનનું સૌથી મોટું વિસંગત તત્વ એ છે કે મનુષ્ય સુખ આવે ત્યારે પોતાને વિજેતા માને છે અને દુઃખ આવે ત્યારે કોઈ અદૃશ્ય શક્તિ પર દોષારોપણ કરી દે છે. ભાગ્ય, પરિસ્થિતિ, સમાજ અને અંતે ઈશ્વર—આ બધા તેના માટે જવાબદારીમાંથી બચવાના પડદા બની જાય છે.
આ જ માનસિકતાને ઉજાગર કરતી એક પ્રસિદ્ધ અને વિચારપ્રેરક ઘટના પ્રાચીન શહેર વિજયપુરમાં બની હતી.
શહેરમાં વાર્ષિક મહોત્સવ ચાલી રહ્યો હતો. રંગબેરંગી તંબુઓ, ઢોલ-નગારાંની ગૂંજ અને લોકોની ભીડ વચ્ચે એક વિશાળ પ્રદર્શન યોજાયું હતું. ત્યાં એક તીરંદાજીની રમતમાં ભાગ્ય અજમાવવાની તક હતી—જો તીર નિશાન પર વાગે તો દાવના દસગણા નાણાં, અને ચૂકે તો દાવ માં લગાડેલું બધું જ ગુમાવવાનું.
આ પ્રદર્શન જોવા માટે શહેરના એક વિચક્ષણ પરંતુ અજીબ સ્વભાવના ગુરુ શેખરાનંદ પોતાના શિષ્યો સાથે આવ્યા. શેખરાનંદ માત્ર ગુરુ નહીં, જીવનના સૂક્ષ્મ તત્ત્વો સમજાવતા એક તત્ત્વચિંતક હતા. તેઓ દરેક વિદ્યા માં નિપુણ હતા. શાસ્ત્ર અને શસ્ત્ર બંને માં.
તેમને પ્રદશન માં ભાગ લીધો.
ઘણી વાર ઋષીઓ અને સંતો ને આવું કરવાનું કોઈ કારણ નહિ. પણ સમાજને કઈ માર્ગદર્શન આપવાનું હોય ત્યારે આવું બધું કરવું પડે.
શેખરાનંદએ ધીમેથી આગળ વધીને ધનુષ્ય ઉઠાવ્યું, તીર કમાન પર ચડાવ્યું. માથું ઝુકેલું હતું. અને પ્રથમ તીર છોડ્યું. તીર નિશાન સુધી પહોંચ્યું જ નહીં—વચ્ચે જ જમીન પર પટકાયું. લોકો હસવા લાગ્યા.
શેખરાનંદ શાંતિથી બોલ્યા, “હસશો નહીં. આ તીર એ માણસનું છે, જેને પોતાના પર વિશ્વાસ નથી.” આગળ કહ્યું “ આ તીર મારું નથી”
संशयात्मा विनश्यति। શ્રીમદ ભગવદ ગીતા ૪-૪૦
શંકાથી ભરેલો મનુષ્ય પોતે જ પોતાનું પતન કરે છે.
આમ કહી બીજું તીર ચડાવ્યું. છાતી કાઢેલી હતી. આમ તેમણે ભારે આત્મવિશ્વાસ સાથે તીર છોડ્યું. આ વખત તીર નિશાનને પાર કરી ગયું. ભીડ શાંત થઈ ગઈ.
શેખરાનંદ બોલ્યા, “આ તીર એ માણસનું છે, જેને પોતાના પર અતિશય વિશ્વાસ છે.” આગળ કહ્યું “ આ તીર પણ મારું નથી”
अतिविश्वासे प्रमादो जायते,प्रमादे विवेकनाशः।
विवेकनाशे कर्मभ्रंशः ततः पराजयो ध्रुवः॥
અતિશય વિશ્વાસથી બેદરકારી જન્મે છે,બેદરકારીથી વિવેકનો નાશ થાય છે.
વિવેક નષ્ટ થતાં કર્મોમાં ભ્રંશ આવે છે,અને તેથી અંતે પરાજય નિશ્ચિત બને છે.
ત્રીજું તીર તેમને આંખો બંધ કરી . તીર ને મસ્તકે અડાડી ધ્યાન કર્યું. આમ તેમણે સ્થિર મન અને સંતુલિત ભાવ સાથે તીર છોડ્યું. સંયોગે નહીં, પરંતુ સંયમથી—તીર સીધું નિશાન પર વાગ્યું.
ભીડમાં ઓહો ઓહો થવા લાગ્યું. આનંદ ચવાઈ ગયો. શેખરાનંદ દાવના નાણાં ઉઠાવી બોલ્યા,
“આ તીર મારું છે. પહેલું ભયનું હતું, બીજું અહંકારનું, અને ત્રીજું સમજદારીનું.”
ત્યાં કોઈએ પૂછ્યું, “ગુરુજી, જો કોઈ તીર ચૂકી જાય તો દોષ કોનો?”
શેખરાનંદ ગંભીર સ્વરે બોલ્યા, “ આ સાધારણ લોકોની મનોદશા છે, જ્યાં સુધી આંખ સામે કોઈ દેખાય, ત્યાં સુધી દોષ તેના માથે નાખશે. અને જ્યારે કોઈ દેખાય નહીં, ત્યારે ઈશ્વરને જવાબદાર બનાવશે.” વધુમાં આગળ કહ્યું.“ જ્યાં સુધી માનસ પોતાની હારનો દોષ બીજા પર નાખતો રહેશે ત્યાં સુધી તેનું તીર નિશાન પર લાગવું અશક્ય છે. કારણ માણસ ને પોતાની ભૂલ સ્વીકારે તો ત્રુટી કયાં રહી તે ખબર પડે અને ખબર પડતે તે સુધારવાનો અવકાશ મળે.”
માનસ પોતાની ભૂલ નો સ્વીકાર કરે તો ગણી મુશ્કેલીઓનું નિવારણ થઇ જાય.
તીર હાથમાં છે, નિશાન સામે છે,
પણ નજર ભટકે તો માર્ગ ખોવાય છે.
પરિણામની ચિંતા જે કરે વારંવાર,
એ જીવનનું લક્ષ્ય ભૂલી જાય છે દરબાર.
શેખરાનંદે અંતમાં કહ્યું,
“મનુષ્ય પોતાના દુઃખો ઈશ્વર પર ઢાંકી દે છે. એટલા દુઃખો ચઢાવ્યા છે કે ઈશ્વર દેખાતો નથી. કદાચ તે અદૃશ્ય નથી, પણ આપણા દોષારોપણના ભાર નીચે દબાઈ ગયો છે.”
“જ્યાં જવાબદારી નથી, ત્યાં જ ફરિયાદો વધારે હોય છે.”
આ ઘટના પછી શિષ્યો માટે જીવનની દિશા બદલાઈ ગઈ. તેઓ સમજી ગયા કે જીવનનું તીર જો સાચા સ્થાને વાગવું હોય, તો હાથ કરતાં પહેલાં મનને સ્થિર કરવું પડે.