Bhool chhe ke Nahi ? - 101 in Gujarati Women Focused by Mir books and stories PDF | ભૂલ છે કે નહીં ? - ભાગ 101

The Author
Featured Books
Categories
Share

ભૂલ છે કે નહીં ? - ભાગ 101

હું મમ્મી જે બોલે તે સાંભળી લેતી. એમને શું જવાબ આપું ? નોકરી તો મારાથી છોડાય એવું હતું નહીં ને દિકરા દિકરીને સાથે લઈ જવાય એવું હતું નહીં. ઘણીવાર એમ થતું કે એમને કહી દઉં કે બેનને જો એમ લાગતું હોય કે અહીં આરામ નથી મળતો તો એમ નથી થતું કે ઘરે પાછી ચાલી જાઉં અહીં શું કામ છે ? આરામ નથી મળતો કરી કરીને લગભગ આખો મહિનો ઘરે રહ્યા હતા. ને મને બે દિવસમાં બોલાવી લીધી હતી. પણ કહું તો કોને કહું ? તમને તો મારું કંઈ સાંભળવું હોતું જ ન હતું. બસ નોકરી કરી ને આવો, ફળિયામાં બેસવા જાવ ને ઘરે આવીને ખાઈને સૂઈ જાવ. મને ઘણી વખત અકળામણ થતી કે મારે તમને ઘણું બધું કહેવું છે પણ ક્યારે કહું ? આમ કરતાં કરતાં વેકેશન પૂરું થઈ ગયું. ભાણી આ વર્ષે પણ આપણે ત્યાં જ રહીને ભણવાની હતી પણ બેન જતા જતા એમ કહી ગયા કે ભાણીને કોઈ સારું ટ્યુશન મળે તો એમાં મૂકી દેજો જેથી એણે મારી શાળા પર બેસવું ન પડે. એમની વાત એક રીતે યોગ્ય હતી પણ એ માટે ભાણીના સમય પ્રમાણે ટયુશન શોધવું પડે અને એને લેવા મૂકવાની વ્યવસ્થા કરવી પડે. આ વર્ષે તો દિકરીને પણ શાળાએે મૂકી હતી. એને મૂકીને હું મારી શાળાએ તો નીકળી જાઉં પણ પછી એ છૂટે ત્યારે એના લેવાની પણ વ્યવસ્થા કરવાની હતી. આ જ અરસામાં તમારા કાકા અમેરિકાથી આવ્યા. એમણે તમને એમ કહ્યું કે જમીનમાંથી  મારું નામ કઢાવવાનું છે. બધી જમીન તારા નામ પર કરવાની છે. હું અહીં છું એટલી વારમાં તું જે પણ કંઈ કરવાનું હોય એ કરી દે. મેં તને આગળ પણ બે ત્રણ કાગળ લખેલા કે તું કરી દે પણ તેં કર્યું નહીં હવે કરી દે. તમે ના પાડી અને કહ્યું કે આ તો બાપાની એટલે કે તમારા દાદાની જમીન છે એમાં તો એમનો ભાગ હોય જ. પણ એમણે ના પાડી કે બાપાએ મને એ ભાગનો શહેરમાં મોટો પ્લોટ લઈ આપ્યો છે ને જમીન તો તારી જ છે પણ તારા પપ્પા નશો કરતા હતા અને એમાં વેચી ન શકે એટલા માટે માટે મેં અત્યાર સુધી કરાવ્યું ન હતું. હવે તું કરી દે. અને એમણે તો ઘર પણ તમારા નામ પર કરાવવા કહ્યું પણ તમારા બા જે શહેરમાં રહેતા હતા તેમણે એમ કહ્યું કે ના ઘર તો મારા મર્યા પછી જ તમારા નામ પર થશે. એટલે કાકાએ કહ્યું કે કંઈ વાંધો નહીં તું જમીનનું કામ પતાવી દે. અને એમણે જમીન તમારા નામ પર કરી દીધી અને ફરી અમેરિકા ચાલ્યા ગયા. આ તરફ શાળા શરૂ થઈ ગઈ. હું સવારે ભાણીને એની શાળાએ મૂકવા જતી અને આવીને મમ્મી કહે તે કામ કરી દિકરા દિકરીને લઈને શાળાએ નીકળી જતી. દિકરાને એની શાળાએ મૂકીને હું દિકરીને લઈને મારી શાળાએ જતી. ત્યાં એક પીરીયડ ભણાવીને હું દિકરીને એની શાળાએ મૂકવા જતી અને ત્યાંથી ભાણીને લઈને ફરી મારી શાળાએ આવી જતી. હું ભાણી માટે સારા ટયુશનની શોધમાં હતી. અને મારી શાળા નજીક જ એક અનુભવી શિક્ષકનો ટયુશન કલાસ ખૂલ્યો એમાં મેં ભાણીનું એડમીશન કરાવી દીધું. એટલે શાળાએથી આવીને એ મારી શાળા એ બેસીને જમી લેતી અને પછી ત્યાંથી ટયુશન ચાલી જતી. ત્યાં બે કલાક જેટલો સમય હતો. ત્યાંથી એ ફરી મારી શાળાએ આવી જતી. એને ટ્યુશન લાવવા લઈ જવાનું કામ સંચાલક શ્રીનો દિકરો કરતો. ત્યારે મને એમ થતું કે આ લોકો તો જાણે ભગવાન બનીને મારા દરેક કામ સહેલાં કરી આપે છે.