એકત્વ
"स एकाकी न रमते, स द्वितीयमैच्छत्।" બૃહદારણ્યકોપનિષદ્ ૧.૪.૩
એકત્વમાં પણ પૂર્ણતા નથી – સંબંધ, સંયોગ, દ્વૈતની લીલા વિના આનંદ અધૂરો રહે છે. તેથી જ માનવી પણ એકલો રહીને સંતુષ્ટ નથી થતો; તેને સાથી, સ્નેહ, સંબંધની જરૂર પડે છે. આ જ વાત આ વાર્તા સાથે જોડાય છે – “તું પણ કંઈક એવું કર ને કે મને ય લાગે કે હું એકલો નથી.”
એકલો નહીં રમે કોઈ, એકલો નહીં રહે,
દ્વિતીયની ઝંખનાએ જ તો જીવન ગુંજે છે સદા.
એક વારની વાત છે, લંડનની તે ભીની, ધુમ્મસવાળી ગલીઓમાં, જ્યાં ગરીબીની છાયા દિવસ-રાત વિસ્તરેલી રહેતી, ત્યાં રહેતો એક નાનકડો છોકરો વરુણ. ઉંમર માંડ બાર-તેર વર્ષની. બાપુજી તો વર્ષો પહેલાં જ આ દુનિયામાંથી વિદાય થઈ ગયા હતા . તે પણ દારુ ની લત માં . તેઓ એક રાત્રે દારુના નશામાં રસ્તા પર પડીને, ઠંડીમાં ઠરી ને મૃત્યુ પામ્યા હતા.
માનું નામ લીલા સ્ત્જ પર ગાવાનું ગાતી હતી. કારમી ગરીબી અને સંઘર્ષ આ વાતોએ મનને અસ્થિર બનાવી દીધું હતું. તેની માનસિક બીમારી ઘરને અસ્વસ્થ કરી દેતું હતું. એક વખત તો તેને પાગલખાનામાં લઈ જવું પડ્યું.
વરુણનો મોટો ભાઈ વિક્રમ પંદર વર્ષનો હતો ત્યારથીજ નૌકાદળમાં ભરતી થઈ ગયો. ઘરની જિમ્મેદારી જે તેના પર આવી રહી હતી. જહાજ પર સફર કરવાની નોકરી. દરિયાની લહેરો જ્યાં લઈ જાય ત્યાં. દિવસો સુધી બહાર રહેવાનું.
આ બાજુ વરુણ એકલો. એકદમ એકલો. ઘર તો નામનું જ હતું – એક નાનકડી ઓરડી, જેમાં ભાડું દર મહીને ચૂકવવાનું. ક્યારેક ચુકવવા પૈસા ના હોય તો મોટાભાઈ ની બાહેધરી આપતા. મકાનમાલિકે વિક્રમના વચન પર વિશ્વાસ કર્યો હતો. વરુણ કહેતો “જ્યારે વિક્રમ આવશે ત્યારે ચૂકવી દેશે.”
વરુણ દિવસભર ગલીઓમાં ભટકતો. ક્યાંકથી રોટલીનો ટુકડો મળે તો ખાઈ લે. ક્યારેક ભૂખે મરતો, પણ ફરી ઊભો થઈ જતો. રાત્રે જ્યારે થાકીને ઓરડીમાં પાછો ફરે, ત્યારે એક જ વસ્તુ તેની રાહ જોતી વિક્રમનો પત્ર.
વિક્રમ જહાજ પર જ્યાં પણ લાંગરે, ત્યાંથી પત્ર લખતો. ક્યારેક પોર્ટસમાઉથથી, ક્યારેક ભારતના કોઈ બંદરથી, ક્યારેક આફ્રિકાના કિનારેથી. પત્રમાં લખતો – “ભાઈ, આજે અહીં સૂરજ કેવો લાલ થઈને ઊગ્યો... તારે યાદ છે ને આપણે બાળપણમાં રમતા તે રમત?” નાના-નાના વર્ણનો. ક્યારેક દરિયાની વાતો, ક્યારેક મજાક. પણ હંમેશાં એક જ વાત – “તું એકલો નથી, વરુણ. હું છું ને.”
એક દિવસ એક પત્ર આવ્યો. વિક્રમના હાથના અક્ષરોમાં થોડી કંપારી હતી. પત્ર વાંચતાં વરુણની આંખો ભરાઈ આવી.
“વ્હાલા નાના ભાઈ,
આપણા પિતા આ દુનિયામાં નથી રહ્યા. મા હવે માનસિક સારવાર લઈ રહી છે. હું અહીં દરિયાની વચ્ચે છું, ઘણી દૂર. પણ આ પત્રો લખું છું એટલા માટે કે તને લાગે કે તું એકલો નથી. કોઈ છે તારું – હું છું.
પણ એક વાત કહું? તું પણ કંઈક એવું કર ને કે મને પણ લાગે કે હું એકલો નથી...”
વરુણ પત્ર વાંચીને રડી પડ્યો. એ પંદર વર્ષના વિક્રમની વેદના સમજાઈ. દરિયામાં તરતું જહાજ, રાત્રે તારાઓની નીચે એકલો ઊભો રહેતો વિક્રમ, જેને પણ કોઈની જરૂર હતી. જેને પણ એક અવાજ જોઈએ હતો કે “હું છું.”
एकाकी न चिरं तिष्ठेत्, न चिरं चिन्तयेत् सदा।
स्नेहेन संनादति हृदयं, यत्र बन्धुः सन्निधौ सदा॥
એકલો લાંબા સમય સુધી ન રહેવો જોઈએ, ન લાંબા સમય સુધી ચિંતા કરવી જોઈએ.
જ્યાં સ્નેહથી હૃદય ગુંજે છે, ત્યાં બંધુ હંમેશાં નજીકમાં જ છે.
વરુણને સમજાયું કે એકલાઈ એક તરફથી નથી આવતી. તે બે હૃદય વચ્ચેની અદૃશ્ય દોર છે, જેને બંનેએ જાળવવાની હોય છે. તેણે નક્કી કર્યું – હવે પોતે પણ પત્ર લખશે. ભલે લખવું ન આવડે તો પણ ચિત્રો દોરશે, શબ્દોના ટુકડા લખશે. કારણ કે પ્રેમ એટલે જ કહેવાય છે
“જેને પ્રેમ કરો છો એની સાથે તમે છો, તો જતાવો કે હું છું...!”
અને ત્યારબાદ શરૂ થઈ એક અજીબ પત્રવ્યવહાર. વરુણ લખતો – “ભાઈ, આજે ગલીમાં એક કૂતરો મને મળ્યો. તેની સાથે રમતા તારી યાદ આવી.” વિક્રમ જવાબ આપતો – “ભાઈ, આજે દરિયામાં તારા જેવો નાનો છોકરો જોયો. હસતો હતો એટલે તારી યાદ આવી.”
આ પત્રોમાંથી જન્મ્યું એક અદ્ભુત બંધન. એકલાઈની વેદના ઓછી થઈ. દરેક પત્ર એક વચન બન્યો – “હું છું. તારી સાથે છુ”
અને જ્યારે વર્ષો પછી વિક્રમ ઘરે પાછો ફર્યો, ત્યારે વરુણ તેને ભેટી પડ્યો. બંને રડ્યા. પણ એ આંસુમાં દુઃખ નહોતું, ખુશી હતી. કારણ કે તેઓ જાણતા હતા – એકલાઈ ક્યારેય પૂરેપૂરી આવી નથી, જ્યાં સુધી પ્રેમનો એક તાર પણ બાકી હોય.
દરિયાની લહેરોમાં ખોવાયેલો તું,
ગલીના ધુમ્મસમાં ભટકેલો હું.
પણ પત્રની એક લીટીમાં જોડાયું હૃદય,
એકલાઈ ભાંગી, બંને છીએ અમે સાથે સદા.
દરેક માનવીની જે એકલાઈની રાત્રિઓમાં પણ પ્રેમની એક કિરણ શોધે છે. કારણ કે સાચો સ્નેહ એટલે જ – દૂર હોવા છતાં નજીક રહેવું. એક પત્ર, એક શબ્દ, એક વચન – “હું છું.”